૧૧૯. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૯/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૯/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉગ્રશ્ન ભીમશ્ચ ધ્વાન્તશ્ચ ધુનિશ્ચ । સાસહ્યાંશ્ચાભિયુગ્વા ચ વિક્ષિપઃ સ્વાહા ।। (યજુર્વેદ ૩૯/૭)
ભાવાર્થ: ધર્માત્મા આ સંસારમાં શાંત રહે છે. તેઓ જિતેન્દ્રિય તથા ચંચળતારહિત થઈને સુખને પામે છે. પરંતુ પાપાચારી પુરુષો કઠોર, ભય પમાડનારા, ભયભીત, મૂર્ખ અને ઇન્દ્રિયોના દાસ, દુઃખી તથા ક્ષુબ્ધ થઈને અનેક યોનિઓમાં ભ્રમણ કરતા રહે છે.
સંદેશ : આપણે બધા જાણીએ છીએ કે સત્યનું આચરણ કરતાં કરતાં શાંત અને પવિત્ર જીવન જીવવાથી જ પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે છે. અંતરાત્માનો આ ભાવભર્યો ઉપદેશ આપણને સંભળાય છે, આપણે સમજીએ પણ છીએ, પરંતુ બાહ્ય જગતનાં આકર્ષણોમાં અને ચારેબાજુએ ફેલાયેલા માયામોહના કોલાહલમાં એ અવાજ ડૂબી જાય છે. જે માણસો આ પોકારને સાંભળવાનો સતત પ્રયત્ન કરતા રહે છે તેમને જ આંતરિક સત્યની ક્ષણિક ઝલક જોવા મળે છે. જ્યારે થોડીક ક્ષણો માટે પણ બાહ્યજગતનો ઘોંઘાટ શાંત થઈ જાય છે ત્યારે સત્યની ઝાંખી થાય છે. બાહ્યજગતનાં આકર્ષણોને આપણે આપણી ઉપર સવાર ન થવા દેવાં જોઈએ. આવી ક્ષણોમાં મનુષ્ય અનુભવ કરે છે કે તેનો આત્મા તેની રાહ જોઈ રહ્યો છે અને તે કુવિચારો, કુસંસ્કારો અને વાસનાઓના જંગલમાં ભટકતો ભટકતો ખોટા સિક્કાઓને ભેગા કરતો રહે છે, પરંતુ વિટંબણા એ છે કે બાહ્યજગતના આ બનાવટી સિક્કા તેનામાં એટલી બધી આસક્તિ ઉત્પન્ન કરી દે છે કે તે પોતાની અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન જ કરતો નથી.
જે માણસો ગંભીર હોય છે, વિવેકવાન હોય છે, યોગ્ય-અયોગ્યનો તફાવત સમજીને નીરક્ષીરનો વિવેક રાખે છે તેઓ એવું વિચારે છે કે અંધકારમાં ઘણું જ ભટકી લીધું, હવે આપણે ગંભીર થઈ જવું જોઈએ અને આત્મિક ઉન્નતિ કરીને આધ્યાત્મિક પૂંજીને પ્રાપ્ત કરવી જોઈએ. ફક્ત આ જ સિદ્ધિથી મનુષ્ય અમરત્વ પ્રાપ્ત કરે છે અને તેને સ્થાયી શાંતિ તથા સુખ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે મનુષ્ય ગંભીર થાય છે ત્યારે બાહ્યજગતનાં આકર્ષણોથી વિમુખ થવાના પ્રયત્નો કરતાં કરતાં તે આત્મવિશ્લેષણ તથા આત્મનિરીક્ષણ કરવા લાગે છે. તે સમજી જાય છે કે વિવેકની મદદથી જ આપણને આપણા વાસ્તવિક સ્વરૂપને ઓળખવામાં સફળતા મળે છે. વિવેક દ્વારા જ આપણને આ પરમસત્યનું જ્ઞાન થાય છે કે “હું જ બ્રહ્મ છું, અહં બ્રહ્માસ્મિ, ફક્ત આત્મા જ ચિરસ્થાયી છે.”
આપણે જોઈએ છીએ કે સંસારમાં મોટા ભાગના લોકો ઉગ્ર સ્વભાવના હોય છે અને બીજાઓને ડરાવતા અને ધમકાવતા હોય છે. તેઓ પોતે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા રહે છે. ચંચળ, અધીર અને ઇન્દ્રિયોના દાસ બનીને પોતાના કર્મફળને સહન કરતાં કરતાં અનેક કષ્ટો ભોગવતા રહે છે, પરંતુ જેમની વિવેકબુદ્ધિ જાગૃત થઈ જાય છે તેમનું ચિંતન પવિત્ર થઈ જાય છે અને આચરણ પણ સંયમિત તથા મર્યાદિત રહે છે. તેઓ ધર્મમાં રસ લઈ શાંત સ્વભાવથી પરમાર્થનાં કાર્યોમાં ડૂબેલા રહે છે. તેમને સત્ય-અસત્યનું જ્ઞાન રહે છે. તેઓ ધીર, ગંભીર, જિતેન્દ્રિય તથા સદાચારી રહે છે અને સ્વર્ગીય સુખનો આનંદ ભોગવે છે.
આત્મનિરીક્ષણ દ્વારા જ મનમાં ઘૂસી ગયેલી દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ થઈ શકે છે. આપણે તેમને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા માટે પૂરો પ્રયાસ કરતા રહેવું જોઈએ.
પ્રતિભાવો