૫. ધર્મતંત્રની વિવેકસભર પ્રતિષ્ઠા
July 9, 2022 Leave a comment
ધર્મતંત્રની વિવેકસભર પ્રતિષ્ઠા
ભારતને ધર્મપ્રિય દેશ ગણાવતાં ધર્મની ઉપેક્ષાને પૂજ્યવરે નકારી છે, તો બીજી બાજુ તેના વિવેકપૂર્ણ ઉપયોગની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો છે. શક્તિપીઠોને ધર્મતંત્રનાં આવાં વિશિષ્ટ એકમો બનાવવાનો આદેશ આપ્યો. અખંડ જ્યોતિ જુલાઈ ૧૯૭૯માં ‘અપનોં સે અપની બાત’ માં તેમણે લખ્યું :
“રાજતંત્ર કરતાં ધર્મતંત્રની જરૂર સહેજે ઓછી નથી. ભૌતિક પ્રગતિ જરૂરી તો છે, પણ આત્માની ઉત્કૃષ્ટતા વિના આ સંપત્તિ પણ વિપત્તિ અને વિનાશકારી ઝઘડા ઊભા કરશે. રાજતંત્રનું કામ સંપત્તિ વધારવાનું અને વ્યવસ્થા કરવાનું છે, તો ધર્મનું કામ ઉત્કૃષ્ટતા વધારવાનું અને જવાબદારી સંભાળવાનું છે. બંને કાર્યક્ષેત્રો અલગ તો છે, પણ બંને સાથે મળીને માનવીય ગરિમાને દીપાવી શકે છે. શાસનની જેમ ધર્મે પણ સમર્થ રહેવું જોઈએ. બંને પોતપોતાની મર્યાદામાં રહી એકબીજાના પૂરક બની શકે છે. યુગનિર્માણથી જનમાનસનું શુદ્ધિકરણ એ ધર્મતંત્રનો મુખ્ય કાર્યક્રમ છે. તે સમૃદ્ધિ વધારવાની જેમ મહત્ત્વનો પણ છે. સુસંગઠિત ધર્મસંસ્થાનોના રૂપમાં ગાયત્રી શક્તિપીઠોનું નિર્માણ થઈ રહ્યું છે. જરૂર જણાતાં તેમની સંખ્યામાં જે વધારો થશે તે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકેત હશે.
દ્વિધાનું એક કારણ એ છે કે વર્તમાન મંદિરોની દુર્દશા અને ખેંચતાણ જોઈને વિચારશીલો મૂંઝવણમાં પડી જાય કે ગાયત્રી શક્તિપીઠો પણ આવાં મંદિરો જ નહિ બની જાય ને ? આ પ્રશ્ન વાજબી છે. દેશમાં હજારો મોટાં અને લાખો નાનાં મંદિરો બનેલાં છે. એમની પ્રગતિ અને કાર્યો જોતાં નિરાશા જ મળે છે. મૂર્તિપૂજામાં આટલા બધા લોકોનો, પુષ્કળ ધનનો વ્યય થવો અને બદલામાં ઉત્કૃષ્ટતા વધારવા માટે કશું પાછું ન મળવું, રચનાત્મક કાર્યોમાં એ સમર્થ સાધનોનો ઉપયોગ ન થવો તે બધું નિરાશાજનક છે. સ્થાપિત હિતો દ્વારા મંદિરોની આડમાં કેટલાય ગોરખધંધા ચાલે છે, જેનાથી અશ્રદ્ધા વધે છે અને ઝઘડા વધતા જ જાય છે. વિચારશીલ લોકો મંદિરોની અવગણના કરે છે તે બધા જાણે છે. આ સ્થિતિમાં ગાયત્રી શક્તિપીઠોને આવાં મંદિરો ગણી એમની અવગણના પણ થઈ શકે છે.
તથ્યને નજીકથી સમજનારના મનમાં શંકા રહેશે નહિ. દૂરદર્શિતા અને ઉપયોગિતાને પૂરી રીતે ધ્યાનમાં રાખીને આ સમગ્ર યોજનાનું સૂત્રસંચાલન થઈ રહ્યું છે. ધર્મસંસ્થાનો કઈ રીતે મહાન ઉદ્દેશ્યો પૂરા કરી શકે છે તેના પ્રયોગો અને કસોટીની તક પૂરી પાડવા આ મંદિરોની રચના કરવામાં આવી રહી છે. આનાથી ચિંતનને યોગ્ય દિશા મળશે, દેવસંસ્થાનોનાં સાધનોનો યોગ્ય દિશામાં ઉપયોગ થશે. ધર્મસંસ્થાનોએ પોતાની પ્રવૃત્તિઓ અને કાર્યો પર નવેસરથી વિચાર કરવો પડશે. શક્તિપીઠો આ મંદિરો માટે પડકારરૂપ સાબિત થશે એવો વિશ્વાસ રાખવામાં આવે છે.
જો આવું થાય તો એક જબરદસ્ત ક્રાંતિ થશે. ધર્મના નામે ખર્ચાનાર ધનશક્તિ, શ્રમશક્તિ, બુદ્ધિશક્તિ અને ભાવના શક્તિને જો સત્પ્રવૃત્તિઓ વધારવા તરફ વાળી શકાય તો પૂરથી જમીન અને પાકનો નાશ કરનારી નદીઓને નાથી તેમના પર બંધ બાંધી નહેરો બનાવી, વીજળીઘર ચાલુ કરી દેવા જેવો ચમત્કાર ગણાશે. ધર્મતંત્રની અસ્તવ્યસ્થાને થાળે પાડવાનો આ પ્રયત્ન છે, જે દ્વારા ધર્મસંસ્થાન બનાવવાની મૂળ ભાવનાનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈ શકાય છે.
આ બુદ્ધિવાદી યુગમાં જો ધર્મતંત્રએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને સન્માન મેળવવું હોય તો પોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય આપવો પડશે. નહિ તો સમયની દોડમાં પાછળ રહી જનારાં પ્રાણીઓ જે રીતે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠાં તે રીતે ધર્મ પ્રત્યેની વધતી જતી ઉપેક્ષા એને એક કાળે બિનજરૂરી બનાવી દેશે. શક્તિપીઠોનું સર્જન ધર્મતંત્રના વ્યવહારુ પાસાને રજૂ કરનારાં પવિત્ર સંસ્થાનોના રૂપમાં થઈ રહ્યું છે. તે દેખાવમાં તો અન્ય મંદિરો જેવાં જ હશે. મૂર્તિઓની પૂજા અને થાળ આરતી જેવા કાર્યક્રમો જોઈને કોઈને એમ જ લાગશે કે મંદિરોની શ્રેણીમાં એક નવા સંપ્રદાયનો જન્મ થયો છે, પરંતુ સાચી પરિસ્થિતિની સમજ પડતાં સૌ અનુભવશે કે ભલે આકૃતિમાં શક્તિપીઠો મંદિરો જેવી હોય, પણ ક્રિયાકલાપોમાં એના કરતાં સાવ જુદી છે. પોતાની ઉત્કૃષ્ટતા અને ઉપયોગિતા સાબિત કરી શક્તિપીઠો ધર્મતંત્ર પ્રત્યે વધતી જતી અશ્રદ્ધા રોકવામાં પૂરી રીતે સમર્થ બનશે. આ સત્ય થોડાક દિવસોમાં જ સામે આવશે.
“નિંદાથી બચી પ્રતિષ્ઠા મેળવો :
પૂજ્ય ગુરુદેવે મહાન સંભાવનાઓની સાથે સાથે ગુમરાહ થવાથી તથા વિસંગતિથી થનારા નુકસાન પ્રત્યે પણ પરિજનોને સાવધાન કર્યા છે. અખંડ જ્યોતિ એપ્રિલ ૧૯૭૯માં તેમણે લખ્યું છે :
“કેટલાક લોકો શક્તિપીઠ બનાવવાની અત્યંત ઉતાવળમાં એ ભૂલી જાય છે કે મકાન બનાવવું તો સરળ છે, પણ પછી પૂજારી, સામગ્રી અને અન્ય નિભાવ ખર્ચનું શું ? આ ખૂબ જ મહત્ત્વનું પાસું છે. તેના પ્રત્યે સામાન્ય રીતે બેદરકારી રાખવામાં આવે છે. પરિણામ સ્વરૂપે આજે મોટાભાગનાં મંદિરોની દુર્દશા થઈ રહી છે. નષ્ટ થઈ રહેલાં અને ખરાબ હાલતવાળાં આ મંદિરો જોઈને તે બનાવનારાઓની અલ્પ દૃષ્ટિ અને એકલી ભાવના પર દયા આવે છે. આમાં પૈસા પણ ખર્ચાયા અને પાછળથી અપયશ પણ મળ્યો. જો પૂજાથી દેવતા પ્રસન્ન થતા હોય તો આ બધું ન થતાં તેઓ રોષે પણ ભરાતા જ હશે ને ! બનવા જોગ છે સ્થાપિત દેવતાઓનો શાપ આવાં યોજના વિનાનાં મંદિરો બનાવનારાઓને મળતો હશે.
ગાયત્રી તીર્થોની યોજના અત્યંત ઉચ્ચ સ્તરની છે. એને શાંતિકુંજ જ કાર્યાન્વિત કરી રહ્યું છે. તેનું મૂળ સંચાલન સક્ષમ ખભા દ્વારા થઈ રહ્યું છે. ઉતાવળિયા લોકોની મનોભૂમિ વાહવાહ મેળવવા અને પોતાનો અહમ્ પોષવામાં જ ઓતપ્રોત રહે છે. તેઓ મંદિર બાંધવા તથા મુખ્ય પ્રબંધક બનવા માટે એટલા વ્યાકુળ હોય છે કે જેના દ્વારા પોતાના માટે આર્થિક લાભોની અને પોતાની આત્મશ્રદ્ધા સંતોષવાની યોજના બનાવી શકે. તેમને એ પણ ખ્યાલ નથી આવતો કે આવા સસ્તા પ્રસંગો મળે કે ન મળે, પરંતુ મંદિર બંધાતાં જ નિરંતર ખર્ચનો બોજ આવી પડે છે. જો આની સગવડ ન થઈ શકે તો લોકનિંદાનો સામનો કરવો પડે છે. ગાયત્રી શક્તિપીઠો માટે તો આ વાત વધારે સ્પષ્ટ છે. મૂર્તિઓ આગળ ચઢાવેલ ભેટ જ મંદિરોની મુખ્ય આવક હોય છે. શક્તિપીઠો માટે તો તે જડમૂળથી બંધ કરી દીધું છે. આ સ્થિતિમાં નિર્માણમાં વિપુલ ધન વપરાવાની સાથે જ શક્તિપીઠની પ્રાણપ્રતિષ્ઠાના દિવસથી જ મોટો દૈનિક ખર્ચ શક્તિપીઠો પાછળ થતો રહેશે. ભાવાવેશથી માત્ર થોડાક જ દિવસ આનો ઉકેલ લાવી શકાય છે. મંદિર બાંધનારની ભાવિ પેઢીઓ પણ આ વ્યવસ્થા કરતી રહે એ શક્ય નથી. આવા સમયે માત્ર બાંધનાર જ નહિ, પણ બંધાવનાર શક્તિઓથી માંડીને પ્રજ્ઞાવતાર પણ નિંદાપાત્ર બની જશે.
ધર્મનું વિશાળકાય તંત્ર માત્ર લોકોમાં સદાશયતા, શાલીનતા તથા સદ્ભાવના જેવી સત્પ્રવૃત્તિઓનાં બીજ વાવવાં માટે બનાવવામાં આવ્યું છે. નીતિ અને સદાચરણનું પાલન કર્યા વિના વ્યક્તિનાં સુખશાંતિ અને પ્રગતિનાં દ્વાર ખૂલી શકે નહિ. સમાજની પરંપરાઓમાં પણ જો ઉત્કૃષ્ટતા ન આવે તો બુદ્ધિમાન અને ધનવાન હોવા છતાં વ્યક્તિ પોતાના સામર્થ્યને ભોગવિલાસમાં ખર્ચતી રહે અને તેને પોષવા બીજાનાં ગળાં કાપતી રહે તો ઉજ્જવળ ભવિષ્યનાં જોયેલાં સ્વપ્નો બેકાર સાબિત થશે. વૈભવ અને બળનું મહત્ત્વ તો છે જ, પણ જ્યાં સુધી તેમાં આદર્શ ન ભળે ત્યાં સુધી એમની સાર્થકતા ન ગણાય. આ સમસ્ત ભૂમિકા પ્રાચીનકાળમાં પણ ધર્મતંત્ર જ નિભાવતું હતું. આ કાર્યોને સુનિયોજિત રાખવા દેવાલયોનું એક વિશેષ વ્યવસ્થિત તંત્ર ગોઠવવામાં આવ્યું છે. અત્યારે પણ લોકોમાં દેવાલયો પ્રત્યેની શ્રદ્ધા અતૂટ રહી છે તે માત્ર રૂઢિવાદી અંધશ્રદ્ધાને લીધે નહિ, પણ ધર્મતંત્રની સર્જનક્ષમતાને આભારી છે એમ માનવું જોઈએ.
સાધુ અને બ્રાહ્મણો પ્રત્યે આજે પણ જે આદરભાવ જોવા મળે છે તેની પાછળ તેમનો ગૌરવવંતો ઇતિહાસ જ મુખ્ય કારણ છે. એ મૂળ તત્ત્વ જેમ જેમ ઘટશે તેમ તેમ લોકોમાં ઉપેક્ષા, અવગણના તથા તિરસ્કાર વધતાં જશે. આજે દેવાલયોની ભવ્યતા જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જ્યાં આની ખોટ છે ત્યાં દર્શકોનાં દર્શન પણ દુર્લભ છે. આ તથ્ય આપણે હજા૨વા૨ સમજવું જોઈએ અને બરાબર યાદ રાખવું જોઈએ કે જો પ્રજ્ઞાસંસ્થાન આપણા દાવાને અનુરૂપ જનજાગૃતિનું કેન્દ્ર નહિ બની શકે, મંદિરોની જેમ માત્ર પૂજાપાઠ જ કરતાં રહેશે, તો વર્તમાન પેઢી એને પણ સહન નહિ કરે. ધર્મના આત્માને પાછો લાવવાનાં વચનો આપી આપણે ફંડફાળો ઉઘરાવી લોકોનો સહયોગ મેળવ્યો હતો, એ પૂરાં ન કરવાથી વચનભંગના દોષી અને લોકનિંદાને પાત્ર જ બનીશું.
આવી દુઃખદ પરિસ્થિતિ ન આવે એટલે શરૂઆતથી જ સાવધાની રાખવાની જરૂર છે. પ્રત્યેક પ્રજ્ઞાસંસ્થાને પોતાના ઘોષિત કાર્યક્રમોના અમલીકરણ માટે જનસંપર્કની યોજના બનાવવી જ જોઈએ. કહેવાની જરૂર નથી કે નિર્ધારિત સપ્તસૂત્રી કાર્યક્રમને તત્પરતા અને જાગૃતિ સાથે અમલમાં મૂકવામાં જરાય કચાશ રાખવી જોઈએ નહિ જે પ્રજ્ઞાસંસ્થાનો પોતાનું કતવ્ય સમજતાં હશે, પોતાની જવાબદારીઓ સમજ્યાં હશે, ઘોષણા, આશ્વાસન અને વચનોને ધ્યાનમાં રાખ્યાં હશે તેઓ ઉપરોક્ત સક્રિયતા વધારવામાં એવો જ મનોયોગ, એવો જ પુરુષાર્થ બતાવશે કે જેવો એ સંસ્થાનોના નિર્માણ વખતે કર્યો હતો. જેમનો જુસ્સો માત્ર આવેશ જેવો હોય, બીજી જ ક્ષણે પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતો હોય તેમનો ઉમંગ તો સુરસુરિયાની જેમ ઠંડો પડી ગયો હશે. જ્યાં દીર્ઘદૃષ્ટિ અને નિષ્ઠા કામ કરી રહી છે ત્યાં જનજાગરણ માટે વ્યવસ્થિત પ્રયત્નો સતત ચાલવા જોઈએ.
જે પ્રજ્ઞાપીઠોમાં આ પ્રકારની જેટલી સજીવતા જોવા મળશે તેટલા પ્રમાણમાં તેમને જનસમર્થન અને સહયોગ મળતાં રહેશે. જેઓ માત્ર પૂજાઆરતીને જ બધું માની તેટલાથી જ પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ માનતા હોય તેમણે બીજાં મંદિરોની સરખામણીમાં વધારે લોકનિંદા સાંભળવી પડશે. વચન આપવા કરતાં આપીને ફરી જવાને વધારે નિંદનીય માનવામાં આવે છે. બીજાં મંદિરોમાં કંઈ થતું નથી, પણ તેઓ ચૂપ તો રહે છે જ ને. આદર્શવાદિતા કે પ્રગતિશીલતાનો કોઈ દાવો તેઓ કરતાં નથી. આવા સંજોગોમાં તેઓ વચનો ન આપવાના દોષી તો છે જ, પણ સાથોસાથ લોકોની શ્રદ્ધા સાથે રમત કરવાના દોષી પણ છે. આમ છતાં તેઓ લોકોના આક્રોશથી એટલા માટે બચી શકે છે કે નિષ્ક્રિય પ્રજ્ઞાસંસ્થાનોની જેમ વચન આપી તથા વાયદા કરી તેમાંથી ફરી જતાં નથી.”
પ્રતિભાવો