૧૩૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 9, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ન પંચભિર્દશભિર્વષ્ટયારાભં નાસુન્વતા સચતે પુષ્યતા ચન । જિનાતિ વેદમુયા હન્તિ વા ધુનિરા દેવયું ભજતિ ગોમતિ વ્રજે ॥ (ઋગ્વેદ ૫/૩૪/૫)
ભાવાર્થ : આળસુ માણસો પુરુષાર્થ ગુમાવે છે, જેથી તેમને કોઈ પણ જગ્યાએ સફળતા મળતી નથી. તેમને બધી બાજુએથી નિરાશા જ મળે છે.
સંદેશ : ઈશ્વરે મનુષ્યને બનાવ્યો છે પરિશ્રમ માટે, પુરુષાર્થ માટે, કર્મ માટે, જેના વડે ધર્મમાર્ગ પર ચાલતાં ચાલતાં તે તપ કરી શકે. આ જ માનવજીવનનું ધ્યેય છે. મનુષ્ય જે પણ કર્મ કરે છે તેના માટે શ્રમ તો જોઈએ જ અને તપ પણ જોઈએ. લગન, નિષ્ઠા તથા એકાગ્રતા જ તપ છે. એનાથી જ કર્મ સફળ થાય છે. આપણે સારાં કર્મો કરીએ કે ખરાબ,પરંતુ તે શ્રમ તપ અને પુરુષાર્થ વિના થઈ શકતાં નથી.
દિવસમાં ચોવીસ કલાક હોય છે. ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર છે. ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે. તે આપણને પ્રેરણા આપે છે કે સૂર્ય સમાન તેજસ્વી બનો. હંમેશાં પોતાના કર્મપથ પર અવિચલ રીતે આગળ વધતા રહો. ગમે તેવી પરિસ્થિતિઓ આવે, ગમે તેટલા અવરોધો ઉત્પન્ન થાય, પરંતુ આપણે અટકીએ નહિ.
પરંતુ આજે આળસ મનુષ્યની રગેરગમાં પ્રવેશતી જાય છે. તે કશું કર્યા સિવાય બેઠાં બેઠાં જ બધું મેળવવા માગે છે. તેનું ચિંતન વિકૃત થતું જાય છે. તે વિચારે છે કે ઈશ્વરની જે મરજી હશે તે જ થશે. એટલે કર્ત્તવ્યપાલનની મહેનત કરવાના બદલે ચૂપચાપ બેસી રહેવું અથવા દેવીદેવતાઓની બાધા રાખવી સારી છે. તે એ ભૂલી જાય છે કે પરિસ્થિતિઓનો જન્મદાતા એ પોતે જ છે. પોતાના ભાગ્યનું નિર્માણ પણ એ પોતે જ કરે છે. શ્રમથી બચવા માટે તેણે અનેક પ્રકારનાં બહાનાં શોધી કાઢ્યાં છે અને અસફળતાનો દોષ ભાગ્યના માથા પર નાખીને તે સંતોષ મેળવવા માગે છે. તેને ફક્ત નિરાશા જ મળે છે. પુરુષાર્થ કરવાથી વિપરીત પરિસ્થિતિઓ પણ આપણને અનુરૂપ થતી જાય છે. પરમાત્મા પણ પુરુષાર્થીને મદદ કરે છે અને અસફળતાને સફળતામાં બદલી નાખે છે.
આળસ પુરુષાર્થનો પ્રબળ શત્રુ છે. આળસ બધા દુર્ગુણોનું મૂળ છે. તે મનુષ્યની ઉન્નતિમાં ખૂબ મોટા વિઘ્નરૂપ છે અને જીવનનાં મૂલ્યોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. આળસુ માણસ કામને ટાળતો રહે છે. આવી વૃત્તિ ધીમે ધીમે તેને અસમર્થ અને અસહાય બનાવી દે છે. તેને સર્વત્ર નિરાશા જ મળે છે. નિરાશા અને હતાશાને કારણે મનુષ્યનો વિવેક પણ નષ્ટ થઈ જાય છે અને તે પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાનું સાહસ પણ ખોઈ બેસે છે. તેનામાં પહેલાં જે ક્ષમતા હતી તે પણ મંદ બનીને ખલાસ થઈ જાય છે. તે કંઈક કરવા તો ઇચ્છે છે, પરંતુ આળસવશ કશું કરી શકતો નથી. વિચારોને કાર્યરૂપ આપવાનો ઉત્સાહ જ જાગતો નથી. જેઓ આળસ છોડીને ચુસ્ત અને સ્ફૂર્તિવાળા રહે છે, સમયનો સદુપયોગ કરે છે, ખોટા બકવાસમાં પોતાનો કીમતી સમય નષ્ટ નથી કરતા તેમને જ સફળતા મળે છે. જેઓ પોતાનું કલ્યાણ ઇચ્છે છે, કીર્તિ ઇચ્છે છે તેમણે આળસના ભયંકર દોષને પોતાના જીવનમાંથી સમૂળગો ઉખાડીને ફેંકી દેવો જોઈએ અને ઉદ્યમશીલ તથા મિતભાષી બનીને શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. એનાથી જ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રતિભાવો