૧૩૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૧૩/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 10, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૧૩/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
બલવિજ્ઞાયઃ સ્થવિરઃ પ્રવીરઃ સહસ્વાન્ વાજી સહમાન ઉગ્રઃ । અભિવીરો અભિષત્વા સહોજિજ્જૈત્રમિન્દ્ર રથમા તિષ્ઠ ગોવિદન્ ॥ (અથર્વવેદ ૧૯/૧૩/૫)
ભાવાર્થ: સફળતા મેળવવા ઇચ્છતા હોઈએ તો પોતાની શક્તિઓને ઓળખો. જીવનમાં અનેક કષ્ટો અને મુસીબતો આવે છે. તેમની સામે સંઘર્ષ કરવા માટે આત્મવિશ્વાસુ બનવું જોઈએ.
સંદેશ : દરેક કાર્યમાં અવરોધ આવે છે. પ્રગતિનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સહેલાઈથી જ મોંઘેરી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. કોઈ પણ વર્ગમાં એવા મનુષ્યો નથી કે જેમનામાં ફક્ત સજ્જનતા જ હોય. ઘટનાઓ આપણી ઇચ્છા પ્રમાણે જ બને એ પણ શક્ય નથી. પ્રતિકૂળતાઓનો સામનો કરીને પોતાના માટે રસ્તો બનાવવાની પ્રક્રિયા દરેક પુરુષાર્થીએ અપનાવવી પડે છે. દુર્જનોને એકદમ સરળતાથી સજ્જન નથી બનાવી શકાતા, પરંતુ તેમને વારંવાર નરમગરમ કરવા પડે છે.તેમના દુરાચરણ અને આતંકની ઉપેક્ષા કરીને હિંમતથી તેમને એ બતાવવું પડે છે કે તેમની મરજી પ્રમાણે કશું નહિ થાય. ન્યાય અને ઔચિત્યનું પણ મહત્ત્વ છે. આતંકની વ્યર્થતા અને ઔચિત્યની સમર્થતાનો દૃઢતાપૂર્વક અનુભવ કરાવ્યા વગર દુર્જનોને રસ્તા પર લાવવાનો કોઈ માર્ગ જ નથી.
સાહસી માણસ એવું કરી શકે છે, જો તેઓ એવું ન કરે તો તેમની બધી પ્રતિભા અને ક્ષમતા નકામી જ પડી રહે છે. પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલવા માટે સંઘર્ષ કરવો પડે છે. નિર્ધનતાને સમૃદ્ધિમાં બદલવા માટે કઠોર શ્રમ કરવો પડે છે. દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે તંદુરસ્તીની સાધના કરવી પડે છે. અશિક્ષિત તથા અવિકસિત મગજને વિદ્વાનો જેવું બનાવવા માટે મનોયોગપૂર્વક અધ્યયનરૂપી તપમાં જોડાવું પડે છે. જેનામાં આ પ્રકારનો પુરુષાર્થ અને પરાક્રમ કરવાની હિંમત ન હોય તેમના માટે સફળતા અને સમૃદ્ધિના બધા દરવાજા સદાને માટે બંધ જ રહેશે.
ઈશ્વર તેમને જ મદદ કરે છે, જેઓ પોતે પોતાને મદદ કરવા માટે તૈયાર હોય છે. હિંમતવાળાને પહાડ પણ રસ્તો આપી દે છે. માનવીય અંતરાત્મામાં અપાર શક્તિનો સ્રોત અને સામર્થ્યનો ભંડાર ભરેલો છે, પરંતુ તેને જગાડવા માટે સાહસનું બળ જોઈએ. જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ધૈર્યપૂર્વક લડે છે અને પોતાની જાતે રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે તેમને બીજાઓનો પણ ભરપૂર સહયોગ મળે છે.
આપણી અંદર અનેક દોષદુર્ગુણો રહેલા છે. જો તેમને એમને એમ જ પડ્યા રહેવા દઈશું અને તેમનો નાશ કરવાની હિંમત નહિ કરીએ તો આપણું વ્યક્તિત્વ તુચ્છ અને નિમ્ન સ્તરનું બનશે. નૈતિક અનાચાર અને સામાજિક કુરિવાજો એક ચક્રવ્યૂહ જેવા છે. જો તેમનો નાશ કરવામાં નહિ આવે તો આપણે રોતાં, કલ્પાંત કરતાં કરતાં જ દિવસો ગુજારવા પડશે. હિંમત ન રાખી, અનૌચિત્યનો વિરોધ ન કર્યો તો આ ગાઢ અંધકાર હજુ વધારે ગાઢ થતો જશે. ચીલાચાલુ જૂની બાબતોને બદલ્યા વગર પોતાના માયામોહગ્રસ્ત જીવનને શ્રેષ્ઠતા અને આદર્શવાદિતાને અનુરૂપ ઢાળવું શક્ય જ નથી. આત્મિક ઉત્કર્ષ માટે કેટલાંક નવાં માળખાં, કેટલીક નવી પદ્ધતિઓને અપનાવવી પડે છે. એનાથી પોતાને અટપટું લાગે છે અને ઘરવાળાંઓ પણ વ્યંગ અને વિરોધ કરે છે. હિંમત વગર આ કેવી રીતે થઈ શકશે ? સાહસ અને હિંમત આપણા આધ્યાત્મિક ગુણો છે. એ આપણા અંતરાત્માની અમર્યાદિત શક્તિથી ઉત્પન્ન થાય છે. આપણે આપણી એ શક્તિને ઓળખીને પ્રગતિ માટે પુરુષાર્થ અને અયોગ્યની સામે ઝઝૂમવાનું સાહસ કરવું પડશે. સંઘર્ષ જ જીવન છે.
પ્રતિભાવો