૬. ગરિમા ટકાવી રાખો :
July 10, 2022 Leave a comment
ગરિમા ટકાવી રાખો :
શક્તિપીઠોને આધ્યાત્મિક ઊર્જાકેન્દ્રના રૂપમાં વિકસિત કરી તેમને ગરિમામય બનાવવા બાબતે ‘યુગનિર્માણ યોજના’ જાન્યુઆરી ૧૯૮૧ના અંકમાં તેમણે લખ્યું :
“ગાયત્રી શક્તિપીઠો અને પ્રજ્ઞાપીઠોના નિર્માણ પાછળ જે તથ્યો રહેલાં છે તે સમજતાં એ પ્રત્યક્ષ થાય છે કે શક્તિપીઠોના નિર્માણને એવાં દેવાલયો ન માનવાં જોઈએ કે જે ભવ્ય અને વિશાળ તો છે, પરંતુ ધર્મની વૃદ્ધિ માટે કશું કરતાં નથી. આ નિર્માણો પાછળ યુગનિર્માણ અને ઉજ્જવળ ભવિષ્યની એ બધી સંભાવનાઓ સમાયેલી છે, જેના આધારે લોકમાનસને બદલવાની અને સ્વર્ગીય વાતાવરણ સર્જવાની આશા રાખવામાં આવી છે.
આજે વ્યક્તિ અને સમાજ સમક્ષ અગણિત પ્રશ્નો, દુઃખો, ચિંતાઓ તથા શંકાઓ છે. તેમનો ઉપચાર તો થઈ શકે છે, પણ જો તેના કારણના મૂળમાં જઈએ તો એક જ તથ્ય બહાર આવે છે : આસ્થાસંકટ
ગાયત્રી શક્તિપીઠોનું માળખું આમ તો દેવાલયો જેવું જ છે. જનમાનસના પરિષ્કાર માટેની વિસ્તૃત યોજના એની કાર્યપદ્ધતિનું એક અભિન્ન અંગ છે. કાર્યક્ષેત્ર વહેંચાઈ રહ્યાં છે : જનસંપર્કના વ્યાપક પ્રયત્નોને વિધિવત્ નક્કી કરવામાં આવી રહ્યા છે. આના માટે પ્રાણવાન પરિવ્રાજકોની ફાળવણી, તાલીમ, શિક્ષણવ્યવસ્થા વગેરે ચાલી રહ્યાં છે. શુભારંભના સમયે પ્રગટાવેલા એક દીપકથી પ્રગટાવાયેલો બીજો દીપક પ્રકાશને આગળ વધારતાં એક દીપપર્વનું રૂપ ધારણ કરશે. સમર્થ ગુરુ રામદાસે મહારાષ્ટ્રના ગામેગામ મહાવીર મંદિરોની સાથે અખાડા પણ બનાવ્યા હતા અને તેની સંયુક્ત શક્તિથી શિવાજીના નેતૃત્વમાં આયોજનપૂર્વક સ્વતંત્રતાસંગ્રામ ચલાવ્યો હતો. બુદ્ધે વિહારો અને સંઘારામોની સ્થાપના કરી હતી. એમાં રામધૂન ચાલતી ન હતી, પણ વિશ્વસર્જનની પ્રાણવાન યોજનાઓ બનતી તથા ક્રિયાન્વિત થતી હતી અને વ્યાપક ક્ષેત્રમાં પોતાનો પ્રકાશ ફેલાવતી હતી.
આસ્થાસંકટોની સામે લડવા, જનમાનસને પરિષ્કૃત કરવા અને દેવસંસ્કૃતિને પુનર્જીવિત કરી ઉજ્જ્વળ ભવિષ્યની સંરચના કરવા જેવાં દૂરદર્શિતાસભર કાર્યો કરવાં એ જ ગાયત્રી શક્તિપીઠોનો ઉદ્દેશ્ય અને પ્રયત્નો હોવા જોઈએ. એ માટે વ્યક્તિ, પરિવાર અને સમાજની અભિનવ રચના કરવા માટેનાં રચનાત્મક કાર્યક્રમોનો એમાં સમાવેશ છે. નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ જે તત્પરતા અને સફળતા સાથે ક્રિયાન્વિત કરવામાં આવી રહી છે તેમને જોનારા એ તથ્ય પર સહજ રીતે વિશ્વાસ કરી શકે છે કે યુગપરિવર્તનની મહાન ભૂમિકા શક્તિપીઠો જેવાં ધર્મસંસ્થાનો જ નિભાવી શકે છે.’
પ્રતિભાવો