૧૩૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૫૬/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 11, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૫૬/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
શુચી વો હવ્યા મરુતઃ શુચીનાં શુચિં હિનોમ્યધ્વરં શુચિભ્યઃ । ઋતેન સત્યમૃતસાપ આયુગ્છુચિજન્માનઃ શુચયઃ પાવકાઃ ॥ (ઋગ્વેદ ૭/૫૬/૧૨)
ભાવાર્થ : આપણું આંતિરક તથા બહારનું બધું શુદ્ધ થાઓ. ધર્મથી કમાયેલા શુદ્ધ ધન દ્વા૨ા પરોપકાર કરો. લાંચ લેવી, જુગાર રમવો, બદમાશી કરવી, અધિકાર વગર ઝૂંટવી લીધેલું ધન વગેરે ઘર તથા રાષ્ટ્રને બરબાદ કરી નાખે છે.
સંદેશ : ધર્મ સંસારનો આધાર છે, જીવન જીવવાની કળા છે. તેને અનુરૂપ આચરણ કરવામાં જ આ માનવશરીરની સાર્થકતા છે. સંસારની વિષમમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ ધર્મ જ મનુષ્યને મદદરૂપ થાય છે. ધર્મ ઉપર જ વિશ્વનો પૂરેપૂરો ભાર છે. જો ધર્મનું આચરણ જ નષ્ટ થઈ જાય તો બધાને પોતાના પ્રાણ બચાવવાની અને બીજાઓને કચડી નાંખવાની ચિંતા જ રાતદિવસ રહેશે. સર્વત્ર લૂંટફાટ, મારપીટ, અરાજકતા, અનાચાર તથા અત્યાચારની જ બોલબાલા દેખાશે. સુખચેન નષ્ટ થઈ જશે. આજે ચારેબાજુએ મોટેભાગે આવું જ બની રહ્યું છે. તેનું કારણ એ છે કે લોકો પોતાના સ્વાર્થ આગળ ધર્મને ભૂલી ગયા છે. માયા, મોહ તથા લોભનો પાટો તેમની આંખ પર બાંધેલો છે. તેમને એ પણ દેખાતું નથી કે તેઓ એકબીજાનાં મૂળિયાં ખોદવામાં લાગેલા છે અને બધાને માટે નરક જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી રહ્યા છે.
ધર્મ કેટલો મહત્ત્વનો છે તેનું અનુમાન એ હકીકતથી કરી શકાય છે કે દુષ્ટ લોકો પણ ધર્મની ઓથ લઈ લોકોને ઠગવાની જાળ ફેલાવતા રહે છે. જ્યાં શ્રેષ્ઠતા હોય છે ત્યાં કેટલાંક ખરાબ તત્ત્વો પણ ઘૂસી જાય છે. લોકો ધર્મપાલનને ખૂબ જ મહત્ત્વ આપે છે અને તે માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તથા બલિદાન આપવા માટે તત્પર રહે છે. આવામાં સ્વાર્થપરાયણતા પણ પોતાનાં મૂળિયાં નાખવા માંડે છે. અનેક માણસો લાલપીળાં કપડાં પહેરીને તિલક-ચંદન લગાવીને ધર્મગુરુ બનવાનો ઢોંગ રચે છે અને લોકોની ધાર્મિક ભાવનાઓનું શોષણ કરે છે. કોણ જાણે કેટલીય બનાવટી ધાર્મિક સંસ્થાઓ ચારેબાજુએ આ આધારે જ ફળતીફૂલતી જોવા મળે છે. ત્યાં અનીતિપૂર્વક એકત્ર કરેલા ધન વડે દુરાચાર થાય છે. જે ધર્મનો આધાર લઈદુરાચારી માણસ પણ પોતાનું કામ ચલાવવા માગે છે તેને આપણે શા માટે છોડી દઈએ ? મનુષ્યજીવનની ઇમારતનું નિર્માણ ધર્મના મજબૂત આધાર પર જ થવું જોઈએ.
દાનપુણ્ય, ધાર્મિક કર્મકાંડ વગેરે તો ધર્મનાં સાધન માત્ર છે. વાસ્તવિક ધર્મ તો કર્તવ્યપાલન, બીજાઓની સેવા, પરોપકાર, સચ્ચાઈ અનેસંયમમાં જ છે. જે આ તત્ત્વને પોતાના વિચાર તથા આચરણમાં મુખ્ય સ્થાન આપે છે તે જ સાચો ધર્માત્મા છે, નહિતર ધર્મના નામે ઢોંગ કરવાથી કોઈ જ લાભ થવાનો નથી. જીવનની સફળતા ત્યારે જ છે કે જ્યારે આ ધર્મ આપણા લોહીમાં ભળી ગયો હોય, રોમેરોમમાં સમાઈ ગયો હોય. આપણે જે કંઈ પણ જોઈએ, વિચારીએ, કરીએ તે બધું જ ધર્મને અનુરૂપ જ હોવું જોઈએ. બીજાઓને અધર્મ આચરણ વડે જો લાભ થઈ રહ્યો હોય તો તેને જોઈને આપણી દાનત ખરાબ ન કરવી જોઈએ. કાંટા પર લગાડેલી લોટની ગોળી ખાતાં માછલીની જે દશા થાય છે તેવી જ દશા અનીતિથી લાભ ઉઠાવનારાઓની પણ થાય છે. કોઈ પણ બુદ્ધિશાળી અને દૂરદર્શી માણસ આ માર્ગનું અનુકરણ કરવાની મૂર્ખતા ન કરી શકે.
ધર્મ-અધર્મનો નિર્ણય કરવાની સત્બુદ્ધિ આપણામાં છે. અલ્પબુદ્ધિ અને અભણ લોકોને પણ સત્બુદ્ધિનું વરદાન મળેલું છે. તેનો નિષ્પક્ષ અને નિર્ભય થઈને ઉપયોગ કરવો જોઈએ. પોતાની સદ્બુદ્ધિની મદદથી ઉપયોગી રીતરિવાજો તથા આચરણ નક્કી કરીને તેમનું પાલન કરવું એ જ સાચો માનવધર્મ છે.
પ્રતિભાવો