૧૩૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૨૫૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 12, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૨૫૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પરા હિ મે વિમન્યવઃ પતન્તિ વસ્યઈષ્ટયે । વયો ન વસતીરૂપ ॥ (ઋગ્વેદ ૧/૨૫૪)
ભાવાર્થ : જેવી રીતે પક્ષીઓને ઊડાડી દેવાથી તેઓ દૂર ચાલ્યાં જાય છે, એ જ રીતે ક્રોધી માણસો અમારાથી હંમેશાં દૂર રહે કારણ કે ક્રોધી માણસ પાસે રહેવાથી સ્વભાવ ઊલટો થઈ જાય છે અને ધર્મને નુકસાન થાય છે.
સંદેશ : કામ, ક્રોધ અને લોભ આત્માનો નાશ કરનાર ત્રણ ભયંકર અને નરકનાં દ્વાર છે. આ ત્રણમાંથી ક્રોધ સૌથી ભયંકર છે. એ શત્રુ સૌથી ખરાબ બલા છે અને બધી બૂરાઈઓ અને લડાઈઓનું ઘર છે. ક્રોધ એવા દારૂગોળા સમાન છે, જે બીજાઓનો નાશ કરતાં પહેલાં પોતાને જ ભસ્મીભૂત કરી નાખે છે. ક્રોધનો અગ્નિ બીજાઓને બાળતાં પહેલાં જેનામાં ઉત્પન્ન થાય છે તેને જ બાળે છે. ક્રોધ બીજાઓને નુકસાન પહોંચાડતા પહેલાં ક્રોધ કરનારને જ બાળે છે અને કુરૂપ બનાવે છે. ક્રોધમાં આંખો લાલ થઈ જાય છે, ચહેરો ભયંકર અને વિકરાળ થઈ જાય છે. તે શરીરને બાળે છે, હૃદયને તપાવે છે, લોહીના ભ્રમણને અનિયમિત કરી દે છે, વ્યાકુળતા વધારે છે, વાણીને કઠોર તથા કર્કશ બનાવે છે અને ધર્મ છોડાવી દે છે. ક્રોધથી મનુષ્યનાં ધૈર્ય, વિદ્યા, જ્ઞાન, વિવેક બધાંનો નાશ થાય છે.
ક્રોધ અહંકારથી ઉત્પન્ન થાય છે, મૂર્ખતાથી વધે છે અને પસ્તાવાથી નષ્ટ થાય છે. એ મનમાં ખરાબ વિચારો અને ભાવનાઓને જન્મ આપે છે, જેના ફળસ્વરૂપે દ્વેષ, ઘૃણા, વૈમનસ્ય, પ્રતિકાર, દુઃખ, અભિમાન વગેરે ઉત્પન્ન થાય છે. ક્રોધમાં મનુષ્ય માતા,પિતા, આચાર્ય, સંબંધીઓ વગેરેનું અપમાન કરી નાખે છે. ક્રોધી મનુષ્ય બીજાઓને દુઃખી કરે કે ન કરે,પરંતુ પોતાને જ અંદરથી બાળતો રહે છે. આ ભયંકર રોગથી શારીરિક, માનસિક, આત્મિક એમ દરેક પ્રકારની દુર્ગતિ થાય છે.
ક્રોધની ઉપર જો વિવેકનો અંકુશ રહે તો તે એક રામબાણ ઔષધિનું કામ કરે છે, જેમ કે ઘણા બધા રોગોમાં ઉપાય તરીકે સોમલ ઝેર પણ આપવામાં આવે છે. પરિવારના સભ્યો, સહયોગીઓ તથા આશ્રિતોને સુધારવા માટે અને બગડતા અટકાવવા માટે ક્રોધનું વિવેકપૂર્ણ પ્રદર્શન કરવાની જરૂર પડે છે. દંડ અને સજાનો પણ પ્રયોગ કરવામાં આવે છે.
જો આ સ્થિતિને છોડી દેવામાં આવે તો પછી મા, બાપ, અધ્યાપક, અધિકારી વગેરે પોતાનાં કર્તવ્યોનું પાલન ન કરી શકે. ક્રોધનું વિવેકપૂર્ણ અને વ્યાવહારિક પ્રદર્શન હકીકતમાં પ્રેમભાવનાનું એક રૂપ છે અને તેના પ્રયોગમાં ઘણો જ સંયમ રાખવાનો હોય છે. ક્રોધ ફક્ત બીજાઓને આત્મસુધારણાની પ્રેરણા આપવા માટેના એક સશક્ત સાધનતરીકે જ કરવો જોઈએ.
ક્રોધ નિવારણના ઘણા બધા ઉપાયો છે. મૌન ધારણ કરીને મનમાં ગાયત્રી મંત્રના જપ કરવાથી ક્રોધ તરફથી ધ્યાન હઠી જાય છે અને તે શાંત થઈ જાય છે. જો કોઈવાર કોઈની ભૂલ પર ક્રોધ આવી જાય તો એવું વિચારવું જોઈએ કે આવી ભૂલ આપણાથી પણ થઈ શકે. આ પ્રમાણે વિવેક અનુસાર વિચાર કરવાથી ક્રોધનો આવેશ ઓછો થઈ જશે અને વારંવારના મહાવરાથી છેવટે તેના ઉપર વિજય મેળવી શકાશે. ધૈર્ય અને ક્ષમાનો મહાવરો ક્રોધનિવારણનો સર્વોત્તમ ઉપાય છે. ધૈર્ય તેને શાંત કરી દે છે અને ક્ષમા તેનો સમૂળગો નાશ કરી નાખે છે.
વ્યક્તિગત, કૌટુંબિક અથવા સામાજિક જીવનમાં યશ પ્રાપ્ત કરવા માટે ક્રોધનો સર્વથા ત્યાગ કરીને આપણે બધા સાથે પ્રેમમય તથા સ્નેહયુક્ત વ્યવહાર કરવો જોઈએ. ક્રોધ પાપનું મૂળ છે.
પ્રતિભાવો