૧૩૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૫/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 13, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૫/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
એતો મ્વધ સુધ્યો ભવામ પ્ર દુચ્છુના મિનવામા વરીયઃ । આરે દ્વેષાંસિ સનુતર્દધામાયામ પ્રાન્ચો યજમાનમચ્છ | (ઋગ્વેદ ૫/૪૫/૫)
ભાવાર્થ : જેઓ દ્વેષદુર્ભાવના રહિત સનાતન સત્યનું આચરણ કરે છે તેઓ સાચી પ્રશંસાને પાત્ર છે. દુષ્ટોનું નિવારણ કરનારા અને વિજ્ઞાનને વધારનારા પુરુષો જ સન્માનના અધિકારી બને છે.
સંદેશ : માનવજીવનમાં અનેક પ્રકારના મનોવિકારો હોય છે અને તેમનાથી છુટકારો મેળવવા માટે સતત પ્રયાસો કરતા રહેવામાં જ તેનું મહત્ત્વ છે. આ એક ઘણું મુશ્કેલ કાર્ય છે. આપણા આચરણમાં જે દોષદુર્ગુણો એકવાર ઘૂસી જાય છે તેમનાથી સહેલાઈથી છુટકારો મળતો નથી. દ્વેષભાવનાથી તો પીછો છોડાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. એ માટે માનસિક નિર્મળતા, સહૃદયતા અને સમરસતાની પ્રબળ ભાવના મનમાં હોવી જોઈએ. જે આપણી ધનહાનિ અને માનહાનિનું કારણ બને, આપણા માર્ગમાં રોડાં નાખે તેમને આપણે કશુંય નુકસાન ન પહોંચાડીએ અને અપમાનિત ન કરીએ, તો એ ઓછી સાધનાની વાત નથી. એના માટે પ્રચંડ આત્મબળની જરૂર પડે છે. “જો તો કો કાંટા બુથૈ, તાહિ બોએ ફૂલ” ની ભાવના વિરલાઓના આચરણમાં જ હોય છે. આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એકબીજાનાં સુખદુઃખને સમજીને પરસ્પર માનસિક ભાવોની એકતા હોય, મૈત્રીભાવ હોય. માનસિક અને આધ્યાત્મિક પ્રગતિમાં દ્વેષ જ સૌથી વધારે બાધક હોય છે.
દ્વેષભાવનાનો ત્યાગ કરીને કોઈના ખરાબ વ્યવહારનો ઉત્તર પણ સારા વ્યવહા૨થી આપવો તે ફક્ત મનુષ્યના વ્યક્તિગત આચરણ સાથે સંબંધ રાખે છે. રાષ્ટ્રીય, સમાજગત અને સંસ્થાગત ધર્મ સાથે એને કોઈ સંબંધ નથી. શત્રુ આપણા દેશ ઉપર જો હુમલો કરે તો તેનો જવાબ ફૂલોથી નહિ, પરંતુ શૂળોથી જ આપવો જોઈએ. સમાજમાં અનિચ્છનીય તત્ત્વોને, ગુનેગારોને યોગ્ય તથા સખત દંડ આપવાનું વિધાન જ સમાજને વ્યવસ્થિત રાખે છે. ગુનેગારોના કાંટાના જવાબમાં ફૂલ વાવવાનું સમાજ માટે અત્યંત નુકસાનકારક પૂરવાર થશે અને સંસ્થાગત ધર્મની વાત કરીએ, તો તેમાં પણ ભૂલ કરનારને દંડ આપ્યા સિવાય સંસ્થાની વ્યવસ્થા ચાલી ના શકે. વ્યવસ્થાપકે હંમેશાં સુધારાવાદી દૃષ્ટિકોણ રાખીને સંસ્થાના હિતમાં અયોગ્ય પ્રવૃત્તિઓને સખ્તાઈપૂર્વક કચડી નાંખવી જોઈએ, કોઈના પ્રત્યે પ્રેમભર્યું વલણ હોવું ન જોઈએ. સત્તારૂઢ થઈને પ્રેમભાવનાથી દૂર રહેવાનું ફક્ત સંસ્કારી જીવોનું જ કામ છે. આજે અનેક સંસ્થાઓ આ પ્રકારના પોતાના ઉદ્દેશોને ભૂલી ગઈ છે. ‘અંધા બાંટે રેવડી, અપને કો હી દેય’ની ભાવનાથી વ્યવસ્થાપક પોતાના માણસોની ભૂલો તથા ક્ષતિઓને વણદેખી કરીને તેમને વધારે ક્ષતિઓ કરવા માટે બહેકાવતા રહે છે. સાથે સાથે સત્તાના મદમાં તેઓ પોતાનું માનસિક સમતોલન ગુમાવી દઈને ઈમાનદાર તથા સારા કાર્યકત્તાઓનો દ્વેષપૂર્વક માનભંગ કરતાં પણ ચૂકતા નથી.
આપણા મનમાં કોઈના પ્રત્યે દ્વેષભાવ ના રાખવો જોઈએ અને જે કોઈ આપણા પ્રત્યે એવો ભાવ રાખે તેને આપણે માફ કરી દેવો જોઈએ. તેનો સંબંધ વ્યક્તિગત વ્યવહાર સાથે છે, નહિ કે રાષ્ટ્રીય, સામાજિક અને સંસ્થાગત વ્યવહાર સાથે, પરંતુ મોટા ભાગે થાય તેનાથી ઊલટું . લોકો પોતે દ્વેષભાવ રાખે છે અને નિરંતર તેની આગમાં પોતાની જાતને બાળતા રહે છે, જ્યારે રાષ્ટ્રીય, સામાજિક અથવા સંસ્થાગત વ્યવહારમાં દોષદુર્ગુણો આગળ માથું નમાવી દે છે. આ તેમની માનસિક કાયરતાનો પરિચય છે. આપણે પોતાના વ્યક્તિગત આચરણમાં નિરંતર આ દ્વેષભાવથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ.
પ્રતિભાવો