૧૩૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 14, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૭/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યે મૂર્ખાનઃ ક્ષિતીનામદબ્યાસઃ સ્વયશસઃ । વ્રતા રક્ષન્તે અદ્રુહઃ || (ઋગ્વેદ ૮/૬૭/૧૩)
ભાવાર્થ : હે યશની કામનાવાળા પુરુષો ! કદી કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતાં સત્ય વગેરે સત્કર્મોનું પાલન કરો, જેથી તમારો ભય નષ્ટ થઈ જશે અને તમે મનુષ્યોમાં શ્રેષ્ઠ કહેવાશો.
સંદેશ : આપણા વિદ્વાન ઋષિઓ તથા મનીષીઓએ જીવનના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી. રાષ્ટ્રીય, સામાજિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓનું સંચાલન પણ શ્રેષ્ઠ ગુણયુકત યશસ્વી લોકોના હાથમાં રહે એવી ઇચ્છા રાખી હતી. તેમણે વિધાન બનાવ્યું હતું કે રાષ્ટ્રના અધ્યક્ષ, સભાસદ, અધિકારી, વ્યવસ્થાપક વગેરે હંમેશાં એવા જ માણસો બને કે જે ગુણોમાં સર્વશ્રેષ્ઠ હોય, બીજાઓની વિભૂતિ, ઉન્નતિ તથા સુખ જોઈને ઈર્ષ્યા ન કરે. પોતાની વીરતા, સદ્ગુણ, વિદ્યા વગેરે દ્વારા તથા પરિશ્રમ કરીને યશ પ્રાપ્ત કરતા હોય અને કોઈના પ્રત્યે દ્રોહ ન કરતા હોય. આવા માણસો જ ઈશ્વરીય તથા લૌકિક નિયમોનું પાલન કરી શકે છે અને બીજા લોકો પાસે પણ કરાવી શકે છે.
પરંતુ આજકાલ તેનાથી સાવ ઊલટું જ બની રહ્યું છે. જેને જુઓ તે બધા એકબીજાના પગ ખેંચવામાં જ, બીજાને નીચા દેખાડવામાં જલાગેલા છે. ઈદ્વેિષની ભાવના ચરમસીમા પર છે. સત્તાના સંઘર્ષમાં લપેટાયેલો માણસ યોગ્ય-અયોગ્યનું ધ્યાન રાખતો નથી અને સામ, દામ, દંડ, ભેદ ગમે તે રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતો રહે છે. અપરાધી તત્ત્વો પોતાની હલકી હરકતોથી સમાજમાં અરાજકતા ફેલાવી રહ્યાં છે અને સત્તાધીશો પોતાનો સ્વાર્થ સાધવાના લોભમાં તેમને રોકી પણ નથી શકતા. આવા ગુનેગારોનો સહયોગ જ આજે સત્તાપ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ આધાર બની ગયો છે. દેશ અથવા રાજ્યની સત્તાનો પ્રશ્ન હોય અથવા સામાજિક કે ધાર્મિક સંસ્થાઓની વ્યવસ્થાનો, તેમના પર આવી હલકી વિચારધારાના માણસોએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે. જેઓ પણ તેમનો વિરોધ કરવાનો પ્રયાસ કરે છે તેમના પ્રત્યે ખૂબ દ્વેષ અને વેરભાવ રાખે છે. તેઓ તેમના પ્રાણ લઈ લેતાં પણ અચકાતા નથી.
ભગવાન રામને પોતાની સાવકી મા કૈકેયી સાથે જરાય દ્વેષભાવ નહોતો, છતાં પણ તેના કારણે જ રામને રાજ્યસિંહાસનનો ત્યાગ કરીને વનમાં કષ્ટો ભોગવવાં પડ્યાં હતાં. રાવણને તેમણે એટલા માટે દંડિત નહોતો કર્યો કે તેણે તેમની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. વ્યક્તિગત દ્વેષભાવ ત્યાં નહોતો, પરંતુ એ યુદ્ધ તો એટલા માટે લડવામાં આવ્યું હતું કે જનતાને તેની રાક્ષસી વૃત્તિઓમાંથી છુટકારો મળી શકે. સીતાહરણ તો નિમિત્ત માત્ર હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ સામાજિક્તા અને રાષ્ટ્રીયતાની દૃષ્ટિથી બધાને પ્રીતિપૂર્વક, ધર્માનુસાર, યથાયોગ્ય વર્તન કરવાની વાત કરી હતી. સૌના પ્રત્યે પ્રેમ રાખો. બધા મનુષ્યો એ પરમપિતાનાં સંતાનો છે અને આપણા ભાઈઓ છે. તેમની સાથે કોઈ પણ પ્રકારનો દ્વેષ કે વેર રાખવાના બદલે ફક્ત પ્રેમ અને સ્નેહનો જ સંબંધ રાખવો જોઈએ. સાથેસાથે ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર પણ કરવો જોઈએ. જો તેમનું આચરણ અધર્મ તથા અન્યાયયુક્ત હોય તો યોગ્ય ઠપકો અથવા દંડ પણ આપવામાં આવે. કોઈ પણ જાતનો પક્ષપાત અથવા ભાઈ-ભત્રીજાવાદ નહિ, કોઈ આપણો કે પારકો નહિ, બધાની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક વ્યવહાર કરવો એ જ આપણો આદર્શ હોવો જોઈએ.
દ્વેષભાવનાનો ત્યાગ કરવાથી જ લોકહિત અને પરોપકારનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને એનાથી જ સમાજમાં સુખશાંતિનું વાતાવરણ બની શકે છે.
પ્રતિભાવો