૧૧. નવસર્જનનો ઉત્સાહ અને કૌશલ્ય વધારો

નવસર્જનનો ઉત્સાહ અને કૌશલ્ય વધારો
યુગઋષિના જીવનનો ઉદ્દેશ્ય યુગપિવર્તન માટે સમગ્ર ક્રાંતિનો તીવ્ર પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે. એવો પ્રવાહ જે મનુષ્યમાં દેવત્વના ઉદય તથા મનુષ્યમાત્ર માટે ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં રોકાય નહિ, તેમણે સમગ્ર ક્રાંતિની ત્રણ ધારાઓને જરૂરી બતાવી છે : (૧) બૌદ્ધિક ક્રાંતિ (૨) નૈતિક ક્રાંતિ અને (૩) સામાજિક ક્રાંતિ. આ ત્રણેય ક્રાંતિઓને ગતિ આપવા પૂ. ગુરુદેવના વ્યક્તિત્વનાં ત્રણ પાસાં સમર્થ છે. વેદમૂર્તિ, તપોનિષ્ઠ અને આચાર્ય.


વિચારક્રાંતિને ગતિ આપવા પોતે વેદમૂર્તિ બન્યા. જ્ઞાનની એવી પ્રખર ધારાઓ પ્રવાહિત કરી, જે જડબુદ્ધિવાળાંને તેમના નિષ્કૃષ્ટ ચિંતનમાંથી બહાર કાઢી વિવેકનો રસ્તો બતાવે. આ ક્રાંતિ માટે સૃજનસૈનિકોએ પોતાના ચિંતનના સ્તરને એટલું પવિત્ર અને પ્રખર બનાવવું પડશે કે જેના આધારે અશ્રદ્ધાળુ પણ શ્રદ્ધાવાન બની જાય.
નૈતિક ક્રાંતિને ગતિશીલ બનાવવા યુગઋષિનું તપોનિષ્ઠ રૂપ સક્ષમ છે. તપશક્તિ વિના નૈતિક આસ્થાઓનું પોષણ કરવું શક્ય નથી. તેમણે જીવનમાં ઉપાસના, સાધના અને આરાધના માટે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક ભાગ આપવાનું સૂત્ર આપી યુગને અનુરૂપ તપની પ્રભાવશાળી, પ્રખર અને જીવંત વ્યાખ્યાઓ આપી. આ ક્રાંતિને ગતિ આપવા સર્જનસૈનિકોએ પોતાના ચરિત્રને એટલું ઊંચું બનાવવું પડશે કે પ્રજ્વલિત દીપકની જેમ એના સંપર્કમાં આવતા બીજા લોકોને પ્રકાશવાન બનાવી શકે.
સામાજિક ક્રાંતિને ગતિ આપવા યુગઋષિનું આચાર્ય રૂપ આગળ આવ્યું. પોતે દર્શાવેલ દરેક જીવનસૂત્ર પોતાના જીવનમાં ઉતારી એ આદર્શોને વ્યાવહારિક સાબિત કરી બતાવ્યા. તેઓ જાતે જ ક્રાંતિનો પર્યાય બન્યા. સામાજિક ક્રાંતિને ઇચ્છિત સફળતા અપાવવા યુગસૈનિકોનો વ્યવહાર એવો શાનદાર હોવો જોઈએ કે જે નજીક આવે તે બધાં જોડાઈ જાય. આ રીતે યુગઋષિની ત્રણ ક્રાંતિઓ માટે તેમના જીવનનાં ત્રણ પાસાં પ્રગટ્યાં અને યુગસૈનિકોને ચિંતન, ચરિત્ર અને વ્યવહારની સાધનાને પ્રખર પ્રભાવશાળી બનાવવા સશક્ત ટેકો આપ્યો. સમગ્ર ક્રાંતિ માટે આ ત્રિવિધ ક્રાંતિઓની સમર્થ છાવણીઓના રૂપમાં શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી. તેમના આદેશથી બનેલી પ્રત્યેક શક્તિપીઠે આ નૈતિક જવાબદારીઓ અદા કરવા સક્ષમ બનવું જ જોઈએ.
મહત્ત્વ સમજો અને જવાબદારી નિભાવો
યુગઋષિના જીવનની દિશાધારાના જેવી જ તેમનાં “પોતાનાં” ની પણ દિશાધારા હોવી જોઈએ. યુગસાધકો તેમના પોતાના છે અને ગાયત્રી પીઠો તેમની પોતાની છે. યુગઋષિના સંબંધે તેમની યુગનિર્માણ યોજના આમ તો આખા યુગ માટે છે, પણ તેને વિસ્તારવાની જવાબદારી તો તેમના પોતાના માણસોએ અને પોતાનાં સ્થાનકોએ જ ઉઠાવવી પડશે. યુગનિર્માણ અભિયાનને પૂરું કરવામાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિભા તથા વિભૂતિઓનો ઉપયોગ કરી પોતપોતાની ભૂમિકા નિભાવવી પડશે, પણ એ માટેની પહેલ તો પોતાના જ માણસોએ કરવી પડશે.
આ કાર્ય સામાન્ય નથી. આનું મહત્ત્વ સમજીને જવાબદારીઓ સ્વીકારવી એ સામાન્ય મનઃસ્થિતિના લોકો કરી શકે નહિ. સામાન્ય સ્થિતિમાં માર્ગ પરથી ચલિત થઈ જવાનો ભય હોય છે. જો તેમને યુગદેવતા સાથે જોડાઈ રહેવાની અનુભૂતિની વાત કરશો તો તેઓ શંકા કરી દૂર ભાગશે અને જવાબદારી ઉઠાવવાની વાત કરશો તો છટકબારી શોધશે. સામાન્ય મનઃસ્થિતિવાળા લોકો સ્વાભાવિક રીતે આવું જ કરે છે, આત્મીય સ્તરથી જોડાયેલા યુગસાધકો માટે આવી સ્થિતિ યોગ્ય નથી. આત્મીય સ્તરથી જોડાયેલા આત્માઓની મનઃસ્થિતિ બીજાથી અલગ હોય છે. પોતાના સૌભાગ્ય બદલ તેઓ અભિમાન કરતા નથી,પણ પ્રભુકૃપા સમજી કૃતજ્ઞતાપૂર્વક વિનમ્ર બની જાય છે. ફળોથી લદાયેલાં વૃક્ષોની જેમ ઝૂકી જાય છે. એ જ રીતે મુશ્કેલીઓ જોતાં છટકબારી શોધતા નથી, પણ વધારે ઉત્સાહ બતાવી તેમનો ઉકેલ કાઢવામાં લાગી જાય છે. તેઓ પોતાની ભૂમિકા હનુમાન, જટાયુ, શબરી તથા ખિસકોલીની જેમ નિભાવવા હર ક્ષણ તૈયાર રહે છે.
ગાયત્રી શક્તિપીઠ તથા પ્રજ્ઞામંડળો સાથે જોડાયેલા તમામ પરિજનોએ આજે વિશેષરૂપથી પોતાના સમય અને યુગધર્મનું મહત્ત્વ સમજીને શક્તિપીઠોની મહાન જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર રહેવું જોઈએ. યુગદેવતા સાથે જોડાવાની બાબતમાં પોતાના સૌભાગ્ય અને કર્તવ્યોનું ભાન સતત રહેવું જોઈએ, એમાં વધારે પ્રખરતા આવવી જોઈએ.
જે રીતે શરીર માટે ભોજન, પાચન અને સ્વાસ્થ્યનો ક્રમ છે તે જ રીતે મિશન માટે જ્ઞાન, ભાન, અભ્યાસ અને પ્રગતિ માનવાં જોઈએ. વર્તમાનનું જ્ઞાન, શાનને કાર્યઊર્જામાં બદલવાનો અભ્યાસ અને ઊર્જાવિકાસને પ્રગતિમાં લગાવવાનો ક્રમ ચાલતો રહે તે જરૂરી છે. આ ક્રમ પ્રજ્ઞાપુત્રોના જીવનમાં પણ હોવો જોઈએ અને પ્રજ્ઞાસંસ્થાનોના ક્ષેત્રમાં પણ તેનો સમાવેશ થવો જોઈએ.

સાધનો અને તંત્ર પ્રામાણિક બને :
રોજબરોજનાં કાર્યો માટે હાલ જેમ વીજળી વપરાય છે તે રીતે યુગશક્તિ પણ સક્રિય છે. કામ એટલું વિરાટ અને વિવિધતાપૂર્ણ છે, જેને અનુરૂપ શક્તિની ફાળવણીની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટાં મોટાં પાવર હાઉસોથી માંડીને ટ્રાન્સફોર્મરો અને અન્ય સંચારસાધનો દ્વારા વિકેન્દ્રીકરણનું તંત્ર બનાવવામાં આવે છે. નાનાં નાનાં કાર્યો માટે સ્વતંત્ર યંત્રો લગાવવામાં આવે છે, પણ મોટાં કાર્યો માટે વિવિધ યંત્રોને કાર્યશાળા (વર્કશોપ) અથવા ફેક્ટરોનું રૂપ આપવામાં આવે છે. એ સાચું છે કે બધું કામ વીજળીશક્તિ જ કરે છે, પણ જુદીજુદી ક્રિયાશક્તિઓમાં રૂપાંતર કરવાનું કામ તો ટ્રાન્સફોર્મરો દ્વારા જ થાય છે.
ઈશ્વરીય ચેતનાના રૂપમાં યુગશક્તિ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. ઋષિતંત્રે તેને દરેક ઉપકરણ તથા ઉપયોગના ક્ષેત્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે જ્યાં જે રીતે યાંત્રિક ઉપકરણ તૈયાર થાય છે તેને ઊર્જા આપતા રહેવાની વ્યવસ્થા કરી શકાય છે. આ દિવ્ય સર્જનમાં યુગસાધકો, પ્રજ્ઞાપુત્રોએ વિવિધ યંત્રોના રૂપમાં, સંગઠિત એકમોને કાર્યશાળા, વર્કશોપ કે ફેકટરીના રૂપમાં તથા શક્તિપીઠો પ્રશાસંસ્થાનોને ઊર્જાસંચાર તંત્રના રૂપમાં વિકસિત અને કાર્યરત બનવાનું છે. આ રીતે જ યુગસર્જનની દૈવી યોજના સાકાર અને સાર્થક થશે.
એ વાત સાચી છે કે બધાં કામ વીજળી જ કરે છે, પણ એના કારણે યંત્રોએ, કાર્યશાળાઓએ પોતાનો પુરુષાર્થ તો છોડી દેવો ન જ જોઈએ ને ! આ યંત્રોના અંદરના તાણાવાણા (ઈનરસર્કિટ) જો વ્યવસ્થિત ન હોય તો ઊર્જા પોતાનું ધાર્યું કામ કરી શકે નહિ. પોતાની અંદરની સર્કિટમાં ગરબડ ન થાય તે જોવાની જવાબદારી આપણે લેવી પડશે.
આપણા આંતરિક તંત્રને પ્રામાણિક બનાવવા તથા દિવ્ય ઊર્જાને ઇચ્છિત કાર્યોમાં વાપરવાના ભગીરથ કાર્યને જ પૂજ્યવરે જીવનસાધના ગણાવી છે. એ ઊર્જાપ્રવાહની સાથે જોડાવાની ક્રિયાને ઉપાસના ગણાવી છે. જ્યાં જ્યાં ઉપાસના, સાધનાનો ક્રમ સફળ રીતે ચાલતો હશે ત્યાં આરાધના – સેવા અર્થાત્ યુગસર્જનનું કાર્ય અનાયાસ આગળ ધપતું રહેશે.
જેવી રીતે કારખાનામાં એક વ્યવસ્થિત ઓજાર બનાવવા માટે કેટલાંયે યંત્રો એક પછી એક કામ કરે છે, એકનું કામ પતે એટલે બીજાનું શરૂ થાય છે. એમાં તમામ યંત્રો વ્યવસ્થિત કામ કરતા એકમો જ હોય છે, છતાં તેઓ એકલાં એ ઓજાર બનાવી શકે નહિ. એ તમામની સંવાદિતા, તાલમેલ તથા સમન્વય જ એ ઓજાર બનાવી શકે છે. પ્રત્યેક યુગસાધક પોતે પોતાની રીતે સક્ષમ એકમ બનાવી શકે છે, પણ યુગસર્જન માટે, ઇચ્છિત ફળ માટે તો એણે એ વિરાટ તંત્રનો એક અવયવ – ભાગ બનવું જ પડશે. સંગઠિત એકમોથી માંડીને શક્તિપીઠો, ઝોન, ઉપઝોન વગેરેના તાણાવાણા આટલા માટે જ વણ્યા છે.
આપણે સાર્થક સાબિત ન થઈએ તો પણ સમર્થ સત્તાનું કામ રોકાવાનું નથી. એ સત્તા નવાં યંત્રો, સ્પેર પાર્ટ બનાવી એનું કામ કરી લેશે, પણ બેકાર યંત્રો તો કબાડીના ઢગલામાં જ ફેંકાઈ જશે.આવી દુર્ઘટના કોઈ પણ પ્રજ્ઞા પરિજન, પ્રજ્ઞાકેન્દ્ર કે શક્તિપીઠ સાથે ન થાય એ આપણા બધાં માટે યોગ્ય છે.

ક્રાંતિ થઈને જ રહેવાની છે :
યુગઋષિએ યુગશક્તિના અવતરણની વ્યવસ્થા બનાવી અને સમગ્ર ક્રાંતિ, યુગનિર્માણ, ઉજ્જવળ ભવિષ્ય માટે અભિયાન ચલાવ્યું. આ મહાન સર્જન માટે યુગસાધકોને યંત્ર અને સંગઠિત એકમોને, પ્રજ્ઞાકેન્દ્રોને તંત્રના રૂપમાં કામ કરવા વ્યવસ્થા બનાવી. શક્તિપીઠો, પ્રજ્ઞાકેન્દ્રોની સ્થાપના પાછળ એક વ્યાપક અને અસરકારક તંત્ર ઊભું કરવાની જ ભાવના હતી. શક્તિપીઠોના રજતજયંતી વર્ષમાં તેમને જીવંત તથા જાગૃત બનાવવા આપણે કમર કસવી જોઈએ. એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. એ જ આપણો પુરુષાર્થ છે. એટલે આપણા મગજમાં સતત આવો જયઘોષ ગુંજવો જોઈએ :

આપણી ઓળખ – યુગનિર્માણ
આપણું લક્ષ્ય – યુગનિર્માણ
આપણું અભિયાન – યુગનિર્માણ
આ સમગ્ર ક્રાંતિ અંતર્ગત ત્રણ ક્રાંતિને દરેક જગ્યાએ જીવંત અને પ્રભાવશાળી બનાવવાની છે :
વિચારક્રાંતિ માટે – વેદમૂર્તિની નિયમિત ઉપાસના કરો, પ્રજ્ઞાને પ્રખર બનાવવાની સાધના કરો, ચિંતનને ઉચ્ચ બનાવો. પોતાની ગરિમા અને કર્તવ્યબોધને પ્રગાઢ બનાવો. નવા ક્ષેત્ર અને નવી વ્યક્તિઓને પ્રચાર માધ્યમોથી પ્રભાવિત કરી સર્જન માટે ઉપયોગી થવા સંમત કરો. નૈતિક ક્રાંતિ માટે – તપોનિષ્ઠ રૂપની ઉપાસના કરો, ચરિત્રને તપાવી પ્રખર બનાવો. પ્રચાર માધ્યમના અભિયાનથી પ્રેરાઈને જોડાયેલી વ્યક્તિઓને શ્રેષ્ઠ આચરણમાં પ્રવૃત્ત કરવા પુરોહિત અને પ્રશિક્ષક સ્તરની ભૂમિકા નિભાવો.
સામાજિક ક્રાંતિ માટે – યુગાચાર્યના સાંનિધ્ય માટે ઉપાસના કરો. વ્યવહારને ઉચ્ચ અને પવિત્ર બનાવો. યોજનાના પ્રશિક્ષકની પાત્રતા વિકસાવો. પોતાના સ્નેહ અને સદ્ભાવને એવાં જીવંત બનાવો કે જેને તે સ્પર્શે તે તમારી સાથે જોડાઈ જાય. ઋષિતંત્ર આ મહાન કાર્ય કરવાની શક્તિ તો આપશે જ, પણ એને પૂરું કરવાની કુશળતા તો આપણે જ પોતાના અભ્યાસથી તથા તપથી મેળવવી પડશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: