૧૪૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 15, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૭/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વિશ્વા ઉત ત્વયા વયં ધારા ઉદન્યાઇવ । અતિ ગાહેમહિ દ્વિષઃ ॥ (ઋગ્વેદ ૨/૭/૩)
ભાવાર્થ: જેવી રીતે પાણીની ધારા એક જગ્યાએ ટકતી નથી એવી જ રીતે વેરની ભાવનાઓ પણ એક જગ્યાએ રોકાઈ ના રહે. શત્રુભાવ ત્યાગીને મિત્રભાવ જાગૃત કરવો જોઈએ.
સંદેશ : આપણા મનમાં ભેગા થયેલા બધા કુસંસ્કારોનું મૂળ કારણ અજ્ઞાન હોવાથી ઈશ્વરપ્રાપ્તિમાં તે અવરોધક નીવડે છે. આપણે આપણા દિવ્ય સ્વરૂપ પ્રત્યે ન તો સચેત રહીએ છીએ કે ન તો આપણને આપણી દિવ્યતાનું જ્ઞાન રહે છે. આ અજ્ઞાનતાના કારણે જ અહંકારનો ઉદય થાય છે. હું તે છું, હું આ છું વગેરે અહંભાવ પોતાને બીજાઓથી અલગ માનવા માટે પ્રેરિત કરે છે. તેના લીધે આસક્તિ, ઘૃણા, પોતાના-પારકાની તથા રાગદ્વેષની ભાવના જન્મ લે છે અને આપણે આધ્યાત્મિક માર્ગને ભૂલી જઈને આપણા જ જીવનનું પતન કરીએ છીએ.
વેરભાવનાના સતત ચિંતનથી દુષ્પ્રવૃત્તિઓમાં વધારો થાય છે અને તે અનુસાર મનુષ્યનું આચરણ નીચા સ્તરનું બનતું જાય છે. મનમાં સતત એવા જ વિચાર ચાલતા રહે છે કે કેવી રીતે આપણા વેરી સાથે બદલો લેવામાં આવે, કેવી રીતે તેનું અપમાન કરવામાં આવે. નિરંતર આ જ ગડમથલ ચાલતી રહે છે. આક્ષેપ, વ્યંગ, કટાક્ષ અને કડવાશભર્યું આચરણ અપનાવીને માણસ પોતાનું ચારિત્રિક પતન કરે છે. તેમના સંપર્કમાં આવનાર માણસોને તેનાથી જે માનસિક તકલીફ પડે છે તે અલગ. આવા હલકા માણસો દરેક પળે પોતાના વિરોધીઓના વિનાશની જ કલ્પના કરતા રહે છે અને તેને જરાક પણ હાનિ થાય તો પ્રસન્નતા વ્યક્ત કરવાની નીચતા પણ દેખાડે છે. વહેતું પાણી કેટલું પવિત્ર અને નિર્મળ હોય છે ! નદીઓ તથા ઝરણાંની ધારા બધાને ઉલ્લાસ આપે છે, પરંતુ જો આ પાણીને એક ખાડામાં રોકી દેવામાં આવે તો તે સડવા લાગે છે અને સર્વત્ર દુર્ગંધ ફેલાવે છે. આવી જ હાલત દુશ્મનાવટ તથા દ્વેષની ભાવનાને આપણા મનમાં રોકી રાખવાથી થાય છે. આવા લોકોના મનમાં પ્રેમની જગ્યાએ નફરતનો ભાવ જાગૃત થાય છે અને ચારેબાજુએ વૈમનસ્ય, તિરસ્કાર તથા અસહયોગનું દૂષિત વાતાવરણ બની જાય છે.
સંસારમાં નિર્દોષ માણસોની સંખ્યા ઘણી ઓછી છે. બેચાર દોષ દુર્ગુણ તો દરેક માણસમાં હોય જ છે. આપણે પોતે પણ તેમાં અપવાદરૂપ નથી, પરંતુ મનુષ્ય પોતાના અવગુણો તરફ ધ્યાન જ નથી આપતો અને બીજાઓની જરા અમથી વાતથી તેને દુશ્મન બનાવી બેસે છે. આજકાલનું સામાજિક, આર્થિક તથા રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે લોકો વેરભાવનાના દુર્ગંધયુક્ત કીચડમાં ફસાયેલા રહે છે. શત્રુભાવનો ત્યાગ કરીને જ્યાં સુધી પરસ્પર મિત્રતાની ભાવના પાંગરશે નહિ ત્યાં સુધી સમાજ તથા કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ સ્થપાઈ નહિ શકે. એ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે સહિષ્ણુતા અને સંધિની ભાવના. જો ઠંડા દિમાગથી પરિસ્થિતિઓનું અધ્યયન કરવામાં આવે તો ખબર પડશે કે બીજાઓનું આચરણ વેર અથવા દ્વેષભાવનાથી જાણી જોઈને કરવામાં આવ્યું નહોતું. તેમની પરિસ્થિતિમાં જો આપણે હોઈએ તો આપણે પણ એવું જ આચરણ કરી બેસત. આવા વિચારથી મનમાં અકારણ દુરાગ્રહ થશે નહિ અને સહયોગ તથા ક્ષમાભાવનાનો ઉદય થશે.
મન, વચન અને કર્મમાં પૂર્ણ પવિત્રતા શીખવાથી જ વેરની ભાવનાથી છુટકારો મેળવી શકાય છે.
પ્રતિભાવો