૧૪૧. વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૩/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 16, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથવર્વેદ ૩/૩૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સુહૃદયં સાંમનસ્યમ વિદ્વેષં કૃણોમિ વઃ । અન્યો અન્યમભિ હર્યંત વત્સં જાતમિવાધન્યા ॥ (અથવર્વેદ ૩/૩૦/૧)
ભાવાર્થ: આપણે પારસ્પરિક વેર ભાવનાનો ત્યાગ કરીને સહૃદય, મનસ્વી તથા ઉત્તમ સ્વભાવવાળા બનીએ. એકબીજાને હંમેશાં પ્યારની દૃષ્ટિથી જોઈએ, તો જ આપણે સુખી રહી શકીશું.
સંદેશ : ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું સ્થાન ઘણું જ મહત્ત્વનું છે. ત્યાગમય જીવનને જ અહીંયાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. દાનમાં કોઈના ૫૨ અહેસાન કરવાનો ભાવ રહે છે.પોતાના અહંકારનું પોષણ થાય છે અને બદલામાં નામ, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વગેરેની આકાંક્ષા પણ રહે છે, પરંતુ ત્યાગ તો દાનથી પણ ઉપરની સ્થિતિમાં છે. તે દુઃખ, મોહ, ક્રોધ, અહંકાર વગેરેથી પર છે. જે વ્યવસ્થામાં રૂપિયા, પૈસા તથા અન્ય ભૌતિક સંપત્તિઓનો ત્યાગ મહત્ત્વનો છે ત્યાં પોતાના દોષદુર્ગુણોના ત્યાગની ગરિમાનો પોતે જ અનુભવ કરી શકાય છે. એમાં પણ પારસ્પરિક વેરભાવનાને ત્યાગવી એ કુટુંબ તથા સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર છે. જ્યારે મનમાંથી દ્વેષભાવ દૂર થઈ જાય છે ત્યારે તેમાં પવિત્રતા અને નિર્મળતાનો વાસ થાય છે. એનાથી મનુષ્યના હૃદયમાં લોકો પ્રત્યે સદ્ભાવના જાગૃત થાય છે અને બદલામાં તેને બધાનો સહયોગ મળે છે.
સમાજ હોય કે કુટુંબ, જ્યાં સુધી બધામાં હૃદયની એકતા, મનની એકતા, દ્વેષનો અભાવ તથા પ્રેમ અને સદ્ભાવનાનો વ્યવહાર નહિ હોય ત્યાં સુધી સુખશાંતિનું વાતાવરણ સ્થપાઈ નહિ શકે. લક્ષ્ય એક હોવા છતાં જો પરસ્પર દ્વેષ હોય, કલેશ, ઈર્ષ્યા અને મનની મલિનતા હોય તો કામ કેવી રીતે ચાલી શકે? જો વિચારભેદ તથા મતભેદ હોય તો લક્ષ્ય પણ એક થઈ શકશે નહિ. જ્યારે લક્ષ્ય જ નિશ્ચિત નહિ હોય ત્યારે તો “અપના અપના સાજ, અપના અપના રાગ’ જેવી સ્થિતિ થઈ જશે. જો ગમે તે રીતે લક્ષ્ય એક થઈ જાય તો પછી બધાનાં મન તથા હૃદય પણ એક થવાં જોઈએ, તો જ પરસ્પર સહયોગ અને સહાનુભૂતિનું વાતાવરણ બનશે. સાચા મનથી સહયોગ મળવાથી જ લક્ષ્ય પૂરું થઈ શકશે. એનાથી જ પ્રેરણા અને ક્રિયાશીલતા આવે છે, પારસ્પરિક પ્રેમ અને સહાનુભૂતિની વૃદ્ધિ થાય છે. સર્વત્ર ઘનિષ્ઠ પ્રેમનો પ્રવાહ વહેતો રહેવાથી લોકો પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને એકબીજાના હિતનું ચિંતન કરે છે અને તે માટે પોતાના પ્રાણ આપવા પણ તૈયાર રહે છે. અરસપરસની પ્રેમભાવનાનું મહત્ત્વ સર્વાધિક છે. પ્રેમ અને સ્નેહથી પણ ઉપર વાત્સલ્યનો ભાવ હોય છે. જેવી રીતે મા પોતાનાં બચ્ચાંને અથવા ગાય પોતાના વાછરડાને વહાલ કરે છે, ચાટે છે તથા તેની ભલાઈ માટે સંસારનાં મોટામાં મોટાં સંકટોને પોતે ઝીલી લેવા તૈયાર રહે છે, એવી ભાવનાને જો આપણે પારસ્પરિક વ્યવહારમાં ઉતારી શકીએ તો આ સંસાર સ્વર્ગ બની જાય.
પરંતુ આ પ્રેમ, સ્નેહ તથા વાત્સલ્યની ભાવના આપણા મનમાં જાગે પણ કેવી રીતે ? ત્યાં તો વેર, દ્વેષ અને મનની મલિનતાનો કાદવ ભરેલો છે. જ્યાં સુધી તેનું નિવારણ ના થઈ શકે ત્યાં સુધી પ્રેમના અંકુર ક્યાંથી ફૂટે ? પ્રેમનો સૌથી મોટો દુશ્મન દ્વેષ છે. પારસ્પરિક એકતા, સ્નેહ, સદ્ભાવ અને સમજાવટથી જ આત્મીયતા તથા સહકાર સ્થાપિત થાય છે તથા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. એક્બીજા સાથેનું પ્રેમબંધન બળવાન થવાથી જ એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવાની પ્રવૃત્તિ વધશે. કુટુંબના હિતમાં, સમાજના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં જ લોકો પોતાનું હિત સમજશે.
વેર અને દ્વેષભાવને આપણા મનમાં ઘૂસવા જ ન દેવાં જોઈએ અને જો કદાચ તે આવી પણ જાય તો તેમને ધક્કા મારીને બહાર કાઢી મૂકવાં જોઈએ.
પ્રતિભાવો