૮. આત્મજ્ઞાન જ મોટામાં મોટી સંપત્તિ છે, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
July 17, 2022 Leave a comment
આત્મજ્ઞાન જ મોટામાં મોટી સંપત્તિ છે
આ રીતે જે માનવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરે છે તે માત્ર પોતે જ સુખી અને સફળ મનોરથી નથી હોતો, પરંતુ સંસારને પણ એક એવી ધારામાં પ્રવાહિત કરે છે કે જે અનેક માનવીઓને માટે કલ્યાણકારી સિદ્ધ થાય છે.
આપણા જીવનમાં સૌથી વધારે સુખ આપનાર અને મૂલ્યવાન ક્ષણ તે છે, જ્યારે આપણે ભૌતિક જગતની માયાજાળમાંથી પોતાની જાતને તટસ્થ કરીને આત્માની અનુભૂતિમાં પૂર્ણ રૂપથી ઓતપ્રોત થઈ જઈએ છીએ. આવી ક્ષણો પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ત્યારે જ મળે છે, જ્યારે આપણે દિવ્ય સૌંદર્યની સામે હોઈએ છીએ, નહિતર નહિ. ભૌતિક જગતની સંપત્તિ એને ખરીદી નથી શકતી અને સંસારની ઊંચામાં ઊંચી અવસ્થા, અધિકાર અથવા શક્તિ પણ એને પ્રાપ્ત કરાવવામાં અસમર્થ છે, કારણ કે આ જ એ ક્ષણ છે, યારે આત્મા શિશુસુલભ સરળતાથી પોતાના પ્રિયતમ ભગવાનની અનુપમ સુંદરતાની પૂજા કરે છે.
માનવીની સુંદરતમ એટલે કે સર્વોત્તમ સુખમય ક્ષણ જ તેનો સૌથી વધારે મૂલ્યવાન સમય હોય છે. માનવીય અનુભૂતિની પરાકાષ્ઠા પોતાના ભાઈભાંડુઓ ઉપર શાસન કરવામાં અથવા સંસારની કોઈ પણ ઇચ્છિત મૂલ્યવાન વસ્તુને ખરીદવાની શક્તિમાં નથી. વાસ્તવિક સંપત્તિ તો આત્માની અનુભૂતિથી પ્રાપ્ત થાય છે. સુખનું વ્યાવહારિક ચલણ ‘પ્રેમ’ છે.
સૌથી વધુ માલદાર તે જ છે, જે સૌથી વધારે આપે છે. આવું દાન કદાપિ સાંસારિક ધનના રૂપમાં નહિ થઈ શકે. રૂપિયા, આના, પૈસા તો પ્રતીક માત્ર છે, તે સિવાય બીજું કશું જ નહિ. ક્યારેક તો તે એવી હાથકડીનું પ્રતીક બની જાય છે,જે આપણને સંસારના બંધનમાં બાંધી લે છે અને ક્યારેક તે પ્રેમના બંધનમાં નાંખે છે, જે આપણને જડવાદથી મુક્ત કરાવે છે, પરંતુ જીવનના મોટા ભાગના સમયમાં આવી સુખદ ક્ષણો સામાન્યતઃ આવતી જ નથી.
જે સંસારમાં આપણે હરીએફરીએ અને બેસીએ છીએ, તેનું યથાર્થ રૂપ ઓળખવાની જરૂર ઈચ્છા કરવી જોઈએ. સાધારણ માનવીની દૃષ્ટિ સડી જાય અથવા બગડી જાય તેવી વસ્તુ પારખવા સુધી જ સીમિત હોય છે, પરંતુ આ ઉપરછલ્લી સ્થૂળતાની પાછળ બહુમૂલ્ય આધ્યાત્મિક વસ્તુઓનો એક અનંત સાગર છે. તે અલૌકિક સંપત્તિનું એક પૂર છે, જે વિશે આપણે ઘણુંખરું અજાણ છીએ, તો પણ આ આધ્યાત્મિક સંપત્તિ બધા માટે ઉપલબ્ધ છે. તે અમીર ગરીબ સાથે સંબંધિત નથી. આ સંપત્તિ ઉપર આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને ખરી રીતે આ માટે જ આપણે આ સંસારમાં જન્મ્યા છીએ. જો આપણે આ આધ્યાત્મિક સંપત્તિની, અલૌકિક સુંદરતાની જે ખાણ છે તેને શોધવા તૈયાર નથી થતા, તો આપણું જીવન નીરસ અને નિરર્થક બની જાય છે. સંસારમાં આત્મકલ્યાણની ઇચ્છા સૌ ધરાવે છે, પરંતુ ખરું આત્મકલ્યાણ ત્યારે જ સંભવ છે, જ્યારે માનવી તે માટે પ્રયત્નશીલ હોય. આત્મજ્ઞાન મેળવ્યા વગર જે આત્મકલ્યાણ ઇચ્છે છે, તે પાયા વગરનું મકાન ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો મોટે ભાગે ખોટા રસ્તા પકડીને આત્મકલ્યાણ કરવાને બદલે આત્મિક પતનના માર્ગે દોરાય છે. એટલા માટે સંસારમાં ઉચ્ચ સ્થિતિની આકાંક્ષા રાખનારાએ ચોક્કસપણે આત્માને ઓળખવાનો અને તેના આદેશનું પાલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
પ્રતિભાવો