૪. આત્મકલ્યાણ અને સદ્ઉપદેશ, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
July 17, 2022 Leave a comment
આત્મકલ્યાણ અને સદ્ઉપદેશ
આત્મકલ્યાણ માટે પ્રયત્ન તો મનુષ્ય પોતે જ કરવો પડે, પરંતુ સત્સંગ અને સદુપદેશ એના મુખ્ય આધાર છે. આપણા કાનોને સદુપદેશ રૂપી અમૃત નિરંતર મળતું રહેવું જોઈએ. મનુષ્યનો સ્વભાવ ચંચળ છે, ઇન્દ્રિયોની અસ્થિરતા પ્રસિદ્ધ છે. જો આત્મસુધારમાં દરેક ઇન્દ્રિયને વશમાં રાખવામાં આવે તો તે યોગ્ય છે, કારણ કે પ્રસંગ મળતાં જ તેની પ્રવૃત્તિ પતન તરફ લાગી જાય છે. સદુપદેશ એક એવો અંકુશ છે, જે મનુષ્યને કર્તવ્ય માર્ગ પર નિરંતર ચાલતા રહેવા પ્રેરે છે. સદ્માર્ગ પરથી વિચલિત થતાં જ કોઈ શુભ વિચાર કે સુવાક્ય ફરીથી યોગ્ય માર્ગ પર લઈ આવે છે.
દરેક સદુપદેશ એક દઢ પ્રેરક વિચાર છે. જેમ કોલસાના નાના કણમાં વિનાશકારી વિપુલ શક્તિ ભરેલી હોય છે, તેવી રીતે પ્રત્યેક સદુપદેશ શક્તિનો એક જીવતો જાગતો જ્યોતિપિંડ છે. તેનાથી તમને નવો પ્રકાશ અને નવીન પ્રેરણા પ્રાપ્ત થાય છે. મહાપુરુષોની અમૃતમય વાણી, કબીર, રહીમ, ગુરુ નાનક, તુલસી, મીરાબાઈ, સુરદાસ વગેરે મહાપુરુષોનાં પ્રવચનો, દોહા અને ગીતોમાં મહાન સિદ્ધાંતો ઠાંસીઠાંસીને ભરેલા છે, જેનો આધાર ગહન અનુભવ ઉપર રહેલો છે. આજે એ અમર તત્ત્વવેત્તાઓ આપણી વચ્ચે નથી, તેમનાં પાર્થિવ શરીર વિલુપ્ત થઈ ચૂક્યાં છે, પરંતુ પોતાના સદુપદેશના રૂપમાં તેઓ જીવનસાર છોડી ગયા છે, જે આપણા માર્ગદર્શન માટે ખૂબ સહાયક બની શકે છે.
માણસ મરી જાય છે. તેમનો માલસામાન, બંગલા, વૈભવ તૂટીફૂટીને નાશ પામે છે, પરંતુ તેમના જીવનનો સાર, ઉપદેશ અને વિદ્યાઓ અમર વસ્તુ છે, જે યુગો સુધી જીવતાં રહે છે. આ પૃથ્વી પર આજ સુધીમાં કોણ જાણે કેટલીય વ્યક્તિઓ આવી અને મૃત્યુને ભેટી છે, તેમનાં નામનિશાન સુધ્ધાં રહ્યાં નથી, પરંતુ જે વિચારકો, તત્ત્વવેત્તાઓ અને મહાપુરુષોએ પોતાના જીવન અનુભવ આપ્યા છે, તે આજે પણ મશાલની જેમ આપણને પ્રકાશ આપી રહ્યા છે.
મનુષ્યનો અનુભવ ધીમી ગતિથી વધે છે. જેમજેમ ઉંમર વધે છે, તેમતેમ કડવા-મીઠા ઘૂંટડા પીને આપણે આગળ વધીએ છીએ. હવે જો આપણે કેવળ પોતાના જ અનુભવો પર ટકી રહીશું તો જીવનનો સાર ઘણા દિવસે પામી શકીશું. એના કરતાં એ ઉત્તમ છે કે આપણે વિદ્વાનોના અનુભવોને ધ્યાનપૂર્વક વાંચીએ અને એને પોતાના અનુભવોથી પારખીએ, સરખામણી કરીએ અને જીવનમાં ઉતારીએ. તેમણે જે પ્રલોભનોનો ઉલ્લેખ કર્યો છે તેમનાથી દૂર રહીએ, જે સારી ટેવોને વખાણી છે તેમને વિકસાવીએ. સદુઉપદેશને ગ્રહણ કરવો તે આપણને પોતાને લાભ કરવાનો સરળ ઉપાય છે. સત્યના શોધક, ઉન્નતિના જિજ્ઞાસુ અને કીર્તિના ઇચ્છુકનું એ જ સર્વપ્રથમ કર્તવ્ય છે કે તેઓ માત્ર પોતાના થોડાક અનુભવોના બળ ઉપર ન ટકી રહેતાં માનવતાના પ્રશંસનીય અને ઉન્નત વિચારકોના અનુભવોમાંથી લાભ ઉઠાવે. સદુપદેશ આપણા માટે પ્રકાશનો જીવતો-જાગતો સ્તંભ છે. જેમ સમુદ્રમાં જહાજોને યોગ્ય માર્ગ બતાવવા માટે દીવાદાંડી બનાવવામાં આવે છે તેમ વિદ્વાનોના ઉપદેશ પણ એવા જ પ્રકાશસ્તંભ છે. અમે એવું નથી કહેતા કે તમે આંખ બંધ કરીને એમને ગ્રહણ કરો. તમે તમારી બુદ્ધિ અને તર્ક પાસે ખૂબ કામ લો,પરંતુ ઉપદેશોમાં વ્યક્ત આધાર તથા તત્ત્વને જરૂર ગ્રહણ કરો. તમને વિવેકવાન બનવામાં એ ખૂબ મદદ રૂપ થશે. સત્ય, પ્રેમ અને ન્યાયનો માર્ગ એનાથી સ્પષ્ટ થઈ જાય છે.
તમને બીજા કોઈ સારી સલાહ આપે તેને સાંભળવી તે તમારું કર્તવ્ય છે, પરંતુ તમારી પાસે અંતરાત્માનો અવાજ છે. તમે તમારા આત્માની સલાહ પ્રમાણે કામ કરતા રહો. કદી વિશ્વાસઘાતનો પ્રસંગ નહિ બને.
જેમણે ઘણા સદુપદેશ સાંભળ્યા છે, તેઓ દેવતા સ્વરૂપ છે. કારણ કે જ્યારે મનુષ્યની પ્રવૃત્તિ સારા માર્ગ તરફ હોય છે ત્યારે જ તે સદુપદેશોને પસંદ કરે છે, ત્યારે જ સત્સંગમાં બેસે છે, ત્યારે જ મનમાં અને પોતાની ચારે બાજુ શુભ સાત્ત્વિક વાતાવરણ વિનિર્મિત કરે છે. કોઈ વિચારને સાંભળવાનું તાત્પર્ય એ છે કે ચૂપચાપ અંતઃકરણપૂર્વક તેમાં રસ લેવો, એમાં ભ્રમણ કરવું જે જેવું સાંભળે છે તે સમય જતાં તેવો જ બની જાય છે. આજે તમે જે સદુપદેશો ધ્યાનપૂર્વક સાંભળો છો, તેવા કાલે ચોક્કસ બની પણ જશો. સાંભળવાનું તાત્પર્ય પોતાની માનસિક પ્રવૃત્તિઓને દેવત્વ તરફ વાળવી તે છે.
એક વિદ્વાને કહ્યું છે, “પાણી જેવી જમીન ઉપર વહે છે તેવો જ તેનો ગુણ થઈ જાય છે. મનુષ્યનો સ્વભાવ પણ સારાનરસા વિચારો અથવા લોકોના સંગ પ્રમાણે બદલાઈ જાય છે. તેથી ચતુર મનુષ્ય ખરાબ લોકોનો સંગ કરતાં ડરે છે, પરંતુ મૂર્ખ વ્યક્તિ ખરાબ વ્યક્તિઓ સાથે ભળી જાય છે અને તેમના સંપર્કથી પોતાની જાતને પણ દુષ્ટ બનાવી દે છે. મનુષ્યની બુદ્ધિ મગજમાં રહે છે, પરંતુ કીર્તિ તો તે જ સ્થાન પર નિર્ભય રહી શકે, જ્યાં તે ઊઠે બેસે છે. મનુષ્યનું ઘર ભલે ગમે ત્યાં હોય, પરંતુ વાસ્તવમાં તેનું નિવાસસ્થાન તે છે કે જ્યાં તે ઊઠેબેસે છે અને જે લોકો અથવા વિચારોની સોબત તેને પસંદ છે. આત્માની પવિત્રતાનો આધાર મનુષ્યનાં કાર્યો પર રહેલો છે અને તેનાં કાર્યો સોબત પર આધારિત છે. ખરાબ વ્યક્તિ સાથે રહેનાર સારા લાભ મેળવે એ ખૂબ મુશ્કેલ છે. ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ ધર્માચરણ કરવાની બુદ્ધિ સત્સંગ અથવા સદુપદેશથી જ પ્રાપ્ત થાય છે. યાદ રાખો, કુસંગથી વધારે મોટી હાનિકારક વસ્તુ બીજી કોઈ નથી તથા સત્સંગથી મોટો કોઈ લાભ નથી.’’
જ્યારે તમે સદુપદેશોની સોબતમાં રહો છો તો આપોઆપ જ સારા થવા માંડો છો. આ સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા સ્થૂળ નેત્રોથી દેખાતી નથી, પરંતુ તેનો પ્રભાવ તીવ્ર બનતો જાય છે. છેવટે મનુષ્ય તેના લીધે જ બદલાઈ જાય છે.
ગંગાજળથી જેવી રીતે શરીર શુદ્ધ બને છે તેવી રીતે સદપદેશથી બુદ્ધિ, મન અને આત્મા પવિત્ર બને છે. ધર્માત્મા મનુષ્યોની શિખામણ એક મજબૂત લાકડી જેવી છે, જે નીચા પડી ગયેલા પતિતોને સહારો આપી ઊંચા ઉઠાવતી રહે છે અને ખરાબ પ્રસંગોએ પડતીથી બચાવી લે છે. જેઓ શિક્ષિત છે તેમના માટે એકથી એક ચડિયાતા સુંદર અનુભવપૂર્ણ ગ્રંથો ઉપલબ્ધ છે. કવિઓ, વિચારકો તથા તત્ત્વદર્શકોની વાણીઓ, દોહા, ભજન સૂક્તિઓ છે. તેનું મનન અને આચરણ કરવું જોઈએ. જેઓ અશિક્ષિત છે તેઓ પણ ધર્માત્માઓના સત્સંગથી એટલી શક્તિ પ્રાપ્ત કરી શકે છે કે જેનાથી પોતાની જાતને સંભાળી શકે અને મુશ્કેલીઓના સમયમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકે. સ્વયં ભગવાને ગીતામાં કહ્યું છે –
નહિ જ્ઞાનેન સદેશં પવિત્રમિહ વિદ્યતે । તત્સ્વયં યોગસંસિદ્ધ કાલેનાત્મનિ વિન્દતિ ॥
અર્થાત્ આ સંસારમાં સદ્જ્ઞાન જેવી પવિત્ર કરનારી બીજી કોઈ પણ વસ્તુ નથી. આ જ્ઞાનને કેટલાય સમયથી કર્મયોગ દ્વારા શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરેલ માનવી પોતાની મેળે જ આત્મામાં મેળવી લે છે.
યે માનવા હરિકથા શ્રવણાસ્તદોષા । કૃષ્ણ નિપડંઘ્નિપહ્મભજને રતચેતનાશ્વ II
તે વૈપુનન્તિ ચ જર્ગાન્ત શરીર સંગાત્ । સમ્ભાષણાદપિ તતો હરિરેવે પૂજ્યઃ II
હિર પૂજાપરા યત્ર મદ્ધાન્ત નુદ્ધ બુદ્ધયઃ । તત્રૈવ સકલં ભદ્રં યથા નિમ્ને જલં દ્વિજઃ ॥
જે માણસો ભગવાનની કથા સાંભળીને તેમાંથી સદુપદેશ ગ્રહણ કરીને પોતાના દુર્ગુણ દૂર કરી ચૂક્યા છે અને જેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમલની આરાધનામાં પરોવાયેલું છે, તેઓ પોતાના શરીર દ્વારા અથવા સંભાષણથી પણ જગતને પવિત્ર કરે છે. તેથી હંમેશાં શ્રીહિરની જ પૂજા કરવી જોઈએ. જેમ નીચી જગ્યાએ આજુબાજુનું બધું જ પાણી વહી આવીને એકત્ર થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં ભગવત્ પૂજાપરાયણ, શુદ્ધ ચિત્તવાળા મહાપુરુષો રહે છે ત્યાં સંપૂર્ણ કલ્યાણનો વાસ હોય છે.
પ્રતિભાવો