૧. આત્મનિર્માણનો માર્ગ, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
July 17, 2022 Leave a comment
આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
ગાયત્રી મહામંત્રનો ત્રેવીસમો અક્ષર ‘દ’ આપણને આત્મજ્ઞાન અને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે –
દર્શન હ્યાત્મનઃ કૃત્વા જાનીયાદાત્મ ગૌરવમ્ । જ્ઞાત્વા તુ તત્તદાત્માનં પૂર્ણોન્નતિપથં નયેત્ ।।
અર્થાત્ “આત્માને જુઓ, આત્માને જાણો, એના મહાન ગૌરવને ઓળખો અને આત્મોન્નતિના માર્ગ પર ચાલો.’
મનુષ્ય મહાન પિતાનો સૌથી પ્રિય પુત્ર છે. સૃષ્ટિનો મુગટમણિ હોવાને લીધે એનું ગૌરવ અને જવાબદારી પણ મહાન છે. આ મહત્તા તેના દુર્બળ શરીરને લીધે નહિ, પરંતુ આત્મિક વિશેષતાઓને કારણે છે. જેનો આત્મા જેટલો બળવાન છે તેટલો જ તે શ્રેષ્ઠ મહાન પુરુષ છે.
આત્મગૌરવની રક્ષા કરવી એ મનુષ્યનું પવિત્ર કર્તવ્ય છે. જેનાથી આત્મગૌરવ ઘટતું હોય, આત્મગ્લાનિ થતી હોય, આત્માને હણવો પડતો હોય એવું ધન, સુખ, વૈભવ અને પદ લેવા કરતાં નાગા તથા ભૂખ્યા રહેવું વધુ સારું છે. જેની પાસે આત્મધન છે તેને સાચો ધનવાન ગણવો જોઈએ. જેનું આત્મગૌરવ સુરક્ષિત છે તે ઇન્દ્રના જેવો મોટો પદધારી છે, ભલે પછી ચાંદી કે તાંબાના ટુકડા તેની પાસે ઓછા પ્રમાણમાં કેમ ન હોય ?
પોતાને શરી૨ સમજવાથી મનુષ્ય માયાગ્રસ્ત થાય છે અને શરીર સાથે સંબંધ રાખનારી સાંસારિક મુશ્કેલીઓમાં ખોવાયેલો રહી મનુષ્યજીવન જેવા અમૂલ્ય સૌભાગ્યને ખોઈ બેસે છે. જ્યારે એવી અનુભૂતિ થવા લાગે કે હું આત્મા છું, શરીર તો મારું માત્ર એક અલ્પજીવી વસ્ત્ર જ છે, વર્તમાન જીવન અનંત જીવનની એક નાની કડી માત્ર છે, તો તે પોતાનો સ્વાર્થ એવી બાબતોમાં જુએ છે કે જેના વડે આત્માના કલ્યાણની સાધના થઈ શકે.
૧. આત્મનિર્માણનો માર્ગ : મનુષ્યનું અંતઃકરણ કેટલાક વિશ્વાસોથી છવાયેલું રહે છે. એ વિશ્વાસોના આધારે જ જીવનયાત્રા ચાલતી રહે છે. શરીરની ક્રિયાઓ મન તથા બુદ્ધિની ઇચ્છા પ્રમાણે થાય છે. આ રીતે શરીર અને મન એ બંનેની પ્રવૃત્તિઓ વિશ્વાસ બીજ પર આધારિત હોય છે.
કેટલાંક વિશ્વાસરૂપી બીજ તો પ્રાણી પૂર્વજન્મના સંસ્કારરૂપે સાથે લાવે છે, પરંતુ મોટા ભાગનાં આ જીવનમાં જ તૈયાર થાય છે. માતાપિતાના, કુટુંબીજનોના તથા પાડોશીઓના વિચાર વ્યવહારનો ઘણોખરો ભાગ બાળક ગ્રહણ કરે છે. નજર સમક્ષ બનતી ઘટનાઓનો પ્રભાવ, વાતાવરણ અને પરિસ્થિતિઓનો પ્રભાવ બાળક પર અચૂક પડે છે.મોટો થતાં પુસ્તકોમાંથી, મિત્ર પાસેથી, પ્રવચનો દ્વારા તથા પોતાની તર્કશક્તિથી તે થોડો નિષ્કર્ષ તારવે છે. આ નિષ્કર્ષના વિરોધમાં કોઈ જબરદસ્ત તર્ક કે કારણ સામે ન આવે તો તે વિશ્વાસ બીજની જેમ મનોભૂમિમાં અંકિત થઈ જાય છે અને ત્યાં તેનાં મૂળ ઊંડે સુધી નાખે છે. તે બીજના જે છોડ ઊગે છે તેને આપણે વિચાર અથવા કાર્ય રૂપે પ્રગટ થતા જોઈએ છીએ.
મનુષ્ય અહંકારપ્રધાન પ્રાણી છે. તેને ‘અહમ્’ ખૂબ વહાલો હોય છે. જે વસ્તુની સાથે તે અહમ્ને જોડી લે છે તે વસ્તુઓ પણ તેને પ્રિય લાગવા માંડે છે. સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ, યશ વગેરે પોતાનાં હોય તો પ્રિય લાગે છે, પરંતુ જો તે બીજાનાં હોય તો તેમાં કોઈ રસ પડતો નથી. કોઈવાર તો ઊલટી ઈર્ષ્યા પણ થાય છે. પોતાના દોષો સાંભળવાનું ધૈર્ય મોટામોટા ધનવાનોમાં પણ નથી હોતું અને પોતાની પ્રશંસા સાંભળવા માટે મોટામાં મોટા ત્યાગીઓ પણ અધીરા બની જાય છે. આ જ ‘અહમ્’ ભાવ પોતાના વિશ્વાસ
બીજ સાથે સંયુક્ત બની જાય છે તો તે પોતાનાં ધન, સ્ત્રી કે પુત્રની જેમ પ્રિય લાગવા માંડે છે. જેમ પોતાની વસ્તુઓની નિંદા કે હાનિ થતી જોઈને ક્રોધ આવી જાય છે અને નિંદા કે હાનિ કરનારા સાથે સંઘર્ષ કરવા તૈયાર થઈ જઈએ છીએ. તેવી જ રીતે પોતાની શ્રદ્ધાથી પ્રતિકૂળ કોઈ વિચાર કે કાર્ય સામે આવતું જોઈને માણસ પોતાની સહિષ્ણુતા ખોઈ બેસે છે અને વિરોધી પ્રત્યે ગુસ્સે થઈ જાય છે. આ વિશ્વાસબીજ બે કામ કરે છે : (૧) મન અને શરીરને એક નિશ્ચિત દિશામાં કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. (૨) પોતાનાથી પ્રતિકૂળ સિદ્ધાંતવાળા તરફ ઘૃણા, વિરોધ કે સંઘર્ષ ઉત્પન્ન કરે છે. તેથી એનું માનવજીવનમાં ખૂબ મહત્ત્વ છે. તેના થોડા જ ફેરફારને કારણે જીવનનું રૂપ સ્વર્ગમાંથી નર્કમાં અને નર્કમાંથી સ્વર્ગમાં ફેરવાઈ જાય છે.
આજે જૂઠું બોલવાની, મનોભાવોને સંતાડવાની અને પેટમાં કંઈક રાખીને મુખેથી કંઈક બીજું જ કહેવાની પ્રથા ખૂબ પ્રચલિત છે. કેટલીય વ્યક્તિઓ મોંએથી ધર્મની ચર્ચા કરે છે, પણ તેમના પેટમાં પાપ અને સ્વાર્થ હોય છે. આ પેટમાં વર્તાતી સ્થિતિ જ મુખ્ય છે. તે અનુસાર જ જીવનની ગતિ સંચાલિત થાય છે. એક મનુષ્યના મનમાં વિશ્વાસ બેસી જાય છે કે “પૈસાની અધિકતા જ જીવનની સફળતા છે.” તો તે ધન ભેગું કરવામાં રાતદિવસ એક કરે છે. જેના હૃદયમાં એવી ધારણા હોય કે “ઈન્દ્રિયભોગનું સુખ જ મુખ્ય છે” તો તે ભોગ માટે બાપદાદાઓની મિલકત ફૂંકી મારે છે. જેને વિશ્વાસ હોય છે કે “ઈશ્વરપ્રાપ્તિ સર્વોત્તમ લાભ છે’ તે બીજા ભોગોને તિલાંજલિ આપીને સંતનું જીવન વિતાવી દે છે. જેને દેશભક્તિની ઉત્કૃષ્ટતા પર વિશ્વાસ હોય છે, તે પોતાના પ્રાણનો બલિ દેશ માટે આપીને પ્રસન્નતાનો અનુભવ કરે છે. જેના હૃદયમાં જે વિશ્વાસ દૃઢ થયો હોય તે પ્રમાણે તે વિચારે છે, કલ્પના કરે છે, યોજના બનાવે છે, કાર્ય કરે છે અને તે કાર્ય માટે જે મુશ્કેલીઓ આવી પડે તેમને પણ સહન કરે છે. બનાવટી વાતોથી, બકવાસથી કે બાહ્ય વિચારોથી નહિ, પરંતુ આંતરિક શ્રદ્ધાથી જીવંત દિશાનું નિર્માણ થાય છે.
સામાજિક રીતરિવાજ, નાતજાત, અસ્પૃશ્યતા, લગ્ન, ખાણીપીણી, ધર્મ, સંપ્રદાય, ઈશ્વર, પરલોક, ભૂતપ્રેત, દેવી દેવતા, તીર્થ, શાસ્ત્ર, રાજનીતિ, ચિકિત્સા, આચારવિચાર, મનોરંજન તથા પોતાની અને બીજાની આત્મિક સ્થિતિની બાબતમાં કેટલાક વિશ્વાસ જામી ગયા હોય છે. તેના આધારે જ શરીર અને મનના અવયવો કામ કરે છે. એક માણસની ઇચ્છા, આકાંક્ષાઓ, વિચારધારા અથવા કાર્યપ્રણાલી બીજાથી જુદી હોય છે. એનું કારણ તેમના સિદ્ધાંતોની ભિન્નતા સિવાય બીજું કંઈ નથી. શાસ્ત્રોમાં આત્માને નિર્લેપ, શુદ્ધ તથા પવિત્ર કહ્યો છે, પરંતુ આ સિદ્ધાંત જ તેને એકબીજાથી જુદા, સંકીર્ણ તથા સારા નરસા બનાવી દે છે.
સાંપ્રદાયિક, જાતિગત, પ્રાંતીય રીતરિવાજો તથા વિચાર ધારાઓના સંપર્કને કારણે મનુષ્ય તેમને ગ્રહણ કરી લે છે. સામાન્ય રીતે મનુષ્યનો સ્વભાવ નકલખોર છે. તર્ક અને વિવેકનો તે કોઈકવાર અને કોઈક જગ્યાએ જ પ્રયોગ કરે છે. કારણ એ છે કે તર્ક કરવા માટે અને દૂરદર્શિતાપૂર્ણ બારીકાઈથી વિચાર કરવા માટે મગજને વિશેષ કસવું પડે છે. જેવી રીતે શારીરિક શ્રમ કરવા માટે બધા જ લોકો બહાનાં કાઢે છે, તેવી જ રીતે તીક્ષ્ણ વેધક દૃષ્ટિથી સત્ય સુધી પહોંચવા માટે ભારે માનસિક શ્રમ કરવાની લોકોમાં હિંમત હોતી નથી. ઘણાખરા લોકોમાં તો આ પ્રકારની યોગ્યતા પણ નથી હોતી. જેમના છે તે પોતાના પરમપ્રિય વિષયને છોડીને અન્ય વિષયો તરફ ગંભીર દૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરતા નથી. એવી રીતે સામાન્યતઃ દેખાદેખી નકલ કરવાની પરંપરા ચાલી આવે છે. આ જ પરંપરા સમય જતાં વિશ્વાસબીજ બની જાય છે.
પોતાની વાતને જ મુખ્ય અને સાચી માનવાનો અર્થ બીજાની વાત જુદી માનવી એવો થાય. આ પ્રકા૨નો અહંકાર અજ્ઞાનનો ઘોતક છે. આ અસહિષ્ણુતાથી જ ધૃણા અને વિરોધ વધે છે. સત્યની પ્રાપ્તિ થતી નથી. સત્યની પ્રાપ્તિ થવાનું ત્યારે જ સંભવી શકે, જ્યારે આપણે આપણી ભૂલો, ત્રુટિઓ અને નબળાઈઓને નિષ્પક્ષ ભાવથી જોઈએ. આપણા વિશ્વાસબીજોનું આપણે નિરીક્ષણ અને પરીક્ષણ કરવું જોઈએ કે જે આપણી શક્તિનું કેન્દ્ર છે, જેની પ્રેરણાથી આપણી જીવનદિશા સંચાલિત થાય છે. એ વિશ્વાસબીજોનું આપણે નિષ્પક્ષ ભાવથી કઠોર સમાલોચકની અદાથી પોતાની અંતઃભૂમિમાં નિરીક્ષણ કરવું જોઈએ. જેવી રીતે ચતુર ખેડૂત પોતાના ખેતરમાં ઊગેલાં ઝાડી ઝાંખરાંને પોતાનાં માનતો નથી કે નથી તેમની સાથે પોતાપણાનો મોહ રાખતો, પણ એમને નિષ્ઠુરતાથી ઉખેડીને ફેંકી દે છે, તેવી રીતે આપણે પણ આપણા કુસંસ્કારોને વીણી વીણીને ઉખાડી નાખવા જોઈએ. આજ સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ કે એમને બદલવાથી આપણી ફજેતી થશે. એવી બીક નકામી છે. આત્મનિર્માણ માટે, સત્યની પ્રાપ્તિ માટે આપણે આપણું પુનઃનિર્માણ કરવું પડશે. જેવી રીતે માથાનું મુંડન કરાવીને બ્રહ્મચારી ગુરુકુળમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે પોતાની સમસ્ત પૂર્વમાન્યતાઓને દૂર કરીને નવા પંથે, યોગ્ય, ઉપયોગી અને સાચી માન્યતાઓને હૃદયભૂમિમાં પ્રતિષ્ઠિત કરવી જોઈએ. તો જ આપણે આત્મનિર્માણનાં મહામંદિરમાં પદાર્પણ કરી શકીએ છીએ. પક્ષપાતી અને ભ્રમિત ધારણાઓના દુરાગ્રહી મનુષ્ય માટે સત્યનું દર્શન અસંભવ છે.
પ્રતિભાવો