૬. આત્મજ્ઞાન અને યોગ, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
July 17, 2022 Leave a comment
આત્મજ્ઞાન અને યોગ
આમ તો યોગને એક ખૂબ ગૂઢ અને અઘરો વિષય માનવામાં આવે છે, પરંતુ જેમ ગીતામાં કહેવાયું છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં બધાં સાધન ‘યોગ’ સાથે સંબંધ રાખે છે અને એ જ દૃષ્ટિથી દરેક સાચા આત્મજ્ઞાનીને યોગી પણ કહી શકાય. તેથી આત્મજ્ઞાનની ઇચ્છા રાખનારને યોગમાર્ગનો પરિચય હોવો જરૂરી છે અને તેમાંથી પોતાને અનુકૂળ વિધિઓથી લાભ ઉઠાવવો પણ યોગ્ય છે.
માનવીની ચેતના સાપેક્ષ ચેતના છે. એની સાપેક્ષતાને નષ્ટ કરી દેવી એ જ યોગનું એકમાત્ર લક્ષ્ય છે. જ્યારે મનની ઉપાધિ અદૃશ્ય થઈ જાય છે ત્યારે ચેતના પોતાની પરમ અવસ્થાને પ્રાપ્ત કરતી હોય છે, જ્યાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી રહેતું, પરંતુ અસ્તિત્વના ‘હોવાપણાનું તત્ત્વ’ રહે છે, જ્યાં કોઈ વસ્તુવિશેષના અસ્તિત્વના જ્ઞાન નથી હોતું, પરંતુ પરમ અસ્તિત્વનું પરમ જ્ઞાન હોય છે અને જ્યાં વિભિન્ન વસ્તુઓના જ્ઞાનનો આનંદ હોતો નથી, પરંતુ અસ્તિત્વના પારમાર્થિક જ્ઞાનનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ જ સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર છે, એ જ બ્રહ્મ અથવા સનાતન સત્ય છે. એ જ મુક્તિ અથવા મોક્ષ છે, એના જ્ઞાનથી જ મનુષ્ય પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકે છે.
તમેય વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યા પન્થા વિદ્યતેડયનાય।(શ્વેતાશ્વતર,૩-૮)
“તેને જાણી લેવાથી માણસ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. કોઈ બીજો માર્ગ નથી.” આ પારમાર્થિક સ્થિતિને પ્રાપ્ત કરવા માટે મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્ય જુદાજુદા માર્ગ ગ્રહણ કરે છે. દરેક માર્ગને યોગ કહીને સંબોધે છે. યોગ એક એવી પ્રક્રિયા છે, જેનાથી જીવ પોતાની અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓથી મુક્ત બનીને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું જ્ઞાન મેળવી શકે. બ્રહ્મ સાથે એકરૂપતાનો સંબંધ સ્થાપિત કરવો એ જ યોગ છે, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો એ યોગ છે. પ્રેમ સ્વરૂપ પરમાત્મા પૃથ્વીના કણેકણમાં હોવાનું ભાન થવું એ યોગ છે. નિમિત્ત રૂપથી સહજ અવસ્થામાં સ્થિત થઈને અખિલ વિશ્વના કલ્યાણ માટે બ્રહ્મકર્મમાં સંલગ્ન રહેવું તે યોગ છે તથા સાથે સાથે તે બધી પ્રક્રિયાઓ અને સાધનાઓ પણ યોગ છે, જે આ લક્ષ્ય તરફ(ખરેખર લક્ષ્ય તો એક જ છે, પરંતુ તેને જુદાજુદા દૃષ્ટિકોણથી જોવાથી વિભિન્ન પ્રકારનાં જણાય છે) આપણને પ્રવૃત્ત કરે છે.
આ રીતે મોટે ભાગે ચાર યોગ ગણવામાં આવે છે – જ્ઞાનયોગ, કર્મયોગ, રાજયોગ અને ભક્તિયોગ. માનવીના સંસ્કાર અને કર્મગત પોતપોતાની પ્રકૃતિ અનુસાર તેના સાધના માર્ગોમાં પણ બાહ્ય રીતે ભેદ છે. આ ભેદ દરેક વ્યક્તિની માનસિક વિભિન્નતાને કારણે છે. યોગની આ બાહ્ય વિભિન્નતાને આધારે આધ્યાત્મિક અનુભવોની પણ બાહ્ય વિભિન્નતા જોવા મળે છે, પરંતુ એ બાબતે ધ્યાન આપવું જરૂરી છે કે યોગની વાસ્તવિક પ્રગતિ સર્વાંગી પ્રગતિ જ છે. કોઈ એક યોગવિશેષમાં ઉન્નતિ કરવાનો અર્થ છે યોગોમાં સમાનરૂપથી ઉન્નતિને પ્રાપ્ત કરવી, પછી ભલે બાહ્ય અનુભવોની અભિવ્યક્તિમાં ભિન્નતા હોય. અત્રે માત્ર એ જ અનુભવો વર્ણવ્યા છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે અનિવાર્ય છે. માનવી ભલે ગમે તે યોગ કરતો હોય, પરંતુ તેમાં જો નીચેનાં સામાન્ય લક્ષણો અને અનુભવોનો અભાવ હોય તો ચોક્કસપણે સમજવું કે તે આધ્યાત્મિક માર્ગથી પરિચિત નથી.
પ્રસન્નતા : આધ્યાત્મિક સાધકોમાં સાધનાની સાથેસાથે પ્રસન્નતા પણ ઉત્તરોત્તર વધવી જોઈએ. એ સ્વસ્થ મન અને શુદ્ધ હૃદયની સૂચક છે. એ ચિત્તનો પ્રસાદ છે અથવા મનની શાંતિની બોધક છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ નથી થતું, મનના વિકાર ક્ષીણ નથી થતા, વિક્ષિપ્તતા દૂર નથી થતી ત્યાં સુધી માનવી પ્રસન્નતાને પ્રાપ્ત નથી કરી શકતો. પ્રસન્નતા એક નિશ્ચિત લક્ષણ છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે સાધકે પોતાની સાધનામાં સફળતા પ્રાપ્ત કરી છે કે નહિ. ઘણા લોકો સાધુરૂપમાં દેખાવા માટે બહુ જ ઉદાત્તપૂર્ણ મુખારવિંદ રાખતા જોવા મળે છે. આ તેમનો ભ્રમ છે. જે મન સુખનાં કિરણોથી ઓતપ્રોત હોય તેમાં જ સત્યનો સંચાર થાય છે. સાત્ત્વિક મન જ યોગની ગંભીર સાધનામાં સફળતાપૂર્વક પ્રવૃત્ત રહી શકે છે. તેથી સુંદર સદ્ગુણ એકત્ર કરવા તે આત્માનો આનંદ છે. હંમેશાં આનંદિત જ રહેવું જોઈએ.
સંતોષ : શાંતિ, સત્સંગ, સંતોષ તથા સદ્વિચાર એ મોક્ષના ચાર દ્વારપાળ છે. સંતોષથી મોટો કોઈ લાભ નથી. સંતોષથી પરમ શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. સંતોષ સાત્ત્વિક ગુણ છે. તેનાથી માનવી આળસુ નથી બનતો, ઊલટાનો વધારે સક્રિય બને છે. સંતોષથી વૈરાગ્ય, વિવેક અને વિચારમાં વધારો થાય છે. જેનામાં સંતોષ છે, તેમાં જ ઈશ્વરીય જ્યોતિનું અવતરણ થાય છે. સંતોષ જ સર્વોત્તમ ધન છે. આત્મા પોતે નિત્ય તૃપ્ત છે. સંતોષી માનવીની આગળ બધી જ ત્રુટિઓ ડોલે છે. તે મહાપુરુષો તથા તપસ્વી દ્વારા પણ પૂજાય છે. વૈરાગ્ય : રાગ જ બંધનને મજબૂત કરે છે. વૈરાગ્યથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સાધકમાં જ્યારે સત્યનો સમાવેશ થાય છે, ત્યારે તેને બધાય વિષય પદાર્થો પ્રત્યે સ્વાભાવિક વિરક્તિ થઈ જાય છે. વૈરાગ્યની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. આ તેનો સ્પષ્ટ સંકેત છે કે સાધક આધ્યાત્મિકતા તરફ વધી રહ્યો છે. જો વૈરાગ્યની સ્થિતિનો અનુભવ માનવીને નથી થતો તો તે રજમાત્ર પણ આધ્યાત્મિક પ્રગતિ નથી કરી શકતો. વૈરાગ્ય મહાન શક્તિ છે, જેનાથી સાધક સતત ધ્યાનમાં પ્રવૃત્ત રહે છે અને છેવટે આત્મ સાક્ષાત્કાર કરે છે. વિવેકયુક્ત વૈરાગ્ય જ લાભકારક છે, કારણ કે તેવો વૈરાગ્ય સ્થાયી છે.
અભય : આ દૈવી સંપત્તિ છે. તે અવિદ્યાથી ઉત્પન્ન થાય છે. ભય તો અવિદ્યાથી જન્મે છે. શરીરની સાથે એકાત્મભાવ રાખવાથી જ માનવી ભયભીત રહે છે. જેમજેમ માનવીમાં આંતરિક શાંતિ, સંતોષ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે, તેમતેમ તેની ભયની ભાવનાનું પતન થાય છે. અભયની પૂર્ણાવસ્થા જીવનમુક્ત મનુષ્યમાં જ જોવા મળે છે.
સમાધાનઃ મનમાં પૂર્ણ શાંતિ રહે છે. વિક્ષેપ નથી થતો. યોગીનું મન હંમેશાં લક્ષ્ય પ્રત્યે લાગ્યું રહે છે. સમાધાન પ્રાપ્ત સાધક જ સતત એકધારા ધ્યાનનો અભ્યાસ કરી શકે છે. તેમનામાં વિચાર કરવાની ક્ષમતા પ્રબળ હોય છે.
સાધનામાં સફળતાની સાથેસાથે સારા ગુણ માનવીમાં આવવા લાગે છે. શાંતિ, પૂર્ણતા, એકાગ્રતા,નિશ્ચલતા, સમત્વ, ધૃતિ, શ્રદ્ધા વગેરે ગુણો તેમાં વસે છે. ચમત્કારોની ક્ષમતાને આધારે માનવી યોગી નથી બનતો, પરંતુ આ સદ્ગુણોની વૃદ્ધિથી સાચો યોગી બને છે. જે માનવીમાં એક પણ સારો ગુણ હોય છે તેની પાસે અન્ય સારા ગુણો જલદી દોડતા આવે છે.
પ્રતિભાવો