૨. આત્મોન્નતિ માટે આવશ્યક ગુણ, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ

આત્મોન્નતિ માટે આવશ્યક ગુણ : જો તમે જલદીથી આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા હો તો એને માટે સજાગતા, હોશિયારી રાખવી બહુ જરૂરી છે. આધ્યાત્મિક માર્ગમાં થોડીક સફળતા, મનની થોડી ગંભીરતા, એકાગ્રતા, સિદ્ધિઓનું થોડું દર્શન, થોડીક અંતર્નાનની શક્તિથી કદી સંતુષ્ટ ન થાઓ. એનાથી પણ ઊંચાં ચઢાણ હજુ ચડવાનાં બાકી છે.

તમારા જીવનને સેવામય બનાવી દો, સેવા માટે તમારા હૃદયમાં ચાહના તથા ઉત્સાહ ભરી દો. બીજાઓ માટે પ્રસાદ બનીને રહો. જો એવું જ કરવા ઇચ્છતા હો તો તમારે તમારું મન નિર્મળ બનાવવું પડશે. તમારા આચરણને દિવ્ય અને આદર્શ બનાવવું પડશે. સહાનુભૂતિ, પ્રેમ, ઉદારતા, સહનશીલતા અને નમ્રતા વધારવી પડશે. જો બીજાના વિચારો તમારા વિચારોથી ભિન્ન હોય તો તેની સાથે લડાઈઝઘડા ન કરો. અનેક પ્રકારનાં મન હોય છે. વિચારવાની શૈલી અનેક પ્રકારની હોય છે. વિચારવાના ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. તેથી દરેક દૃષ્ટિકોણ નિર્દોષ હોઈ શકે. લોકોના મત સાથે અનુકૂળ બનો. તેમના મત (સિદ્ધાંત)ને પણ ધ્યાનથી તથા સહાનુભૂતિપૂર્વક જુઓ અને તેનો આદર કરો. તમારા અહંકારરૂપી ચક્રના ક્ષુદ્ર કેન્દ્રબિંદુમાંથી બહાર નીકળો અને તમારી દૃષ્ટિને વિશાળ બનાવો. તમારો મત સર્વગ્રાહી અને ઉદાર બનાવી સૌના મત માટે જગ્યા રાખો, તો જ તમારું હૃદય ઉદાર અને જીવન વિશાળ બનશે. તમારે ધીરેધીરે મધુર અને નમ્ર બનીને વાતચીત કરવી જોઈએ. મિતભાષી બનો. અવાંછનીય વિચારો અને સંવેદનાઓને કાઢી નાંખો. અભિમાન અથવા ચીડિયાપણાને લેશમાત્ર પણ બાકી ન રહેવા દો. પોતાની જાતને એકદમ ભૂલી જાઓ. પોતાના વ્યક્તિત્વનો એક પણ અંશ કે ભાવ ન રહેવો જોઈએ. સેવાકાર્ય માટે પૂર્ણ આત્મસમર્પણની જરૂર છે. જો તમારામાં ઉપરના ગુણો હાજર હશે તો તમે સમાજ માટે પથદર્શક અને અમૂલ્ય પ્રસાદ રૂપ છો. તમે એક અલૌકિક સુગંધી પુષ્પ છો, જેની સુગંધ આખા દેશમાં વ્યાપી જશે. જો તમે આવું કરી શકો, તો તમે જ્ઞાનની ઉચ્ચતમ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી કહેવાય.

નમ્ર, દયાળુ, ઉપકારી અને સહાયક બનો. એવું નહિ કે કોઈવાર જરૂર પડે જ આવા ગુણોનો ઉપયોગ કરવો, પરંતુ દરેક સમયે, આખા જીવનપર્યંત એ ગુણોનો અભ્યાસ થવો જોઈએ. એક પણ શબ્દ એવો ન બોલો, જેનાથી બીજાને દુઃખ પહોંચે. બોલતાં પહેલાં એકવાર વિચારી લો અને જોઈ લો કે તમે જે કહેવા માગો છો તે બીજાના મનને દુઃખી નહિ કરી દે ને – શું એ બુદ્ધિયુક્ત, મધુર, સત્ય તથા પ્રિય તો છે ને. પહેલેથી જ ધ્યાનપૂર્વક સમજી લો કે તમારા વિચાર, શબ્દો અને કાર્યોનો કેવો પ્રભાવ પડશે. શરૂઆતમાં તમે ભલે ઘણીવાર અસફળ બનશો, પરંતુ તમે અભ્યાસ (મહાવરો) કરતા રહેશો તો છેવટે જરૂર સફળ થઈ શકશો.

તમારે કોઈ પણ કામ નિરુત્સાહથી, બેપરવાઈથી કે મન વગર ન કરવું જોઈએ. જો મનની એવી વૃત્તિ રાખશો તો જલદીથી ઉન્નતિ નહિ કરી શકો. સંપૂર્ણ ચિત્ત, મન, બુદ્ધિ તથા આત્માને એ કામમાં લગાડી દેવાં જોઈએ, તો જ તમે એને યોગ કે ઈશ્વરીય કહી શકશો. કેટલાક માણસો હાથથી તો કામ કરે છે, પણ તેમનું મન કોલકાતાના બજારમાં હોય છે. બુદ્ધિ ઓફિસમાં હોય છે અને આત્મા સ્ત્રી કે પુત્રમાં જોડાયેલો રહે છે. આ ખરાબ ટેવ છે. તમારે કોઈ પણ કામને યોગ્યતા અને સંતોષપ્રદ ઢંગથી કરવું જોઈએ. તમારો આદર્શ એ હોવો જોઈએ કે એક જ સમયમાં એક જ કામ સારી રીતે કરો. જો તમારા ગુરુ અથવા મિત્ર તમને ટુવાલ ધોવાનું કહે તો તમારે તેમને પૂછયા વિના જ બીજાં કપડાં પણ ધોઈ નાંખવાં જોઈએ.

વારંવાર અસફળ થવાથી તમારે હિંમત ન હારવી જોઈએ. નિષ્ફળતાથી તમને અનુભવ મળે છે. તમને કારણ સમજાઈ જશે અને જે કા૨ણે તમને નિષ્ફળતા મળી તેનાથી ભવિષ્યમાં બચવા માટે જાગૃત રહેશો. તમારે ખૂબ જાગૃત રહીને તે કારણોથી બચવું પડશે. એ જ નિષ્ફળતાની નબળાઈમાંથી તમને શક્તિ મળશે. નિષ્ફળતા મળવા છતાં પણ તમારે તમારા સિદ્ધાંત, લક્ષ્ય, નિશ્ચય અને સાધનાનું દૃઢ સંકલ્પથી પાલન અને અનુસરણ કરવું પડશે. તમે કહેશો “ગમે તે થાય, પણ હું અવશ્ય પૂરેપૂરી સફળતા પ્રાપ્ત કરીશ. હું આ જન્મે જ નહિ, આ ક્ષણે જ આત્મસાક્ષાત્કાર કરીશ. કોઈ પણ નિષ્ફળતા મારા માર્ગમાં અવરોધ નહિ લાવી શકે.” પ્રયત્ન અને કોશિશ તમારા તરફથી થવાં જોઈએ. ભૂખ્યા માણસે જાતે જ ખાવું પડશે. તરસ્યાએ પોતે જ પાણી પીવું પડશે. આધ્યાત્મિક સીડી ઉપર દરેક ડગલું તમારે પોતાની જાતે જ માંડવું પડશે.

આત્મજ્ઞાનીએ સુશીલ, મનોહર તથા મિલનસાર પ્રકૃતિના બનવું પડશે. તેણે પૂર્ણપણે અનુકૂળતા, ક્ષમાશીલતા, સહાનુભૂતિ, વિશ્વપ્રેમ તથા દયાના ગુણોથી ભરેલા રહેવું જોઈએ. તેમણે બીજાના આચરણ અને આદતો પ્રમાણે પોતાને બનાવવા પડશે. તેમણે પોતાના હૃદયને એવું બનાવવું પડશે કે બધાને પોતાના ગળે લગાવી શકે. તેમણે પોતાના મનને શાંત તથા સમતોલ રાખવું પડશે. બીજાને સુખી જોઈને તેમણે પ્રસન્ન રહેવું પડશે. પોતાની દરેક ઈન્દ્રિયને પોતાના વશમાં રાખવી પડશે. પોતાનું જીવન ખૂબ જ સાદગીથી વ્યતીત કરવું પડશે. તેમણે અનાદર, અપકીર્તિ, નિંદા, કલંક, લજ્જા પામવી, કઠોર વચન સાંભળવાં, ઠંડી- ગરમી તથા રોગનાં દુઃખો સહન કરવાં પડશે. તેણે સહનશીલ બનવું પડશે. તેમણે પોતાનામાં, ઈશ્વરમાં, શાસ્ત્રોમાં પોતાના ગુરુનાં વચનમાં પૂરો વિશ્વાસ રાખવો પડશે.

જે માણસ સંસારની સેવા કરે છે તે પોતાની જ સેવા કરે છે. જે બીજાને મદદ કરે છે, તે વાસ્તવમાં પોતાને જ મદદ કરે છે. આ હંમેશાં ધ્યાનમાં રાખવા જેવી વાત છે. જ્યારે તમે બીજી વ્યક્તિની સેવા કરો છો, જ્યારે તમે પોતાના દેશની સેવા કરો છો. તમે એ સમજી લો કે ઈશ્વરે સેવા દ્વારા તમને પોતાને જ ઉન્નત બનવાનો તથા સુધરવાનો મોકો આપ્યો છે, તેથી જેણે તમને સેવા કરવાનો મોકો આપ્યો હોય, તે માણસ પ્રત્યે કૃતજ્ઞતા બતાવો.

નિષ્કામ સેવા કરવાથી તમે તમારા હૃદયને પવિત્ર બનાવી શકો છો. અહંકાર, ઘૃણા, ઈર્ષ્યા, શ્રેષ્ઠતાનો ભાવ અને એ રીતે બીજા અનેક આસુરી સંપત્તિના ગુણો નાશ પામે છે. નમ્રતા, શુદ્ધ પ્રેમ, સહાનુભૂતિ, ક્ષમા, દયા વગેરેની વૃદ્ધિ થાય છે, ભેદભાવ દૂર થાય છે. સ્વાર્થવૃત્તિ નિર્મૂળ થઈ જાય છે. તમારું જીવન વિસ્તૃત અને ઉદાર બની જશે. તમે એકતાનો અનુભવ કરવા લાગશો. અંતમાં તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. તમે સૌમાં ‘એક’ અને ‘એક’ માં સૌનો અનુભવ કરશો. તમે અધિકતમ આનંદનો અનુભવ કરવા લાગશો. સંસાર કંઈ જ નથી, માત્ર ઈશ્વરની સેવા છે. સેવાને જ પૂજા કહેવામાં આવે છે.

જ્યારે બીજાની ભલાઈ કરવાનો ભાવ મનુષ્યનું એક અંગ બની જાય છે ત્યારે કોઈ પણ પ્રકારની રજમાત્ર પણ ઇચ્છા રહેતી નથી. તેમને બીજાની સેવા તથા ભલું કરવામાં જ અત્યંત આનંદનો અનુભવ થાય છે. દૃઢ નિષ્કામ સેવા કરવાથી એક વિચિત્ર પ્રકારની પ્રસન્નતા તથા આનંદ આવે છે. તેમને નિષ્કામ તથા નિઃસ્વાર્થ કર્મ કરવાથી આંતરિક આધ્યાત્મિક શક્તિ અને બળ મળે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: