૩. આધ્યાત્મિક માર્ગમાં સફળતા કેવી રીતે મળી શકે ?
July 17, 2022 Leave a comment
આધ્યાત્મિક માર્ગમાં સફળતા કેવી રીતે મળી શકે ?
માનવજીવનનો સદુપયોગ બે પ્રકારે કરી શકાય. (૧) આત્મનિર્માણ દ્વારા (૨) રાષ્ટ્રનિર્માણ દ્વારા. એમાંનું પ્રથમ સાધન એટલે કે આત્મનિર્માણ પર વિચાર કરીએ તો જણાય છે કે આત્મનિર્માણ નીચેનાં સાધનોથી થઈ શકે છે.
(૧) શરીરના રક્ષણથી (૨) ભાવનાઓ પર વિજય મેળવીને (૩) બુદ્ધિનો વિકાસ કરીને (૪) આત્મજ્ઞાનથી
આત્મનિર્માણનું પ્રથમ સાધન માણસનું શરીર છે. શરીર એ યંત્ર છે, જેની મદદથી માણસ જગતમાં કર્મમાર્ગ પર આગળ વધે છે, અનેક કર્તવ્યોનું પાલન કરે છે તથા જગત, સમાજ, દેશ અને વિશ્વની પ્રગતિ સમજે છે. જગત કેવું છે ? તેમાં કેટલી પ્રગતિ થઈ રહી છે? કેટલું સારું કે ખરાબ છે, તે માણસના શરીર ઉપર આધાર રાખે છે. જેમ કમળો થયેલ માણસને બધે જ પીળું દેખાય છે, તેમ રોગિષ્ઠ શરીરવાળાને સંપૂર્ણ જગત રોગથી ભરેલું દેખાય છે, જાણે સમગ્ર સંસાર રોગમાં ડૂબેલો છે. અસ્વાસ્થ્યકર જગ્યાઓ, નિંદનીય ધંધો કરતી વ્યક્તિઓને દુનિયામાં ભોગવિલાસ, શૃંગાર, ઉત્તેજક પદાર્થ વગેરે સિવાય કંઈ દેખાતું નથી. જેણે પોતાના શરીરને દારૂ, તમાકુ, ચરસ, અફીણ વગેરે ઉત્તેજક પદાર્થો ઉપર નિભાવ્યું છે, તે માણસ પશુઓની શ્રેણીમાં પડ્યો પડ્યો નરકના કીડાની જેમ જીવન વિતાવે છે. અસ્વસ્થ તથા રોગી મનુષ્યના વિચાર પણ અસ્વાસ્થ્યકર અને અનિષ્ટ જ હોય છે. તે જગતને અહંકારની જાળમાં બંધાયેલું જુએ છે. રોગી માણસ પોતાનું શું ભલું કરી શકે અને બીજાનું પણ શું ભલું કરી શકે ? તેમના વિચાર વાસી, યોજનાઓ રોગી, કલ્પનાઓ દૂષિત વાસનાઓથી પ્રદીપ્ત તથા ઇચ્છાઓ અનિષ્ટકારી જ હોય છે.
આત્મનિર્માણના ઇચ્છુકો ! નીરોગી અને સ્વસ્થ શરીર બનાવો, જેથી તમે સ્વયં અનિષ્ટકારક ચિંતાથી બચી શકો તથા અહિતકર કલ્પનાઓથી બચીને પોતાનું જીવન દિવ્ય પ્રબંધથી સુવ્યવસ્થિત કરી શકો. તમારે એ જ ગ્રહણ કરવું જોઈએ જે શુભ છે. સ્વાસ્થ્ય તથા પવિત્ર જીવન સાત્ત્વિક વસ્તુઓના ભોજન પર આધારિત છે. તમે જે ભોજન કરો છો તે પ્રમાણે તમારી ભાવનાઓનું નિર્માણ થાય છે. સાત્ત્વિક વસ્તુઓ – ઘઉં, ચોખા, ફળ, શાકભાજી, દૂધ, સૂકોમેવો વગેરે ઉ૫૨ રહેનાર સ્વસ્થ મનુષ્ય આત્મનિર્માણ સરળતાથી કરી શકે છે. તેની ભાવનાઓ તામસી વસ્તુઓ તરફ આકૃષ્ટ થતી નથી. તે બીજા પ્રત્યે કદી ધૃણા, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધની ભાવના રાખતો નથી. તેનાથી ઊલટું માંસ, માદક દ્રવ્ય, તામસી ઉત્તેજક પદાર્થો, મદ્યપાન વગેરેના બળ ઉપર સ્વસ્થ બનેલું શરીર અંદરથી કમજોર રહે છે. તે રેતીની દીવાલની જેમ જરાક ધક્કો લાગતાં ધરાશાયી બની શકે છે. ઊંઘ, પરિશ્રમ, શ્વાસ- ઉચ્છ્વાસનો વ્યાયામ, દૂધ, છાશ, ફળોનો રસ આ દરેક તત્ત્વ શરીરના રક્ષણ માટે અમૂલ્ય છે. ઉપવાસ દ્વારા રોગમાંથી મુક્તિ તથા અંદરનાં અંગોની શુદ્ધિ કરતા રહેવું જરૂરી છે.
આત્મનિર્માણની બીજી સાધના છે – ભાવનાઓ પર વિજય. – ગંદી વાસનાઓનો નાશ કરીએ તથા દૈવી સંપત્તિઓનો વિકાસ કરીએ તો ઉત્તરોત્તર આત્મવિકાસ થઈ શકે છે.કુત્સિત ભાવનાઓમાં ક્રોધ, ધૃણા, દ્વેષ, લોભ અને અભિમાન, નિર્દયતા, નિરાશા તથા અનિષ્ટના ભાવ મુખ્ય છે, ધીરેધીરે તેમનાં મૂળિયાં ઉખેડી નાંખવાં જોઈએ. તેમનાથી મુક્તિ પામવાનો એક ઉપાય એ પણ છે કે તેમનાથી વિપરીત ગુણો- ધૈર્ય, ઉત્સાહ, પ્રેમ, ઉદારતા, દાનશીલતા, ઉપકાર, નમ્રતા, ન્યાય, સત્યવચન તથા દિવ્યભાવોનો વિકાસ કરવો. જેમજેમ દૈવીગુણ વિકસિત થશે, તેમતેમ દુર્ગુણ જાતે જ ઓછા થતા જશે. દુર્ગુણોમાંથી મુક્તિ મેળવવાનો આ જ એક રસ્તો છે. તમે પ્રેમનો માર્ગ ખોલી નાંખો, પ્રાણીમાત્રને પોતાનાં માનો. સમસ્ત જીવજંતુ, પશુપક્ષીઓને પોતાનાં સમજો, જગત સાથે પ્રેમ કરો, તો તમારા શત્રુઓ જાતે જ દબાઈ જશે, મિત્રતાની અભિવૃદ્ધિ થશે. આવી રીતે ધૈર્ય, ઉદારતા, ઉપકાર વગેરે ગુણોનો વિકાસ શરૂઆતથી જ કરો. આ ગુણોના પ્રકાશથી તમારા શરીરમાં કોઈ ખરાબ ભાવના લેશમાત્ર પણ રહી શકશે નહિ.
અનિષ્ટ ભાવથી બીજાને જ હાનિ થતી નથી, પરંતુ તમને પોતાને પણ હાનિ થાય છે. તેની હાનિકારક લહેરો વિશ્વમાં પણ પ્રસરીને વાતાવરણને દૂષિત કરે છે. તેનાથી મહાયુદ્ધ થાય છે, જેમાં અસંખ્ય વ્યક્તિઓનો સંહાર થાય છે.
આત્મનિર્માણનું ત્રીજું સાધન છે – બુદ્ધિવિકાસ. તેનાથી સત્કર્મ અને દુષ્કર્મનો વિવેક જાગૃત થાય છે. શુભ શું છે ? અશુભ કોને કહેવાય ? વગેરે જ્ઞાન મનુષ્યને બુદ્ધિના વિકાસ દ્વારા જ પ્રાપ્ત થાય છે. બુદ્ધિના વિકાસનાં મુખ્ય ચાર સાધન છે – સત્સંગ, અધ્યયન, વિચાર અને ભૂલ.
સત્સંગથી કુટુંબ અને સમાજનું કલ્યાણ થાય છે. જે અધ્યાત્મવાદીઓ, ઋષિમહાત્માઓ, વિદ્વાનો કે વિચારકોએ જગતમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી છે, તેમના સંપર્કમાં આવવાથી મનુષ્યને જગતની વિષમતાઓમાંથી બચવાનાં અનેક સાધન પ્રાપ્ત થાય છે. પોતાની મુશ્કેલીઓનું નિરાકરણ થાય છે. ભવિષ્યમાં આવનાર મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાનાં સાધન એકત્ર કરવામાં મદદ મળે છે.
અધ્યયનથી મનુષ્ય મહાપુરુષોના સત્સંગની પ્રાપ્તિ કરે છે. પુસ્તકનો અર્થ છે હરહંમેશ સૂતાં-જાગતાં પુસ્તકોનાં પૃષ્ઠોનાં રૂપમાં કોઈ વિદ્વાનના સાંનિધ્યમાં રહેવું. પુસ્તકો દ્વારા એવા મહાપુરુષો સાથે સંપર્ક સ્થાપિત થાય છે કે જેઓ આ દુનિયામાં નથી, પરંતુ માનવ જગતમાં પોતાની છાપ છોડી ગયા છે. નૈતિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટે એક એકથી ચડિયાતા એવા ધાર્મિક ગ્રંથોનો નિયમિત સ્વાધ્યાય કરવો ખૂબ જરૂરી છે. ઘરમાં ઉત્તમ ગ્રંથોનો સંગ્રહ રાખવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. શુભ વિચારોની લહેરો સર્વત્ર વ્યાપી જાય છે.
સદ્વિચારમાં ખોવાયેલા રહેવાથી બુદ્ધિવિકાસનો ક્રમ યોગ્ય દિશામાં થાય છે. સદ્વિચાર મનમાં શિવભાવના, સત્યભાવના, અને દિવ્યભાવના જાગૃત રાખે છે. યાદ રાખો – “જયાં તમે છો ત્યાં પરમાત્મા છે, જયાં પરમાત્મા છે ત્યાં તમે છો.’ તમારું જીવન અને વ્યવહાર દિવ્ય પ્રબંધથી સુવ્યવસ્થિત છે. પરમાત્મા તમને પ્રેમ કરે છે અને હંમેશાં તમારા સહાયક છે. તમારે કદી દુ:ખી કે નિરાશ ન થવું, ભાંગી ન પડવું કારણ કે તમારા સંચાલક પરમાત્મા છે. પૃથ્વીનાં બધાં પ્રાણીઓ તમારા આત્મબંધુ છે. તમારું શરી૨ ૫૨માત્માનું નિવાસસ્થાન છે. આ પ્રકારની દિવ્યભાવનામાં પોતાનું જીવન વ્યતીત કરનાર વ્યક્તિ સફળતાથી આત્મનિર્માણ કરી શકે છે.
ભૂલથી બુદ્ધિનો વિકાસ થાય છે. એક ભૂલનો અર્થ થાય છે હવે પછી વધુ હોશિયારી. જગતનાં અનેક પશુઓ ભૂલથી વિવેક શીખે છે, પરંતુ મનુષ્ય તેમના કરતાં જલદી શીખે છે. ભૂલનો અર્થ એ છે કે તમે ભવિષ્યમાં એ ભૂલ ફરી ન કરો. ભૂલથી અનુભવ વધે છે. જગતમાં વ્યક્તિના અનુભવનું જ મહત્ત્વ છે. અનુભવ અનેક ભૂલો દ્વારા મળેલું સાન છે. ભૂલ જો કદી બેવડાય નહિ તો બુદ્ધિવિકાસમાં ખૂબ જ મદદ કરે છે. મહાન પુરુષોના જીવનમાં એવી અનેક ક્ષણો આવી છે, જયારે તેઓ ભૂલોના બળથી મહાન બન્યા છે.
આત્મનિર્માણનું અંતિમ સાધન છે આત્મભાવોનો વિસ્તાર. સાધકની દૃષ્ટિએ વિકાસનું સૌથી ઊંચું સ્તર આ જ છે. એ સ્તર પર પહોંચીને સાધક સર્વત્ર આત્મભાવનાં દર્શન કરે છે. દરેક વ્યક્તિ, વસ્તુ તથા જગતને તે બ્રહ્મરૂપ જુએ છે. પોતાના શરીરને તે પરમાત્માનું ઘર સમજે છે. તે જે વસ્તુને જુએ છે તે બધી તેના આત્માનાં અંગ-પ્રત્યંગ છે. તેના આત્માનું ક્ષેત્ર સવિસ્તૃત થાય છે, જેમાં શત્રુ, મિત્ર બધા સમાઈ જાય છે. જે વ્યક્તિ પારકાં- પોતાનાંના ભેદભાવ પર વિશેષ ધ્યાન આપે છે તે આત્મનિર્માણમાં જલદીથી આગળ આવી શકતી નથી. આપણા શાસ્ત્રકારોએ “આત્મવત્ સર્વભૂતેષુ” નો જે સિદ્ધાંત બતાવ્યો છે તેનું વાસ્તવિક તાત્પર્ય એ જ છે કે મનુષ્ય દરેકને આત્મ સ્વરૂપમાં જુએ અને જુદાઈની ભાવનાને યથાશક્તિ થોડી થોડી ઘટાડતો જાય.
પ્રતિભાવો