૧૮. ગાયત્રીના શાપ-વિમોચન અને ઉત્કીલનનું રહસ્ય, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રીના શાપ-વિમોચન અને ઉત્કીલનનું રહસ્ય

            ગાયત્રી મંત્રનો મહિમા ગાતાં શાસ્ત્રો અને ઋષિમુનિઓ થાકતા નથી. એની પ્રશંસા અને મહત્તાના સંબંધમાં જેટલું કહેવાયું છે એટલું કોઈ બીજાની પ્રશંસામાં કહેવાયું નથી. પ્રાચીન સમયમાં મોટા મોટા તપસ્વીઓએ મુખ્યત્વે ગાયત્રીની જ તપશ્ચર્યા કરીને ઇચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. શાપ અને વરદાન માટે તેઓ ગાયત્રીનો જ વિવિધ પ્રકારે ઉપયોગ કરતા હતા.

            પ્રાચીનકાળમાં ગાયત્રી ગુરુમંત્ર હતો. આજે ગાયત્રી મંત્ર પ્રસિદ્ધ છે. મોટાભાગના માણસો એ જાણે છે અને કોઈને કોઈ પ્રકારે એનો જપ કરે છે અથવા કોઈ પ્રસંગે એનું સ્મરણ કરી લે છે. પણ એટલાં માત્રથી જ એનો વિશેષ લાભ થતો જોવામાં આવતો નથી. ગાયત્રી જાણનારા અને ન જાણનારાઓ વચ્ચે કંઈ ઝાઝું અંતર દેખાતું નથી. તેથી આશંકા થવા લાગે છે કે “કદાચ ગાયત્રીની પ્રશંસા કરનારાઓએ અત્યુક્તિ તો નહિ કરી હોય ?” કેટલાક લોકો ઉત્સાહ દેખાડીને થોડા જ દિવસોમાં તેને છોડી દે છે. તેઓ માને છે કે, અમે ગાયત્રીની આટલી ઉપાસના કરી પણ લાભ તો કંઈ જ ન થયો. તો શા સારું એ માટે વ્યર્થ સમય બરબાદ કરવો ?

            કારણ એ છે કે પ્રત્યેક કાર્ય એક નિશ્ચિત વિધિવ્યવસ્થા દ્વારા જ પૂરું થાય છે. ગમે તેમ, ગમે તે કોઈ રીતે, આરંભ કરવામાં આવે તો તેનું ધારેલું પરિણામ આવતું નથી. મશીન દ્વારા મોટાં મોટાં કાર્ય થાય છે પરંતુ તે ઉચિત રીતે ચલાવવામાં આવે તો જ, જે કોઈ જડભરત માણસ મશીનને ફાવે તેમ ચાલુ કરી દે તો લાભ થવાનો તો દૂર જ રહ્યો પરંતુ કારખાનાને માટે અને ચલાવનાર માટે સંકટ ઉત્પન્ન થાય છે. મોટર ઝડપી વાહન છે એની મારફત એક દિવસમાં કેટલાય માઈલોની મુસાફરી સુખપૂર્વક થાય છે. પરંતુ ડ્રાઇવરને તેની મશીનરીનું જ્ઞાન ન હોય તો અકસ્માત જ થઈ જાય અને ડ્રાઇવર, અંદર બેસનારાઓ અને ખુદ મોટરને પણ નુકસાન થાય. જો આવું થાય તો તેમાં કંઈ મોટરની શક્તિ પર અવિશ્વાસ કરવો યોગ્ય ન કહેવાય. આ રીતે જડ સાધકો દ્વારા કરાયેલી ઉપાસના જો નિષ્ફળ જાય તો તેમાં કશું આશ્ચર્ય નથી.

            જે વસ્તુ જેટલી વધારે મહત્ત્વની હોય છે એટલી જ એની પ્રાપ્તિ પણ મુશ્કેલ હોય છે. છીપલા, કોડીઓ, સહેલાઈથી મળી શકે છે એને ગમે તે વિણી શકે છે. પણ મોતી જેને મેળવવા હોય તેણે તો સમુદ્રને તળિયે જ જવું પડે અને એ કામ તો યોગ્ય જ્ઞાતા પાસેથી શીખવું પડે. કોઈ અજાણ્યો આદમી ડૂબકી મારવાને બાળકની રમત સમજીને સમુદ્રને તળિએ ઊતરવા માટે ડૂબકી મારે તો નિષ્ફળ જ નીવડે ને !

            ગાયત્રીમાં બીજા બધા મંત્રો કરતાં એક ખાસ વિશેષતા એ છે કે, નિશ્ચિત વિધિથી સાધના ન કરનારને કોઈ નુકસાન નથી થતું અને પરિશ્રમ પણ નિષ્ફળ જતો નથી, કંઈક લાભ તો થાય છે. પણ એ વિધિસર સાધના કરવાથી થાય છે તેટલો નથી હોતો. ગાયત્રી તાંત્રિક ઉપાસનામાં તો યોગ્ય વિધિ વગરની સાધનાથી હાનિ પણ થાય છે. પણ સાધારણ સાધનામાં એવો કોઈ ભય નથી. છતાં મહેનતનું પૂરેપૂરું ફળ ન મળે એ પણ એક પ્રકારની હાનિ જ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યો ઉતાવળા અને અભિમાની થઈ ઉપેક્ષા ન કરતાં સાધનામા જેમ હાથી નદી પાર કરતી વખતે ક્રમેક્રમે ધીમે ધીમે પગલાં માંડતો આગળ વધે છે એમ ધીરજપૂર્વક ચાલે છે.

            કેટલીક ઔષધિઓ નિયત માત્રામાં લઈ વિધિપૂર્વક તૈયાર કરીને રસાયણ બનાવવામાં આવે અને નિશ્ચિત માત્રામાં નિશ્ચિત પ્રમાણ સાથે દર્દીને સેવન કરાવવામાં આવે, તો આશ્ચર્યજનક લાભ થાય છે. પણ એનાથી ઊલટું ગમે તે રીતે તેને તૈયાર કરીને પછી ગમે તે પ્રમાણમાં આપવામાં આવે તો જરૂર પરિણામ સારું ન આવે. એ ઔષધિઓ વિધિપૂર્વક તૈયાર કરવામાં આવે તો અમૃત જેવા લાભ આપે છે પણ વિધિ વિના તૈયાર કરેલી હોય તો નિરર્થક જ જાય છે. આમ થવાથી તે વનસ્પતિનો દોષ કાઢવો યોગ્ય નથી. ગાયત્રી- સાધના પણ વિધિપૂર્વક ન કરવામાં આવે અને કંઈ લાભ ન થાય તો તેમાં ગાયત્રીનો શો વાંક ?

            પાત્ર કુપાત્ર ગમે તે કોઈ ગાયત્રી શક્તિનો મનમાન્યો પ્રયોગ ન કરી શકે એ ખાતર કલિયુગની પૂર્વે જ એને કીલિત કરી દેવામાં આવી છે. જે એનું ઉત્કલન કરી શકે છે તે જ એનો લાભ ઉઠાવી શકે છે. સરકાર બંદૂકનું લાઈસન્સ તે માણસને જ આપે છે જે એને પાત્ર હોય. અણુબૉંબનું રહસ્ય યોગ્ય લોકો સુધી જ સીમિત રાખવામાં આવ્યું છે, કારણ કે ગમે તે કોઈ એનો દુરુપયોગ ન કરી બેસે. કીમતી ખજાનાની તિજોરીઓને મોટા ચોરતાળાં લગાવેલાં હોય છે. તેથી અનાધિકારી લોકો એને ઉઘાડી શકે નહીં. આ જ રીતે ગાયત્રીને કીલિત કરી દેવામાં આવી છે, કે જેથી કોઈ પણ એને અયોગ્ય પ્રયોજન માટે સિદ્ધ ન કરે.

            પુરાણોમાં એવો ઉલ્લેખ મળે છે કે એક વાર ગાયત્રીને વિશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિઓએ શાપ આપ્યો કે એની સાધને નિષ્ફળ થાય. આવડી મોટી શક્તિ નિષ્ફળ થવાથી બધે હાહાકાર મચી ગયો. ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી કે, આ શાપનું નિવારણ થવું જોઈએ. અંતે એવો માર્ગ કાઢવામાં આવ્યો કે જે શાપમોચનની વિધિ પૂરી કરીને ગાયત્રી-સાધના કરશે તેનો પ્રયત્ન સફળ થશે અને બાકીના લોકોનો શ્રમ નકામો જશે. આ પૌરાણિક ઉપાખ્યાનમાં એક ભારે રહસ્ય છુપાયેલું છે, જેને ન જાણનારા કેવળ “શાપમુકતા ભવ’માં મંત્રોને બોલીને પોતાની સાધના શાપમુક્ત થઈ ગયેલી માને છે

– વશિષ્ઠનો અર્થ છે- “વિશેષ કરીને શ્રેષ્ઠ ગાયત્રી સાધનામાં જેણે વિશેષ રૂપમાં પરિશ્રમ કર્યો છે, જેણે સવા કરોડ જપ કર્યા છે, તેને વશિષ્ઠની પદવી આપવામાં આવે છે. રઘુવંશીઓના કુલગુરુઓ સદા એવા જ વશિષ્ઠ-પદવીધારી હતા. રઘુ, અજ, દિલીપ, દશરથ, રામ, લવ-કુશ એ છ પેઢીઓને ગુરુ  એક જ વશિષ્ઠ નહીં પણ જુદા જુદા હતા. તેઓએ ઉપાસનાને આધારે વશિષ્ઠ પદવી મેળવી હતી. વશિષ્ઠનું શાપમોચન કરવાનું તાત્પર્ય એ છે કે આવા પ્રકારના વશિષ્ઠ પાસેથી ગાયત્રી સાધના શીખવી જોઈએ. એમને આપણી પથપ્રદર્શક બનાવવા જોઈએ. કારણ એ છે કે માર્ગમાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ આવે છે અને તેનું નિવારણ કેવી રીતે થઈ શકે એ માત્ર અનુભવીઓ જ જાણતા હોય છે. જ્યારે કોઈને પાણીમાં તરવાનું શીખવવામાં આવે ત્યારે તેની સાથે કોઈ કુશળ તરવૈયો રહે છે કારણ કે કદાચ નવો તરવા શીખતો ડૂબવા માંડે તો પેલો તેનો હાથ પકડીને બહાર કાઢે અને પાર ઉતારે અને તરતી વખતે તેનાથી કોઈ ભૂલ થાય તો તેને બરાબર તરવાની રીતો સમજાવે. જ્યારે કોઈ શીખવનાર તરવૈયો ન હોય અને તરતા શીખવાને માટે બાળકો હઠ કરે તો કોઈ વૃદ્ધ પુરુષ બાળકોને સમજાવવા માટે કહેશે બાળકો ! તળાવમાં ઊતરશો નહીં. એને તરવૈયા ગુરુનો શાપ છે. ગુરુના શાપથી મુક્ત થયા વગર તરવાનું શીખશો તો નિષ્ફળ જશો.” આ શબ્દોમાં અલંકાર છે. એને શાબ્દિક અત્યુક્તિ પણ કહી શકાય. પણ તથ્ય બિલકુલ સાચું છે. શિક્ષકની દોરવણી વગર તરવું એ તો કેવળ દુ:સાહસ જ છે.

            સવા કરોડ જપની સાધના કરનારા ગાયત્રી ઉપાસકની વશિષ્ઠ સંરક્ષતા પ્રાપ્ત કરી લેવી, એનું જ નામ વશિષ્ઠ શાપમોચન છે. એવો સાધક નિર્ભય રીતે પોતાના માર્ગે તેજીથી બેધડક આગળ વધતો ચાલ્યો જાય છે. રસ્તાની મુશ્કેલીઓને તે સંરક્ષક દૂર કરતો જાય છે અને સાધક ધારેલા સ્થળે જલદી પહોંચી જાય છે.

            ગાયત્રીને કેવળ વશિષ્ઠનો શાપ નથી. એક બીજો શાપ પણ છે. તે છે વિશ્વામિત્રનો. આ રત્નકોષ પર બેવડું તાળું મારેલું છે, કેમ કે અધિકારી લોકોથી જ તે ઉઘાડી શકાય અને કોઈ લેભાગુ, અશ્રદ્ધાળુ, દગાબાજ, હરામખોરોનો ગજ ત્યાં વાગી ન શકે. વિશ્વામિત્રનો અર્થ છે દુનિયાની ભલાઈ કરનારો, પરમાર્થી, ઉદાર, કર્તવ્યનિષ્ઠ પુરુષ, ગાયત્રીનો શિક્ષક કેવળ વશિષ્ઠ ગુણવાળો હોય એટલું જ બસ નથી પણ એ વિશ્વામિત્ર પણ હોવો જોઈએ. કઠોર સાધના અને તપશ્ચર્યાથી ખરાબ સ્વભાવના લોકોને પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રાવણ વેદપાઠી હતો. એણે મોટી મોટી તપશ્ચર્યાઓ કરીને આશ્ચર્યકારક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી. એ રીતે એને વશિષ્ઠ પદવીધારી તો કહી શકાય પણ વિશ્વામિત્ર નહીં. કેમ કે જગતની ભલાઈના અને પરમાર્થના ગુણો એનામાં નહોતા. સ્વાર્થી, લાલચુ અને સંકીર્ણ વૃત્તિના લોકો ભલે મોટા સિદ્ધ હોય, તેઓ શિક્ષક તરીકે નિયુક્ત કરવા લાયક નથી. આ જ બેવડું શાપવિમોચન છે. જેણે વિશિષ્ઠ અને વિશ્વામિત્ર બંને ગુણોવાળા માર્ગદર્શક ગાયત્રી ગુરુ પ્રાપ્ત કરી લીધા તેણે બંને શાપોથી ગાયત્રીને છોડાવી છે. એની સાધના શાસ્ત્ર કર્યા પ્રમાણે જ ફળ આપશે.

            આ કાર્ય સરળ નથી. કેમ કે એક તો વશિષ્ઠ અને વિશ્વામિત્રના ગુણોથી સંપન્ન હોય એવી વ્યક્તિ જ મુશ્કેલીથી મળી શકે છે. કદાચ મળે તો તે બધાની જવાબદારી પોતાના ઉપર લેવા તૈયાર હોતી નથી, કારણ એની શક્તિ અને સામર્થ્ય સીમિત હોય છે અને તે વડે તે બહુ જ થોડાઓની સેવા કરી શકે. નિશાળમાં એક શિક્ષક ૩૦ની સંખ્યા સુધી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. જો એ સંખ્યા ૨૦ની થઈ જાય તો તે શિક્ષક ભણાવી શકે નહીં અને બાળકો ભણી પણ ન શકે. તેથી એવા સુયોગ્ય શિક્ષક હંમેશાં મળી શકતા નથી. લોભી, સ્વાર્થી અને ઠગ ગુરુઓની ખોટ નથી કે જે બે રૂપિયા ગુરુદક્ષિણા લેવાના લોભથી ગમે તેના ગળામાં કંઠી બાંધે છે. એવા લોકોને માર્ગદર્શક પસંદ કરવા એ કેવળ આત્મવંચના અને વિટંબણા જ છે.

            ગાયત્રીની દીક્ષા ગુરુમુખ થઈને લેવામાં આવે છે, ત્યારે જે તે ફળ આપે છે. દારૂને જમીન પર ફાવે ત્યાં ફેંકી દઈને તેમાં દિવાસળી ચાંપવામાં આવે તો તે સામાન્ય વસ્તુની જેમ બળી જાય છે. પરંતુ તેને જો બંદૂકમાં ભરી ફોડવામાં આવે તો તેમાંથી પ્રાણઘાતક શક્તિ પેદા થાય છે. માત્ર કાગળ પર છાપેલો મંત્ર ભણવામાં અને ગુરુમુખે ભણવામાં આવેલા ગાયત્રી મંત્ર વચ્ચે આવું મોટું અંતર છે.

            ગાયત્રીની વિધિપૂર્વક સાધના કરવી એ જ આપણા પરિશ્રમને સફળ કરવાનો સીધો માર્ગ છે. એ માર્ગનો પહેલો આધાર એવા પથપ્રદર્શકને શોધી કાઢવો એ છે, જે વશિષ્ઠ તેમજ વિશ્વામિત્ર જેવા ગુણવાળો હોય, જેના સંરક્ષણમાં શાપ-વિમોચિત ગાયત્રી સાધના થઈ શકે. એવો સુયોગ્ય સંરક્ષક સહુથી પહેલું એ જુએ છે કે, સાધકની મનોભૂમિ, શક્તિ, સામર્થ્ય, રુચિ વગેરે કેવાં છે. તે અનુસાર તે એને સાધન વિધિ બતાવે છે. પોતાની મેળે વિદ્યાર્થી એ નક્કી કરી શકતો નથી કે ક્રમાનુસાર મારે શું શું વાંચવું જોઈએ. કઈ કક્ષાની યોગ્યતા વિદ્યાર્થી ધરાવે છે અને એને શું ભણાવવું જોઈએ, એની તો શિક્ષકને જ ખબર હોય છે. જેવી રીતે જુદી જુદી પ્રકૃતિના એક રોગના રોગીઓને ઔષધિ પણ અલગ અલગ અનુપાત તથા માત્રાનું ધ્યાન રાખીને આપવામાં આવે છે, તેવી જ રીતે સાધકોની આંતરિક સ્થિતિ અનુસાર એની સાધનાના નિયમોમાં ફરક થઈ જાય છે. એનો નિર્ણય સાધક પોતે કરી શકતો નથી. એ કાર્ય તો સુયોગ્ય, અનુભવી અને સૂક્ષ્મ દર્દી માર્ગદર્શક જ કરી શકે.

            આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ એ બે મુખ્ય અવલંબન છે. એ બંનેનો અભ્યાસ ગુરુને માધ્યમ બનાવીને કરવામાં આવે છે. જેમ ઈશ્વરોપાસનાનું પ્રારંભિક માધ્યમ કોઈ મૂર્તિ, ચિત્ર યા છબીને બનાવવામાં આવે છે, તે જ રીતે શ્રદ્ધા અને વિશ્વાસની ઉન્નતિ ગુરુ નામક વ્યક્તિ ઉપર દઢતાપૂર્વક તે (શ્રદ્ધા-વિશ્વાસ) જમાવવાથી થાય છે. પ્રેમ તો સ્ત્રી, પુત્ર, ભાઈ, મિત્ર આદિ પર પણ થઈ શકે છે. પણ શ્રદ્ધાયુક્ત પ્રેમનું પાત્ર તો ગુરુ જ હોય છે. માતા પિતા જો વશિષ્ઠ-વિશ્વામિત્ર ગુણોવાળા હોય તો તેઓ સહુથી ઉત્તમ ગુરુ જ છે. ગુરુ પરમ હિતચિંતક શિષ્યની મનોભૂમિથી પરિચિત અને કમજોરીઓને સમજનારા હોય છે. તેથી એના દોષોને જાણીને ધીરે ધીરે દૂર કરવાનો ઉપાય કરે છે, પરંતુ તેના દોષોને લીધે તેની ઘૃણા કે વિરોધ કરતા નથી તેમ જ એને અપમાનિત, તિરસ્કૃત કે બદનામ થવા દેતા નથી. તે ધીરે ધીરે તેની રૂચિ પ્રમાણે તેને બીજી બાજુએ વાળવાનો પ્રયત્ન કરે છે, જેથી તેના દોષો આપમેળે જ દૂર થઈ જાય છે. જેમ માતા પોતે પચાવેલા ભોજનના કૂચામાંથી દૂધ બનાવીને પોતાના બાળકને પિવડાવે છે તેમ યોગ્ય ગુરુ સાધના દ્વારા એકત્રિત કરેલી પોતાની આધ્યાત્મિક શક્તિનો ધીરે ધીરે શિષ્યના અંતઃકરણમાં પ્રવેશ કરાવતા રહે છે. માતાનું દૂધ પીને બાળક બળવાન થાય છે. ગુરુનું આત્મતેજ પીને શિષ્યનું આત્મબળ વધે છે. આ પ્રકારની ગુરુની દયાને આધ્યાત્મિક ભાષામાં “શક્તિપાત’ કહે છે. એવા ગુરુ પ્રાપ્ત થવા એ તો પૂર્વસંચિત ગુણસંસ્કારોનું ફળ અથવા પ્રભુની મહાન કૃપા જ માનવી જોઈએ.

            કેટલાક માણસો એમ વિચારે છે કે અમે પહેલાં એક પુરુષને ગુરુ કરેલા હવે અમને બીજા કોઈને ગુરુ બનાવવાનો અધિકાર નથી. એ માણસોનો વિચાર તો એવો ગણી શકાય કે, કોઈ વિદ્યાર્થી એવું કહે કે, “અક્ષરનો આરંભ કરતી વખતે મેં જેને અધ્યાપક માન્યો હતો તેના વગર બીજા કોઈને પણ હું અધ્યાપક માનું નહીં અને તેની પાસેથી શિક્ષણ લઉં નહીં.’ એક જ અધ્યાપક પાસેથી દુનિયાના બધા જ વિષયો જાણી લેવાની આશા રાખી શકાય નહીં અને એ અધ્યાપક કદી મરી જાય, રોગી થઈ જાય, ક્યાંક ચાલ્યો જાય તો પણ તેની પાસેથી જ શિક્ષણ મેળવવાનો આગ્રહ રાખવો શું ઉચિત ગણાશે ? એ જ પ્રકારે એક માણસનું તેના પ્રાથમિક ગુરુ કરતાં જ્ઞાન વિશેષ વધી જાય છતાં એ જ ગુરુ પાસેથી એને જિજ્ઞાસાઓનું સમાધાન કરી લેવાનું કહેવામાં આવે તો એ કેવી રીતે બની શકે ?

            પ્રાચીનકાળના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં આ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે. મહર્ષિ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા હતા. રામ અને લક્ષ્મણે વશિષ્ઠ પાસેથી શિક્ષણ લીધું હતું અને વિશ્વામિત્ર પાસેથી પણ ઘણું શીખ્યા હતા. એ બંને તેમના ગુરુઓ હતા. શ્રીકૃષ્ણ સાંદીપનિ ઋષિ પાસે ભણ્યા હતા અને મહર્ષિ દુર્વાસા પણ તેમના ગુરુ હતા. અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય હતા, તેમજ શ્રીકૃષ્ણ પણ હતા. ઈન્દ્રના ગુરુ બૃહસ્પતિ અને નારદ એ બંને હતા. આ પ્રકારના અનેક દાખલાઓ મળી આવે છે. એક ગુરુ આવશ્યકતાનુસાર અનેક શિષ્યોને લાભ આપી શકે છે અને એક શિષ્ય અનેક ગુરુઓ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. એમાં કોઈ જાતનું એવું સીમાબંધન નથી કે એક ગુરુ ઉપરાંત બીજાઓને ગુરુ ન જ કરવા અને એક ગુરુએ એક કરતાં વધારે શિષ્યો ન જ બનાવવા. એ જ રીતે એક જ વ્યક્તિના અનેક પુરોહિતો હોય છે. ગ્રામપુરોહિત, તીર્થપુરોહિત, કુલપુરોહિત, રાષ્ટ્રપુરોહિત, દીક્ષા પુરોહિત આદિ. એ બધા પુરોહિતો પોતપોતાના ક્ષેત્ર, અવસર અને કાર્યમાં પૂછવા યોગ્ય તથા પૂજન યોગ્ય છે. તેઓ એકબીજાના વિરોધીઓ નહિ પણ પૂરક છે.

            ચોવીસ અક્ષરોનો ગાયત્રી મંત્ર સર્વ પ્રસિદ્ધ છે. એને આજકાલના ભણેલા વર્ગના બધા જાણે છે છતાં ઉપાસના કરવી હોય, સાધનાજન્ય લાભો મેળવવા હોય, તો ગુરુમુખે ગાયત્રીની દીક્ષા લેવી જોઈએ. વશિષ્ઠ અને વિશ્વામિત્રનું શાપવિમોચન કરાવીને, કીલિત ગાયત્રીનું ઉત્કલન કરીને સાધન કરવી જોઈએ. ગુરુમુખ થઈને ગાયત્રીની દીક્ષા લેવી એ એક સંસ્કાર છે, જેમાં એ દિવસે ગુરુ-શિષ્ય બંનેને ઉપવાસ કરવો પડે છે. શિષ્ય ચંદન, ધૂપ, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, અન્ન, વસ્ત્ર, પાત્ર, દક્ષિણા આદિ વડે ગુરુનું પૂજન કરે છે. ગુરુ શિષ્યને મંત્ર આપે છે અને તેના માર્ગદર્શનનો ભાર પોતાના ઉપર લે છે. આ ગ્રંથિબંધન થયા પછી પોતાને યોગ્ય સાધનાનો નિર્ણય કરાવીને જ શિષ્ય શ્રદ્ધાપૂર્વક આગળ વધે છે, તે ભગવતીની કૃપાથી પોતાના ઇચ્છિત ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં શક્તિમાન થાય છે.

            જ્યારથી ગાયત્રીની દીક્ષા લેવામાં આવે ત્યારથી જ્યાં સુધી પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધના ગુરુને સાધનાના સમય દરમિયાન પોતાની પાસે રાખવા જોઈએ. ગુરુ પ્રત્યક્ષરૂપે તો સદા સાથે રહી શકે નહિ. પરંતુ તેની છબી કાચની ફ્રેમમાં મઢી પૂજાના સ્થાન પર રાખી શકાય છે અને ગાયત્રી સંધ્યા, જપ, અનુષ્ઠાન અને કોઈ બીજી સાધનાનો આરંભ કરતાં પહેલાં ધૂપ, અક્ષત, નૈવેદ્ય, પુષ્પ, ચંદન વગેરેથી એ ચિત્રનું પૂજન કરવું જોઈએ. જ્યાં ચિત્ર ઉપલબ્ધ ન હોય ત્યાં એક નાળિયેરને ગુરુના પ્રતીક તરીકે સ્થાપવું જોઈએ. એકલવ્ય ભીલની કથા જાણીતી છે. તેણે દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવીને તેને ગુરુ માનીને તેની પાસેથી બાણવિદ્યા પ્રાપ્ત કરી હતી. આખરે તે એવો સફળ ધનુર્ધારી બન્યો કે તેની વિશેષતા જોઈને પાંડવો જેવા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ચિત્ર યા નાળિયેરના માધ્યમથી ગુરુપૂજા કરી સાધનાનો આરંભ કરવામાં આવે તો પણ તે શાપમુક્ત તથા ઉત્કીલિત થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: