૭. આત્માકલ્યાણ અને માનસિક શક્તિઓ, આત્મજ્ઞાન અને આત્મકલ્યાણ
July 17, 2022 Leave a comment
આત્માકલ્યાણ અને માનસિક શક્તિઓ
માનવીને યોગથી જે પણ લાભ પ્રાપ્ત થાય છે તેનો મૂળ આધાર માનસિક શક્તિઓનો વિકાસ અને નિયંત્રણ જ છે. માટે જે માનવી યોગને એક ઘણીમોટી ચીજ સમજી તેનાથી ગભરાતો હોય તેના માટે માનસિક શક્તિઓના વિકાસ પ્રત્યે ધ્યાન આપવું જ સર્વોત્તમ છે. માનવીની માનસિક શક્તિઓ વિખરાયેલી હોય છે. તેથી તેમનો સાક્ષાત્કાર કરવો અઘરો છે. તેના પરિણામે તેનું મન અનેક વિષયોમાં રોકાયેલું રહે છે. જ્યારે મન બાહ્ય વિષયમાં એકવાર ફસાઈ જાય છે ત્યારે માનવી તેમાંથી મુક્ત થવા માટે જેમ વધારે પ્રયત્ન કરે છે, તેમ મન વધારે ઊંડું ફસાય છે. વિષયનું અધિક ચિંતન કરવાથી તથા માનસિક અંતર્દ્વંદ્વના કારણે મનની બધી જ શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને ત્યારે માનવી અશાંત બની જાય છે.
આપણી આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ પોતાને બાહ્ય વિષયોથી મુક્ત કરીને પોતાનામાં કેન્દ્રિત કરવાથી થાય છે. નિર્મળ મન જ શક્તિશાળી હોય છે. બાહ્ય વિષયોમાં અટવાયેલું મન કદાપિ શક્તિશાળી નહિ થઈ શકે. જે મનુષ્યનું મન જેટલું વધારે ઉદ્વિગ્ન હશે તેટલો તે વધારે અશક્ત હશે. જે વ્યક્તિ પોતાના મનને વશમાં રાખી શકે તે જ આત્માની શક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે. આત્માની શક્તિનો સાક્ષાત્કાર કરવા માટે સૌ પ્રથમ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરવી પડે છે. જ્યાં જ્યાં ઇન્દ્રિયો જાય કે આકર્ષિત થાય ત્યાં ત્યાં મનને રોકવું જોઈએ. તે માટે માનવીએ સદાય જાગૃત રહેવું પડશે. વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિનાં મન ઇન્દ્રિયો દ્વારા વિચલિત થાય છે. ઈન્દ્રિયોના વિષયોમાં રચ્યાપચ્યા રહેનાર મનને રોકવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે, પરંતુ આ પ્રકારનો પુરુષાર્થ અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
જે રીતે ઇન્દ્રિયોની બાબતમાં મનને મારવું આવશ્યક છે, તે રીતે મનને પ્રબળ આવેગોથી રોકવું પણ અતિ આવશ્યક છે. દરેક પ્રકારનો માનસિક વિકાર મનની શક્તિનો વિનાશ કરે છે. જો આપણે આપણી શક્તિનો સંગ્રહ કરવો હોય તો માનસિક વિકારોથી મુક્ત થવું અતિ આવશ્યક છે. શાંત મનમાં જ શક્તિનો ઉદય થાય છે.
જ્યારે મન શાંત થઈ જાય ત્યારે માનવીએ તેના સ્વરૂપ બાબતે ચિંતન કરવામાં લાગી જવું જોઈએ. શાંત અવસ્થામાં માનવી જેવું પોતાની જાત માટે વિચારે છે તેવો જ પોતે બની જાય છે. કોઈ પણ પ્રકારનો નિશ્ચય જ્યારે કોઈ પણ પ્રકારના સંશયથી દૂષિત થતો નથી તો તે સફળ થાય છે. કેટલાક લોકો કોઈ વિશેષ પ્રકારની શક્તિની પ્રાપ્તિ માટે મંત્ર, જપ અથવા યજ્ઞ કરે છે. આ બધી ક્રિયાઓ પોતાના નિશ્ચયને દૃઢ કરવા અતિ આવશ્યક છે. નિશ્ચયની દઢતા જ સફળતાની ચાવી છે.
માનસિક શક્તિના વિકાસ માટે પોતાની જાતને સદા પરોપકારમાં સાંકળી રાખવી જોઈએ. સ્વાર્થના કામમાં રોકાયેલી વ્યક્તિની શક્તિનું પતન ચિંતા, ભય, સંશય વગેરે મનોવૃત્તિઓના કારણે થાય છે. પરોપકારની ભાવના આ મનોવૃત્તિઓનો વિનાશ કરે છે. જે માનવી પોતાને સ્વાર્થથી જેટલો વધુ પ્રમાણમાં મુક્ત રાખે છે, તેટલા જ વધુ પ્રમાણમાં સંક્લ્પને સફળ કરવાની શક્તિનો ઉદય થાય છે. પોતાના મનને પરોપકારમાં લગાવવું એટલે પોતાના વિશાળ રૂપને ઓળખવું. આ વિશાળ સ્વરૂપમાં તમામ સંકલ્પો સિદ્ધ કરવાની શક્તિ હોય છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ વિશે વિચારવુંએ માનસિક પતન છે. માનસિક શક્તિનો વિકાસ પ્રતિકૂળ સ્થિતિઓનો સામનો કરવાથી પણ થાય છે. જે વ્યક્તિ કોઈસિદ્ધાંત માટે પ્રતિકૂળ સ્થિતિનો સામનો જેટલો વધારે કરે છે, તે પોતાના મનને તેટલું જ વધારે દૃઢ બનાવે છે. માનસિક દૃઢતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અતિ આવશ્યક છે. જે વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં ડરી જાય છે તેને શાંતિ મળતી નથી. કેટલીક ચિંતાઓ કલ્પિત હોય છે. તેમની ભયાનકતા મનની દુર્બળતાને કારણે વધે છે. બીકણને પડછાયો ભૂત જેવો દેખાય છે. જો આવો માનવી સાહસ કરે અને પડછાયા તરફ આગળ વધે તો ભૂતનો ભય મટી જાય છે.
પોતાની આધ્યાત્મિક શક્તિનો વિકાસ કરવા માટે સારો વ્યવહાર અને વિચાર કેળવવા બહુ જ જરૂરી છે. જે વ્યક્તિ સાંસારિક વ્યવહારમાં જેટલી વધારે કુશળ હોય, તે આધ્યાત્મિક જ્ઞાન માટે તેટલી જ અયોગ્ય ઠરે છે. આવી વ્યક્તિનું મન સદા સંશયયુક્ત હોય છે.તે નથી બીજાની વાત ઉપર વિશ્વાસ મૂકતી કે નથી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખતી. જો આવી વ્યક્તિના મનમાં કોઈ સારો વિચાર આવે, તો તે વિચાર ફળીભૂત થવા માટે તેને પોતાને વિશ્વાસ નથી હોતો. સંશયયુક્ત મન હોવાથી આવી વ્યક્તિ પોતાના મિત્રો ગુમાવે છે. તેને સંસાર શત્રુઓથી ભરેલો લાગે છે. તે જાણે છે કે બીજાને પોતે દગો કરે તો લોકો તેને પણ દગાથી જવાબ આપશે. આ રીતે ખરાબ ચિંતનમાં તેનો સમય વ્યતીત કરે છે અને દુ:ખમાં ડૂબી જાય છે.
માનસિક શક્તિના વિકાસ માટે સરળ સ્વભાવ હિતકારક છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘‘ડેવિલ ઈઝ ડોંકી’” શેતાન ગધેડો હોય છે. આ કહેવત ચતુર લોકોની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. જે માણસ બહાર અંદરથી એકસરખો હોય છે તે જ પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. જો માનવી પોતાના વિચાર અને વ્યવહારમાં સત્ય આચરે તો તેના આચારવિચાર આપોઆપ ઉચ્ચ કોટિના થઈ જાય છે. જે માણસ પોતાના કોઈ પણ દોષને છુપાવવા પ્રયત્ન નથી કરતો તેના ચરિત્રમાં એક પણ દોષ રહેતો નથી. પહેલાંનાં પાપ પણ સચ્ચાઈની મનોવૃત્તિના ઉદયના પરિણામે નષ્ટ થઈ જાય છે. સંતાડેલું પાપ લાગે છે અને ખુલ્લું રાખેલું પાપ લાગતું નથી. જે પોતાના વિશે જેટલું વધારે વિચારે તે પોતાને તેટલો જ વધારે પુણ્યાત્મા બનાવે છે. આવી જ વ્યક્તિ બીજી આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે.
પ્રતિભાવો