૧૩. પ્રતિભા વિકસાવવાનો ક્રમ :
July 17, 2022 Leave a comment
પ્રતિભા વિકસાવવાનો ક્રમ :
જયારે પ્રતિભાઓ યુગશક્તિ સાથે જોડાશે ત્યારે યુગપરિવર્તનનું ચક્ર ઝડપી ગતિથી ચાલશે. તેમના વ્યક્તિત્વમાં ઉત્કૃષ્ટતા આવશે. વિચારો અને ભાવનાઓમાં શ્રેષ્ઠ તત્ત્વો વધશે. શ્રેષ્ઠ વ્યક્તિઓના શ્રેષ્ઠ સમૂહો બનશે. તેઓ જીવનનાં, રાષ્ટ્રનાં, વિશ્વનાં વિભિન્ન ક્ષેત્રોમાં “હું” ને બદલે “આપણે બધાં” ના હિતના શ્રેષ્ઠ ભાવ સાથે સક્રિય થશે. શિક્ષણ, ધર્મ, રાજનીતિ, અર્થ, સમાજ વગેરે ક્ષેત્રોમાં યુગશક્તિની પ્રેરણાથી વ્યક્તિગત સ્વાર્થ અને સુખને બદલે સામૂહિક સ્વાર્થ અને સામૂહિક હિતને મહત્ત્વ મળશે. નકારાત્મક કાર્યો છોડી દઈને પ્રતિભાશાળીઓ જો પ્રગતિ તથા સર્જનના માર્ગે આગળ વધશે તો ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ થવામાં વાર નહિ લાગે. “આપણે સુધરીશું – યુગ સુધરશે, આપણે બદલાઈશું – યુગ બદલાશે” નો દિવ્ય ઉદ્ઘોષ દરેક ક્ષેત્રમાં મૂર્તિમંત થતો જણાશે. જુદી જુદી પ્રતિભાવાળા લોકો પોતાની પસંદગી અને સ્વભાવના આધારે સાધના, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, પર્યાવરણ, મહિલાજાગૃતિ, વ્યસનો તથા કુરિવાજોના નિવારણ જેવાં આંદોલનો ધપાવવા આગળ આવશે.
પૂ. ગુરુદેવ કહેતા રહ્યા છે કે નવસર્જનના અભિયાનમાં આ યુગની તમામ પ્રતિભાઓની ભાગીદારી હોવી જોઈએ. જ્યારે પ્રતિભાઓના દિલો-દિમાગમાં યુગચેતનાનો પ્રવાહ ઊતરશે ત્યારે તેઓ નવસર્જનના યજ્ઞમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
શક્તિકેન્દ્રોએ સમર્થ બનવું જોઈએ :
યુગસર્જન માટે દિવ્ય ઊર્જાકેન્દ્રોના રૂપમાં પીઠોની સ્થાપના કરવામાં આવી છે. ઋષિતંત્ર પોતાનાં સમર્થ અનુદાનો સાથે તૈયાર છે, જે કેન્દ્રો પ્રયોજનને પૂરું કરવા માટે શિસ્તમાં રહીને પ્રયત્નો કરશે તેમને અનાયાસ જ આ દિવ્ય અનુદાનો સહજ રીતે મળશે. એમને સમર્થ બનાવવા માટે જરૂરી છે કે
- એમની સાથે જોડાયેલા પરિજનો સમયનું મહત્ત્વ, યુગશક્તિની ગરિમા અને પોતાના ગૌરવમય કર્તવ્યને સારી રીતે સમજે અને તે માટે પ્રામાણિકતાથી પ્રયત્ન કરે.
- ગાયત્રીવિદ્યાના સાર્વભૌમ સ્વરૂપને સમજે અને ભેદભાવથી પર રહીને એના વિસ્તાર અને તાલીમની યોજના બનાવે.
- પ્રત્યેક પીઠ પર સમયદાનીઓની એવી વ્યવસ્થા થાય કે જેથી ત્યાં જનારા લોકોને યુગશક્તિ સાથે જોડાવાની અને યુગસાધનામાં આગળ વધવાની પ્રેરણા સદાય મળતી રહે, એ સાથે શક્તિપીઠોના કાર્યક્ષેત્રમાં ઘેરેઘેર પહોંચી તેના વિસ્તારનો ક્રમ ચલાવવામાં આવે.
- યુગઋષિએ એ માટે સાધનાવિધિ અને મહત્ત્વ દર્શાવતું અણમોલ સાહિત્ય રચ્યું છે. સાધનાની સફળતા માટે સૂક્ષ્મ જગતમાં અનુકૂળ પ્રવાહ પણ ઊભો કર્યો છે. થોડા પુરુષાર્થથી ખૂબ શ્રેય તથા સૌભાગ્ય મળવાનો સુયોગ પણ તૈયાર છે.
પ્રત્યેક પીઠના પ્રાણવાન અને જવાબદાર પરિજનોએ નવા યુગસાધકો બનાવવાનો અને જૂનાને દઢ અને પ્રભાવશાળી બનાવવાનું અભિયાન શરૂ કરવાનો અત્યારે જ સંકલ્પ લેવો જોઈએ. ગાયત્રી શક્તિપીઠ અભિયાન શરૂ થવાના રજતજયંતી વર્ષમાં ઓછામાં ઓછું પ્રત્યેક શ્રદ્ધાવાન તથા ભગવાનની ઉપાસના પ્રત્યે આસ્થાવાન લોકોને ગાયત્રી સાધના કરવાની પ્રેરણા આપવી જોઈએ અને તૈયાર થનારાને તાલીમ આપવાનો ક્રમ ચલાવવો જોઈએ. - ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ દરેક શ્રદ્ધાળુને સાધના તથા સ્વાધ્યાયમાં પહેલાં કરતાં વધારે નિયમિત તથા ગંભીર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુદાં જુદાં સંગઠનોની યાદી બનાવી લેવી જોઈએ. આમાંથી જે ધર્મગુરુઓએ ગાયત્રી સાધના કરતાં પોતાના અનુયાયીઓને રોક્યા નથી અને ગાયત્રીનું મહત્ત્વ સમજાવ્યું છે તે બધાને પ્રેરિત કરવાનું શરૂ કરવું જોઈએ. તે માટે સાધના વિષયક સાહિત્ય અને ગોષ્ઠિઓનું આયોજન કરવું જોઈએ. આવા સાધકોએ પોતાની ઉપાસનાની સાથે ગાયત્રી ઉપાસનાને જોડવાનો લાભ બતાવવો જોઈએ. માત્ર ગાયત્રી મંત્ર અને સૂર્યની આભાવાળું ચિત્ર રાખવા પર ભાર મૂકવો જોઈએ. દેવસ્થાપનાની જેમ મંત્રસ્થાપનાનું અભિયાન ચલાવવું જોઈએ. જો તેઓ ઇચ્છે તો પરંપરાગત દેવસ્થાપનાવાળા ચિત્રનું સ્થાપન પણ કરી શકાય છે. પૂ.ગુરુદેવે અહીં નિર્દેશ આપ્યો છે કે જુદા જુદા મતમતાંતરોવાળા લોકોને ગાયત્રી મંત્ર સાથે જોડવા હોય તો તેમને સ્થૂળ પ્રતીકોથી મુક્ત રાખવા પડશે. યુગશક્તિના પ્રતીક રૂપ લાભ મશાલને તેમણે યોગ્ય પ્રતીક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે આ પ્રતીક સાર્વભૌમ છે. તેમાં જ ગાયત્રી શક્તિ અને ગુરુસત્તાને રહેલાં જોઈ શકાય. માત્ર દીપક અથવા ઊગતા સૂર્યના ચિત્રને પણ પ્રતીક માની ગાયત્રી મંત્રની સાધના કરી શકાય છે.
તેમણે સૂક્ષ્મીકરણ બાદ એટલે સુધી કહ્યું હતું કે ગાયત્રી મંત્ર સંસ્કૃતમાં હોવાથી કેટલાય લોકોને તેના જપમાં મુશ્કેલી થાય છે એટલા માટે મેં નવી ગાયત્રી બનાવી છે – ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના : “હે પ્રભુ ! અમને બધાંને ઉજ્જવળ ભવિષ્યના માર્ગ પર ચલાવો.’ આ ભાવ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરવાથી ધિયો યો નઃ પ્રચોદયાત્’ જેવો પ્રભાવ બની જશે,
આ બધું કરવા માટે સાધકોએ સંગઠિત બનીને કાર્યયોજના બનાવવી પડશે. શક્તિપીઠોએ સર્જનસૈનિકોની છાવણી બનવું પડશે. સંગઠનને મહત્ત્વ આપવું પડશે. ગાયત્રી મંત્ર જપમાં પણ જ્યાં સુધી “હું” ના બદલે “અમે” ના રૂપમાં વિકસિત થવાનો ઉત્સાહ નથી જાગતો ત્યાં સુધી ગાયત્રી ઉપાસનાને, અધ્યાત્મ સાધનાને માત્ર પ્રતીકપૂજા જ માની શકાય. મિશન દ્વારા પ્રકાશિત પુસ્તિકા ‘સૌના માટે સરળ સાધના – ઉપાસના’ નો ઉપયોગ આ હેતુ માટે સહેલાઈથી થઈ શકે છે. - સંગઠનના નીતિનિયમો અનુસાર એક વ્યવસ્થાક્રમ બનાવી દરેક પીઠ પર વિકસિત કરવો જોઈએ. આનાથી પ્રતિભાઓને વિકસવાની અને યુગસર્જનમાં નિયોજિત કરવાની લાંબાગાળાની જવાબદારી સંભાળી શકાશે.
પ્રતિભાવો