૧૪૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૪૭/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 17, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૪૭/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત વા યઃ સહસ્ય પ્રવિદ્વાન્મર્ત્તો મર્ત્તં મર્ચયતિ દ્વયેન । અતઃ પાહિ સ્તવમાન સ્તુવન્તમગ્ને માકિર્ગો દુરિતાય ધાયીઃ ॥ (ઋગ્વેદ ૧/૧૪૭/૫)
ભાવાર્થ : જે લોકો હંમેશાં બીજાઓની નિંદા કરે છે અને દોષો શોધતા રહે છે તેમનાથી બચવું જોઈએ, કારણ કે તેમની પાસે રહેવાથી આપણો સ્વભાવ પણ તેમના જેવો જ થઈ જાય છે.
સંદેશ : કહેવત છે કે ‘મનુષ્યને બીજાની આંખનો તલ તો દેખાય છે, પરંતુ પોતાની આંખનો તાડ દેખાતો નથી.’ બીજાના દોષોને વધારીને કહેવામાં તેને ખૂબ જ આનંદ આવે છે. પરનિંદામાં જે મજા આવે છે તે બીજી કોઈ વસ્તુમાં આવતી નથી. ઘણા લોકો આપણા મોઢે તો વખાણ કરે છે, ખુશામત કરે છે, પણ પીઠ પાછળ નિંદા કરે છે. ખુશામત કરવી અને નિંદા કરવી બંને તેમના હલકા સ્તરને પ્રદર્શિત કરે છે. નિંદા કરતા કહેવાથી મનુષ્યની દૃષ્ટિ એવી બની જાય છે કે તેને સર્વત્ર ખરાબ જ દેખાય છે. લોકોના સારા ગુણો તરફ પણ તેનું ધ્યાન જતું નથી.
અહંકાર અને દંભને વશ થઈને લોકો બીજાની નિંદા કરે છે. તેમનામાં એવું અભિમાન જાગૃત થઈ જાય છે કે હું જ મોટો બુદ્ધિશાળી છું, પરાક્રમી છું, કર્તવ્યનિષ્ઠ છું અને બાકીના બધા નકામા, અજ્ઞાની અને કામચોર છે. આ ભાવનાથી તે બીજાઓને પોતાના કરતાં તુચ્છ માનવા લાગે છે તથા તેની સારી વાતોમાં પણ દોષ શોધતા રહેવાનો પ્રયાસ કરે છે. એનાથી બીજાનું કશું બગડે કે ના બગડે, પરંતુ તેની પોતાની પ્રગતિ કુંઠિત થઈ જાય છે. અનેક લોકો પોતે યોગ્ય પુરુષાર્થ કરતા નથી અને જો અસફળતા મળે તો અકારણ જ બીજાઓને દોષ દે છે. તેઓ પોતાની દુર્બળતાને સંતાડવા માટે બીજા લોકોની નિંદા કરીને તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. દ્વેષ તથા ઈર્ષ્યા પણ પરનિંદામાં વધારો કરે છે. મોટાભાગના માણસો બીજાના ગુણોની પરખ કરવાના બદલે મિથ્યા દોષારોપણ કરતા રહે છે. પોતે કોઈ પણ કાર્યમાં કુશળતાનું પ્રદર્શન કરતા નથી અને “નાચવું ન હોય તો આંગણું વાંકું” ના આધારે બીજાઓના દોષ કાઢે છે. જેમની સામે પોતાનું કોઈ સ્પષ્ટ ધ્યેય નથી હોતું, સમયના સદુપયોગની કોઈ યોજના નથી હોતી તેઓ જ પરનિંદામાં મગ્ન રહીને સમયને નષ્ટ કરે છે. પરનિંદાની માદકતા તેમને કશુંય વિચારવા અને સમજવાનો અવસર આપતી જ નથી, બીજાઓને હલકા પાડીને પોતાની પ્રતિષ્ઠા વધારવાનું ચલણ આજકાલ સર્વત્ર દેખાય છે.
દિનપ્રતિદિન સ્થિતિ બગડતી જાય છે. શ્રેષ્ઠ મહાપુરુષોનાં જીવનચરિત્ર ન તો કોઈ વાંચે છે અને ન તેમના જીવનમાંથી કશું શીખવાનો પ્રયત્ન કરે છે. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી વગેરેના જીવનના ત્યાગ, સેવા, શૌર્ય, દઢતા વગેરે સદ્ગુણોની ચર્ચા કરવાનું પણ પસંદ નથી કરતા. સર્વત્ર કામુકતા, અશ્લીલતા, પરનિંદા તથા છિદ્રો શોધવાની વૃત્તિ જ જોવા મળે છે, પછી ભલેને સાહિત્ય હોય યા રેડિયો, ટી.વી. વગેરે હોય.
બીજાઓની નિંદા કદીય કરવી ન જોઈએ. તેનાથી આપણો જ આત્મા મલિન થાય છે. પ્રત્યેક મનુષ્યમાં કોઈ ને કોઈ સદ્ગુણ અવશ્ય હોય છે. મધમાખીની જેમ આપણે પણ બીજાઓના ગુણો જોવાની જ આદત પાડવી જોઈએ. એવું કરવાથી હૃદય શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. હંમેશાં બીજાઓના ગુણ જુઓ, પણ દોષ પોતાના જુઓ, ત્યારે જ ખબર પડશે કે “મુજ સે બૂરા ન કોય.”
નિંદાથી બચીએ તો આપણું શુદ્ધિકરણ શક્ય છે.
પ્રતિભાવો