૧૪૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૧૨૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 18, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૨૦/૧૨૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યો જામ્યા અપ્રથયસ્તદ્ યત્ સખાયં દુધૂર્ષતિ । જ્યેષ્ઠો યદપ્રચેતાસ્તદદાહુ૨ધરાગિતિ I (અથર્વવેદ ૨૦/૧૨૮/૨)
ભાવાર્થ : જે મનુષ્ય સ્ત્રીઓના સતીત્વનું અપહરણ કરે છે, મિત્રઘાત કરે છે અને વૃદ્ધ હોવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત નથી કરતો તે અધોગતિને પામે છે.
સંદેશ : વૈદિક ધર્મમાં સદાચાર અને નૈતિકતાનું ઘણું જ મહત્ત્વ છે. પ્રત્યેક કર્મ સાર્વદેશિક, સાર્વભૌમ, સર્વકાલિક અને સાર્વત્રિક હોય છે. તેનો કોઈ દેશ, કાળ અથવા ભૂમિવિશેષ સાથે સંબંધ નથી હોતો. સત્ય બોલવું, સેવા કરવી, પરોપકાર કરવો વગેરે એવાં જ કર્યો છે. જે કર્મો કરવાથી મનુષ્યના અંતરાત્માને સંતોષ થાય, પ્રસન્નતા તથા ઉત્સાહની અનુભૂતિ થાય એવાં કર્મોને સદાચાર કહેવામાં આવે છે. એ કર્મો કરવાથી મનુષ્ય કદીય લજ્જિત થતો નથી અને તેનો આત્મા સંતુષ્ટ થાય છે. આવાં જ પવિત્ર તથા નૈતિક કર્મ સદાચાર કહેવાય છે. એનાથી ઊલટું, જે કર્મ કરવામાં શરમ, શોક, ભય વગેરેની અનુભૂતિ થાય તેને દુરાચાર કહેવામાં આવે છે.
દુરાચારનો વ્યાપક અર્થ છે ખરાબ આચરણ, દુષ્ટતાપૂર્ણ વ્યવહાર, પરંતુ તેનો એક અર્થ વ્યભિચાર પણ છે. અશ્લીલતા અને દુરાચારને ધનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય અશ્લીલતાને અપનાવે છે તેની દુરાચાર તરફ પ્રવૃત્ત થવાની શક્યતા રહે છે. આપણા ઋષિઓએ વાસનાત્મક પવિત્રતા પર પણ ઘણો ભાર મૂક્યો છે. શરીર શુદ્ધિ અને પવિત્રતાનું સાધન છે. વ્યસનોથી દૂર રહેવું જોઈએ. દારૂ વગેરે માદક દ્રવ્યોનું સેવન, માંસાહાર, અશ્લીલતા, વ્યભિચાર, જુગાર વગેરે મુખ્ય વ્યસનો છે. તે મનુષ્યના પતનનાં કારણ બને છે. તેમાં કામુકતાનું વ્યસન સૌથી ભયંકર હોય છે અને તેની પર નિયંત્રણ રાખવું તે સૌથી મહત્ત્વપૂર્ણ સદાચાર છે. જ્યાં સુધી મનુષ્યનો કામાગ્નિ પ્રજ્વલિત થતો નથી ત્યાં સુધી જ તેનામાં મોટાઈ, વિદ્વત્તા, કુલીનતા અને વિવેક રહે છે . આ જ ભારતીય સદાચારનો માપદંડ છે.
જે માણસે આંખ, કાન, વાણી અને મગજને પવિત્ર રાખવાનો સંકલ્પ કર્યો હોય અને પવિત્ર રાખતો હોય તે અશ્લીલતાથી અવશ્ય બચી શકશે. ખરાબ વિચારોથી પોતાની જાતને બચાવવા માટે માત્ર આ પ્રતિબંધો મૂકવાના નથી, પરંતુ એની સાથે ઈશ્વરભક્તિ, સારાં પુસ્તકોનું વાંચન, પવિત્ર માણસોનો સાથ વગેરેને પણ અપનાવવાં પડશે. મન જેટલું ઈશ્વરભક્તિમાં લાગેલું રહેશે એટલા જ અશ્લીલ વિચારો દૂર ભાગતા રહેશે. સારા ગ્રંથોનું જેટલું અધ્યયન કરવામાં આવશે, એટલા જ ખરાબ વિચાર દૂર ભાગશે. પવિત્ર માણસોનો સત્સંગ સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપશે.
વૈદિક ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું લક્ષ્ય છે – પ્રાકૃતિક પદાર્થોનો – ઉપભોગ કરતાં કરતાં પરમાત્મા સુધી પહોંચવું. પરમાત્મા શુદ્ધ સ્વરૂપ છે. તેથી શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવા માટે આત્માને શુદ્ધ અને પવિત્ર કરવો પડશે. આત્માની શુદ્ધતા અને પવિત્રતા માટે વ્યસનોને ત્યાગીને સદાચાર અપનાવવો પડશે. સાત્ત્વિકતાને આપણા જીવનનો આધાર બનાવી લેવાથી મનમાં સદ્વિચારોની ઉત્પત્તિ થાય છે. તેનાથી અંતરાત્મામાં ઉચ્ચ, શુદ્ધ તથા પવિત્ર વિચારો વધે છે, જે આપણને નૈતિક આચરણ કરવા માટે પ્રેરિત કરે છે.
વૈચારિક પવિત્રતા સદાચારનો મુખ્ય આધાર છે.
પ્રતિભાવો