૧૫. બ્રાહ્મણત્વના વિકાસની જરૂર છે.
July 19, 2022 Leave a comment
બ્રાહ્મણત્વના વિકાસની જરૂર છે.
સમયની માગ છે કે સમાજમાં જાગૃત વિભિન્ન દિશાધારાઓને લોકહિતમાં જોડવામાં જે બ્રાહ્મણત્વની ખોટ પડી છે તે કુશળતાપૂર્વક અને તાત્કાલિક પૂરવી જોઈએ. સ્વામી વિવેકાનંદે આ જ અપીલ કરી હતી અને પૂ. ગુરુદેવનો જીવંત પુરુષાર્થ સતત આ દિશામાં પૂરી નિષ્ઠાથી જોડાયેલો રહ્યો.
વાત ૧૯૫૪ – ૫૫ની આસપાસની છે. પૂ. ગુરુદેવ કોઈ ક્ષેત્રીય આયોજનમાં જઈ રહ્યા હતા. ઝાંસી સ્ટેશને ગાડી બદલવામાં થોડાક કલાકનો સમય મળ્યો. ત્યાં સહજ વાતચીતમાં પૂ. ગુરુદેવે કહ્યું :
“આપણું સંગઠન બ્રાહ્મણોનું સંગઠન છે. સમાજને સાચી દિશા બતાવવાનું કામ બ્રાહ્મણોનું છે. એ બ્રાહ્મણ (બ્રાહ્મણત્વ) મરી ગયો, તેના લીધે સમાજની આ દુર્દશા છે. આપણો પ્રયત્ન તેને ફરીવાર જાગૃત, સક્રિય અને પ્રતિષ્ઠિત કરવાનો છે. જેવી રીતે કોઈ દુકાનદારનાં બાળકો સમર્થ તથા સમજણા થાય તે પહેલાં જો દુકાનદાર મરી જાય તો તેનો ધંધો ખતમ થઈ જાય છે. બાળકો સમજદાર થતાં પોતાની શક્તિ અને કુશળતા પ્રમાણે નાનોમોટો ધંધો કરી લે છે એવું આપણે બ્રાહ્મણત્વને જાગૃત કરવા બાબતે કર્યું છે. આશા રાખીએ છીએ કે પરિપક્વતા અને અનુભવ વધતાં બાળકોનો ધંધો વિકસશે. ધીમે ધીમે બ્રાહ્મણત્વ એટલું વિકસાવીશું કે તે સમાજને સાચી દિશા અને પ્રેરણા આપી શકે.’
તેમના આ પ્રયત્નથી અત્યાર સુધી જે સફળતાઓ મળી છે તેને આ યુગમાં અસાધારણ તથા અનુપમ જ કહી શકાય. જીવનમાં બ્રાહ્મણત્વનો વિકાસ કરવાની ગાયત્રી વિદ્યા અને યજ્ઞવિજ્ઞાન આજે ભેદભાવ વિના સામાન્ય લોકો માટે સુલભ બન્યાં છે. સમાજના દરેક વર્ગમાં ધર્મતંત્રથી લોકશિક્ષણનું કામ કરનારા પુરોહિતો બનાવવાનો ક્રમ ચાલુ છે. લગભગ લુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં જતી રહેલી સંસ્કાર પરંપરા આળસ મરડીને બેઠી થઈ છે. જે મહિલાઓને ધર્મસંસ્કૃતિના અલગ અલગ અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી તે આજે કોઈ ખચકાટ વિના સંસ્કાર પરંપરાને આગળ વધારવાની જવાબદારી ઉઠાવી રહી છે. સમાજના દરેક વર્ગમાં ભગવાન તથા યુગઋષિની સાથે ભાગીદારી માટે સમય અને સાધનોનો એક અંશ કાઢનારા યુગસાધકોની સંખ્યા અને ક્ષમતા ધીમે ધીમે વિકસિત થતી જાય છે.
આ બધી સિદ્ધિઓ પ્રશંસાપાત્ર અને અનોખી છે, છતાં તે પૂરતી નથી. અત્યાર સુધીનાં બંધ બારણાં હજુ માત્ર ખૂલ્યાં જ છે, બંધ ૨સ્તો માત્ર ખુલ્લો જ થયો છે, અંતિમ ધ્યેય સુધી પહોંચવા ઘણું બધું કરવાનું બાકી છે. હજુ તો બ્રાહ્મણત્વનાં જીવંત સૂત્રોનો સમાજને માત્ર પરિચય મળ્યો છે. તેમને એટલાં પ્રખર અને સક્ષમ બનાવવાનાં છે કે સમાજમાં યુગનિર્માણ માટે પ્રતિભાઓનું યોગ્ય નિયોજન સ્વાભાવિક રીતે થતું રહે. યુગઋષિ સાથે આપણે જેટલો સંબંધ છે, ભાવનાત્મક જોડાણ છે તેના આધારે આ પ્રક્રિયા આગળ વધારી સર્જનના પડકારોને ઝીલી યોગ્ય બ્રાહ્મણત્વ વિકસાવવાની જવાબદારી માથે આવવાની છે. આપણે પાછા ન પડવું જોઈએ.
દિવ્ય અવતરણનું માધ્યમ બનો :
યુગઋષિએ પોતાના અવતરણનું લક્ષ્ય યુગનિર્માણની ઈશ્વરીય યોજનાને સાકાર કરવાનું બતાવ્યું છે. ‘મારું વિલ અને વારસો’માં તેમણે લખ્યું છે કે આ મહાન યોજના સાકાર કરવા ઋષિતંત્ર સંકલ્પિત અને સક્રિય છે. હિમાલયયાત્રા દરમિયાન પૂજ્ય ગુરુદેવે ઋષિઓને એ આશ્વાસન આપ્યું હતું કે સૂક્ષ્મ પ્રવાહને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા તેઓ સુયોગ્ય સમર્પિત વ્યક્તિત્વો તૈયાર કરશે. ઈશ્વરીય પ્રવાહ અને ઋષિઓના તપપ્રયોગોના સંયુક્ત પ્રભાવથી તે વ્યવસ્થા સૂક્ષ્મ જગતમાં બની ચૂકી છે. હવે તેને માત્ર જીવનમાં ઉતારવાની જ છે. ઉચ્ચ સ્તરના પ્રાણસંપન્ન લોકો જ આ માટે યોગ્ય માધ્યમ બની શકે છે. આવાં વ્યક્તિત્વો તૈયાર કરવા જ તેમણે પ્રાણ અને તપનાં વરદાન ખુલ્લે હાથે વહેંચ્યાં. જેમના માટે આ બધું કર્યું, તેમની પાસે કેટલીક અપેક્ષાઓ છે. તેઓ લખે છે :
“યુગપરિવર્તનમાં જે સતયુગના અવતરણનું લક્ષ્ય છે તેને તમે સર્વપ્રથમ આત્મસત્તામાં ધારણ કરો. એક પ્રજ્વલિત દીપક અસંખ્ય દીપકોને પ્રગટાવી શકે છે એ કથન પર વિશ્વાસ કરો. પોતે બદલાઓ, પ્રવાહને બદલો અને પરાક્રમી યુગપ્રવર્તકોની આગલી હરોળમાં ઊભા રહો. આ જ સમયની માંગ અને આત્માનો પોકાર છે, જેની કોઈ પણ પ્રાણવાન અવગણના ન કરે. (પ્રજ્ઞા અભિયાનનું સ્વરૂપ અને કાર્યક્રમ પાન – ૨૩)”
યુગઋષિની કાર્યયોજના સાવ સ્પષ્ટ છે. તેમણે યુગનિર્માણ પરિવારમાં પ્રાણવાનોને એકત્ર અને વિકસિત કર્યા છે. જો તે પરિજનો પ્રાણવાન ન હોત તો હજારો વર્ષોથી પ્રતિબંધિત ગાયત્રી અને યજ્ઞને જનસુલભ બનાવવાનો મોરચો કઈ રીતે જીત્યા હોત, પરંતુ હવે આગળનું કામ આના કરતાં વધારે મોટું છે. પ્રત્યેક વ્યક્તિ નવયુગના અવતરણ માટે એક અગ્રગામી માધ્યમના રૂપમાં તૈયાર થાય. એ પરિવર્તનનો ક્રમ પ્રશંસાપાત્ર ભાષણોથી નહિ, પણ અપનાવવા યોગ્ય આદર્શોભર્યું જીવન જીવવાથી ગતિશીલ થશે. આ માટે તેમણે ઉપરનું આહ્વાન કર્યું છે. સ્પષ્ટ છે કે આ પાત્રતા બ્રાહ્મણોચિત જીવન, સાદું જીવન તથા ઉત્કૃષ્ટ આદર્શોના પાલનથી જ વિકસિત થશે.
તેમણે પોતાના પ્રત્યેક પરિજનને કહ્યું છે કે તેઓ પોતાનો સમય, પ્રભાવ, જ્ઞાન તથા પુરુષાર્થનો એક અંશ નિયમિતરૂપે નવસર્જન માટે ખર્ચતા રહે. શરૂઆત થોડાથી થાય, પણ ધીમે ધીમે અંશદાન વધારવું જોઈએ. જો સર્જનશિલ્પી પોતાની અને કુટુંબની જરૂરિયાતો ઓછી રાખે તો જ આ શક્ય બને. જો જરૂરિયાતો વધારે હશે તો લોકમંગલ માટે આપવા સાવ થોડું જ બચશે. તેઓ લખે છે :
“યુગનિર્માણ પરિવારના પ્રત્યેક પરિજને આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને જોવું જોઈએ કે સરેરાશ ભારતીય નાગરિક કરતાં તેઓ પોતાના માટે વધારે ખર્ચ તો નથી કરતા ને ? જો વધારે ખર્ચ કરતા હોય તો આત્માનો, ન્યાયનો અને કર્તવ્યનો પોકાર સાંભળીને એ વધારાના ખર્ચને તત્કાલ ઘટાડવો જોઈએ.’’(વાંડ્મય ૬૬ પાન ૧.૩૨)
પૂજ્યવર સ્પષ્ટ કહે છે કે આપણે પરિજન હોવાને લીધે આ ઓછામાં ઓછી શરતો પૂરી કરીએ તે પૂરતું નથી. આપણામાં અગ્રદૂતોની જેમ વધુને વધુ કામ કરવાનો ઉમંગ હોવો જોઈએ. એ માટે આત્મસમીક્ષા કરો. ત્રણ અવાજ સાંભળો. આત્માનો, ન્યાયનો અને જવાબદારીનો.
આત્માનો અવાજ : આપણે આત્મિક રીતે ઋષિતંત્ર સાથે જોડાયેલા છીએ. કટોકટીના સમયે આપણે પૂરા મનોયોગથી પ્રયત્ન કરતા નથી. તે આત્મા કઈ રીતે સહન કરશે ? આમકરવાથી આપણું આત્મબળ નબળું જ રહેશે.
ન્યાયનો અવાજ ઈશ્વર ન્યાય કરનારો છે. ન્યાય કહે છે કે જે સરેરાશથી વધારે વાપરે છે તે બીજાનો હક હડપ કરી જવાનો ગુનો કરે છે. જો આપણે ન્યાયને સમજીએ નહિ, તો ન્યાય કરીશું કઈ રીતે ?
જવાબદારીનો અવાજ: આપણે સર્જનસૈનિક છીએ. આપણે યુગઋષિને આપણા બ્રહ્મવર્ચને જગાડવાનું વચન આપ્યું હતું. આપણું કર્તવ્ય છે કે આપણે ઓછામાં ઓછું વાપરી વધારેમાં વધારે યુગસર્જન માટે, યુગધર્મ માટે, કટોકટી માટે, યુગની જવાબદારીઓ નિભાવવા માટે વાપરીએ.
તેમનું અનુશાસન માનો, તેમને દુઃખી ન કરો :
તેમણે વારંવાર કહ્યું છે કે આપણે આ સમયમાં આવ્યા જ છીએ તે અકારણ નથી આવ્યા. કેટલીક વિશેષ જવાબદારીઓ છે, જેમનું પાલન આપણે કરવું જ જોઈએ. જેઓ પોતાની મહાન જવાબદારીઓને ભૂલી જાય છે, સુખસગવડ મેળવવામાં તથા અહંકાર બતાવવામાં સમય વેડફી દે છે તેઓ બાળકો જેવી અણઘડ હરકતો કરે છે. પૂ. ગુરુદેવ કહે છે :
“આપણો કાફલો વરિષ્ઠો, વિશેષજ્ઞો અને વિશિષ્ટ લોકોનો છે. તેમને બાળકો જેવી હરકતો કરતા જોઈએ તો સ્વાભાવિક જ ઊંડી ચિંતા થાય. ચિંતાનું કારણ તેમની પોતાની અવગણના સુધી મર્યાદિત નથી, પણ તેમની સાથે જોડાયેલી જવાબદારીઓનો પણ પ્રશ્ન છે કે જે જીવનમરણ બનીને માનવના અસ્તિત્વ અને ભવિષ્યની ગરદન પર તલવાર બનીને લટકે છે. વરિષ્ઠો લોકોનું જો પતન થશે તો પછી બચશે શું ? (મહાકાલ અને તેની યુગપ્રત્યાવર્તન પ્રક્રિયા)
આ મહત્ત્વપૂર્ણ સમયમાં જેમણે આળસુ બનીને પડી રહેવું હોય તે પડ્યા રહે, પરંતુ જાગૃત આત્માઓ યુગઋષિ સાથે આત્માથી જોડાયેલા છે તેમને આ છોકરમત શોભતી નથી. તેમને ગમે ત્યાં અટવાતા તથા ભટકતા જોઈને યુગઋષિને ચિંતા થાય છે. તેઓ જોઈ રહ્યા છે.
- કેટલાક લોકો જપ, પૂજા, કર્મકાંડ વગેરે તો કરે છે, પણ જીવનમાં બ્રાહ્મણોચિત સાદગી, વિનમ્રતા તથા આદર્શનિષ્ઠા તરફ ધ્યાન નથી આપતા. કેટલાક લોકો વક્તા તો બની ગયા, ઉપાસનાનાં કર્મકાંડ પણ કરી લે છે, પણ જીવનસાધના, નિરહંકારિતા, ‘વડીલોની સલાહ લો, નાનાંને સન્માન આપો’ ની પ્રવૃત્તિથી દૂર છે.
- પૈસાના મદમાં કેટલાકપોતાની જરૂરિયાતો સરેરાશ ભારતીય સ્તરની રાખતા નથી, તો કેટલાક મહેનત મજૂરી કરી સાદગીથી રહીને જેવા ધનસંપન્ન બને છે કે તરત બધું ભૂલી જાય છે.
પૂ. ગુરુદેવ આ બધી હરકતોને છોકરમત ગણાવે છે. આ ગુમરાહ થવાનું મૂળ કારણ પોતાની ગરિમાને ભૂલી જવી તે જ છે. એનાથી તેમને ચિંતા તથા દુ:ખ થાય છે. એનાથી તેમને ચિંતા પણ થાય છે અને દુઃખ પણ થાય છે. તેઓ લખે છે :
“પરિજનો ! તમે આપણી વંશપરંપરાને સમજો. જો મને ખબર પડશે કે તમે મારી પરંપરા નિભાવી નથી, પોતાના સ્વાર્થી તાણાવાણા વણવાના શરૂ કર્યા છે, પોતાનો વ્યક્તિગત અહંકાર, વ્યક્તિગત યશકામના, વ્યક્તિગત ધનસંગ્રહ, સગવડોના સંગ્રહની શૃંખલા શરૂ કરી દીધી છે, વ્યક્તિગત રૂપે મોટા માણસ બનવાનું શરૂ કરી દીધું છે તો મારી આંખમાંથી આંસુ ટપકશે અને તે આંસુ આપને ચેન નહિ પડવા દે. આપને હેરાન કરી દેશે.” (સંદેશ – માર્ચ ૨૫,૧૯૮૭)
આપણે તેમને દુઃખી કરીશું તો ઘણી મોટી ખોટ જશે. કેટલાય જન્મોના પુરુષાર્થ પર પાણી ફરી વળશે. આપણે તેવું થવા નહિ દઈએ. ઊંડી આત્મસમીક્ષા કરો, જ્યાં ભૂલ દેખાય ત્યાં પ્રાયશ્ચિત્ત કરો, નવા ઉત્સાહથી યુગધર્મમાં જોડાઈ જાવ. બહાનાં ના કાઢો. એમના પ્રેરણાપ્રવાહને જીવનમાં ધારણ કરો, પ્રામાણિકતાથી બ્રાહ્મણત્વ વિકસાવવા પ્રયત્ન કરો. ગુરુકૃપાથી ઉચ્ચ સ્તરનું સૌભાગ્ય તથા સિદ્ધિઓનું વરદાન સ્વાભાવિક રીતે જ મળી રહેશે.
પ્રતિભાવો