૧૪૪. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 19, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૩/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત્સકથ્યાડઅવ ગુદં ધેહિ સમંજિ ચારયા વૃષન | ય સ્ત્રીણાં જીવ ભોજનઃ ।। (યજુર્વેદ ૨૩/૨૧)
ભાવાર્થ : જે સ્ત્રી અથવા પુરુષ વિષયસેવન દ્વારા વ્યભિચારને વધારતાં રહે છે તેમને કઠોર શિક્ષા કરવી જોઈએ. માંસસેવન કરનારા પણ શિક્ષાથી વંચિત રહેવા ન જોઈએ. એ સમાજના ગુનેગાર છે.
સંદેશ : દુષ્કર્મો અને કુવિચારોના કુસંસ્કાર એક પ્રકારનાં ઝેરીલાં પડળોની માફક ચેતન મગજ અને અચેતન ચિત્ત પર જામતા રહે છે. તે મનની ચંચળતા, ઉદ્વિગ્નતા, અસ્થિરતા, આવેગ, વિક્ષોભ વગેરેના રૂપમાં ફૂટી નીકળે છે અને માણસને અર્ધપાગલ જેવો બનાવી દે છે. તે કોઈ પણ કામને એકાગ્ર ચિત્તથી કરી શકતો નથી અને દરેક વખતે ‘કરું કે ના કરું’ની ગડમથલમાં લાગેલો રહે છે. ફળસ્વરૂપે ડગલે ને પગલે તેને અસફળતા જ મળે છે અને તે ઠોકરો ખાય છે. અસંતુલિત વ્યવહારથી ખિજાઈને તે અસંતુષ્ટ થઈ અસહયોગી, વિરોધી અને ગુનેગાર બની જાય છે. પરિવાર અને સમાજમાં બધાની સાથે ઝઘડો કરવા ટેવાયેલ માણસ દરેક ઘડીએ વિક્ષુબ્ધ રહે છે. ન તો તેનું મગજ સારી રીતે વિચારી શકે છે કે ન કોઈ રસ્તો સૂઝે છે. શ૨ી૨થી રોગી અને મનથી વિક્ષુબ્ધ માણસ જીવતો હોવા છતાં નરક ભોગવે છે અને સામાજિક વાતાવરણને પણ દૂષિત કરે છે.
વ્યસન અને મૃત્યુમાં વ્યસન વધારે દુઃખદાયક હોય છે. વ્યસનોથી અલિપ્ત માણસ મર્યા પછી પણ સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ વ્યસનોમાં ફસાયેલો માણસ હ૨પળે મરતો રહે છે અને અધોગતિ પ્રાપ્ત કરે છે. નિર્વ્યસની હોવું તે મનુષ્યની શોભા છે. જે માણસ માદક દ્રવ્યોનું સેવન કરતો નથી તેને નશો કરનાર કરતાં સારો માનવામાં આવે છે. માંસાહાર ન કરનાર માણસને માંસાહારી કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે. જુગા૨ીની તુલનામાં જુગાર ન રમનાર સન્માન અને પ્રતિષ્ઠા મેળવે છે.
દુષ્કર્મો, દુરાચારો અને વ્યસનોમાં સપડાયેલો માણસ પોતાના પતનનું કારણ તો બને જ છે, પણ સાથે સાથે સમાજ પ્રત્યે પણ ઘોર અપરાધ કરે છે. તેના કારણે સમાજમાં અરાજકતા તથા અશાંતિ ફેલાય છે અને કેટલાય લોકોના જીવન પર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. વ્યભિચાર અને બળાત્કારથી પીડિત માણસને આજીવન માનસિક તકલીફ ભોગવવી પડે છે.
આ બધાં વ્યસનો સમાજને માટે અપરાધ છે, તો માંસાહાર જીવ જગત પ્રત્યે અપરાધ છે. એ મનુષ્યને જંગલી અને અશિષ્ટ બનાવે છે અને બુદ્ધિને મલિન કરી નાખે છે. માંસાહારથી મનુષ્યના હૃદયમાંથી દયાનો ભાવ નષ્ટ થઈ જાય છે. તે તેની શારીરિક, આત્મિક, માનસિક તથા બૌદ્ધિક ઉન્નતિને અટકાવીને તેને દુર્ગતિ તરફ લઈ જાય છે. માંસ, માછલી, ઈંડાં વગેરે મનુષ્યનું ભોજન નથી. તેથી તેમને વર્જિત માનવાં જોઈએ. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા છે તે બધા શાકાહારી રહ્યા છે અને તેમણે માંસાહારની ભરપૂર નિંદા કરી છે. માણસ અહિંસાનો ત્યાગ કરે તો જ તે માંસાહાર કરી શકે છે. આપણા ઋષિઓએ હંમેશાં અહિંસાના મહિમાનાં જ વખાણ કર્યાં છે. મહાભારત (આદિપર્વ)માં ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે“અહિંસા પરમોધર્મઃ સર્વપ્રાણભૂતાં વર.” કોઈ પણ પ્રાણીને ન મારવું એ જ પરમ ધર્મ છે. અહિંસાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી.
સમાજ તથા જીવજગતના આ અપરાધીઓને, માનવતાના વિરોધીઓને યોગ્ય દંડ અવશ્ય મળવો જોઈએ. આવી દુષ્પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ઉખાડી નાખવાના કાર્યક્રમો આપણે બધાએ કરવા જોઈએ, તો જ આપણે સામાજિક જવાબદારીને સારી રીતે નિભાવી શકીશું.
પ્રતિભાવો