૧૪૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 20, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
હત્સુ પીતાસો યુધ્યન્તે દુર્મદાસો ન સુરાયામ્ । ઉધર્ન નગ્ના જરન્તે ॥ (ઋગ્વેદ ૮/૨/૧૨)
ભાવાર્થ : દુષ્ટ બુદ્ધિના લોકો મનગમતો દારૂ પીને અંદરોઅંદર લડતા રહે છે અને નગ્ન થઈને રાતભર આમતેમ ફરતા રહે છે. એટલા માટે સજ્જનો કદીયે ભૂલથી પણ દારૂ ના પીએ.
સંદેશ : બુદ્ધિશાળી કહેવાતો મનુષ્ય જ્યારે ન કરવાનું કરે છે, ન ખાવાનું ખાય છે અને ન પીવાનું પીએ છે ત્યારે તેની બુદ્ધિમત્તા પર સ્વાભાવિક રીતે શંકા થાય છે. દારૂ, તમાકુ વગેરે ઝેરીલા પદાર્થોની મનુષ્યને ટેવ પડી ગયા પછી તે હંમેશાં વિપરીત અને દુઃખદ પ્રભાવ જ પેદા કરે છે. સંસારના બધા જ દેશોમાં થયેલી શોધોના આધારે આ નશીલી વસ્તુઓને દરેક રીતે મનુષ્ય માટે બિનજરૂરી અને નુકસાનકારક જ ગણાવવામાં આવી છે. તેમના સેવનથી સ્મરણશક્તિ ઘટે છે તથા આળસ, પ્રમાદ, આવેશ, ચીડિયાપણું, ગભરામણ, ઉત્તેજના વગેરે વધી જાય છે. જે તેમનો ઉપયોગ કરશે તે પોતાનામાં આ દોષો વધી ગયા છે એવું પોતે જ અનુભવશે.
નશો ક્ષણિક ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જેવી રીતે હંટર મારવાથી ઘોડો ઉશ્કેરાઈને દોડવા લાગે છે તેવી જ રીતે નશો પણ મનુષ્યના સંચિત શક્તિભંડારને ઉત્તેજિત છે. નશો કરતી વખતે લાગે છે કે ક્ષણિક સ્ફૂર્તિ આવી ગઈ, પરંતુ અંતે તો તેનું પરિણામ ઘાતક જ આવે છે. વારંવાર ચાબુક મારીને ઘોડાને એના સામર્થ્યથી વધારે દોડાવવાથી ઘોડો જલદી થાકી જાય છે અને મરી જાય છે. આ જ વાત મનુષ્યના શરીરને પણ લાગુ પડે છે. દારૂ, તમાકુ વગેરે નશાના સેવનથી શરીરનો સંચિત શક્તિભંડાર જલદીથી નષ્ટ થઈ જાય છે અને યુવાનીમાં જ ઘડપણ આવી જાય છે. શરીર બોદલું અને નિસ્તેજ થઈને અનેક જાતના રોગોનું ઘર બની જાય છે. વ્યસનીના મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાથી બાજુમાં બેઠેલા લોકોના મનમાં નફરત પેદા થાય છે.
કુકર્મોના સંસ્કાર મનુષ્યને પાપોમાં પ્રવૃત્ત કરે છે. મદિરાપાન અનેક દુર્ગુણો અને પાપોનું મૂળ છે. નશો બુદ્ધિને વિકૃત કરી નાખે છે અને ઉન્મત્ત માણસ કોઈ પણ પાપ કરી શકે છે. કર્તવ્યજ્ઞાનના અભાવમાં તે દરેકની સાથે લડતો ઝઘડતો રહે છે અને માનમર્યાદાનું ધ્યાન પણ રહેતું નથી. ન તો તેને પોતાના તન અને મનનો હોશ રહે છે કે ન કપડાંનો. આમતેમ ભટકતાં ભટકતાં તે પોતાનું પતન તો કરે છે, સાથે જ કુટુંબ અને પડોશીઓનું જીવન પણ નરકમય બનાવી દે છે.
આપણી પોતાની તથા રાષ્ટ્રની અબજો રૂપિયાની બરબાદી પ્રતિ વર્ષ દારૂ, તમાકુ વગેરેના ઉત્પાદન, જાહેરાતો અને પ્રચારપ્રસારમાં થાય છે. જો આ ધનનો પૂરેપૂરો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્યની તંદુરસ્તી તથા જીવનનો સ્તર પણ સુધરે અને ગામડાં તથા નગરોનો વિકાસ પણ થઈ જાય. આ વિપુલ ધનરાશિનું આયોજન ગૃહનિર્માણ, વસ્ત્રનિર્માણ, ગૌપાલન વગેરે રચનાત્મક કાર્યોમાં કરવામાં આવે તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જાય.
સંસારના બધા ધર્માચાર્યો અને મહાપુરુષોએ નશાબાજીની નિંદા કરી છે અને તેને પાપ કહ્યું છે. એ તામસિક દુર્બુદ્ધિ અને ગુનાહિત દુષ્પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે. દુષ્કર્મ કરવામાં તેને લજ્જા આવતી નથી કે સંકોચ પણ થતો નથી, નિરંકુશતા આચરવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ થતો નથી. નશાબાજ વ્યક્તિની આધ્યાત્મિક સંવેદનશીલતા ઘટી જાય છે, છતાં પણ કોણ જાણે કેમ આપણે પ્રકૃતિવિરોધી કાર્યો કરીને પોતાનો ચારેય તરફથી વિનાશ કરવામાં લાગેલા રહીએ છીએ.
પ્રતિભાવો