૧૬. યુગને અનુરૂપ બ્રાહ્મણપરંપરા
July 20, 2022 Leave a comment
યુગને અનુરૂપ બ્રાહ્મણપરંપરા
પૂજ્ય ગુરુદેવે આ પરંપરાને ફરીવાર જીવિત કરવાની વાત કહી છે. ‘તીર્થસેવનથી આત્મશુદ્ધિ’ પુસ્તકના પાન ૯૫-૯૬ પર તેમણે લખ્યું છે :
“બ્રાહ્મણપરંપરાના પરિપોષણને અનાદિકાળથી ઉચ્ચ શ્રેણીનો પરમાર્થ માનવામાં આવે અને અનંતકાળ સુધી મનાતો રહેશે, ઉપયોગિતાની દૃષ્ટિએ આનાથી ચડિયાતું, શ્રેયસ્કર પુણ્યનું કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે. આમાં એક જ કમી છે કે દાતાનો લાંબા ગાળા સુધી ઢંઢેરો પીટનારું કોઈ સ્મારક નથી બનતું. જેમનું મન આ બાલક્રીડાથી લલચાતું ના હોય તેમના માટે બ્રાહ્મણત્વનું પોષણ કરવા જેવું બીજું કોઈ દાનપુણ્ય નથી. યોગ્ય વ્યક્તિઓ જ ઇચ્છિત હેતુ પૂરો કરી શકે છે. ધર્મધારણાના વિસ્તારમાં ચોક્કસપણે બ્રાહ્મણ કક્ષાની પ્રતિભાઓ જ સફળ થાય છે.
બ્રાહ્મણત્વ ઓછું તો થયું છે, પણ સાવ નષ્ટ નથી થયું. કુપાત્રોએ દાનદક્ષિણા બાબતે અશ્રદ્ધાનું વાતાવરણ જરૂર બનાવ્યું છે, છતાં એ શાશ્વત સત્ય અને સનાતન તથ્ય આજે પણ એવું ને એવું જ છે. લોકસેવીઓનો, ખાસ કરીને ધર્મક્ષેત્રના માળીઓ અને ચોકીદારોના નિર્વાહ તથા નિભાવની વ્યવસ્થા કરનારી અંતઃશ્રદ્ધાને, દાનદક્ષિણાને જીવંત જ રાખવી જોઈએ. એ મૃતપ્રાયઃ બને તે પહેલાં સંભાળી લેવું જોઈએ.
નવયુગને અનુરૂપ નવી બ્રાહ્મણપરંપરાને જન્મ આપવામાં આવ્યો છે. આ તથ્ય આંખો સામે જ છે. સર્જનશિલ્પીઓની એક વિરાટ ધર્મવાહિની યુગાંતરીય ચેતના દ્વારા લોકમાનસમાં પ્રકાશ ભરવા શ્રમશીલ કર્મનિષ્ઠોની જેમ આગલા મોરચે લડી રહી છે. નૈતિક ક્રાંતિ, બૌદ્ધિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિની લાલ મશાલ લઈ દૂષણોને ઉખેડી નાખવા કામે લાગેલી છે. અનૈતિકતા, અંધવિશ્વાસ તથા કુરિવાજોની જાળને કાપવા ભગવાન પરશુરામ જેવો તેમનો કુહાડો અવિરત ગતિએ ફરતો જોઈ શકાય છે. ‘આપણે બદલાઈશું, યુગ બદલાશે’ નો ઉદ્ઘોષ આકાશને ગજવીને વિશ્વવ્યાપી બની રહ્યો છે.
આ ધર્મવાહિનીનું બીજું કાર્ય સત્પ્રવૃત્તિઓ વધારવાનું છે. વ્યક્તિનિર્માણ, પરિવારનિર્માણ અને સમાજનિર્માણની દૃષ્ટિએ પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક સત્પ્રવૃત્તિઓનો અભિનવ પ્રવાહ વહી રહ્યો છે, જેને ભગીરથ દ્વારા ગંગાવતરણના જેવું જ પુનરાવર્તન કહી શકાય. એક કાળે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણની વાતને દિવાસ્વપ્ન ગણવામાં આવતું હતું. હવે જ્યારે સૃજનચેતના મત્યાવતારની જેમ વ્યાપક બની છે, આંધીતોફાનની જેમ ગગનચુંબી બની છે તે જોતાં એ ઉદ્ઘોષને, મહાકાલના સંકલ્પને સુનિશ્ચિત ભવિષ્યના રૂપમાં જોઈ તથા સમજી શકાય છે. આ પ્રગતિ કઈ રીતે શક્ય બની ? એનો એકમાત્ર જવાબ એ હોઈ શકે કે નિષ્ઠાવાન યુગશિલ્પીઓ આ પ્રયોજનમાં સંપૂર્ણ મનોયોગથી જોડાયા છે અને અશક્યને શક્ય બનાવી રહ્યા છે. એ બધાને સાચા અર્થમાં બ્રાહ્મણપરંપરાના વારસદારો માની શકાય છે.
પ્રશ્ન અને સમાધાન હજુ પણ એ જ કેન્દ્ર પર આવીને ઊભું છે, જે પ્રાચીનકાળમાં પણ હતું. બ્રાહ્મણના નિભાવની વ્યવસ્થા તે સમયે સર્વોચ્ચ સ્તરના પુણ્યનું કામ ગણાતી હતી. આજે ફરીવાર એને જાગૃત કરવાની છે. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એ બરાબર છે, પણ અનુભવથી ખબર પડે કે છાશ ઠંડી જ હોય છે, તેથી તેને ફૂંક મારવાની જરૂર નથી. યુગશિલ્પીઓનું બ્રાહ્મણત્વ જો નિર્વિવાદ સાબિત થતું હોય તો દાનપુણ્યના ઝરણાનો સદુપયોગ એ બાગને સીંચવામાં થવો જોઈએ.
તીર્થોમાં દાનપુણ્યની પરંપરા અનાદિકાળથી ચાલે છે. આમ તો આ પ્રક્રિયાને હંમેશાં ધર્મધારણાનું અભિન્ન અંગ જ માનવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક તે પૂરી પણ કરવામાં આવે છે, પણ સામાન્ય જગ્યા કરતાં તીર્થસ્થળમાં તેનું વિશેષ મહત્ત્વ, વિશેષ પુણ્ય શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, તે અકારણ નથી. એની પાછળ પણ તથ્ય છે. તીર્થના ઋષિઆશ્રમો ધર્મધારણાની શક્તિ પેદા કરી તેને ફેલાવનારાં વીજળીઘર જેવા હતા. તે વિશાળ ક્ષેત્રમાં શક્તિધારા મોકલી લોકોના અભાવોની પૂર્તિ પણ કરતા હતા. તેમને વિશાળકાય બંધો (જળાશયો) ની ઉપમા આપી શકાય કે જેમાંથી અનેક નહેરો નીકળે છે અને વ્યાપક ક્ષેત્રમાં સિંચાઈનું કામ કરે છે.
શક્તિપીઠો પર પૂજ્ય ગુરુદેવની આશા પ્રમાણેના બ્રાહ્મણત્વ ધરાવનારા લોકસેવકો નીમીએ એ આપણા બધાંનું પવિત્ર કર્તવ્ય છે.
પ્રતિભાવો