૧૪૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૪/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 21, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૪/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
જાયા તપ્યતે કિતવસ્ય હીના કિતવસ્ય માતા પુત્રસ્ય ચરતઃ ક્વસ્વિત્ । ઋણાવા વિભ્યદ્ધનમિચ્છમાનો ડન્વેષાંમસ્તમુપ નક્તમેતિ ॥ (ઋગ્વેદ ૧૦/૩૪/૧૦)
ભાવાર્થ : જુગારીની સ્ત્રી ઘોર કષ્ટો ભોગવે છે, તેની માતા રડતી રહે છે, તે હંમેશાં દેવામાં ડૂબેલો રહે છે અને ધનની ઇચ્છાથી બીજાઓના ઘરમાં જઈને ચોરી કરે છે. જુગાર ખૂબ જ અશ્લીલ વ્યસન છે. તેનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
સંદેશ : કેટલાક લોકોને એવું લાગે છે કે જલદી અને વધારે કમાવા માટે બેઈમાની કરવી જરૂરી છે. ધનવાન લોકોમાંથી મોટા ભાગના આવા જ જોવા મળે છે. તેમના કામકાજમાં બદમાશીનો સમાવેશ થયેલો હોય છે. ઈમાનદાર લોકોમાંથી મોટા ભાગના ગરીબ જોવા મળે છે. એટલે સામાન્ય બુદ્ધિથી જોતાં એવું જ લાગે છે કે જો આપણે પણ ઈમાનદાર રહીશું તો ગરીબ બની જઈશું. આજકાલ ધનનું મહત્ત્વ છે અને ધનથી જ વધારે સુખસગવડ, સાધન, સફળતા અને સન્માનની પ્રાપ્તિ થાય છે. તેથી જ લોકો બેઈમાની અથવા એવો જ કોઈ માર્ગ અપનાવીને ખૂબ જ ઝડપથી ધનવાન બનવાના પ્રયાસમાં લાગેલા રહે છે.
વસ્તુસ્થિતિનું બારીકાઈથી અધ્યયન કરવાથી સમજાઈ જાય છે કે બેઈમાનીની ગરિમાનો સ્વીકાર કરીને આપણે ખૂબ જ મોટી ભૂલ કરી હતી. આ પ્રમાણે ધન નથી કમાઈ શકાતું અને કમાઈ લેવામાં આવે તો તે લાંબો સમય ટકતું નથી. અયોગ્ય સાધનો દ્વારા જો ખોટી રીતે લાભ પ્રાપ્ત કરી લેવામાં આવે તો તેનું પરિણામ લાભદાયક હોતું નથી. સાહસ, પરિશ્રમ, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા વગેરે એવા જ ગુણો છે, જેમનાથી કમાણી કરી શકાય છે. પરસેવાની કમાણી અમૃત સમાન પવિત્ર હોય છે. બેઈમાની તથા અયોગ્ય સાધનો દ્વારા કમાવામાં આવેલા ધનથી અપયશ, અસહયોગ, અવિશ્વાસ, નફરત, રાજદંડ, આત્મગ્લાનિ વગેરે દુષ્પરિણામો જ પ્રાપ્ત થાય છે. સાચી કમાણી તો સદ્ગુણો દ્વારા જ થાય છે. તેનામાં જ ઉત્પાદક તત્ત્વોનો સમાવેશ હોય છે. સંસારમાં મોટાં કામ, મોટા વ્યાપાર, મોટાં આયોજનો ઈમાનદારીના આધારે જ સફળ થાય છે. સંપત્તિથી નહિ, પણ સદ્બુદ્ધિ અને સત્ પ્રવૃત્તિઓથી જ ઉન્નતિ થાય છે. ધનવાન નહિ, પણ ચારિત્ર્યવાન મનુષ્ય જ સુખ પામે છે.
જુગાર, લોટરી વગેરેનાં વ્યસન પણ આ જ આધારે ફૂલ્યાંફાલ્યાં છે. દરેક માણસ ખૂબ જલદીથી વધારેમાં વધારે ધન કમાઈને ધનવાન બનવા માગે છે. આ શાસ્ત્ર વિરુદ્ધનું આચરણ છે અને નિંદનીય કર્મ છે. એ અંદરોઅંદર ફૂટ પડાવે છે અને ઝઘડો કરાવે છે. એક્બીજાની સાથે કોઈ પણ વાત પર શરત લગાવવી, સટ્ટો રમવો તથા એવાં બીજાં કર્મો જુગાર રમવાનાં જ વિવિધ રૂપો છે. એની લત પડી જવાથી મનુષ્યજીવનનું સારતત્ત્વ જ નાશ પામે છે. તે દરેક વખતે એ જ ગડમથલમાં લાગેલો રહે છે કે આજે નહિ તો કાલે મારો નંબર જરૂરથી લાગશે અને એ ચક્કરમાં તે વધારે ને વધારે દાવ લગાવતો રહે છે. પરિણામ સ્વરૂપે તે ધનની બરબાદી કરતો રહે છે. જીતનું ધન તો મળી શકતું નથી, પરંતુ ગાંઠનું ધન પણ જતું રહે છે. આ હતાશામાં મનુષ્ય પોતાના ઘરના દાગીના, વાસણ તથા કપડાં સુધ્ધાં વેચીને દાવમાં લગાવી દે છે અને પછી કંગાળ થઈને આત્મહત્યા પણ કરી બેસે છે. કુટુંબનું જીવન નરક બની જાય છે તે વધારામાં. જુગારના કારણે જ ધર્મરાજ યુધિષ્ઠિરને ભાઈઓ સહિત દુર્યોધનના દાસ બનવું પડ્યું હતું અને દ્રૌપદીના વસ્ત્રાહરણની યાતનાને આજીવન ભોગવવી પડી હતી. જુગારનાં આવાં જ દુષ્પરિણામ સામે આવે છે. જો આપણું ક્લ્યાણ ઇચ્છતા હોઈએ તો કોઈ પણ પ્રકારનો રમશો નહિ. ઝેરી ફળની માફક એનો પૂર્ણતઃ ત્યાગ કરી દો. જુગાર રમશો નહિ. ઝેરી ફળની માફક એનો પૂર્ણતઃ ત્યાગ કરી દો.
પ્રતિભાવો