૧૪૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 22, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૩૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પરિચિન્મર્ત્તો દ્રવિણં મમન્યાદૂતસ્ય પયા નમસા વિવાસેત । ઉત સ્પેન ક્રતુના સં વદેત, શ્રયાંરું દક્ષં મનસા જગૃભ્યાત્ II (ઋગ્વેદ ૧૦/૩૧/૨)
ભાવાર્થઃ સાંસારિક સુખ અને કલ્યાણની અભિલાષા રાખનાર માટે યોગ્ય એ છે કે મનસા,વાચા, કર્મણા સત્ય વ્યવહાર કરીને કલ્યાણના અધિકારી બનવું. આ જ સ્થાયી સુખ મેળવવાનું એકમાત્ર સાધન છે.
સંદેશ : મન, વચન અને કર્મનો ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. મનમાં જેવા વિચાર જાગે છે, તે જ આપણી વાણી દ્વારા પ્રગટ થાય છે અને તે અનુસાર આપણાં કર્મ થાય છે. ત્યાર પછી તે કર્મોનું ફળ પણ મોડું વહેલું આપણે ભોગવવું જ પડે છે. જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બંનેની સાથે સંપર્કમાં રહેવાથી મનની સ્થિતિ સર્વોપરી હોય છે. કોઈ પણ ઇન્દ્રિય મનના સહયોગ વગર કાર્ય કરતી નથી.
આ ચંચળ મનને વશમાં રાખવું તે દૃઢ આત્મબળ દ્વારા જ શક્ય છે. દરેક ક્ષણે મન આમતેમ ભાગતું રહે છે. તેને કઠોરતાપૂર્વક એક સ્થાન પર ટકાવી રાખવું એ જ આધ્યાત્મિક જીવનનો મૂળ આધાર છે. મનને વશમાં રાખ્યા સિવાય કોઈ પણ કાર્યમાં એકાગ્રતા તથા નિષ્ઠા આવી શક્તી નથી. મનની લગામ દ્વારા બધી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે અને દુષ્પ્રવૃત્તિઓ ટકી નથી શકતી. મનને વશ કરવાથી આપણા દોષદુર્ગુણોનો ત્યાગ કરવો સરળ બની જાય છે. મનુષ્ય પાપકર્મોથી દૂર રહે છે અને સમયનો સદુપયોગ કરતાં કરતાં સ્વાધ્યાય તથા સત્સંગ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ સત્યજ્ઞાન આપણા મનની ઉપર એક સુદૃઢ કવચના રૂપમાં રહે છે અને પાપભાવનાને મનમાં પ્રવેશતાં અટકાવે છે. જ્યારે પણ આપણું આ કવચ નિર્બળ બને છે ત્યારે પાપભાવના મનમાં પ્રવેશ કરવા માંડે છે. શ્રેષ્ઠ માણસોના સત્સંગથી, તેમનાં પ્રવચનોને આદરભાવથી ગ્રહણ કરીને આપણે આ વચને મજબૂત બનાવી શકીએ છીએ અને જીવનની સફળતાનો માર્ગ મોકળો કરી શકીએ છીએ.
મનને પાપભાવનાથી બચાવવા માટે ખૂબ જ સાવધાની અને સજગતાની જરૂર છે. શરૂઆતમાં તો મનુષ્યને પાપ કરવાનું મીઠું લાગે છે. મીઠાશનું પ્રલોભન તેને પાપ તરફ વધુ આકર્ષિત કરે છે. બસ, આ મીઠાશ જ તેના વિનાશનું કારણ બની જાય છે. જે આ મીઠાશના પ્રલોભનમાંથી પોતાની જાતને બચાવી લે છે તે વિનાશમાંથી બચી જાય છે.
મનુષ્ય જ્યારે મનને વશમાં કરીને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેની વાણીમાંથી સત્ય નીકળે છે અને કર્મોમાં પણ સદ્ગુણોની સુગંધ રહે છે. સદ્યવહાર અને સત્ય આચરણથી સંસારના કલ્યાણનાં કાર્યો જ થાય છે અને એનાથી જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે. ઈશ્વરીય અનુભૂતિ માટે પોતાના સંપૂર્ણ મનને ઈશ્વર આગળ સમર્પિત કરવાનું હોય છે. ઈશ્વરના સાંનિધ્યને પ્રાપ્ત કરવાનો નિરંતર અભ્યાસ કર્યા વગર અને પોતાના જીવનના પ્રત્યેક અણુમાં ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કર્યા વગર આધ્યાત્મિક વિકાસ થતો નથી.
સત્સંગ તથા સ્વાધ્યાયથી મનને વશમાં કરીને અને ઈશ્વરની ઉપાસના તથા સાધનાથી આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ થોડાક જ સમયમાં આપણા ધ્યેયને ભૂલી જઈએ છીએ. જે કંઈ મળે છે તેને ગુમાવી દઈએ છીએ અને પાછા દુઃખી થઈએ છીએ. સ્થાયી સુખ અને કલ્યાણપ્રાપ્તિ માટે આપણે પરમેશ્વરને આપણા સાક્ષી માનીને પાપકર્મોથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
પ્રતિભાવો