૧૪૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 25, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૩૦/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવત સંમનાઃ । જાયા પત્યે મધુમતીં વાચં વદતુ શન્તિવામ્ II (અથર્વવેદ ૩/૩૦/૨)
ભાવાર્થ: આદર્શ ઘરસંસારમાં સંતાનો માતાપિતાનાં આજ્ઞાંકિત હોય છે. માતાપિતા સંતાનોનાં હિતેચ્છુ હોય છે. પતિ અને પત્નીના પારસ્પરિક સંબંધો મીઠાશભર્યા અને સુખદ હોય છે. આવાં જ કુટુંબો હંમેશાં ફૂલેફાલે છે અને સુખી રહે છે.
સંદેશ : વેદોના આધાર પર ઋષિઓએ મનુષ્યજીવનને ચાર આશ્રમોમાં વહેંચ્યું છે. આ ચાર આશ્રમ છે – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. મનુષ્યના જીવનને સો વર્ષનું ગણીને આ આશ્રમો બનાવ્યા છે. ફક્ત વૈદિક ધર્મમાં જ ૨૫-૨૫ વર્ષના ચાર આશ્રમોની વિધિ છે. વૈદિક વિચારધારાની જ આ વિશેષતા છે. ગણિતની ગણતરી પ્રમાણે સમાન ભાગમાં ચાર આશ્રમોની વ્યવસ્થા છે. બ્રહ્મચર્યાશ્રમમાં તે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક શક્તિઓ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાશ્રમમાં તેની આ શક્તિઓમાં ઘટાડો થાય છે. કમાણીનો ઉપયોગ પત્ની અને સંતાનને લગતાં ઘરસંસારનાં કામોમાં કરે છે. પછી વાનપ્રસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, જપ, તપ દ્વારા પોતાની શક્તિઓમાં વધારો કરે છે. ત્યાર પછી સંન્યાસાશ્રમમાં તે પોતાના એકત્રિત જ્ઞાન, વિજ્ઞાન અને અનુભવનું સમાજમાં વિતરણ કરે છે. માનવજીવનની આશ્રમવ્યવસ્થા વૈદિક ધર્મની ઘણી મોટી વિશેષતા છે.
જો બ્રહ્મચર્યાશ્રમ જીવનનો આધાર છે, તો ગૃહસ્થાશ્રમ તે આધાર પર રચાયેલું એક સુંદર ભવન છે. ગૃહસ્થાશ્રમની પોતાની મહત્તા અને ઉપયોગિતા છે. ગૃહસ્થાશ્રમમાં ત્યાગની ભાવના વધુ બળવાન થાય છે. કુટુંબમાં બધા સભ્યો એકબીજા પ્રત્યે સ્નેહ અને સહકારનો ભાવ રાખીને પોતે કષ્ટ વેઠવા માટે તત્પર રહે છે. સ્ત્રીના ત્યાગની તો વાત જ શી કરવી ? તે તો ત્યાગની સાક્ષાત્ મૂર્તિ છે. પત્ની, બહેન, પુત્રી તથા માતાના રૂપમાં તેનો ત્યાગ કુટુંબને અલૌકિક આનંદથી ભરી દે છે. તે સંયમિત જીવન જીવીને સ્વાસ્થ્યને ઉત્તમ બનાવે છે. પવિત્ર માધ્યમોથી કમાણી કરીને પોતાના બધા સંબંધીઓ, સાથીદારો અને પડોશીઓની સાથે ઉત્તમ અને મીઠો વ્યવહાર જાળવીને પોતાના જીવનને અને સમાજને સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરી દેવાનાં સાધનો(સગવડો) આ જ આશ્રમમાં મળે છે.
એકથી વધુ માણસો મળવાથી જ કુટુંબ બને છે. કુટુંબમાં પતિ અને પત્ની તો હોય છે. સાથે પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, માતા, પિતા, કાકા, કાકી, દાદા, દાદી, સાસુ, સસરા વગેરે અનેક સંબંધીઓ પણ રહે છે. આ બધાની વચ્ચે સંબંધોની જે મીઠાશ અને પવિત્રતા હોય છે તેનાથી કુટુંબમાં વિશિષ્ટ પ્રકારની પ્રસન્નતા, ખુશી, ઉલ્લાસ અને આત્મીયતાનું વાતાવરણ સર્જાય છે. જો પતિપત્નીની વચ્ચે પ્રેમ અને વિશ્વાસની ઘનિષ્ઠતા હોય તો કુટુંબમાં સર્વત્ર પ્રેમ, સ્નેહ, શ્રદ્ધા અને સેવાની ભાવના પેદા થશે. બાળકો પણ આજ્ઞાંકિત બનશે. બધાં એકબીજાનું હિત વિચારશે અને હિતકારી કામ કરશે. ત્યારે “બાપ બડા ન ભઈયા, સબસે બડા રૂપઈયા” એવી સ્થિતિ પેદા થશે નહિ. પોતાનો સ્વાર્થ ગૌણ બની જશે તથા કુટુંબમાં બધાની ઉન્નતિ માટે ત્યાગ કરવાની ભાવના પ્રબળ બનશે. આત્મીયતા, ઉદારતા અને સહયોગથી બધા એકબીજાની સેવા કરતા રહીને કુટુંબમાં હર્ષોલ્લાસની સુગંધ ફેલાવશે. પ્રેમ અને મિત્રતા જ આદર્શ કુટુંબનો આધાર છે
પ્રતિભાવો