૧૫૦. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૩૫/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 26, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૩૫/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
તમસ્મેરા યુવતયો યુવાનં મર્મૃ જ્યમાનાઃ પરિ યન્ત્યાપઃ । સ શુક્રેભિઃ શિકવ ભી રેવદસ્મે દીદાયાનિઘ્મો ધૃતનિર્ણિગપ્સુ I (ઋગ્વેદ ૨/૩૫/૪)
ભાવાર્થ : જેમનાં હૃદય શુદ્ધ, નિર્મળ અને પવિત્ર હોય તે યુવક અને યુવતીઓએ લગ્ન કરવાં જોઈએ. શારીરિક શક્તિ ધરાવનાર પુરુષ લગ્ન કરીને કુટુંબને તેજસ્વી બનાવે.
સંદેશ : બે અલગ સ્થાન, અલગ કુટુંબો તથા અલગ વાતાવરણમાં જન્મેલાં અને ઊછરીને મોટાં થયેલાં નર અને નારી એક સૂત્રમાં જોડાઈને લગ્નનો હેતુ પૂરો કરે છે. લગ્નનો વાસ્તવિક અર્થ છે – બે આત્માઓની જુદાઈને દૂર કરીને એકબીજા પ્રત્યે સમર્પિત થવું. આ સમર્પણ અને સમન્વયથી એક સંયુક્ત સત્તાનો વિકાસ થાય છે, જે “બે શરીર એક જીવ’ ના રૂપમાં જોવા મળે છે.
દાંપત્યજીવન ફક્ત બે શરીરોનું મિલન નહિ, પણ બે આત્માઓનું જોડાણ છે. આ એક આધ્યાત્મિક સાધના છે. આધ્યાત્મિક પ્રગતિનો આધાર પ્રેમ છે. જેના હૃદયમાં જેટલો વિશેષ અને નિર્મળ પ્રેમ પ્રગટે છે તે તેટલો જ આદર્શ માણસ હોય છે. ભગવાનને પ્રેમ કરવાની સાધના આપણા જીવનને પ્રેમભાવનાથી ઓતપ્રોત કરવા માટે જ કરવામાં આવે છે. પ્રેમ જ પરમેશ્વર છે. મનુષ્યના અંતઃકરણમાં ભગવાનની અનુભૂતિ ઊભરાતી પ્રેમભાવનાના રૂપમાં જ થાય છે. બાળપણથી શીખેલ આ આધ્યાત્મિક મહત્તાનો વાસ્તવિક મહાવરો દાંપત્યજીવનની પ્રયોગશાળામાં જ શક્ય બને છે. એકબીજા પ્રત્યે અનન્ય આત્મીયતા, શ્રદ્ધા, સૌજન્ય, સમાનતા અને વફાદારી રાખીને જીવનને પ્રેમ, સ્નેહ અને અનુરાગથી ભરપૂર બનાવી લેવામાં આવે છે. આત્મીયતા આવી જ વસ્તુ છે. તે જેના પર આરોપિત થઈ જાય છે તેને પરમપ્રિય બનાવી દે છે.
પતિપત્નીમાં માનવીય દુર્બળતાઓ અને ખામીઓ હોય છે, પરંતુ જો લગ્નના ઉદ્દેશને સમજીને પરસ્પર આત્મીયતા, સમર્પણ, એકતા અને મમતાનો વ્યવહાર રહે તો ઘરસંસારની નાવ આનંદપૂર્વક આગળ વધતી રહે છે. ‘પોતાના માટે કંઈ પણ નહિ, સાથીના માટે સર્વ કંઈ’ એવું વિચારનાર માણસ પોતે જ પોતાની દુર્બળતાઓ અને ખામીઓને સહજ રીતે સુધારી લે છે અને સાથીદારને કોઈ પણ તકલીફ પડવા દેતો નથી. આંતરિક પ્રેમ અનુભવતાં રહીને બંને પ્રત્યેક પળે શ્રેષ્ઠતાનો અનુભવ કરતાં રહે છે. આજે લોકો લગ્નના ઉચ્ચ ઉદ્દેશો અને આદર્શોને ભૂલી ગયા છે. લગ્ન માત્ર કામક્રીડાની પશુતાનું પ્રમાણપત્ર બની ગયું છે. છોકરાઓ રૂપવાન અને ઉત્તેજિત કરે તેવી છોકરીઓ શોધે છે કે જેથી વાસનાને વધુ સંતોષી શકે. છોકરીઓ એની સાથે જ મોટા શિકારની શોધ કરે છે, કે જેથી વાસનાની સાથે વિલાસિતા અને એશઆરામનું સુખ પણ મળતું રહે. લોકો એ ભૂલી જાય છે કે લગ્નની સફળતાનો આધાર સાથીદારની મનોભૂમિ, સંસ્કૃતિ અને આદર્શો પર જ રહેલો છે. લગ્નનો મૂળ હેતુ આધ્યાત્મિક છે. તેનાથી ઘરસંસાર આનંદમય બને ત્યારે જ કુટુંબમાં સુખ,શાંતિ, સમૃદ્ધિ અને તેજસ્વિતા આવે છે. આ જ દાંપત્યજીવનની આધ્યાત્મિકતા છે.
પ્રતિભાવો