૧૫૧. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૩૬/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 27, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૩૬/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અક્ષ્યૌ નૌ મધુસંકાશે અનીકં નૌ સમંજનમ્ । અન્તઃ કૃણુષ્ય માં હૃદિ મન ઇન્નૌ સહાસતિ II (અથર્વવેદ ૭/૩૬/૧)
ભાવાર્થ: આપણે પતિપત્ની એક્બીજાને પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જોઈએ, મોઢામાંથી હંમેશાં મીઠાં વચનો બોલીએ તથા એક્બીજાના હૃદયમાં વસીએ. આપણાં બે શરીર એક જ મન બને.
સંદેશ : લગ્નનો ઉદ્દેશ અને આદર્શ શો છે ? માનવીય સભ્યતાની શરૂઆતથી જ આ પ્રથા કેમ ચાલી રહી છે? જો લગ્નનો હેતુ કામવાસના જ હોય, તો આ વેપાર ઘણો મોંઘો અને ઝંઝટપૂર્ણ છે. આ વેપારમાં બંને પક્ષની બરબાદી જણાય છે. પુરુષ ઘાણીના બળદની જેમ પિસાય છે અને સ્ત્રી પ્રજનનના કુચક્રમાં પોતાનું સ્વાસ્થ્ય અને પ્રતિભા જ નહિ, પરંતુ પોતાનું જીવન પણ બરબાદ કરે છે. લગ્નનો ઉદ્દેશ આવો હોઈ શકે જ નહિ. જો ઉદ્દેશ એવો હોત તો સમાજની વ્યવસ્થા સંપૂર્ણ રીતે છિન્નભિન્ન થઈ જાત અને મનુષ્ય પશુ કરતાં પણ બદતર સ્થિતિએ પહોંચી જાત.
લગ્ન એક આધ્યાત્મિક સાધના છે. આ એક એવું પ્રેમબંધન છે કે જેનું પોષણ ત્યાગ અને ઉદારતાની ઉચ્ચ ભાવનાથી કરવામાં આવે છે. આ સજ્જનો અને શૂરવીરોનું કામ છે. સુખી ઘરસંસાર માટે વર અને કન્યા બંનેનું જીવન ઉચ્ચ સ્તરનું હોવું જરૂરી છે. બંને ગુણવાન હોવાં જોઈએ. વર વેદનો જાણકાર, સુશિક્ષિત, સંસ્કારવાન અને સહિષ્ણુ હોવો જોઈએ. કન્યા શુદ્ધ, પવિત્ર અને પ્રતિભાવાન હોવી જોઈએ. શરીરની આંતરિક શુદ્ધિથી મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ બને છે. જો મન શુદ્ધ હશે તો બુદ્ધિ અને ચિત્તવૃત્તિઓ પણ શુદ્ધ હશે. શરીરની આંતરિક અને બાહ્ય શુદ્ધતાથી આચરણમાં પવિત્રતા આવે છે, સદ્ગુણોનો વિકાસ થાય છે અને જ્ઞાન તેમ જ પ્રતિભાનો પ્રકાશ ફેલાય છે. જ્ઞાન અને ચારિત્ર્ય માનવજીવનની કસોટી છે. આ કસોટી પર સાચા સાબિત થયેલા તેજસ્વી પુરુષો અને વિદુષી મહિલાઓ લગ્નબંધનમાં જોડાઈને યજ્ઞીય જીવન જીવતાં રહીને આત્માની ઉન્નતિ કરી શકે છે. ક્ષમતા, વિદ્વત્તા અને સુયોગ્યતાના માપદંડને જો લગ્નનો આધાર બનાવીને લગ્ન કરવામાં આવે તો પતિપત્ની બંનેનું જીવન સુખદાયક બને છે.
વર્તમાનકાળમાં સ્થિતિ ઘણી વિચિત્ર બની ગઈ છે. બાહ્ય ઝાકઝમાળ અને ધનવૈભવને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે તથા આંતરિક સૌંદર્ય અને પ્રતિભાની અવગણના કરવામાં આવે છે. આને પરિણામે પતિપત્નીમાં મોટાભાગે અસંતોષ અને અવિશ્વાસ જ જોવા મળે છે. સાચી સહાનુભૂતિ, મમતા અને એકતાના અભાવના કારણે બંને સાથે રહેતાં હોવા છતાંય અપરિચિતોની માફક ઘરસંસારની લાશને સાચવતાં જણાય છે. દાંપત્યજીવનની સરસતા, સાહજિકતા અને સહિષ્ણુતાના આંતરિક આનંદ અને ઉલ્લાસથી વંચિત રહી જાય છે. આધુનિકતાના વાતાવરણમાં રંગાયેલી સ્ત્રી ઘરની શાંતિને અશાંતિમાં ફેરવી નાખે છે.
પતિ અને પત્ની એકબીજાનાં પૂરક છે. બંને પરસ્પર વફાદારી, આત્મીયતા, સેવા, સન્માન, સહયોગ, સદ્ભાવના અને ઉદારતા રાખીને જો એકબીજાને પોતાના આરાધ્ય માનીને ઘરસંસારની નાવને હંકારતાં રહે અને તેને જીવનસાગરના અંતિમ છેડા સુધી લઈ જવાનો પુરુષાર્થ કરે તો જ સફળ ઘરસંસારનું ધ્યેય સિદ્ધ થશે. આ પવિત્ર ધ્યેય માટે પત્નીએ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું છે અને પતિએ પણ પત્નીવ્રતની મર્યાદાને નિભાવવી જરૂરી છે.
આમ કરવાથી કુટુંબમાં સ્વર્ગનું અવતરણ થઈ શકે છે.
પ્રતિભાવો