૧૫૨. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૫૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 28, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૫૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મમેયમસ્તુ પોષ્યા મહ્યં ત્યાદાદ્ બૃહસ્પતિઃ । મયા પત્યા પ્રજાપતિ સં જીવ શરદઃ શતમ્ ॥ (અથર્વવેદ ૧૪/૧/૫૨)
ભાવાર્થ : હે પત્ની ! ઈશ્વરે તને મને સોંપી છે. તાા ભરણપોષણની જવાબદારી મારા પર છે. આપણે બંને સંતાન મેળવીને સો વર્ષ સુધી જીવીએ.
સંદેશ સફળ ઘરસંસાર માટેની જવાબદારી પતિ અને પત્ની બંનેની છે. જો કે પત્ની પોતાના કુટુંબને છોડીને પતિના કુટુંબમાં આવે છે, તેથી પતિની જવાબદારી વિશેષ રહે છે. પરમપિતા પરમેશ્વરે બે આત્માઓના મિલનનો સુઅવસર પેદા કર્યો છે અને તેનો સદુપયોગ કરવા માટે બંનેએ શ્રેષ્ઠ વર્તન કરવું જોઈએ. તેમ કરવાથી કૌટુંબિક સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. માત્ર લગ્ન થઈ જવામાં દાંપત્યજીવનનું સૌભાગ્ય સમાયેલું નથી, પણ પતિપત્ની બંનેયે એકબીજાને પ્રેમ આપવો જોઈએ. એવો વ્યવહાર કરવાથી સ્થાયી સુખ મળે છે. જ્યાં બંને તરફથી પ્રેમ અને સુખદુઃખમાં ભાગીદારી હોય ત્યાં સૌભાગ્ય સ્થિર રહે છે. દાંપત્યજીવનના આ સુખને શાશ્વત રાખવા માટે તેની પરંપરા પેઢી દર પેઢી ચાલુ રહે તે જરૂરી છે. નારી યોગ્ય સંતાનોને જન્મ આપે. આ રીતે બંને સુખી રહીને દીર્ઘાયુષી બને છે અને સો વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવવાનું સૌભાગ્ય મેળવે છે.
કન્યાનું ભાવિજીવન સુખમય નીવડે એના માટે વરને સોંપતાં પહેલાં તેના ગુણોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જરૂરી છે. સુયોગ્ય, વિદ્વાન અને વ્યસનોથી મુક્ત પુરુષ સફળ અને સુખી કૌટુંબિક જીવનનો ભાર ઉપાડી શકે છે. તે ખૂબ જ જ્ઞાનવાન અને ગુણવાન તો હોવો જોઈએ, સાથે જ શારીરિક દૃષ્ટિથી હૃષ્ટપુષ્ટ હોય અને દુર્ગુણો, દુષ્પ્રવૃત્તિઓ તથા વ્યસનોથી મુક્ત હોવો જોઈએ. કુટુંબમાં વ્યસન ઝેર સમાન છે. દારૂ, જુગાર વગેરે વ્યસનોમાં ફસાયેલો માણસ કુટુંબની સુખશાંતિને નષ્ટ કરી નાખે છે અને અપમાન તથા અપયશનો ભાગીદાર બને છે. તેની સાથે તેની પત્ની પણ અનેક માનસિક દુઃખો ભોગવે છે.
વ્યાવહારિક દૃષ્ટિએ પત્નીનું કાર્યક્ષેત્ર ઘરની અંદર અને પતિનું બહાર હોય છે. પોતાની યોગ્યતા, વિદ્વત્તા, પાંડિત્ય વગેરેનું પ્રદર્શન કરતા રહીને કુટુંબની વ્યવસ્થા કરવાની તેની જવાબદારી છે. સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘરની આંતરિક વ્યવસ્થા છે. પતિએ પવિત્ર માધ્યમો દ્વારા કમાયેલ ધનનો યથાયોગ્ય ઉપયોગ કરવો, ઘરની સારસંભાળ રાખવી, સ્વચ્છતા જાળવવી તથા કુટુંબનું પાલનપોષણ કરવું તે પત્નીનો ધર્મ છે. બંનેએ એમાં યોગ્ય અનુકૂલન જાળવીને મર્યાદિત સાધનોથી જ સંતોષપૂર્વક કામ ચલાવવું જોઈએ. કષ્ટ વેઠીને પણ કુટુંબમાં પ્રસન્નતાનું વાતાવરણ જાળવી રાખવાની જવાબદારી પત્નીની છે. ઘરની વ્યવસ્થામાં નારી જેટલી કુશળ હોય છે તેટલો પુરુષ હોતો નથી. આવી સુઘડતાથી ઘરમાં સ્વર્ગીય આનંદની વર્ષા થાય છે.
સુખી દાંપત્યજીવન માટે પતિ ધનધાન્ય અને બીજી રીતે સમૃદ્ધ હોવો જોઈએ. જેના જીવનમાં તેજસ્વિતા તથા માનસિક પ્રસન્નતા હોય એવો કૃતિ જ પોતાની પત્નીને સંપૂર્ણ રીતે સંતોષ આપી શકે છે અને પ્રસન્ન રાખે છે.
પ્રતિભાવો