૩૦. આત્મશક્તિનો અખૂટ ભંડાર, અનુષ્ઠાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
આત્મશક્તિનો અખૂટ ભંડાર-અનુષ્ઠાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
આમ તો ગાયત્રી નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે. ત્રિકાલ સંધ્યામાં પ્રાત, મધ્યાહ્ન અને સાંય એમ ત્રણ વાર ઉપાસના કરવાનો નિત્યક્રમ શાસ્ત્રોએ આવશ્યક કહ્યો છે. જેટલા વધારે પ્રમાણમાં ગાયત્રીના જપ, પૂજન, ચિંતન, મનન કરી શકાય તેટલું સારું છે. અધિકસ્ય અધિક ફલમ્. પરંતુ કોઈ વિશેષ પ્રયોજનને માટે જ્યારે વિશેષ શક્તિનો સંચય કરવો પડે છે, ત્યારે તેને માટે જે વિશેષ ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાને અનુષ્ઠાન કહેવામાં આવે છે. જ્યારે કોઈ પરદેશના પ્રવાસે જવાનું હોય ત્યારે રસ્તાની ખર્ચા માટે રૂપિયા તથા ભોજનસામગ્રી સાથે લેવી પડે છે. જો એ વાટખર્ચા સાથે રાખી ન હોય તો પ્રવાસમાં મુશ્કેલીઓ નડે છે. અનુષ્ઠાન એક પ્રકારની વાટખર્ચે છે. સાધના કરવાથી જે પૂંજી જમા થાય છે, તેને સાથે રાખીને કોઈ પણ ભૌતિક અગર આધ્યાત્મિક કાર્ય કરવામાં આવે તો પ્રવાસ બહુ જ સરળ થઈ જાય.
સિંહ જ્યારે હરણ પર તરાપ મારે છે, બિલાડી જ્યારે ઉંદર પર છાપો મારે છે, બગલો જ્યારે માછલી પર આક્રમણ કરે છે, ત્યારે તેને એક ક્ષણ સ્તબ્ધ થઈને, શ્વાસ રોકીને, જરા પાછળ હઠીને પોતાની અંદર છૂપી રહેલી શક્તિને જાગૃત અને સતેજ કરવી પડે છે, ત્યારે જ તે અચાનક પૂરી તાકાતથી પોતાના શિકાર પર તૂટી પડે છે અને મનોવાંછિત લાભ પ્રાપ્ત કરે છે. ઊંચી છલાંગ યા લાંબી છલાંગ ભરતા પહેલાં ખેલાડીઓ થોડી વાર રોકાતા, અટકાતા, પાછળ હઠે છે અને ત્યાર પછી જ કૂદકો મારે છે. કુસ્તી લડનાર પહેલવાનો પણ એવા જ પૈતરા બદલે છે. બંદુક ચલાવનારાને પણ ઘોડો દબાવતા પહેલાં એમ જ કરવું પડે છે. અનુષ્ઠાન દ્વારા એ જ કાર્ય આધ્યાત્મિક આધાર પર થાય છે. કોઈ વિપત્તિને છલાંગ મારીને પાર કરવી છે I કોઈ સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ લક્ષ્ય પર તૂટી પડવાને માટે જે શક્તિસંચય આવશ્યક છે, તે અનુષ્ઠાન કરવાથી પ્રાપ્ત થાય છે.
બાળક આખો દિવસ મા-માં કરીને પોકાર્યા કરે છે અને માતા પણ આખો દિવસ “હા બેટા’ કહીને એને ઉત્તર આપતી રહે છે. એવા લાડકોડ આખો દિવસ ચાલતા રહે છે. પણ જો કોઈ વિશેષ આવશ્યકતા પડે છે, કષ્ટ થાય છે, મુશ્કેલી આવે છે, આશંકા થાય છે અથવા મદદની જરૂર પડે છે તો તે બાળક વધારે જોરથી પોકારે છે, તેનો મોટો અવાજ સાંભળીને માતા પોતાનાં બીજાં કામો છોડીને બાળકની પાસે દોડી જાય છે અને તેને મદદ કરે છે. અનુષ્ઠાન પણ સાધકોનો એવો જ પોકાર છે. એમાં વિશેષ બળ અને આકર્ષણ હોય છે. એ આકર્ષણથી ગાયત્રી શક્તિ વિશેષ રૂપમાં સાધકની પાસે એકત્રિત થઈ જાય છે.
જ્યારે સાંસારિક પ્રયત્નો અસફળ થઈ રહ્યા હોય, આપત્તિ નિવારણનો માર્ગ સૂઝતો ન હોય, ચારેબાજુ અંધકાર છવાયો હોય, ભવિષ્ય નિરાશાજનક દેખાતું હોય, પરિસ્થિતિ દિન- પ્રતિદિન બગડતી જતી હોય, સીધું કરવા જતાં ઊલટું થઈ જતું હોય તો મનુષ્યના હાથપગ ઢીલાં થઈ જાય છે. ચિંતાગ્રસ્ત અને ઉદ્વિગ્ન માણસની બુદ્ધિ કામ કરતી નથી. જાળમાં ફસાયેલા કબૂતરની જેમ તે જેટલો તરફડે છે, તેટલો જાળમાં વધારે ફસાય છે. એવે પ્રસંગે હારે કો હરિનામ’ બળ થઈ પડે છે. ગજેન્દ્ર, દ્રૌપદી, નરસિંહ મહેતા, પહ્રલાદ આદિને એ બળનો આશ્રય લેવો પડયો હતો. એ તો અનુભવની વાત છે કે, કેટલીક વાર જ્યારે સાંસારિક પ્રયત્નો ખાસ કારગત નીવડતા નથી ત્યારે દેવી મદદ મળતાં બધી સ્થિતિ એકદમ બદલાઈ જાય છે અને વિપત્તિઓની રાત્રિના ઘોર અંધકારને ચીરીને અચાનક વીજળી ચમકે છે. તેના પ્રકાશથી પાર થવાનો માર્ગ મળી જાય છે. અનુષ્ઠાનનો વિસ્ફોટ હ્રદયાકાશમાં એક એવા પ્રકાશના રૂપમાં થાય છે કે, જેથી વિપત્તિમાં સપડાયેલાને પાર થવાનો રસ્તો બતાવી જાય છે.
સાંસારિક મુસીબતોમાં, માનસિક મૂંઝવણમાં અને આંતરિક ઉદ્ધગોમાં ગાયત્રી અનુષ્ઠાનથી અસાધારણ સહાય મળે છે. ગાયત્રી કોઈને સુવર્ણ મુદ્રાઓથી ભરેલો ઘડો આપી જતી નથી, પણ એટલું તો ખરું છે કે એના પ્રભાવથી મનોભૂમિમાં એવું મૌલિક પરિવર્તન થાય છે, જેનાથી મુસીબતોનો ઉચિત ઉકેલ થઈ જાય છે. ઉપાસકમાં એવી બુદ્ધિ, એવી પ્રતિભા, એવી સૂઝ, એવી દૂરદર્શિતા પેદા થઈ જાય છે જેથી બધી મુશ્કેલીઓ પાર પડે છે. ભ્રાંત મગજમાં કંઈક અસંગત, અસંભવ અને અનાવશ્યક વિચારધારાઓ, કામનાઓ, માન્યતાઓ ઘૂસી જવાથી તે અકારણ દુ:ખી બની જાય છે. ગાયત્રી-સાધનાથી મગજનું એવું પરિમાર્જન થઈ જાય છે, કે જેથી પહેલાં જે જે વાતો તેને મહત્ત્વની લાગતી હતી તે હવે બિનજરૂરી અને નિરર્થક જણાય છે, તે એના તરફથી મોં ફેરવી લે છે. એ પ્રકારે માનસિક પરિવર્તન એટલું આનંદમય સિદ્ધ થાય છે કે તેને ભ્રાન્ત કલ્પનાઓને કારણે ન મળતું સુખ મળે છે. અનુષ્ઠાન દ્વારા એવું જ જ્ઞાત અને અજ્ઞાત પરિવર્તન થાય છે, જેથી દુઃખી અને ચિંતાગ્રસ્ત મનુષ્ય થોડા જ સમયમાં સુખશાંતિનું સ્વર્ગીય જીવન વિતાવવાની સ્થિતિએ પહોંચી જાય છે.
સવા લાખ મંત્રોના જપને અનુષ્ઠાન કહેવામાં આવે છે, પ્રત્યેક વસ્તુને પાકવા માટે અમુક મર્યાદા હોય છે. દાળ, શાક, ઈટ, કાચ આદિને પાકવા માટે એક નિયત અવધિનું તાપમાન આવશ્યક હોય છે. વૃક્ષોનાં ફળો અમુક સમયે જ પાકે છે. ઈડું પોતાનો પાકવાનો સમય પૂરો કરે છે, ત્યારે જ ફૂટે છે. ગર્ભમાંના બાળકનો જ્યારે સમય પૂરો થાય છે ત્યારે જ જન્મે છે. જો ઉપર્યુક્ત ક્રિયાઓ નિયત સમય પહેલાં જ થઈ જાય તો તેની સફળતાની આશા રહેતી નથી. અનુષ્ઠાનની અવધિ, મર્યાદા, તાપમાત્રા સવા લાખ જપ છે. એટલાં પ્રમાણમાં જ્યારે તે પાકું બને છે ત્યારે સ્વસ્થ પરિણામ ઉત્પન્ન થાય છે. પાકી થયેલી સાધના જ મધુર ફળ આપે છે.
અનુષ્ઠાનની વિધિ : અનુષ્ઠાન કોઈ પણ મહિનામાં કરી શકાય છે. તિથિઓમાં પંચમી, એકાદશી, પૂર્ણિમા શુભ માનવામાં આવે છે. પંચમીએ દુર્ગા, એકાદશીએ સરસ્વતી અને પૂર્ણિમાએ લક્ષ્મતત્ત્વની પ્રધાનતા રહે છે. શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ એ બેમાંથી કોઈનો પણ નિષેધ નથી પણ કૃષ્ણ પક્ષ કરતાં શુકલ પક્ષ અધિક શુભ છે.
અનુષ્ઠાનનો આરંભ કરતી વખતે નિત્ય ગાયત્રીનું આવાહન કરવું અને પૂરું થાય ત્યારે વિસર્જન કરવું જોઈએ. આ પ્રતિષ્ઠામાં ભાવના અને નિવેદન મુખ્ય છે. શ્રદ્ધાપૂર્વક, ભગવતી જગજનની ભક્તવત્સલા ગાયત્રી ! અહીં પ્રતિષ્ઠિત થવાનો અનુગ્રહ કરો એવી પ્રાર્થના સંસ્કૃત યા માતૃભાષામાં કરવી જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે, તે પ્રાર્થનાનો સ્વીકાર કરીને કૃપાપૂર્વક પધાર્યા છે. વિસર્જન કરતી વખતે પણ પ્રાર્થના કરવી જોઈએ કે, આદિશક્તિ ભયહારિણી, શક્તિદાયિની, તરણાતારિણી માતા ! હવે વિસર્જિત થાઓ. આ પ્રાર્થનાની સાથે જ એવો વિશ્વાસ રાખવો જોઈએ કે, પ્રાર્થનાનો સ્વીકાર કરીને તે વિસર્જિત થઈ ગયાં છે.
કેટલાક ગ્રન્થોમાં એવો ઉલ્લેખ મળે છે કે, જપના દસમા ભાગનો હવન, હવનના દસમા ભાગનું તર્પણ, તર્પણના દસમા ભાગનું બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. આ નિયમ તાંત્રોકત વિધિથી કરવામાં આવતા પુરશ્ચરણ માટે છે. અહીં વેદોક્ત યોગવિધિની દક્ષિણમાર્ગી સાધના બતાવવામાં આવી છે. તે અનુસાર તર્પણની આવશ્યકતા નથી. અનુષ્ઠાનને અંતે ૧૦૮ આહુતિઓનો હવન તો ઓછામાં ઓછો કરવો જોઈએ અને ત્રણ બ્રાહ્મણોને ભોજન કરાવવું જ જોઈએ. દાનને માટે કોઈ પ્રકારની એવી મર્યાદા બાંધી શકાતી નથી. એ સાધકની શ્રદ્ધાનો વિષય છે. પરંતુ છેવટે કંઈને કંઈ દાન કરવું જોઈએ.
એક નાના પાટલા યા બાજઠ પર ફૂલોનું એક સુંદર આસન બનાવવું જોઈએ અને તેના પર ગાયત્રીની પ્રતિષ્ઠા થવાની ભાવના કરવી જોઈએ. સાકાર ઉપાસનાના સમર્થકોએ ભગવતીનું કોઈ સુંદર ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવી અને નિરાકારના ઉપાસકે ભગવતીનો શક્તિપૂજનો એક સ્કૂલ્લિગ ત્યાં પ્રતિષ્ઠિત થવાની ભાવના કરવી. કોઈ કોઈ સાધક ધૂપસળીની, દીપકની અગ્નિશિખામાં ભગવતીની ચૈતન્ય જ્વાળાનું દર્શન કરે છે અને એ દીપક કે ધૂપસળીને ફૂલો પર પ્રતિષ્ઠિત કરીને પોતાની આરાધ્ય શક્તિની ઉપસ્થિતિનો અનુભવ કરે છે. વિસર્જનના સમયે પ્રતિમાને દૂર કરીને શયન કરાવી દેવું જોઈએ. પુષ્પોને જળાશયના સ્થાનમાં વિસર્જિત કરી દેવા જોઈએ અડધી બળેલી ધૂપસળીને અગર રૂની વાટને હોલવીને એને પણ પુષ્પોની સાથે વિસર્જિત કરી દેવી જોઈએ. બળેલી વાટનો બીજે દિવસે ઉપયોગ કરવો નહીં.
ગાયત્રી પૂજનમાં પાંચ વસ્તુઓ ખાસ કરીને માંગલિક ગણાય છે. એ પૂજાના પદાર્થો ગાયત્રીને અનુકૂળ આવે છે. તેથી પુષ્પના આસન પર પ્રતિષ્ઠિત ગાયત્રીની આગળ ધૂપ કરવો, દીવો પ્રગટાવવો, નૈવેદ્ય ધરવું, ચંદન કરવું તથા અક્ષતની વૃષ્ટિ કરવી જોઈએ અગર દીપક યા ધૂપને ગાયત્રીની સ્થાપનામાં રાખ્યો હોય એના સ્થાન પર જળનો અર્થ આપીને પૂજાના પાંચમા પદાર્થની પૂર્તિ કરવી જોઈએ.
અગાઉ વર્ણવેલી વિધિથી સવારમાં પૂર્વાભિમુખ થઈને શુદ્ધ ભૂમિ પર શુદ્ધ થઈને કુશના આસન પર બેસવું. હંમેશનો આ ક્રમ રાખવો. પ્રતિષ્ઠા અને પૂજા અનુષ્ઠાન કાળમાં નિત્ય થતાં રહેવાં જોઈએ. જપ વખતે મનને શ્રદ્ધાવિત રાખવું અને સ્થિર બનાવવું જોઈએ. મન આમ તેમ ન દોડે, તેથી અગાઉ જણાવ્યા પ્રમાણે ધ્યાન-ભાવના અનુસાર ગાયત્રીનું ધ્યાન કરીને જપ કરવા. સાધનાનું આવશ્યક અંગ ધ્યાન છે. તેમાં મનને સ્થિર કરવાથી તે એક જ કાર્યમાં વળગેલું રહે છે અને આમતેમ દોડતું નથી. દોડાદોડ કરે તો તેને રોકી રાખીને ધ્યાન-ભાવનામાં પરોવવું જોઈએ. આ વિધિથી એકાગ્રતામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે.
સવા લાખ જપ ચાલીસ દિવસમાં પૂરા કરવાનો ક્રમ અગાઉથી ચાલ્યો આવ્યો છે. પરંતુ અશક્ત અથવા ઓછો વખત સાધના કરી શકે એવા સાધકે બે માસમાં જપ પૂરા કરવા. દરરોજ જપની સંખ્યા સરખી થવી જોઈએ. કોઈ દિવસ વધારે, કોઈ દિવસ ઓછા એમ થવું ન જોઈએ. જો ચાલીસ દિવસમાં અનુષ્ઠાન પૂરું કરવું હોય તો ૧,૨૫,૦૦૦ = ૪૦ = ૩૧૨૫ મંત્ર નિત્ય જપવા. માળામાં એકસો આઠ મણકા હોય છે. એટલાં મંત્રોની ૩૧૨૫ : ૧૦૮ = ૨૯ આ પ્રકારે ઓગણત્રીસ માળાઓ નિત્ય જપવી જોઈએ. જો બે માસમાં જપ પૂરા કરવા હોય તો ૧,૨૫,૦૦૦ : ૬૦ = ૨૦૮૦ મંત્ર દરરોજ જપવા જોઈએ. આ મંત્રોની માળાઓ ૨૦૮૦ : ૧૦૮ = ૨૦ માળાઓ દરરોજ જપવી જોઈએ. માળાની ગણતરી યાદ રાખવાને માટે માટીમાં ગંગાજળ નાખીને તેની નાની ગોળીઓ બનાવીને અને એક માળા જપાઈ રહેતાં તેમાંથી એક ગોળી એક બાજુ મૂકવી. આમ બધી ગોળીઓ પૂરી થાય ત્યારે જપ બંધ કરવા. આવો ક્રમ રાખવાથી જપની સંખ્યામાં ભૂલ પડતી નથી.
ગાયત્રી આવાહન મંત્રઃ આયાતુ વરદે દેવી, ત્ર્યાક્ષરા બ્રહ્મવાદિની ! ગાયત્રી છન્દસાં માતા બ્રહ્મયોનિર્નમોસ્તુ ||
ગાયત્રી વિસર્જનનો મંત્ર : ૐ ઉત્તમ શિખરે દેવી, ભૂમ્યાં પર્વતમૂર્ધનિ | બ્રાહ્મણેભ્યોડહ્મનુજ્ઞાતં ગચ્છ દેવિ યથાસુખમ્ ||
અનુષ્ઠાનને અંતે હવન કરવો. ત્યાર પછી શક્તિ પ્રમાણે દાન તથા બ્રહ્મભોજન કરાવવું. બ્રહ્મભોજન તેમને કરાવવું કે જેઓ વાસ્તવમાં બ્રાહ્મણો હોય, વાસ્તવમાં બ્રહ્મપરાયણ હોય. કુપાત્રોને આપેલું દાન અને કરાવેલું ભોજન નિષ્ફળ જાય છે. તેથી નજીકના અથવા દૂરના સાચા બ્રાહ્મણોને જ ભોજન કરાવવું. હવનની વિધિ અહીં આપવામાં આવી છે.
ગાયત્રી યજ્ઞ :
ગાયત્રી અનુષ્ઠાનને અંતે યા કોઈ પણ શુભ અવસર પર “ગાયત્રી યજ્ઞ” કરવો. જે પ્રકારે વેદમાતાની સરળતા, સૌમ્યતા, વત્સલતા, સુસાધ્યતા પ્રસિદ્ધ છે તે જ પ્રકારે ગાયત્રી હવન પણ અત્યંત સુગમ છે. એને માટે ભારે તૈયારી કરવાની કે મોટા કર્મકાંડી પંડિતોનો આશ્રય લેવાની જરૂર પડતી નથી. સાધારણ બુદ્ધિનો સાધક પણ એને સારી રીતે કરી શકે છે.
કુંડ ખોદીને અથવા વેદી બનાવીને હવન થઈ શકે છે. નિષ્કામ બુદ્ધિથી આત્મકલ્યાણને માટે કરવામાં આવતા હવન, કુંડ ખોદીને કરવા ઠીક છે અને કામનાથી મનોરથની પૂર્તિ માટે કરાતા યજ્ઞો વેદી પર કરવા જોઈએ. કુંડની લંબાઈ-પહોળાઈ સાધકનાં આંગળા મુજબ ચોવીસ આંગળ હોવી જોઈએ. કુંડ ખોદવામાં આવે તો તેને ચોવીસ આગળ ઊંડો ખોદવો જોઈએ અને એવા પ્રકારે તિરછો ખોદવો જોઈએ કે નીચે પહોંચતાં છ આગળ પહોળો અને છ આંગળ લાંબો બને. વેદી બનાવવી હોય તો પીળી માટીની ચાર આંગળ ઊંચી વેદી ચોવીસ ચોવીસ આંગળ લાંબી-પહોળી બનાવવી જોઈએ. વેદી કે કુંડને હવન કરતાં પહેલાં કેવળ પાણીથી એવા પ્રકારે લીંપવી કે તે સમતલ થઈ જાય. ઊંચાઈ-નીચાઈ અધિક ન રહે. કુંડ અથવા વેદીથી ચાર આંગળ છેટે એક નાનો સરખો ખાડો બે આગળ પહોળો અને બે આંગળ ઊંડો ખોદીને તેમાં પાણી ભરવું. વેદી યા કુંડની આજુબાજુ ઘઉંનો લોટ, હળદર, રંગોળી આદિ માંગલિક દ્રવ્યોથી રંગોળી પૂરીને પોતાની કલા પ્રિયતાનો પરિચય આપવો જોઈએ. યજ્ઞ સ્થળ પોતાની સગવડ પ્રમાણે મંડપ પુષ્પ-પલ્લવ આદિથી જેટલું સુંદર અને આકર્ષક બને તેટલું ઉત્તમ છે.
વેદી યા કુંડના ઈશાન ખૂણામાં કળશની સ્થાપના કરવી. માટી અથવા ઉત્તમ ધાતુના કળશમાં પવિત્ર જળ ભરી તેના મુખ પર આમ્રપલ્લવ રાખવા અને તેના પર ચોખા, ફળ, મિષ્ટાન્ન અથવા કંઈ બીજું માંગલિક દ્રવ્ય રાખવું. કળશની ચારે બાજુઓ હળદરના સ્વસ્તિકથી અંકિત કરવી. કળશની પાસે જ એક નાની ઓટલી યા વેદી પર પુષ્પ અને ગાયત્રીની પૂજન-સામગ્રી રાખવી.
વેદી યા કુંડની ફરતે ત્રણે બાજુ આસન બિછાવીને ઈષ્ટ મિત્રો બંધુ બાંધવો સહિત બેસવું. પૂર્વ દિશામાં જ્યાં કળશની સ્થાપના કરી હોય ત્યાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ અથવા પોતાના વયોવૃદ્ધ આચાર્યની વરણી કરીને તેમને બેસાડવા. તે આ યજ્ઞના બ્રહ્મા ગણાય. યજમાને પહેલાં બ્રહ્માના જમણા હાથમાં નાડાછડી બાંધવી અને કંકુ કે ચન્દનનું તિલક કરવું. પછી ચરણસ્પર્શ કરીને પુષ્પ, ફળ, મિષ્ટાન્નની એક નાનીશી ભેટ તેમને અર્પણ કરવી. ત્યાર પછી બ્રહ્માએ ત્યાં હાજર રહેનાર બધા લોકોને ક્રમશઃ પાસે બોલાવીને એમના જમણા હાથે નાડાછડી બાંધવી અને કપાળે કંકુનું તિલક કરીને ચોખા ચોટાડીને આશીર્વાદનાં મંગલ વચનો બોલવા.
યજમાનને પશ્ચિમ તરફ બેસાડવો જેથી તેનું મુખ પૂર્વ તરફ રહે. હવન સામગ્રી અને ઘી વધારે હોય તો અનેક પાત્રોમાં વિભાજિત કરીને વધારે સાધકો બેસી શકે છે. સામગ્રી થોડી હોય તો યજમાને હવન સામગ્રી પોતાની પાસે રાખવી અને એની પત્નીએ ઘૃતપાત્ર સામે રાખીને ચમચો (સ્ત્રૃવા) સંભાળવો. પત્ની ન હોય તો ભાઈ કે મિત્રે ઘૃતપાત્ર લઈને બેસવું. સમિધાઓ સાત પ્રકારની હોય છે. બધા પ્રકારની ન મળે તો જેટલા પ્રકારની મળી શકે, તેટલા પ્રકારની લેવી. હવન સામગ્રી, ત્રિગુણાત્મક સાધનામાં આગળ આપવામાં આવી છે. તે ત્રણે ગુણોવાળી જોઈએ. પરંતુ આધ્યાત્મિક હવન હોય તો સત્ત્વગુણી સામગ્રી અડધી તથા ચોથા ભાગની રજોગુણી અને ચોથા ભાગની તમોગુણી લેવી. જો કોઈ ભૌતિક કામનાને માટે હવન કરવો હોય તો અડધી રજોગુણી અને સતોગુણી ચોથે ભાગે લેવી. સામગ્રીને સારી રીતે સાફ કરીને તડકામાં સૂકવીને લેવી. સામગ્રીમાં કોઈ વસ્તુ ન મળે અથવા ઓછી મળે તો તેમાં ઘટતો ભાગ એ ગુણવાળી બીજી ઔષધિઓ મેળવીને હોમી શકાય છે.
ઉપસ્થિત લોકોમાં હવનની વિધિમાં સામેલ હોય, તેઓએ સ્નાન કર્યું હોવું જોઈએ. જે લોકો જોવા આવેલા હોય તેમણે થોડે દૂર બેસવું. બન્નેની વચ્ચે થોડું અંતર હોવું જોઈએ.
હવનની શરૂઆત કરતી વખતે યજમાને બ્રહ્મસંધ્યાના આરંભમાં થતા પ્રયોગો પંચકોષો (આચમન, શિખાબંધન, પ્રાણાયામ, અઘમર્ષ તથા ન્યાસ)ની ક્રિયાઓ કરવી. ત્યાર બાદ વેદી યા કુંડ પર સમિધાઓ મૂકીને કપરની મદદથી ગાયત્રી મંત્રના ઉચ્ચારની સાથે સળગાવવી. બધા લોકો સાથે મંત્ર બોલવા લાગે અને છેવટે સ્વાહાની સાથે ઘી તથા સામગ્રીવાળી આહુતિઓ આપે. આહુતિના અંતમાં સ્ત્રૃવામાં બચેલા ઘીનું એક ટીપું પાસે રાખેલા જલપાત્રમાં ટપકાવે અને “ઈદ ગાયત્રે ઈદ ન મમ્’નું ઉચ્ચારણ કરે. હવનમાં સાથેસાથે મધુર સ્વરથી મંત્રોચ્ચારણ કરવું ઉત્તમ છે. ઉદાત, અનુદાત અને સ્વરિવ એ સ્વરો અનુસાર હોવા ન હોવાની સામૂહિક સંમેલનમાં શાસ્ત્રકારોએ છૂટ આપી છે.
આહુતિઓ ઓછામાં ઓછી ૧૦૮ હોવી જોઈએ. એનાથી વધારે બમણી, ત્રણ ગણી, ચારગણી આપી શકાય. સામગ્રી પ્રત્યેક માળા માટે હિસાબે ૩૨ તોલા અર્થાત્ ૬|| અધોળ હોવી જોઈએ. બ્રહ્માએ માળા લઈને બેસવું અને આહુતિઓ ગણ્યા કરવી. આહુતિ આપવાની પૂરી થાય ત્યારે બંધ કરાવવું. આહુતિઓ બંધ થયા પછી એ દિવસે બનાવેલાં પકવાન મિષ્ટાન્ન આદિમાંથી કોરા અને મધુર પદાર્થો લેવા. મીઠા મરચાવાળું શાક, અથાણું, રાયતું આદિને અગ્રિહોમમાં નિષેધ છે. એ સિવાયના ભોજનમાંથી થોડો થોડો ભાગ લઈને બધા લોકોએ ચઢાવવો, જેમણે સ્નાન કર્યું હોય અને હવનમાં ભાગ લીધો હોય તેમને જ એ ચઢાવવાની છૂટ છે. અંતમાં એક શ્રીફળમાં કાણું પાડીને વધેલું ઘી ભરવું અને ઊભા થઈને પૂર્ણાહુતિના રૂપમાં એને અગ્નિમાં સમર્પિત કરવું. જે કંઈ સામગ્રી હોમ કરતાં બચી હોય તે બધી હવન સામગ્રી પૂર્ણાહુતિ વખતે હોમી દેવી.
ત્યાર બાદ બધા લોકોએ ઊભા થઈને યજ્ઞની ચાર પ્રદક્ષિણા કરવી અને “ઈદ ન મમ’થી ટપકાવેલું પાણી પર તરતું ઘી એક આંગળીએ લઈને પોતાની આંખ પર લગાડવું. હવનની ઓલવાઈ ગયેલી ભસ્મ લઈને બધા લોકોએ કપાળે લગાવવી. કીર્તન કે ભજનનું આયોજન ગોઠવવું અને પ્રસાદ વહેંચવો. પછી અભિવાદનપૂર્વક બધા વિદાય થાય. યજ્ઞની સામગ્રીને બીજે દિવસે કોઈ પવિત્ર સ્થાનમાં વિસર્જિત કરવી. આ ગાયત્રી યજ્ઞ ફક્ત અનુષ્ઠાનના અંતે જ નહિ, બીજાં બધાં શુભ કર્મોમાં પણ થઈ શકે છે.
પ્રયોજન મુજબ સાધનો પણ ઉપયોગમાં લેવા પડે છે. લડાઈને માટે યુદ્ધ સામગ્રી ભેગી કરવી પડે છે અને જે પ્રકારના પ્રસંગ હોય તે માટે તેવા પ્રકારનો સામાન એકઠો કરવો પડે છે. ભોજન બનાવવાવાળો રસોઈની વસ્તુઓ લાવીને પોતાની પાસે રાખે છે અને ચિત્રકારને પણ પોતાની આવશ્યક ચીજો રંગ, બોર્ડ, પીંછી વગેરે એકઠી કરવી પડે છે. વ્યાયામ કરતી વખતના અને ઑફિસમાં જતી વખતના કેસમાં ફરક હોય છે. જે પ્રકારની સાધના કરવાની હોય તેને અનુરૂપ, એ તત્ત્વોવાળી, એ પ્રાણોવાળી સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. સહુથી પહેલાં એ જોવું જોઈએ કે આપણી સાધના કયા ઉદ્દેશને માટે છે? સત્, રજસ્, અને તમસ્ પૈકી ક્યા તત્ત્વની વૃદ્ધિને માટે છે ? જે પ્રકારની સાધના હોય તે પ્રકારની સાધનસામગ્રી વાપરવી જોઈએ. એ બાબતમાં નીચે વિવરણ આપવામાં આવ્યું છે
સતોગુણ-માલા-તુલસીની, આસન-કુશનું (દર્ભનું), પુષ્પ-ધોળું, પાત્ર-તાંબાનું, વસ્ત્ર-સુતરાઉ (ખાદીનું), મુખ પૂર્વ તરફ, દીવામાં ઘી-ગાયનું ઘી, તિલક-ચંદનનું હવનમાં સમિધા-પીપળો, વડ, ગૂલર, હવન સામગ્રી-સફેદ ચંદન, અગર એલચી, લવિંગ શંખપુષ્પી, બ્રાહ્મી, શતાવરી, ખસ, તજ, આમળા, ઇન્દ્રજવ, વંશલોચન, જાવંત્રી, ગળો, વજ, જેઠીમધ, કમલ કેશર, વડની વડવાઈઓ, નાળિયેર, બદામ, દ્રાક્ષ, જવ અને સાકર.
રજોગુણી-માલા-ચંદનની, આસન-સુતરાઉ, ફૂલ-પીળું, પાત્ર-કાંસાનું, વસ્ત્ર-રેશમી, મુખ ઉત્તર તરફ, દીવામાં ઘી-ભેંસનું, તિલક-કંકુનું, સમિધા-આંબો, ખાખરો, વરિયાળી, સીસમ, હવન સામગ્રી-દેવદારુ, મોટી એલચી, કેશર, પુનમ વા, જીવન્તી, કપૂર, તમાલપત્ર રાસ્ના, નાગરમોથ, ઉન્નાવ, ચિત્રક, તજ, રાતીદ્રાક્ષ, ખારેક, ચોખા, ખાંડ વગેરે.
તમોગુણી-માલા-રુદ્રાક્ષ, આસન-ઊન, ફૂલ-રાતું, પાત્ર-લોખંડનું, વસ્ત્ર-ઊનનાં, મુખ-પશ્ચિમ તરફ, દીવામાં ઘી-બકરીનું, તિલક-ભસ્મનું, સમિધા-બિલી, ગળો, બાવળ, હવન સામગ્રી-રક્ત ચંદન, તગર, અસગન્ધ, જાયફળ, કમળકાકડી, નાગકેશર, મોટી પીપર, અપામાર્ગ, કાકડાશીંગ, કાળીમૂસળી, પિસ્તા, અક્કલગરો, મેથી, અખરોટ, તલ, અડદ, ગોળ વગેરે.
ગુણો પ્રમાણેની સાધનસામગ્રીનો ઉપયોગ કરવાથી સાધકમાં એ ગુણોની અભિવૃદ્ધિ થાય છે અને તે પ્રમાણે સફળતાનો માર્ગ અધિક સુગમ થઈ જાય છે.
પ્રતિભાવો