૪૩. આ દેવી પ્રસાદ બીજાઓને પણ વહેંચો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
આ દૈવી પ્રસાદ બીજાઓને પણ વહેંચો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
પુણ્યકર્મોની સાથે પ્રસાદ વહેંચવો એ એક આવશ્યક ધર્મકૃત્ય મનાયું છે. સત્યનારાયણની કથામાં છેલ્લે મૃત અને શીરો વહેંચવામાં આવે છે. યજ્ઞમાં આવેલા માણસોને પણ શીરો યા બીજી મીઠાઈ વહેંચવામાં આવે છે. આરતી અને પૂજાકીર્તન કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે, દેવતા, પીર-મુરીદને પ્રસન્ન કરવા પતાસાં, રેવડી વગેરે વહેંચવામાં આવે છે. મંદિરોમાં, જ્યાં ભીડ થાય છે ત્યાં અધિક પૈસા ખર્ચવાનું પરવડતું ન હોય ત્યાં જલમાં તુલસીપત્ર નાખીને ચરણામૃતને જ પ્રસાદના રૂપે વહેંચવામાં આવે છે. તાત્પર્ય એ છે કે, શુભકાર્યની પાછળ કંઈને કંઈ પ્રસાદ વહેંચવો આવશ્યક છે. એનું કારણ એ છે કે શુભકાર્યની સાથે જે શુભ વાતાવરણ પેદા થાય છે, એને ખાદ્ય પદાર્થોની સાથે સંબંધ કરીને ઉપસ્થિતિ વ્યક્તિઓને અપાય છે ત્યારે તેઓ પણ શુભ તત્ત્વોને થોડા ઘણાં આત્મસાત કરે છે. બીજી વાત એ છે કે મધુર પ્રસાદને સમયે પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે. આ બંને તત્ત્વોની અભિવૃદ્ધિથી પ્રસાદ ગ્રહણ કરનાર અધ્યાત્મ તરફ આકર્ષિત થાય છે અને એ આકર્ષણ એને માટે કલ્યાણકારક સિદ્ધ થાય છે. પ્રસાદની સાથે દિવ્ય તત્ત્વોમાં શ્રદ્ધાની ધારણા થાય છે. આ પરંપરા એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ચાલતી રહે અને ધર્મવૃદ્ધિનું આ ચક્ર બરાબર વધતું રહે, એ લાભને ધ્યાનમાં રાખીને અધ્યાત્મ વિદ્યાના આચાર્યોએ એવો આદેશ કર્યો છે કે, પ્રત્યેક શુભકાર્યને અંતે પ્રસાદ વહેંચવો. લગ્ન સંસ્કાર કથાવ્રત, ઉપવાસ જેવાં યજ્ઞ કાર્યો પછી – બ્રહ્મ ભોજન તથા પ્રીત ભોજનનું આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એવો આદેશ મળે છે કે છેલ્લે પ્રસાદ ન વહેંચવાથી યજ્ઞ નિષ્ફળ થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે પ્રસાદના મહત્ત્વ પ્રત્યે લોકોએ સાવધાન રહેવાનું છે.
ગાયત્રી સાધના પણ એક યજ્ઞ છે. એ અસાધારણ યજ્ઞ છે. અગ્નિમાં સામગ્રીની આહુતિ આપવી એ સ્થૂળ કર્મકાંડ છે પણ આત્મામાં પરમાત્માની સ્થાપના એ સૂક્ષ્મ યજ્ઞ છે, જેની મહત્તા સ્થૂલ અગ્નિહોત્ર કરતાં અનેકગણી વધારે છે. આવા મહાન ધર્મ કૃત્યની સાથોસાથ પ્રસાદનું વિતરણ પણ એવું હોવું જોઈએ, જે એની મહત્તાને અનુરૂપ હોય. રેવડી પતાસાં, લાડવો વહેંચવાથી એ કાર્ય પૂરું થઈ શકતું નથી. ગાયત્રીનો પ્રસાદ તો એવો હોવો જોઈએ જેથી તે ગ્રહણ કરનારને સ્વર્ગીય સ્વાદ મળે અને ખાઈને તેનો આત્મા તૃપ્ત થાય. ગાયત્રી બ્રાહ્મી શક્તિ છે. એનો પ્રસાદ પણ “બ્રાહ્મી પ્રસાદ” હોવો જોઈએ. ત્યારે જ યોગ્ય ગૌરવનું કાર્ય ગણાય.
એ પ્રકારનો પ્રસાદ છે-બ્રહ્મદાન, બ્રાહ્મીસ્થિતિ તરફ ચાલવાનું આકર્ષણ અને પ્રોત્સાહન. જે વ્યક્તિને બ્રહ્માપ્રસાદ આપવો હોય તેને આત્મકલ્યાણની દિશામાં આકર્ષિત કરવી અને તે તરફ ચાલવાને માટે એને પ્રોત્સાહન આપવું એ જ બ્રહ્મપ્રસાદ છે.
એ તો સ્પષ્ટ જ છે કે, ભૌતિક અને આત્મિક આનંદના સમસ્ત સ્રોતો માનવ પ્રાણીના અંતઃકરણમાં છૂપાયેલા છે. જગતમાં સંપત્તિઓ આપણી બહાર નથી. બહાર તો પથ્થરો, ધાતુઓના ટુકડા અને નિર્જીવ પદાર્થો ભરેલા પડ્યા છે સંપત્તિઓનો બધો ખજાનો તો આપણા આત્મામાં રહેલો છે, જેના દર્શન માત્રથી મનુષ્યને તૃપ્તિ મળી જાય છે અને તેના અનેક ઉપભોગો કર્યા પછી આનંદનો પાર રહેતો નથી. એ આનંદ-ભંડારો ઉઘાડવાની કૂંચી આધ્યાત્મિક સાધનાઓમાં છે અને એ સમસ્તમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. એની શ્રેષ્ઠતા અતુલનીય છે, અસાધારણ છે. એની સિદ્ધિઓ અને ચમત્કારોનો કોઈ પાર નથી. એવી શ્રેષ્ઠ સાધનાના માર્ગે જો કોઈને આકર્ષિત કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે અને જોડવામાં આવે તો એનાથી વધે એવો કોઈ ઉપકાર થઈ શકે એમ નથી. જેમ જેમ એનામાં સાત્ત્વિક તત્ત્વોની વૃદ્ધિ થશે, તેમ તેમ એના વિચારો અને કાર્યો પુણ્યમય થતાં જશે અને પ્રભાવ બીજા પર પડવાથી તેઓ પણ સન્માર્ગનું અવલંબન કરશે. એ શૃંખલા જેમ જેમ લાંબી થશે તેમ તેમ જગતમાં સુખશાંતિની, પુણ્યની માત્રા વધશે અને એ ધર્મના પુણ્ય ફળમાં જેણે કોઈને આત્મમાર્ગે પ્રોત્સાહિત કર્યો હશે એ વ્યક્તિનો ભાગ પણ હશે. જેમ કોઈ રાજાને એક વાર રાજી કરવાથી જાગીર મળી જાય છે અને જાગીરની આવક સદાય મળ્યા કરે છે, તેમ એક વ્યક્તિને આત્મ કલ્યાણના માર્ગે ચઢાવી દેવાથી એ ચઢાવનારને એના પુણ્ય ફળનો એક ભાગ સદાય મળતો રહે છે. આ પ્રકારે તે ચોક્કસ અક્ષય પુણ્યનો ભાગીદાર બની જાય છે,
જે વ્યક્તિ ગાયત્રીની સાધના કરે તેણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે, હું ભગવતીને પ્રસન્ન કરવા માટે, એનો મહાપ્રસાદ, બ્રહ્મપ્રસાદ અવશ્ય વહેંચીશ. એ વિતરણ આ પ્રકારે થવું જોઈએ-પોતાના પરિચિતોમાં અને અપરિચિતોમાં એવી વ્યક્તિની તપાસ કરવી જોઈએ કે જેમાં શુભ મોજૂદ હોય એને ધીરે ધીરે ગાયત્રીનું મહાત્મ્ય, રહસ્ય અને લાભ સમજાવતા જવું. જે લોકો આધ્યાત્મિક ઉન્નતિના મહત્ત્વને નથી સમજતા તેમની આગળ ગાયત્રી દ્વારા પ્રાપ્ત થનારા ભૌતિક લાભોનું વિસ્તૃત વર્ણન કરવું જોઈએ. ગાયત્રી તપોભૂમિ-મથુરા દ્વારા પ્રકાશિત ગાયત્રી અંગેનું સાહિત્ય તેમને વંચાવવું જોઈએ. આ રીતે તેમની રુચિ આ દિશા તરફ વાળવી જોઈએ. આથી કરીને તેઓ ગાયત્રી માતાનો આશ્રય ગ્રહણ કરશે. શરૂઆતમાં ભલે તેઓ સકામ ભાવનાથી આ તરફ વળે પણ અંતે તેમની રુચિ નિષ્કામ ભાવનાવાળી થવાની જ. પછી તો તેઓ જાતે જ આ દ્વારા પ્રાપ્ત થનારા મહાન લાભથી મુગ્ધ બનીને તેને છોડવાનું નામ જ નહિ લે. એકવાર ગાડી પાટા પર ચઢી એટલે એ પોતાના માર્ગ પર વ્યવસ્થિત રીતે ચાલતી જ રહેશે.
આ બ્રહ્મપ્રસાદ અન્ય સામાન્ય પદાર્થો કરતાં વિશેષ મહત્ત્વનો છે. આવો, આ પ્રયત્નથી જ વહેંચી શકાય એવા બ્રહ્મપ્રસાદને બધે વહેંચીને વેદમાતાની કૃપા પ્રાપ્ત કરો અને અક્ષય પુણ્યના ભાગીદાર બનો.
પ્રતિભાવો