૩૪. એક વર્ષની ઉદ્યાપન સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
એક વર્ષની ઉદ્યાપન સાધના , ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
કેટલાક માણસોનો જીવનક્રમ બહુ જ અસ્તવ્યસ્ત હોય છે. તેઓ સદા કાર્ય વ્યસ્ત રહે છે. વ્યાવહારિક મુશ્કેલીઓ તેમને ચેન પડવા દેતી નથી. રોજી કમાવવાની, સામાજિક વ્યવહાર નિભાવવાની, કુટુંબની જરૂરિયાતો પૂરી કરવાની, આવી પડેલી આપત્તિઓને નિવારવાની ચિંતામાં એમની શક્તિ અને સમયનો એટલો વ્યય થઈ જાય છે કે જ્યારે ફુરસદની ઘડી આવે છે ત્યારે તેઓ શક્તિહીન, થાકયા-પાક્યા, શિથિલ અને પરિશ્રમના ભારથી કચડાઈ ગયેલા જોવામાં આવે છે. એ સમયે એમની એક જ ઇચ્છા હોય છે કે એમને ચૂપચાપ પડયા રહેવા દેવામાં આવે, કોઈ એમને છેડે નહીં ત્યારે જ એમનો થાક ઉતરે. કેટલાક માણસોનાં શરીર અને મગજ ઓછી શક્તિવાળાં હોય છે. રોજિદા મામૂલી કાર્યોમાં જ તેઓ પોતાની શક્તિ વાપરી નાખે છે. તેથી તેમના હાથપગ તદ્દન ઢીલાં થઈ જાય છે.
સાધારણ રીતે સર્વ આધ્યાત્મિક સાધનાઓ માટે અને ખાસ કરીને ગાયત્રી-સાધનાને માટે ઉત્સાહિત મન અને શક્તિયુક્ત શરીરની આવશ્યકતા હોય છે. ત્યારે જ સ્થિરતા, દૃઢતા, એકાગ્રતા અને શાંતિમાં મન સાધનામાં સ્થિર થાય છે. આવી સ્થિતિમાં કરાયેલી સાધના જ સફળ થાય છે. પરંતુ એવી સ્થિતિ કેટલા લોકોને પ્રાપ્ત થાય છે ? અસ્થિર, અવ્યવસ્થિત ચિત્તને કોઈ સાધનામાં જોડવામાં આવે તો તેનું ધારેલું પરિણામ આવતું નથી. અધૂરાં મનથી કરાયેલી ઉપાસના પણ અધૂરી હોય છે અને તેનું ફળ પણ અધૂરું જ મળે છે.
એવા સ્ત્રીપુરુષોને માટે એક અતિ સરળ અને બહુ જ મહત્ત્વપૂર્ણ સાધના “ગાયત્રી-ઉદ્યાપન છે. એ બહુ ધંધાવાળી, કામકાજવાળી અને કાર્યવ્યસ્ત વ્યક્તિ પણ કરી શકે છે. ટીપેટીપે સરોવર ભરાય. થોડી આરાધના કરવાથી થોડા સમયમાં એક મોટા પ્રમાણમાં સાધનાશક્તિ જમા થઈ જાય
દર મહિને અમાસ અને પૂનમ એ બે દિવસે ઉઘાપનની સાધના કરવી પડે છે. કોઈ પણ માસની પૂનમથી એનો આરંભ કરી શકાય છે. બરાબર એક વર્ષ પછી એ જ પૂનમે તેની સમાપ્તિ કરવી જોઈએ. દર અમાસે અને પૂનમે નીચે મુજબના નિયમોનું પાલન કરવું જોઈએ.
(૧) ગાયત્રી ઉદ્યાપનને માટે કોઈ સુયોગ્ય, સદાચારી અને ગાયત્રી વિદ્યાનો જ્ઞાતા બ્રાહ્મણ પસંદ કરીને એને બ્રહ્મા નિયુક્ત કરવો.
(૨) બ્રહ્માને ઉદ્યાપનના સમયે અન્ન, વસ્ત્ર, પાત્ર અને યથાશક્તિ દક્ષિણા આપીને એ યજ્ઞને માટે નિયુક્ત કરવો.
(૩) પ્રત્યેક અમાસ અને પૂનમે સાધકની માફક બ્રહ્માએ પણ પોતાના નિવાસસ્થાને રહીને યજમાનની સહાયતા માટે એ પ્રકારની સાધના કરવી, યજમાન અને બ્રહ્માએ એક સમાન નિયમનું પાલન કરવું જોઈએ, જેથી બન્ને પક્ષની સાધનાઓ મળીને એક સર્વાગપૂર્ણ સાધના પ્રસ્તુત થાય.
(૪) એ દિવસે બ્રહ્મચર્ય પાળવું આવશ્યક છે.
(૫) એ દિવસે ઉપવાસ કરવો. પોતાની સ્થિતિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક વાર એક અન્નનો આહાર, ફળાહાર, દુગ્ધાહાર યા એમનું મિશ્રણ લઈને ઉપવાસ કરી શકાય છે. તપશ્ચર્યા અને પ્રાયશ્ચિત્ત પ્રકરણમાં એ વિષેનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.
(૬) તપશ્ચર્યાવાળા પ્રકરણમાં બતાવેલી તપશ્ચર્યાઓમાંથી બીજા નિયમ-વ્રત પાલન કરીને, એનું યથાસંભવ પાલન કરવું જોઈએ. એ દિવસે પુરુષે હજામત કરાવવી નહીં અને સ્ત્રીએ માથું ઓળવું નહીં.
(૭) એ દિવસે પ્રાતઃકાળમાં નિત્યકર્મથી પરવારીને સ્વચ્છતાપૂર્વક સાધનામાં બેસવું. ગાયત્રી સંધ્યા કરવા ઉપરાંત ગાયત્રીની પ્રતિમા (ચિત્ર અથવા મૂર્તિ)નું પૂજન, ધૂપ, દીપ, અક્ષત, પુષ્પ, ચંદન જલ, મિષ્ટાન વગેરેથી કરવું. ત્યાર બાદ યજમાને એ ઉદ્યાપનના બ્રહ્માને મનોમન પ્રણામ કરવા અને બ્રહ્માએ યજમાનનું ધ્યાન કરીને એને આશીર્વાદ આપવો. ત્યાર પછી ગાયત્રી મંત્ર જપ કરવાનો આરંભ કરવો. જપના સમયે આ ગાયત્રીના ચિત્રનું ધ્યાન કરતા રહેવું. એક હજાર મંત્રોના જપ માટે દસ માળાઓ જપવી જોઈએ. એક માટીના પાત્રમાં અગ્નિ રાખીને તેમાં ઘી ભેળવેલો ધૂપ નાખતા રહેવું જેથી આજુબાજુના વાતાવરણમાં યજ્ઞના જેવી સુગન્ધ ઊડતી રહે. પાસે જ ઘીનો દીવો પણ રાખવો.
(૮) જપ પૂરા થઈ ગયા પછી ઘીનો દીવો સળગાવી આરતી ઉતારવી, આરતી ઉતાર્યા પછી ભગવતીને મિષ્ટાન્નનો ભોગ ધરાવવો અને તે જમા થયેલા લોકોમાં પ્રસાદ તરીકે વહેંચવો.
(૯) જળપાત્રમાંનું જળ સૂર્યની સામે અર્થ તરીકે ચઢાવી દેવું.
(૧૦) આ બધું કર્મ લગભગ બે કલાકમાં પૂરું થઈ જાય છે. પંદર દિવસમાં એટલો સમય ફાજલ પાડવો એ કઠણ વાત નથી. જે વધારે પ્રવૃત્તિવાળો માણસ હોય તેણે બે કલાક વહેલા ઊઠીને સૂર્યોદય સુધીમાં પોતાનું કામ સમેટી લેવું. સાંજના વખતે ફાવે તો વધારે જપ એ સમયે પણ કરી શકાય. સાંજે સંધ્યા-પૂજન આદિની આવશ્યકતા નથી. સવારે અને સાંજે યજમાન અને બ્રહ્મા એક સાથે પ્રાર્થના કરી શકે એવો સમય અગાઉથી નક્કી કરી લેવો.
(૧૧) જો કોઈ વાર બીમારી, સૂતક, આકસ્મિક કાર્ય આદિને કારણે સાધના ન થઈ શકે, તો બીજી વખતે બમણું કાર્ય કરીને પૂરું કરી દેવું અથવા બ્રહ્માનું કાર્ય યજમાન કે યજમાનનું કાર્ય બ્રહ્માએ પૂરું કરવું.
(૧૨) અમાસ, પૂનમ સિવાય બીજા દિવસોએ પણ ગાયત્રીના જપ ચાલુ રાખવા. વધારે ન બને તો સ્નાન કરતાં કે સ્નાન કર્યા પછી ઓછામાં ઓછા ૨૪ જપ તો મનમાં અવશ્ય કરવા.
(૧૩) ઉઘાપન પૂરું થયા પછી એ જ પૂનમે ગાયત્રી પૂજન, હવન, જપ તથા બ્રહ્મભોજન કરાવવું જોઈએ. બ્રાહ્મણોને ગાયત્રીના નાના કે મોટાં પુસ્તકો તથા યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. ગાયત્રી પૂજનને માટે પોતાના સામર્થ્યનુસાર સોનું, ચાંદી અથવા ત્રાંબાની પ્રતિમા બનાવવી. પ્રતિમા, વસ્ત્ર, પાત્ર તથા દક્ષિણા આપીને બ્રહ્માને વિદાય કરવા.
આ ગાયત્રી ઉદ્યાપન સ્વાસ્થ્ય, ધન સંતાન તથા સુખશાંતિની રક્ષા કરનારું છે. તે આપત્તિઓનું નિવારણ કરે છે. શત્રુતા તથા દ્વેષને મિટાવે છે. બુદ્ધિ થતાં વિવેકશીલતાને ઉત્પન્ન કરે છે તેમજ માનસિક શક્તિઓને વધારે છે. કોઈ અભિલાષાને પૂર્ણ કરવા માટે, ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરવાને માટે આ એક ઉત્તમ તપ છે. તેનાથી ભગવતી પ્રસન્ન થઈને સાધકના મનોરથ પૂર્ણ કરે છે. જો કંઈ સફળતા મળે, ઇચ્છિત કામનાની પૂર્તિ થાય, પ્રસન્નતાનો અવસર આવે, તો એની ખુશાલીમાં ભગવતી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે ઉદ્યાપન કરતા જ રહેવું જોઈએ. ગીતામાં ભગવાન કહે છે.
દેવાન્માવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ | પરસ્પર ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપત્ર્યથ || અ. ૩-૧૧
આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓની આરાધના કરો. તેઓ તમારું રક્ષણ કરશે. આ પ્રકારે પરસ્પર આદાનપ્રદાન કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
પ્રતિભાવો