૨૫. એકાગ્રતા અને સ્થિર ચિત્તથી સાધના થવી જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
એકાગ્રતા અને સ્થિર ચિત્તથી સાધના થવી જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
સાધના માટે સ્વસ્થ અને શાંત ચિત્તની આવશ્યકતા છે. ચિત્તને એકાગ્ર કરીને, બધી બાજુથી ખેંચી લઈને, તન્મયતા, શ્રદ્ધા અને ભક્તિભાવથી કરાયેલી સાધના સફળ થાય છે. આ વાતો સાધકની પાસે ન હોય તો તેનો પ્રયત્ન ફળદાયક નીવડતો નથી. ઉદ્વિગ્ન, અશાંત, ચિંતાતુર, ઉત્તેજિત, ભય અને આશંકાથી ઘેરાયેલું મન, એક જગ્યાએ રહેતું નથી. તે પ્રત્યેક પળે આમતેમ દોડતું રહે છે. કદી ભયનું ચિત્ર સામે આવે છે તો કદી દુર્દશા પાર કરવાને માટે ઉપાય શોધવા મગજ દોડે છે. આવી સ્થિતિમાં સાધના શી રીતે થાય ? એકાગ્રતા ન હોવાથી ગાયત્રીના જપમાં કે ધ્યાનમાં મન લાગતું નથી. હાથ માળા ફેરવે છે, મુખ મંત્રોચ્ચાર કરે છે ત્યારે ચિત્ત ક્યાંનું ક્યાં ભમતું હોય છે. સ્થિર સાધના માટે આ અયોગ્ય છે. જ્યાં સુધી મનને બધી બાજુએથી ખેંચીને, બધી વાતો ભૂલીને એકાગ્રતા અને તન્મયતાથી સાથે ભક્તિ ભાવનાપૂર્વક માતાનાં ચરણોમાં લાગી જવાય નહીં ત્યાં સુધી આપણામાં ગાયત્રી શક્તિને આકર્ષિત કરે અને ઇચ્છિત ઉદ્દેશની પૂર્તિમાં આપણને સહાય પ્રદાન કરી શકે, તેવું ચુંબકત્વ કેવી રીતે પેદા થાય ?
શ્રદ્ધાની ઓછપ એ બીજી મુશ્કેલી છે. કેટલાક માણસોની મનોભૂમિ ખૂબ અશ્રદ્ધાળુ અને શુષ્ક હોય છે. એમને આધ્યાત્મિક સાધનો પર સાચો વિશ્વાસ હોતો નથી. તેઓ કોઈ પાસેથી સાધનોની પ્રશંસા સાંભળે તો મનમાં તેની પરીક્ષા કરવાનું કુતૂહલ જાગે છે કે, આ વાત કેટલી સાચી છે ? આ સચ્ચાઈની પરીક્ષા કરવા માટે એ કોઈ મુશ્કેલ મનોકામનાની પ્રાપ્તિને કસોટીએ ચઢાવે છે અને ભારે મહેનત કરે છે. પણ તે કાર્યની સરખામણીએ સફળતા મળે એટલો પ્રયત્ન કરતા નથી. એ ઇચ્છે છે કે દસ-વીસ માળા જપવાથી તેમનો બેડો પાર થઈ જાય. કેટલાક લોકો તો એવી માનતા માને છે કે અમારું કામ થઈ જાય તો અમુક સાધના આટલાં પ્રમાણમાં પાછળથી કરશું. એમનો પ્રયાસ કોઈ એમ કહે એવો ગણાય કે, પહેલાં જમીનમાંથી પાણી કાઢીને અમારા ખેતરમાં સીંચે તો અમે જલદેવતાને પ્રસન્ન કરવાને માટે કૂવો ખોદાવી આપીએ. તેઓ એમ માને છે કે જાણે અદૃશ્ય શક્તિઓ અમારી ઉપાસના વગર ભૂખી બેઠી છે. અમારા વિના તેમનું બધું કામ અટકી પડ્યું છે. તેથી અમને વાયદો કરવામાં આવે કે, પહેલાં અમારી આટલી મજૂરી કરો તો અમે તમને જમાડીશું, તમારા અટકેલા કામને પૂરું કરવામાં મદદ કરીશું. આ વૃત્તિ ઉપહાસાસ્પદ છે. એ તેમના અવિશ્વાસને અને તેમની હલકી વૃત્તિને પ્રગટ કરે છે.
અવિશ્વાસુ, અશ્રદ્ધાળુ અને અસ્થિર ચિત્તના મનુષ્યો પણ ગાયત્રી-સાધના નિયમપૂર્વક કરતા રહે તો અમુક સમય પછી એમના એ ત્રણે દોષો દૂર થઈ જાય છે અને શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા ઉત્પન્ન થવાથી તેઓ સફળતા તરફ વેગથી આગળ વધે છે. તેથી ભલે કોઈની મનોભૂમિ અસંયમી તથા અસ્થિર હોય તો પણ તેણે સાધનામાં લાગી જવું જોઈએ. કોઈક દિવસ એ ખામીઓ દૂર થશે અને તેના પર માતાની કૃપા ઊતર્યા વિના રહેશે નહિ.
શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિ ખૂબ જ બળવાન છે એ દ્વારા મનુષ્ય અસંભવ કાર્યોને પણ સફળ બનાવી શકે છે. ભગીરથે શ્રદ્ધાના બળે જ હિમાલય પર્વતમાં માર્ગ બનાવીને ગંગાને પૃથ્વી પર અવતારી હતી. શ્રદ્ધા અને વિશ્વાસના બળે જ ધ્રુવ અને નામદેવ જેવા બાળકોએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. આને જ આધાર પર તુલસીદાસ અને સૂરદાસ જેવા વાસનાગ્રસ્ત મનુષ્યો પણ સંતશિરોમણિ બની ગયા. આથી જો આપણે આ મહાન શક્તિનો આશ્રય લઈશું તો આપણા ચિત્તની ચંચળતા અને અસ્થિરતા જાતે જ ધીમે ધીમે દૂર થઈ જશે. જરૂર એટલી જ છે કે આપણે નિયમોનું પાલન કરીએ અને નિશ્ચયને દઢતાપૂર્વક વળગી રહીએ. આનાથી આપણી માનસિક દુર્બળતા અથવા શારીરિક શક્તિનું નિરાકરણ આપમેળે જ થતું જશે અને અંતે આપણી સાધના જરૂર સફળ થશે. શાસ્ત્રનું કથન છે
સંદિગ્ધો હિ હિતો મન્ત્ર વ્યગ્રચિત્તો હતો જપઃ |
સંદેહ કરવાથી મંત્ર હત થઈ જાય છે અને વ્યગ્ર ચિત્તથી થયેલો જપ નિષ્ફળ થાય છે. અસંદિગ્ધ, અવ્યગ્ર, અશ્રદ્ધાળુ અને સ્થિર ચિત્ત ન હોવાથી કોઈ વિશેષ પ્રયોજન સફળ થતું નથી. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અધ્યાત્મ વિદ્યાના આચાર્યોએ બીજાઓ પાસે સાધના કરાવવાનો એક ઉપાય બતાવ્યો છે. કોઈ અધિકારી વ્યક્તિને પોતાને સ્થાને સાધના કાર્ય માટે રોકવી અને તેનું કામ પોતે કરી લેવું. આ એક નિર્દોષ, સીધું-સાદું આદાનપ્રદાન છે. ખેડૂત અન્ન તૈયાર કરે છે અને વણકર કપડું વણે છે. આવશ્યકતા પ્રમાણે અન્ન અને કપડાંની અદલાબદલી થઈ શકે છે. જે પ્રકારે વકીલ, દાક્તર, અધ્યાપક, ક્લાર્ક આદિનો સમય મૂલ્ય આપીને ખરીદી શકાય છે, તે પ્રમાણે જ કોઈ બ્રહ્મપરાયણ સત્ પુરુષને ગાયત્રી ઉપાસના માટે નિયુક્ત કરી શકાય છે. એનાથી સંદેહ અને અસ્થિર ચિત્ત થવાથી જે મુશ્કેલીઓ આવતી હોય તેનો સહેલાઈથી ઉકેલ થઈ જાય છે. ખૂબ વ્યવસાયી, સ્થિતિપાત્ર અને ધાર્મિક મનોવૃત્તિના લોકો બહુધા પોતાની શાંતિ અને સુરક્ષાને માટે ગોપાલસહસ્ત્રનામ, વિષ્ણુસહસ્ત્રનામ, મહામૃત્યુંજય, દુર્ગાસપ્તશતી, શિવમહિમ્ન, ગંગાલહરી આદિનો પાઠ નિયમિત રીતે કરાવે છે. તેઓ કોઈ બ્રાહ્મણને માસિક અમુક દક્ષિણા આપવાની નક્કી કરીને રોકે છે. આ મુજબ વર્ષો સુધી આ ક્રમ ચાલતો રહે છે. કોઈ વિશેષ અવસરે વિશેષ પ્રયોજનને માટે વિશેષ અનુષ્ઠાનોનું આયોજન પણ થાય છે. નવરાત્રિના પ્રસંગે ઘણે ભાગે લોકો દુર્ગા પાઠ કરાવે છે. શિવરાત્રિએ શિવમહિમ્ન, ગંગાદેશરાએ ગંગાલહરી, દિવાળીએ શ્રીસૂક્તનો પાઠ અનેક પંડિતોને બેસાડીને લોકો વધારે પ્રમાણમાં કરાવે છે. મંદિરોમાં ભગવાનની પૂજાને માટે પૂજારી રાખવામાં આવે છે. મંદિરોના સંચાલકો બીજાઓ પાસે પૂજા કરાવે છે અને તેમને મહેનતાણું આપી દે છે. આ પ્રકારનું આદાનપ્રદાન, ગાયત્રી-સાધનામાં પણ કરી શકાય છે. પોતાના શરીર, મન, પરિવાર અને વ્યવસાયની સુરક્ષા અને ઉન્નતિ માટે ગાયત્રીના જપ એક બે હજારની સંખ્યામાં રોજ કરાવાની વ્યવસ્થા શ્રીમંત લોકો સહેલાઈથી કરી શકે એમ છે. એ રીતે કંઈ લાભ થઈ જાય તો તેની ખુશાલીમાં અથવા વિપત્તિના નિવારણ માટે સવા લાખ જપનું ગાયત્રી અનુષ્ઠાન કોઈ સત્પાત્ર બ્રાહ્મણ દ્વારા કરાવી શકાય છે. એવા પ્રસંગે સાધના કરનારા બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, વાસણો તથા દક્ષિણાના રૂપમાં ઉદારતાપૂર્વક પુરસ્કાર આપવો જોઈએ. સંતુષ્ટ સાધકના સાચા આશીર્વાદ એ આયોજનના ફળને ઓર વધારી દે છે. એવી સાધના કરનારે કદાચ ઓછું મળે તો પણ સંતોષ માનવો જોઈએ અને આશીર્વાદાત્મક ભાવના મનમાં રાખવી જોઈએ. અસંતુષ્ટ થઈને દુર્ભાવનાઓ પ્રેરિત કરવાથી તો બંનેનો સમય તથા શ્રમ નિરર્થક જ જાય છે.
સારી વાતો તો એ જ છે કે, પોતાની સાધના પોતે જ કરવી. કહેવત છે કે, “આપ સમાન બળ નહિ, પરંતુ કોઈ લાચારીને કારણે એમ ન થઈ શકે. કાર્ય વ્યસ્તતા, અસ્વસ્થતા, અસ્થિર ચિત્ત, ચિંતાજનક સ્થિતિ આદિને લીધે જો કદાચ પોતાનું સાધન પોતે ન કરી શકાય તો આદાનપ્રદાનના સીધા-સાદા નિયમને આધારે અન્ય અધિકારી પાસે એ કાર્ય કરાવી લેવું પણ પ્રભાવપૂર્ણ અને લાભદાયક સિદ્ધ થાય છે. એવા સત્પાત્ર અને અધિકારી અનુષ્ઠાન કર્તાની શોધ માટે ગાયત્રી તપોભૂમિ સંસ્થાની સહાય લઈ શકાય છે.
પ્રતિભાવો