૩૫. ગાયત્રીનું અર્થચિંતન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રીનું અર્થચિંતન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
. ૐ … બ્રહ્મ
ભૂ: … પ્રાણસ્વરૂપ
ભુવઃ … દુઃખનાશક
સ્વ: … સુખસ્વરૂપ
તત્ … એ
સવિતુ: … તેજસ્વી પ્રકાશવાન
વરેણ્યં … શ્રેષ્ઠ
ભર્ગો … પાપનાશક
દેવસ્ય … દિવ્યને, આપવાવાળા
ધીમહિ … ધારણ કરીએ છીએ
ધિયો … બુદ્ધિ
યો … જે
નઃ … અમારી
પ્રચોદયાત્ … પ્રેરિત કરો
ગાયત્રી મંત્રના આ અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. આ ભાવો બહુ જ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતોગુણી અને આત્મબળ વધારનારા છે. ભાવોનું હરહમેશ અમુક સમયે મનન કરવું જોઈએ.
મનને માટેના કેટલાક સંકલ્પો નીચે આપવામાં આવે છે. આ શબ્દોને આંખો બંધ કરીને મનમાં ને મનમાં રટવા જોઈએ અને કલ્પનાશક્તિની મદદ વડે એનું માનસચિત્ર મનઃપ્રદેશમાં સારી રીતે અંકિત કરવું જોઈએ
(૧) ભૂ: લોક, ભુવઃ લોક અને સ્વઃ લોક, આ ત્રણે લોકમાં ૐ પરમાત્મા સમાયેલો છે. આ જે વિશ્વ બ્રહ્માંડ છે તે પરમાત્માની સાકાર પ્રતિમા છે. કણે કણમાં ભગવાન રહેલો છે. આ સર્વવ્યાપક પરમાત્માને બધે હાજર જાણીને મારે કુવિચારો અને કુકર્મોથી સદા દૂર રહેવું જોઈએ અને સંસારની અને સુખશાંતિ શોભા વધારવામાં સહયોગ આપીને પ્રભુની સાચી સેવા કરવી જોઈએ.
(૨) તત્ તે પરમાત્મા, સવિતુ: તેજસ્વી, વરેણ્યં-શ્રેષ્ઠ, ભર્ગો-પાપરહિત અને દેવસ્ય-દિવ્ય છે. એને હું અંતઃકરણમાં ધારણ કરું છું. આ ગુણોવાળા ભગવાન મારા અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈને મને પણ તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત અને દિવ્ય ગુણોવાળો બનાવે છે. હું પ્રતિક્ષણ એ ગુણોથી યુક્ત થતો જાઉં છું. એ બંનેની માત્રા મારા મગજ તથા શરીરના કણેકણમાં વધતી જાય છે. હું એ ગુણોથી ઓતપ્રોત થતો જાઉં છું.
(૩) તે પરમાત્મા, નઃ અમારી, ધિયો–બુદ્ધિને, પ્રચોદયાત્ – સન્માર્ગમાં પ્રેરિત કરો. અમારી સર્વેની, અમારાં સ્વજન પરિજનોની બુદ્ધિ સન્માર્ગગામી થાઓ. જગતની સર્વથી મોટી વિભૂતિ, સુખોની આદિ માતા-સદ્બુદ્ધિને મેળવીને અમે આ જીવનમાં જ સ્વર્ગીય આનંદનો ઉપભોગ કરીએ. માનવજન્મને સફળ બનાવીએ.’
ઉપરના ત્રણ ચિંતન સંકલ્પોનું ધીરે ધીરે મનન કરવું જોઈએ. એક એક શબ્દ બોલ્યા પછી થોડી વાર અટકીને એ શબ્દનું કલ્પનાચિત્ર મનમાં ઊભું કરવું જોઈએ.
જ્યારે આ શબ્દો બોલવામાં આવતા હોય કે પરમાત્મા ભૂઃ ભુવઃ સ્વઃ એ ત્રણ લોકમાં વ્યાપ્ત છે, ત્યારે એવી કલ્પના કરવી કે, જાણે આપણે પાતાળ, પૃથ્વી અને સ્વર્ગને સારી રીતે જોઈ રહ્યાં છીએ અને એમાં ગરમી, પ્રકાશ, વીજળી, શક્તિ યા પ્રાણના રૂપે પરમાત્મા બધે સમાયેલા છે. આ વિરાટ બ્રહ્માંડ ઈશ્વરની એક જીવતી જાગતી સાકાર પ્રતિમા છે. ગીતામાં અર્જુનને જે પ્રકારે ભગવાને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું છે, એવું જ વિરાટ પુરુષનું દર્શન આપણા કલ્પનાલોકમાં માનસચક્ષુઓ વડે કરવું જોઈએ. આંખો ભરીભરીને આ વિરાટ બ્રહ્માનું, વિશ્વ પુરુષનું દર્શન કરવું જોઈએ. જાણે કે હું આ વિશ્વ પુરુષના કેન્દ્રમાં બેઠેલો છું એમ અનુભવવું જોઈએ. મારી ચારે બાજુ પરમાત્મા જ છે એવી મહાશક્તિ હોય ત્યાં કુકર્મોના કુવિચારો મારા મનમાં ક્યાંથી જ આવી શકે? આ વિશ્વ પુરુષનો કણેકણ મારે માટે પૂજનીય છે. એની સેવા, સુરક્ષા અને શોભા વધારવાને માટે હું પ્રવૃત્ત રહું એ જ મારે માટે શ્રેયસ્કર છે.
સંકલ્પના બીજા ભાગનું ચિંતન કરીને આપણા હ્રદયને ભગવાનના સિંહાસન તરીકે ગણીને પરમ તેજસ્વી, સર્વશ્રેષ્ઠ, નિર્વિકાર, દિવ્યગુણોવાળા પરમાત્માને તે પર વિરાજમાન થયેલા જોવા જોઈએ. ભગવાનની ઝાંખી ત્રણ રૂપમાં કરી શકાય છે. (૧) વિરાટ પુરુષના રૂપમાં, (૨) રામ, કૃષ્ણ, વિષ્ણુ, ગાયત્રી, સરસ્વતી આદિના રૂપમાં અને (૩) દીપકની જ્યોતિના રૂપમાં. એ આપણી ભાવના અને રુચિ ઉપર આધાર રાખે છે. પરમાત્માનું પુરુષના રૂપમાં યા ગાયત્રીનું માતૃરૂપમાં આપણી રુચિ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. પરમાત્મા સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. ગાયત્રી સાધકોને માતા ગાયત્રીના રૂપમાં બ્રહ્મનું ધ્યાન કરવું વધારે રુચે છે. સુંદર છબીનું ધ્યાન કરીને સૂર્ય જેવી તેજસ્વિતા, સર્વોપરી શ્રેષ્ઠતા, પરમ પવિત્ર નિર્મળતા અને દિવ્ય સત્ત્વગુણની ઝાંખી કરવી જોઈએ. આ પ્રકારના ગુણ અને રૂપવાળી બ્રહ્મશક્તિને આપણા હ્રદયમાં સ્થાયીરૂપે વસાવવાની અને રોમરોમમાં ભરવાની ભાવના કરવી જોઈએ.
સંકલ્પના ત્રીજા ભાગનું ચિંતન કરતી વેળા એવો અનુભવ કરવો કે તે ગાયત્રી બ્રહ્મશક્તિ આપણા હ્રદયમાં નિવાસ કરનારી ભાવના તથા મગજમાં રહેનારી બુદ્ધિને પકડીને સાત્ત્વિકતાના, ધર્મના, કર્તવ્યના, સેવાના સત્પથ પર લઈ જઈ રહી છે. બુદ્ધિ અને ભાવનાને એ દિશામાં ચલાવવાનો અભ્યાસ તથા પ્રેમ ઉત્પન્ન કરી રહી છે તથા તે બંને ખૂબ આનંદ, ઉત્સાહ તથા સંતોષનો અનુભવ કરતાં માતા ગાયત્રીની સાથે જ ચાલી રહ્યાં છે.
ગાયત્રીમાં આવેલી આ ત્રણ ભાવનાઓ ક્રમશઃ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગના પ્રતીક જેવી છે. આ ત્રણે ભાવનાઓનો વિસ્તાર થઈને યોગના જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ આધાર બન્યા છે. ગાયત્રીનું અર્થચિંતન બીજરૂપે આપણા અંતરાત્માને ત્રણે યોગની ત્રિવેણિમાં સ્નાન કરાવ્યા સમાન છે.
આ પ્રકારે ચિંતન કરવાથી ગાયત્રી મંત્રનો અર્થ ઉત્તમ રીતે હૃદયંગમ થઈ જાય છે અને એની પ્રત્યેક ભાવના આપણા મન પર પોતાની છાપ પાડે છે. જેને પરિણામે થોડા જ દિવસોમાં આપણને જણાવા માંડે છે કે આપણે કુવિચારો અને કુકર્મોનો ત્યાગ કરીને વિચારો અને સન્માર્ગમાં ઉત્સાહપૂર્વક રસ લેવા માંડયો છે. આ પ્રવૃત્તિ શરૂઆતમાં ગમે તેટલી મંદ કેમ ન હોય, છતાં એ નિશ્ચિત છે કે, એ ચાલુ રહે તો આત્મા દિનપ્રતિદિન સમુન્નત થતો જાય છે અને જીવનનું ચરમ લક્ષ્ય સમીપ ખેંચાતું ચાલ્યું આવે છે.
પ્રતિભાવો