૨૬. ગાયત્રી દ્વારા સંધ્યાવંદન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી દ્વારા સંધ્યાવંદન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
કેટલાંક એવા કાર્યો છે જે નિત્ય કરવા એ મનુષ્યનું આવશ્યક કર્તવ્ય ગણાય. એવા કર્મોને નિત્યકર્મ કહેવામાં આવે છે. નિત્યકર્મનો ઉદ્દેશ છે- (૧) આવશ્યક તત્ત્વોનો સંચય (ર) અનાવશ્યક તત્ત્વોનો નાશ. શરીરને પ્રાયઃ કોઈને કોઈ નવી શક્તિની આવશ્યકતા હોય છે. પ્રત્યેક ગતિશીલ વસ્તુ પોતાની ગતિને કાયમ રાખવાને માટે ગમે ત્યાંથી નવી શક્તિ પ્રાપ્ત કરે છે. અને જો તે ન મળે તો એનો અંત થઈ જાય છે. રેલવે માટે કોલસા, પાણી, મોટરને માટે પેટ્રોલ, તારને માટે બેટરી, એન્જિનને માટે તેલ, સિનેમાને માટે વીજળીની જરૂર પડે છે. છોડઝાડને ખાતર-પાણીની જરૂર પડે છે. પશુ, પક્ષી, કીટ, પતંગ અને મનુષ્ય આદિ બધાં પ્રાણીઓને ભૂખતરસ લાગે છે. પોતપોતાની પ્રકૃતિ અનુસાર અન્ન, જળ અને વાયુ લઈને તે જીવન ટકાવે છે. જો આહાર ન મળે તો શરીર કામ આપતું નથી. સજીવ હોય કે નિર્જીવ, કોઈ પણ વસ્તુને પોતાની ગતિશીલતા કાયમ રાખવા માટે આહારની જરૂર રહે છે.
એ જ રીતે પ્રત્યેક ગતિશીલ પદાર્થમાં પ્રતિક્ષણ કોઈને કોઈ પ્રકારનો મળ બનતો રહે છે. તેને જલદી સાફ કરવાની આવશ્યકતા રહે છે. રેલમાં કોલસાની રાખ અને મશીનોમાં તેલની ચીકાશ જમા થાય છે. શરીરમાં પ્રતિક્ષણ મળ બને છે અને તે ગુદા, શિશ્ન, નાક, મુખ, આંખ, કાન, ત્વચા આદિ છિદ્રો દ્વારા બહાર નીકળે છે. જો મળની સફાઈ ન થાય તો દેહમાં એટલું ઝેર એકત્રિત થઈ જાય છે કે બેચાર દિવસમાં જ જીવન માટે જોખમ ઊભું થાય છે. મકાનમાંથી કચરો કાઢવામાં ન આવે, કપડાંને ધોવામાં ન આવે, વાસણ માંજવામાં ન આવે, શરીરને સ્નાનથી શુદ્ધ કરવામાં ન આવે, તો એક બે દિવસમાં જ મેલ ચઢી જાય અને ગંદકી, કુરૂપતા, દુર્ગંધ, મલિનતા આદિ વિકૃતિઓ ઉત્પન્ન થઈ જાય છે.
આ સર્વ કરતાં આત્મા અધિક ગતિશીલ અને ચૈતન્ય છે. એને પણ આહારની અને મળવિસર્જનની આવશ્યકતા પડે છે. સ્વાધ્યાય, સત્સંગ, આત્મચિંતન, ઉપાસના, સાધના આદિ સાધનો દ્વારા આત્માને આહાર મળે છે. એથી તે બળવાન, ચૈતન્યશીલ તથા ક્રિયાશીલ રહે છે. જે લોકો આ આહારથી આત્માને વંચિત રાખે છે અને સાંસારિક ઝંઝટમાં હરઘડી લાગેલા રહે છે એમનું શરીર ગમે તેટલું મોટું હોય, પાસે ધનદોલત ગમે તેટલાં હોય છતાં આત્મા તો ભૂખ્યો જ રહે છે. એ ભૂખને લીધે તે નિસ્તેજ, નિર્બળ, નિષ્ક્રિય અને અર્ધમૂછિત અવસ્થામાં પડી રહે છે. તેથી શાસ્ત્રકારોએ આત્મસાધનાને નિત્યકર્મમાં સામેલ કરીને એને એક આવશ્યક કર્તવ્ય બનાવી દીધું છે.
આત્મસાધનામાં આહાર પ્રાપ્તિ અને મળવિસર્જન એ બંને કાર્યો સરખી રીતે મહત્ત્વનાં છે. આત્મિક ભાવના, વિચારસરણી અને જીવનને બળવાન, ચૈતન્યયુક્ત અને ક્રિયાશીલ બનાવનારી પદ્ધતિને સાધના કહેવામાં આવે છે અને સાંસારિક વિષયો અને મુશ્કેલીઓને લીધે ચિત્ત પર ખરાબ અસર જમાવે છે એ વિકારો, મળ અને વિષની પણ એ સાધના સફાઈ કરે છે. શરીરને માટે બે વાર સ્નાન કરવું અને બે વાર શૌચ જવું એ આવશ્યક માનવામાં આવે છે. આત્માને માટે પણ એ વાતો બે વાર થવી આવશ્યક છે, જેને સંધ્યા કહેવાય છે. શરીરથી આત્માનું મહત્ત્વ ત્રિકાલ સંધ્યા કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. ત્રણ વાર ન બને તો સવાર સાંજ બે વારથી પણ કામ ચલાવી લેવાય. જેની રુચિ એ તરફ ઓછી હોય તેણે તો સંધ્યા એ આપણું નિત્યકર્મ છે એમ સમજીને એક વારની સંધ્યા તો કરવી જ જોઈએ. એ ન કરવાથી પાપવિકારોની જમાવટ થાય છે અને ભૂખ્યો આત્મા નિર્બળ બનતો જાય છે. એ બંને વાતોમાંથી પાપકર્મોનો જન્મ થાય છે, તેથી ઘાતક ભારમાંથી બચવા માટે પણ સંધ્યાને આપણા નિત્યકર્મોમાં સ્થાન મળવું જ જોઈએ.
સંધ્યા-વંદનની અનેક વિધિઓ હિંદુ ધર્મમાં પ્રચલિત છે. એ બધામાં સરળ, સુગમ, સીધી અને અત્યધિક પ્રભાવશાળી ઉપાસના ગાયત્રી મંત્ર દ્વારા થતી “બ્રહ્મસંધ્યા છે. એમાં કેવળ એક જ ગાયત્રી મંત્ર યાદ કરવાનો હોય છે. બીજી સંધ્યાવિધિઓની જેમ અનેક મંત્રો યાદ રાખવાની અને અનેક પ્રકારોને વિધિવિધાન યાદ રાખવાની જરૂર રહેતી નથી.
સૂર્યોદય યા સૂર્યાસ્ત સમયને સંધ્યા કહેવામાં આવે છે. એ જ સમય સંધ્યાવંદનનો છે. સગવડ ખાતર એમાં થોડા આગળપાછળ એમ ફેરફાર પણ થઈ શકે છે. ત્રિકાળ સંધ્યા કરનારાને માટે ત્રીજો સમય મધ્યાહ્યકાળનો છે. નિત્યકર્મથી નિવૃત્ત થઈને શરીરને સ્વચ્છ કરીને સંધ્યા કરવા બેસવું. એ સમયે શરીર પર ઓછામાં ઓછાં વસ્ત્રો રાખવા. ખુલ્લી હવાનું એકાંત સ્થળ મળી શકે તો વધારે સારું. નહીં તો ઘરનો એવો ભાગ પસંદ કરવો કે, જ્યાં ઓછી ખટપટ અને વધારે શુદ્ધિ હોય. કુશનું આસન, સાદડી અથવા ઊનનું આસન બિછાવીને, પલાંઠી વાળીને, મેરુદંડ સીધો રાખીને સંધ્યા કરવા બેસવું જોઈએ. સવારે પૂર્વ તરફ અને સાંજે પશ્ચિમ તરફ મોં રાખીને બેસવું. પાસે જળથી ભરેલું પાત્ર રાખવું. સંધ્યાનાં પંચકર્મો નીચે પ્રમાણે છે
(૧) આચમન : જળના પાત્રમાંથી જમણા હાથની હથેળીમાં જળ લઈને તેને ત્રણ વાર આચમન કરવું. ડાબા હાથે પાત્ર ઉઠાવીને હથેળીમાં જળ ભરવું અને ગાયત્રી મંત્ર બોલવો. ગાયત્રીમંત્ર પૂરો થાય કે જળ પી જવું. બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કરવું. ત્રણ વાર આચમન કર્યા પછી જમણો હાથ પાણીથી ધોઈ નાખવો. ખભા પર રાખેલા કટકા વડે હાથ-મોં લૂછી નાખવા, જેથી હથેળી, હોઠ, મૂછ વગેરે પર આચમન કરેલા એઠાં પાણીનો અંશ રહેવા ન પામે.
આચમન ત્રિગુણમયી માતાની ત્રિવિધ શક્તિઓને પોતાની અંદર ધારણ કરવા માટે છે. પ્રથમ આચમનની સાથે સત્ત્વગુણી, વિશ્વવ્યાપી, સૂક્ષ્મ શક્તિ “ીહ્રિં શક્તિનું ધ્યાન કરીને એવી ભાવના કરવામાં આવે છે કે, વિદ્યુત જેવાં સૂક્ષ્મ નીલ કિરણો મારા મંત્રોચ્ચારની સાથોસાથ બધી બાજુથી જળમાં પ્રવેશ કરી રહ્યાં છે અને જળમાં એ શક્તિથી ઓતપ્રોત થઈ રહ્યાં છે. પહેલું આચમન કરતી વખતે સંમિલિત બધી શક્તિઓ પોતાની અંદર પ્રવેશ કરે છે. આવી ભાવના કરવી અને અનુભવ કરવો જોઈએ કે, મારામાં સત્ત્વગુણે પૂરતા પ્રમાણમાં પ્રવેશ કર્યો છે. આ જ રીતે બીજા આચમન વખતે રજોગુણી “શ્રી શક્તિનાં પીળા કિરણો જળમાં આકર્ષિત થઈને શરીરમાં પ્રવેશ થયાની ભાવના કરવી. ત્રીજા આચમન વખતે તમોગુણી “કલીં’ની રાતાવર્ણની શક્તિઓ પોતાના શરીરમાં ધારણ થયાનો ભાવ જાગૃત રહેવો જોઈએ.
જેમ બાળક માતાનું દૂધ પીને એના ગુણો અને શક્તિઓ પોતાનામાં ધારણ કરે છે અને સશક્ત થાય છે, તેવી જ રીતે સાધક મંત્રબળથી આચમનના પાણીને ગાયત્રી માતાના દૂધ જેવું બનાવી લે છે અને એનું પાન કરીને પોતાના આત્મબળને વધારે છે. એ આચમનથી એને ત્રિવિધ હ્રિં, શ્રીં, કલીં શક્તિથી યુક્ત આત્મબળ મળે છે અને તે અનુસાર એને આત્મિક પવિત્રતા અને સાંસારિક સમૃદ્ધિને સુદઢ બનાવનારી શક્તિની પ્રાપ્તિ થાય છે.
(૨) શિખાબંધન : આચમન પછી શિખાને જળથી ભીંજવીને એને એવી ગાંઠ લગાવવી કે નીચેથી ખેંચતાં છૂટી જાય. એને અરધી ગાંઠ કહેવામાં આવે છે. ગાંઠ લગાવતી વખતે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું.
શિખા મગજના કેન્દ્રબિંદુ પર આવેલી હોય છે. જેમ રેડિયોના ધ્વનિ વિસ્તારક કેન્દ્રોમાં ઊંચા થાંભલા ઊભા કરેલા હોય છે અને ત્યાંથી બ્રૌડકાસ્ટના તરંગો ચારે બાજુ ફેંકવામાં આવે છે, તે જ પ્રકારે આપણા મગજનો વિદ્યુત ભંડાર શિખાસ્થાન પર છે. એ સ્થાનમાંથી આપણા વિચારો, સંકલ્પ અને શક્તિ પરમાણું દરેક પળે બહાર નીકળીને આકાશમાં દોડતા રહે છે. એ પ્રવાહથી શક્તિનો બિનજરૂરી વ્યય થાય છે અને આપણો શક્તિ ખજાનો ઘટે છે. તે અટકાવવા માટે શિખાને બાંધવામાં આવે છે, હંમેશાં ગાંઠ વાળેલી રાખવાથી આપણી માનસિક શક્તિઓનો ઘણો અપવ્યય થતો બચી જાય છે.
સંધ્યા કરતી વખતે ખાસ ગાંઠ લગાવવાનું પ્રયોજન તો એ છે કે રાત્રે સૂતી વખતે એ ગાંઠ ઢીલી થઈ જાય અને છૂટી જાય છે. વળી સ્નાન કરતી વખતે કેશશુદ્ધિને માટે શિખાને છૂટી રાખવી પડે છે. સંધ્યા કરતી વખતે અનેક સૂક્ષ્મ તત્ત્વો આકર્ષિત થઈને આપણામાં સ્થિત થાય છે. તે બધાં મસ્તકના કેન્દ્રમાંથી નીકળીને બહાર ઊડી ન જાય અને આપણે સાધનાના લાભથી વંચિત રહેવું ન પડે તેથી શિખાને ગાંઠ લગાવવામાં આવે છે. ફૂટબોલમાં પણ અંદર રબરની એક હવા ભરવાની નળી હોય છે. તેને ગાંઠ વાળવાથી અંદર ભરેલી હવા રોકી રાખવા માટે એક નાની વાલ્વટ્યૂબ નામની રબરની નળી લગાવેલી હોય છે, જેમાંથી હવા અંદર દાખલ થઈ શકે છે પણ બહાર નીકળતી નથી. ગાંઠ વાળેલી શિખા પણ એવું જ કામ કરે છે. એ બહારના વિચારો અને શક્તિ સમૂહને ગ્રહણ તો કરે છે, પણ અંદરનાં તત્ત્વોનો અનાવશ્યક વ્યય થવા દેતી નથી.
આચમન પહેલાં શિખાનું બંધન એટલાં માટે નથી કરવામાં આવતું કે એ સમયે ત્રિવિધ શક્તિનું આકર્ષણ જેવું જલ દ્વારા થાય છે તેવું મસ્તકના મધ્ય કેન્દ્ર મારફત પણ થતું હોય છે. આ પ્રકારે આચમન વખતે છૂટી રહેવાથી બેવડો લાભ થાય છે. ત્યાર પછી એને બાંધી લેવામાં આવે છે.
(૩) પ્રાણાયામ : સંધ્યાનો ત્રીજો કોષ છે પ્રાણાયામ અથવા પ્રાણાકર્ષણ. ગાયત્રીની ઉત્પત્તિનું વર્ણન કરતાં અગાઉ બતાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિ બે પ્રકારની છે (૧) જડ અર્થાત્ પરમાણમયી (૨) ચૈતન્ય અર્થાત્ પ્રાણમયી. આખા જગતમાં જે પ્રકારે પરમાણુઓના સંયોગ વિયોગથી વિવિધ પ્રકારનાં દૃશ્યો ઉત્પન્ન થાય છે, તે જ પ્રકારે ચૈતન્ય પ્રાણસત્તાની વિવિધ ઘટનાઓ બનવા પામે છે. જેમ વાયુ પોતાના ક્ષેત્રમાં સર્વત્ર ભરેલો છે, તેમ વાયુ કરતાં અનેકગણું સૂક્ષ્મ ચૈતન્ય પ્રાણતત્ત્વ સર્વત્ર વ્યાપ્ત છે. એ તત્ત્વની ન્યૂનાધિકતાથી આપણું મનસ્ક્ષેત્ર બળવાન તથા નિર્બળ થાય છે. એ પ્રાણતત્ત્વને જે જેટલી માત્રામાં આકર્ષિત કરી લે છે, ધારણ કરી લે છે તેટલી એની આંતરિક સ્થિતિ બળવાન થઈ જાય છે. આત્મતેજ, વીરતા, દૃઢતા, પુરુષાર્થ, વિશાળતા, મહાનતા, સહનશીલતા, ધૈર્ય, સ્થિરતા જેવા ગુણો પ્રાણશક્તિના પરિચાયક છે. જેમાં પ્રાણ ઓછો હોય છે તે શરીર ભલે સ્થૂળ હોય છતાં ડરપોક, કાયર, અસ્થિરમતિ, સંકીર્ણ, અનુદાર, સ્વાર્થી, અપરાધી મનોવૃત્તિના, અધીર, તુચ્છ, નીચ વિચારોમાં ગ્રસ્ત તેમજ ચંચલ વૃત્તિના હોય છે. એવા દુર્ગુણોવાળી વ્યક્તિ કદી પણ મહાન થઈ શકતી નથી. તેથી સાધકે પોતાનામાં પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં ધારણ કરવાની આવશ્યકતા છે. જે ક્રિયા દ્વારા વિશ્વવ્યાપી પ્રાણતત્ત્વમાંથી પ્રાણતત્ત્વને ખેંચીને અધિક પ્રમાણમાં આપણી અંદર ધારણ કરવામાં આવે છે તેને પ્રાણાયામ કહેવામાં આવે છે.
પ્રાણાયામ કરતી વખતે મેરુદંડને વિશેષ સાવધાનીથી સીધો રાખવો કેમ કે મેરુદંડમાં રહેલી ઈડા, પિંગલા અને સુષુમ્ણા નાડીઓ દ્વારા પ્રાણશક્તિનું આવાગમન થાય છે અને જો કરોડ વાંકી રહે તો મૂલધારમાં રહેલી કુંડલિની સુધી પ્રાણની ધારા નિબંધ ગતિથી પહોંચી ન શકે. તેથી પ્રાણાયામનો વાસ્તવિક લાભ પણ મળી શકતો નથી.
પ્રાણાયામના ચાર ભાગ છે (૧) પૂરક (૨) આંતરકુંભક (૩) રેચક (૪) બાહ્યકુંભક, વાયુને અંદર ખેંચવાનું નામ પૂરક, વાયુને અંદર રોકી રાખવાનું નામ આંતરકુંભક, વાયુને બહાર કાઢવાનું નામ રેચક અને વાયુને બહાર રોકી રાખવાને બાહ્યકુંભક કહેવામાં આવે છે. આ ચારેને માટે ગાયત્રી મંત્રના ચાર ભાગોને યોજવામાં આવે છે. પૂરક વખતે “ૐ ભૂર્ભુવઃ સ્વઃ,’ આંતરકુંભક વખતે “તત્સવિતુર્વરેણ્યં’ રેચક વખતે “ભર્ગો દેવસ્ય ધીમહિ અને બાહ્યકુંભક વખતે “ધિયો યો નઃ પ્રચોદયાત” મંત્રનો જપ થવો જોઈએ.
(અ) સ્વસ્થ ચિત્તથી બેસો. મુખને બંધ રાખો. નેત્રોને બંધ યા અર્ધખુલ્લાં રાખો. પછી શ્વાસને ધીરે ધીરે નાક દ્વારા અંદર ખેંચવાનો આરંભ કરો અને “ૐ ભૂર્ભુવઃ સ્વઃ’ આ મંત્ર ભાગ મનમાં બોલતા રહો અને ભાવના કરો કે, વિશ્વવ્યાપી, દુ:ખનાશક, સુખસ્વરૂપ બ્રહ્મની ચૈતન્ય પ્રાણશક્તિને હું નાક મારફત આકર્ષિત કરી રહ્યો છું. આ ભાવના અને આ મંત્રની સાથે ધીરે ધીરે શ્વાસ ખેંચો અને જેટલો વધારે અંદર ભરી શકાય તેટલો ભરી લો.
(બ) હવે વાયુને અંદર રોકો. તત્સવિતુર્વરેણ્યં એ ભાગનો જપ કરો અને સાથે જ એવી ભાવના કરો કે નાક દ્વારા ખેંચાયેલો એ પ્રાણ શ્રેષ્ઠ છે, સૂર્યના જેવો તેજસ્વી છે, એનું તેજ મારા રોમેરોમમાં ભરાઈ રહ્યું છે. આ ભાવનાની પૂરક કરતાં અડધા સમય માટે અંદર રોકી રાખો.
(ક) હવે નાસિકા દ્વારા વાયુને ધીરે ધીરે બહાર કાઢવાનું શરૂ કરો અને “ભર્ગો દેવસ્ય ધીમહિ” આ મંત્રભાગને જપો તથા ભાવના કરો કે, “આ દિવ્ય પ્રાણ મારાં પાપોનો નાશ કરીને વિદાય થઈ રહ્યો છે. જેટલો સમય વાયુને અંદર ખેંચવામાં લાગ્યો હોય, એટલો સમય વાયુને બહાર કાઢવામાં લાગવો જોઈએ.
(ડ) જ્યારે અંદરનો બધો વાયુ બહાર નીકળી જાય ત્યારે જેટલો વખત વાયુને અંદર રોકી રાખ્યો હોય તેટલો જ વખત બહાર રોકી રાખો. અર્થાત્ શ્વાસ લીધા વગર “ધિયો યો નઃ પ્રચોદયાત્” આ મંત્ર ભાગ જપ્યા કરો. સાથે જ એવી ભાવના કરો કે, ભગવતી વેદમાતા આદ્યશક્તિ ગાયત્રી મારી સદ્બુદ્ધિને જાગૃત કરી રહી છે.
આ એક પ્રાણાયામ થયો. હવે એ જ પ્રકારે પુનઃ આ ક્રિયાઓની પુનરાવૃત્તિ કરીને બીજો પ્રાણાયામ કરો. સંધ્યામાં આવા પાંચ પ્રાણાયામ કરવા જોઈએ, જેથી શરીરમાં રહેલાં પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન નામક પાંચ પ્રાણોનું પ્રસ્ફુરણ અને પરિમાર્જન થઈ જાય.
(૪) અઘમર્ષણ : પાપનો નાશ કરવાની ક્રિયાને અઘમર્ષણ કહેવામાં આવે છે. ગાયત્રીની પુણ્ય ભાવનાના પ્રવેશથી પાપનો નાશ થાય છે. પ્રકાશના આગમનની સાથે જ અંધકારનો નાશ થઈ જાય છે. પુણ્ય સંકલ્પોના ઉદયની સાથે સાથે પાપોનો સંહાર થઈ જાય છે. બળબુદ્ધિની વૃદ્ધિ સાથે નિર્બળતા દૂર થવા માંડે છે. બ્રહ્મસંધ્યાની બ્રાહ્મી ભાવનાઓ આપણા પાપોનું નિવારણ કરતી જાય છે.
અઘમર્ષણને માટે જમણા હાથની હથેળી પર પાણી લઈને એને જમણા નસકોરા પાસે લઈ જવું જોઈએ. (‘પાસે’નો અર્થ છે છ આંગળ દૂર), ડાબા હાથના અંગૂઠાથી ડાબા નાકને બંધ કરવું અને જમણા નાકે ધીરે ધીરે શ્વાસ લેવાનો આરંભ કરવો. શ્વાસ લેતી વખતે એવી ભાવના કરવી કે, “ગાયત્રી માતાનું પુણ્ય પ્રતીક જળ પોતાની દિવ્યશક્તિઓ સહિત મારાં પાપોનો સંહાર કરવાને માટે શ્વાસની સાથે મારામાં પ્રવેશ કરી રહ્યું છે અને અંદરના પાપોનો, મળોનો વિકારોનો સંહાર કરી રહ્યું છે.
જ્યારે પૂરો શ્વાસ લેવાઈ રહે ત્યારે ડાબું નાક ઉઘાડી દેવું અને જમણું નસકોરું અંગૂઠાથી બંધ કરી દેવું અને શ્વાસ બહાર કાઢવાનો આરંભ કરવો. જમણી હથેળીમાં રાખેલું પાણી હવે ડાબા નસકોરાની સામે ધરવું અને ભાવના કરવી કે, “નષ્ટ થયેલાં પાપોની લાશોનો સમૂહ શ્વાસની સાથે બહાર નીકળીને આ જળમાં જઈ રહ્યો છે’ હવે શ્વાસ પૂરો બહાર નીકળી જાય ત્યારે એ જળને જોયા વિના જ ધૃણાપૂર્વક ડાબી બાજુએ ફેંકી દેવું.
અઘમર્ષણની ક્રિયામાં જળને હથેળીમાં લેતી વખતે “ૐ ભૂર્ભુવઃ સ્વઃ” અને જમણા નસકોરાથી શ્વાસ ખેંચતી વખતે “તત્સવિતુર્વરેણ્યં એટલાં મંત્રભાગો જપવા જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ પાણીમાં બહાર કાઢતી વખતે “ભર્ગો દેવસ્ય ધીમહિ” અને ડાબી બાજુએ એ જળ નાખી દેતી વખતે ‘ધિયો યો નઃ પ્રચોદયાત્’ એ મંત્રોનાં ઉચ્ચારણ કરવા જોઈએ.
આ ક્રિયા ત્રણ વાર કરવી, જેથી કાયાના અને મનનાં ત્રિવિધ પાપોનો સંહાર થઈ જાય.
(૫) ન્યાસ : શક્તિ ધારણ કરવાની ક્રિયાને ન્યાસ’ કહેવામાં આવે છે. અંગપ્રયાંગોમાં ગાયત્રીની સત્ત્વગુણી શક્તિને ધારણ કરવી, સ્થાપિત કરવી અને ઓતપ્રોત કરવી એને ન્યાસ કહેવામાં આવે છે. ગાયત્રીના પ્રત્યેક શબ્દનો આપણા શરીરનાં મહત્ત્વપૂર્ણ મર્મસ્થળો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જેવી રીતે સિતારના અમુક પ્રકારના અમુક આઘાતની સાથે આંગળીનો આઘાત લગાડવાથી અમુક પ્રકારના અમુક ધ્વનિના સ્વરો નીકળે છે તેવી જ રીતે શરીર-વીણાને સંધ્યા કરતી વખતે આંગળીઓની મદદથી દિવ્ય ભાવો ઝંકૃત કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, સ્વભાવતઃ અપવિત્ર રહેનારા આ શરીરથી દૈવી સાંનિધ્ય યોગ્ય પ્રમાણમાં મળતું નથી. તેથી એનાં પ્રમુખસ્થાનોમાં દૈવી પવિત્રતા સ્થાપિત કરીને એટલાં પ્રમાણમાં દૈવી તત્ત્વોને સ્થાપિત કરવામાં આવે છે, જેથી મનુષ્ય દેવી સાધનાનો અધિકારી બને છે.
ન્યાસને માટે કઈ વખતે કઈ આંગળીને કામમાં લેવી તે બાબતમાં જુદી જુદી ઉપાસના વિધિઓમાં જુદાં જુદાં વિધાન છે. ગાયત્રીની બ્રહ્મસંધ્યામાં અંગૂઠો અને અનામિકા આંગળીનો ઉપયોગ યોગ્ય ગણવામાં આવ્યો છે. અંગૂઠો અને અનામિકા ભેગી કરીને વિભિન્ન અંગોનો સ્પર્શ એવી ભાવનાથી કરવો કે, મારાં આ અંગો ગાયત્રી શક્તિથી પવિત્ર તથા બળવાન થઈ રહ્યાં છે. અંગસ્પર્શ કરતી વખતે નીચે જણાવ્યા પ્રમાણે મંત્રોચ્ચાર કરવા
ૐ ભૂર્ભુવઃ સ્વઃ (માથે) તત્સવિતુ: (નેત્રોને) વરેણ્યં (કાનને) ભર્ગો (મુખને) દેવસ્ય (કંઠને) ધીમહિ (હ્રદયને) ધિયો યોનઃ (નાભિને) પ્રચોદયાત્ (હાથપગને).
આ સાત અંગો, શરીરરૂપી બ્રહ્માંડના સાત લોક છે અથવા એમ કહો કે, આત્મારૂપી સવિતાના રથના સાત અશ્વો છે, શરીર સપ્તાહના સાત દિવસો છે. આમ સાધારણ રીતે તો દસ ઈન્દ્રિયો માનવામાં આવે છે, પણ ગાયત્રી યોગમાં સાત ઇન્દ્રિયો માનવામાં આવી છે
૧. મૂર્ધા (મસ્તક મન), ૨. નેત્ર, ૩. કર્ણ, ૪. વાણી અને રસના, ૫. હૃદય, અંતઃકરણ, ૬. નાભિ, જનનેન્દ્રિય, ૭. શ્રવણ (હાથ-પગ) આ સાતેમાં અપવિત્રતા ન રહે, એમના દ્વારા કુમાર્ગ અપનાવવામાં ન આવે, અવિવેકપૂર્ણ આચરણ ન થાય, એ પ્રતિરોધને માટે ન્યાસ કરવામાં આવે છે. આ સાત અંગોમાં ભગવતીની સાત શક્તિઓ નિવાસ કરે છે. તેમને ઉપરોક્ત સાત ન્યાસથી જાગૃત કરવામાં આવે છે. જાગૃત થયેલી માતૃકાઓ પોત- પોતાના સ્થાનથી રક્ષા કરે છે અને અનિષ્ટ તત્ત્વોનો સંહાર કરે છે. આમ સાધકનો અંતઃ બ્રાહ્મીશક્તિ સુદઢ કિલ્લો બની જાય છે.
આ પંચકોષોનો વિનિયોગ કર્યા બાદ આચમન, શિખાબંધન, પ્રાણાયામ, અઘમર્ષણ, ન્યાસથી નિવૃત્ત થયા પછી ગાયત્રીનું ધ્યાન અને જપ કરવા. સંધ્યા તથા જપમાં મંત્રોચ્ચાર એવી રીતે કરવા જોઈએ કે હોઠ હાલતા રહે, શબ્દોચ્ચાર થતો રહે પણ પાસે બેઠેલા માણસને તે સંભળાય નહીં.
જપ કરતાં કરતાં વેદમાતા ગાયત્રીનું ધ્યાન એવી રીતે કરવું જોઈએ કે જાણે તે આપણા હૃદય સિંહાસન પર બેઠી બેઠી પોતાનાં શક્તિ કિરણોને ચારેબાજુ ફેલાવી રહી છે અને તે કિરણોથી આપણું અંતઃકરણ પ્રકાશિત થઈ રહ્યું છે. તે વખતે આંખો અડધી ખુલ્લી અથવા બંધ રાખવી. આપણા હ્રદયરૂપી આકાશમાં બાહ્ય આકાશના જેવો જ એક વિશાળ શૂન્યલોક ફેલાયેલો છે એવી ભાવના કરવી અને એમાં સૂર્યના જેવી જ જ્ઞાનથી તેજસ્વી જ્યોતિની કલ્પના પણ કરતા રહેવું. આ જ્યોતિ અને પ્રકાશ ગાયત્રી માતાની જ્ઞાન શક્તિનો જ છે એ વાતનો અનુભવ સાધકને થોડા જ વખતની સાધના પછી સ્પષ્ટ રીતે થવા લાગશે. આ પ્રકારની સાધનાના સફેદ રંગની જ્યોતિમાં જુદા જુદા રંગોનાં દર્શન થાય છે. આ રીતે તે ધીમે ધીમે આત્મોન્નતિ પ્રાપ્ત કરતો કરતો ચોક્કસ રીતે અધ્યાત્મ માર્ગના ઉચ્ચ સોપાન પર પહોંચી જશે.
પ્રતિભાવો