૪૦. ગાયત્રી દ્વારા વામમાર્ગી તાંત્રિક સાધનાઓ , ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી દ્વારા વામમાર્ગી તાંત્રિક સાધનાઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
આ પુસ્તકમાં શરૂઆતનાં પાનાઓ પર ગાયત્રીની ઉત્પત્તિની ચર્ચા કરતાં બતાવવામાં આવ્યું છે કે, બ્રહ્મમાંથી શક્તિની ઉત્પત્તિ થઈ છે અને એ શક્તિ બે ભાગમાં વહેંચાયેલી છે. એક સંકલ્પમયી ગાયત્રી અને બીજી પરમાણુમયી સાવિત્રી. સંકલ્પમયી ગાયત્રીનો ઉપયોગ આત્મિક શક્તિઓ વધારવામાં અને દૈવી સહાયતા મેળવવામાં થાય છે. આધ્યાત્મિક અનેક વિશેષતાઓ વધવાથી સાધકને સાંસારિક મુશ્કેલીઓ પાર કરવાનું, ઓછાં સાધનોમાં સુખી રહેવાનું અને સુખકર સ્થિતિ પ્રાપ્ત કરવાનું સહેલું થઈ શકે છે. અત્યાર સુધીમાં આ વિધિવિધાનની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. આ યોગવિજ્ઞાન છે અને આને દક્ષિણમાર્ગ પણ કહેવામાં આવે છે. એ સત્ તત્ત્વ ધન હોવાથી હાનિરહિત અને વ્યક્તિ તથા સમાજને માટે સર્વ પ્રકારે હિતકર છે.
શક્તિની બીજી શ્રેણી પરમાણુંમયી સાવિત્રી છે. એ સ્થૂલ પ્રકૃતિ, પંચભૂત, ભૌતિક સૃષ્ટિ એ નામોથી ઓળખાય છે. આ પ્રકૃતિના આકર્ષણ-વિકર્ષણથી જગતમાં અનેક પ્રકારના પદાર્થોની ઉત્પત્તિ, વૃદ્ધિ અને સમાપ્તિ થતી રહે છે. એ પરમાણુઓની સ્વાભાવિક સાધારણ ક્રિયામાં હેરફેર કરીને પોતાને માટે અધિક ઉપયોગી ક્રિયાનું નામ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનના વિભાગો બે છે એક એ કે જે યંત્રો દ્વારા પ્રકૃતિના પરમાણુઓને પોતાને માટે ઉપયોગી બનાવે છે. રેલવે, તાર, ટેલિફોન, રેડિયો, હવાઈજહાજ, ટેલિવિઝન, વિદ્યુતશક્તિ આદિ વૈજ્ઞાનિક યંત્રોથી ઉત્પન્ન થયાં છે અને થઈ રહ્યાં છે એ યંત્રવિજ્ઞાન છે. બીજું તંત્રવિજ્ઞાન જેમાં યંત્રોના સ્થાને માનવીના અંતરાળમાં રહેનારી વિદ્યુત શક્તિને કંઈક એવી વિશેષતા પૂર્ણ બનાવે છે, જેથી પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુઓ મનુષ્ય ધારે એવી સ્થિતિમાં પરિણીત થઈ જાય છે. પદાર્થોની રચના, પરિવર્તન અને વિનાશનું બહુ જ મોટું કામ કોઈ યંત્રની મદદ વિના જ તંત્ર વિદ્યાથી થઈ શકે છે. વિજ્ઞાનના તંત્ર ભાગને સાવિત્રી વિદ્યા, તંત્ર સાધના, વામ માર્ગ આદિ નામોથી ઓળખવામાં આવે છે.
તંત્રવિદ્યાની એક સ્વતંત્ર વિદ્યા છે. આ પુસ્તકમાં એના આધાર અને કાર્યની ચર્ચા કરી શકાય એમ નથી. અહીં તો વાંચકોને તેનો થોડો પરિચય આપવામાં આવે છે. પ્રાચીનકાળમાં ભારતના અનેક વિજ્ઞાનાચાર્યો અનેક પ્રકારના પ્રયોજનને માટે એવું અવલંબન કરતા હતા. પ્રાચીન ઇતિહાસમાં એવા અનેક પુરાવાઓ મળી આવે છે જે ઉપરથી સાબિત થાય છે કે, એ જમાનામાં યંત્રો વગેરેથી પણ એવા અદ્ભુત કાર્યો થતાં હતાં કે જેવાં આજે થવાનો સંભવ નથી. યુદ્ધોમાં આજે અનેક પ્રકારનાં બહુમૂલ્ય શસ્ત્રઅસ્ત્રોનો પ્રયોગ થાય છે. પણ પ્રાચીનકાળના જેવા વરુણાસ્ત્ર જે જળની ભારે વર્ષા કરી દે, આગ્નેયાત્મ-જે ભયંકર અગ્નિજવાળાઓનો દાવાનળ પ્રગટ કરે, સંમોહનાસ્ત્ર-જે લોકોને ભાન વગરના બનાવી દે, નાગપાશ-જે લકવાની માફક સજ્જડ રીતે જકડી લે એ બધું આજે ક્યાં છે ? એવી જ રીતે એંજિન, વરાળ, પેટ્રોલ વગેરેના ઉપયોગ સિવાય આકાશમાં, ભૂમિ પર અને જળમાં ચાલતા રથો આજે ક્યાં છે ? મારીચની જેમ મનુષ્યમાંથી પશુ બની જવું, સુરસાની માફક પોતાનું શરીર બહુ જ મોટા કદનું બનાવી દેવું, હનુમાનની માફક મચ્છરના જેવું અતિ નાનું રૂપ ધારણ કરવું, સમુદ્ર ઉલ્લંઘવો, પર્વત ઉઠાવવો, નળ-નીલની જેમ પાણી પર તરતા પથ્થરનો પુલ બનાવવો. રાવણ-અહિ રાવણની જેમ રેડિયો વગર જ અમેરિકા અને લંકાની વચ્ચે વાર્તાલાપ કરવો, અદૃશ્ય થઈ જવું આદિ અનેક અદ્ભુત કાર્યો થતાં જે આજે યંત્રોથી પણ થઈ શકતાં નથી. પણ એવા કાર્યો તે વખતમાં કેવળ આત્મશક્તિનો તાંત્રિક ઉપયોગ કરવાથી થઈ શકતાં હતાં. આ બાબતમાં ભારતે ઘણી જ પ્રગતિ કરી હતી. આ દેશ જગદ્ગુરુ કહેવાતો હતો અને જગત પર ચક્રવર્તી શાસન કરતો હતો.
નાગાર્જુન, ગોરખનાથ, મરચ્છન્દ્રનાથ આદિ સિદ્ધ પુરુષો પછી ભારતમાં વિદ્યાનો લોપ થતો ગયો અને આજે તો આ ક્ષેત્રમાં અધિકાર ધરાવનારી વ્યક્તિઓ શોધતાં જડવી મુશ્કેલ છે. આ તંત્ર મહાવિજ્ઞાનની કેટલીક લંગડી-લૂલી, શાખા-પ્રશાખાઓ આમતેમ મળે છે અને તેના ચમત્કારો બતાવનારા પણ ક્વચિત્ મળી આવે છે. એમાંની એક શાખા છે – “બીજાના શરીર પર સારો કે બૂરો પ્રભાવ નાખવો.” જે આ કરી શકે છે તે અભિચાર કરે તો સ્વસ્થ આદમીને રોગી બનાવી શકે છે, કોઈ ભયંકર પ્રાણઘાતક પીડા, વેદના યા બીમારીને અટકાવી શકે છે. એના પર પ્રાણઘાતક સૂક્ષ્મ પ્રહાર કરી શકે છે. કોઈની બુદ્ધિમાં ફેરફાર કરી શકે છે. એને પાગલ, ઉન્મત્ત, વિક્ષિપ્ત, મંદબુદ્ધિ યા ઊંધું વિચારનારો કરી શકે છે. ભ્રમ, શંકા, સંદેહ અને બેચેનીના ઊંડા કાદવમાં ફસાવીને એની માનસિક સ્થિતિને અસ્તવ્યસ્ત કરી શકે છે. એ જ પ્રકારે કોઈ અપ્રત્યક્ષ ચેતના શક્તિ દ્વારા કોઈ વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડયો હોય તો તે દૂર કરી શકે છે. નજર લાગવી, ઉન્માદ, ભૂતોન્માદ, ગ્રહોની પીડા, ખરાબ દિવસો, કોઈ તરફથી થયેલો વ્યભિચાર, માનસિક ઉદ્વેગ આદિને શાંત કરવામાં આવે છે. શારીરિક રોગોનું નિવારણ, સર્પ-વીંછીનું ઝેર ઉતારવું વગેરે કામો આ તંત્ર મારફત થઈ શકે છે. નાનાં બાળકો પર આ વિદ્યાનો સહેલાઈથી પ્રભાવ પાડી શકાય છે.
તંત્ર સાધના દ્વારા સૂક્ષ્મ જગતમાં વિચરણ કરનારી અનેક ચેતના ગ્રંથિઓમાંથી કોઈ વિશેષ પ્રકારની ગ્રંથિને પોતાને માટે જાગૃત, ચેતન, ક્રિયાશીલ અને અનુચરી બનાવી શકાય છે. જોવામાં આવ્યું છે કે કેટલાક તાંત્રિકોને સ્મશાન, પિશાચ, ગૌરવ, છાયાપુરુષ, બ્રહ્મરાક્ષસ, વૈતાળ, કર્ણપિશાચ, ત્રિપુરા સુંદરી, કાલરાત્રિ, દુર્ગા આદિની સિદ્ધિ થાય છે જેવી કે કોઈ સેવક પ્રત્યક્ષ શરીરે કોઈને ત્યાં નોકર રહે છે અને તેની આજ્ઞાનુસાર કામ કરે છે. તેવી જ રીતે આ શક્તિઓ અપ્રત્યક્ષ શરીરે તે તંત્રસિદ્ધ પુરુષને વશ રહીને સદા એની સમક્ષ હાજર રહે છે અને જે હુકમ કરવામાં આવે તેનું પોતાના સામર્થ્યનુસાર પાલન કરે છે. આ રીતે કોઈ કોઈ વાર તો એવા અદ્ભુત કામો થાય છે, જે જોઈને આપણે દંગ થઈ જઈએ છીએ.
‘ એમ બને છે કે અદૃશ્ય લોકમાં કેટલીક “ચેતના-ગ્રંથિઓ” સદા વિચરણ કરતી રહે છે. તાંત્રિક સાધના વિધાનો દ્વારા પોતાને યોગ્ય ગ્રંથિઓને પકડીને તેમાં પ્રાણ પૂરવામાં આવે છે. જ્યારે તે પ્રાણવાન થઈ જાય છે, ત્યારે એનું સીધું આક્રમણ સાધક પર થાય છે. જો સાધક પોતાની આત્મિક બલિષ્ઠતાથી એ આક્રમણને સહન કરી લે, એનાથી પરાજય ન પામે, તો હારીને તે ગ્રંથિઓ એને વશવર્તી થઈ જાય છે. ચોવીસ કલાક સાથીની માફક આજ્ઞાકારી સેવકની જેમ કામ કરે છે. આવી સાધનામાં ભારે જોખમ હોય છે, નિર્જન સ્મશાન આદિ ભયંકર જગ્યામાં આવી રોમાંચકારી વિધિ વ્યવસ્થાનો પ્રયોગ કરવો પડે છે, જેથી સાધારણ મનુષ્યનું કલેજું કંપી ઊઠે છે. એ સમયમાં ઘોર અનુભવો થાય છે. ડરી જવું, બીમાર પડી જવું, પાગલ થઈ જવું કે મૃત્યુના મુખમાં પડી જવાની આશંકા રહે છે. એવી સાધના દરેક માણસ કરી શકતો નથી. કોઈ કરે તો સિદ્ધિ જાય છે. પરંતુ એ શક્તિઓને સાચવી રાખવાની શરતો બહુ જ કપરી હોય છે અને તેનું પાલન થઈ શકતું નથી. એ કારણથી કોઈ વિરલાઓ જ આ માર્ગે ચાલવાનું સાહસ કરે છે. જે સાહસ કરે છે, તેમાંથી કોઈક જ સફળ થાય છે અને જે સફળ થાય છે તેમાંથી કોઈ વિરલાઓ જ છેવટ સુધી એનો યોગ્ય લાભ લઈ શકે છે.
અહીં તંત્રસાધનાની કોઈ વિધિઓ બતાવવાનો અમારો ઇરાદો નથી, કેમ કે એ ગુપ્ત રહસ્યોને જનસાધારણ આગળ પ્રકાશિત કરી દેવાનું પરિણામ બાળકોના ક્રીડાંગણમાં દારૂ વિખેરવા જેવું થાય. આથી તો બિચારાઓ ત્યાં ક્રીડા કરીને આનંદ મેળવવાને બદલે તેના જ ભોગ બની જાય. આમાં તો અધિકાર અને અધિકારીના આધાર પર એકબીજાને શીખવવાની જ પરંપરા રહી છે. અમને પોતાને આ માર્ગની પ્રાણઘાતક મુશ્કેલીઓનો કડવો અનુભવ છે. તો પછી કોઈ ભોળા વાચકોને માટે કંઈ જોખમ ઉપસ્થિત કરવાને માટે એ શિક્ષણ વિધિને લખી બેસવાની ભૂલ અમારે શા માટે કરવી જોઈએ ? અહીં તો અમારો ઇરાદો કેવળ એ બતાવવાનો જ છે કે પ્રકૃતિની પરમાણુમયી સાવિત્રીશક્તિ પર પણ આત્મિક વિદ્યુતશક્તિ દ્વારા અધિકાર પ્રાપ્ત કરી શકાય છે અને હવે પછી પણ કરી શકાય એમ છે. એ ઠીક છે કે આજ એવી વ્યક્તિઓ નજરે પડતી નથી, જે પ્રત્યક્ષરૂપે પ્રમાણ આપી શકે. કયા પ્રકારે અમુક યંત્રનું કામ, અંદરની વીજળીથી અમુક પ્રકારે થઈ શકે છે એ વિદ્યા છેલ્લાં બે હજાર વર્ષોથી ધીરે ધીરે લુપ્ત થતી આવી છે અને આજે તો એ વિદ્યાના જાણકાર શોધ્યા મળતા નથી. આમ તો અનેક વૈજ્ઞાનિક યંત્રોની શોધને લીધે આજે એની આવશ્યકતા રહી નથી, છતાં પણ એ મહાવિદ્યાનો પ્રકાશ તો ચાલુ રહેવો જ જોઈએ. આજના તાંત્રિકોનું એ કર્તવ્ય છે કે, લુપ્તપ્રાય સાવિત્રી વિદ્યાને અથાગ પ્રયત્ન દ્વારા પુનર્જીવિત કરીને ભારતીય વિજ્ઞાનની મહત્તા જગતમાં પ્રતિષ્ઠિત કરે. આજના તાંત્રિકોએ પૂર્વકાળ જેવી આત્મશક્તિનો અધિકાર મેળવતાં સુધી ઝંપીને બેસવું ન જોઈએ.
વર્તમાનકાળમાં તંત્રનો જેટલો અંશ પ્રચલિત, જ્ઞાત અને ક્રિયાન્વિત છે, તેની ચર્ચા ઉપર આપવામાં આવી છે. મનુષ્યો પર સારો કે નરસો પ્રભાવ પડવો એ આજના તંત્રવિજ્ઞાનની મર્યાદા છે. વસ્તુઓનું રૂપાંતર, પરિવર્તન, પ્રકટીકરણ, લોપ અને વિશેષ જાતિના પરમાણુઓનું એકીકરણ કરીને એના શક્તિશાળી પ્રયોગનો ભાગ આજે લુપ્ત થઈ ગયો છે. ચૈતન્ય ગ્રંથિઓનું જાગરણ અને એને વશવતી બનાવીને આજ્ઞાપાલન કરાવનાર વિક્રમાદિત્ય જેવા સાધકો આજે કોઈ નથી, પણ કેટલાક અંશે આ વિદ્યાનું અસ્તિત્વ અવશ્ય મોજૂદ છે.
પરંતુ સાથે સાથે જ આ બાબતમાં અમે એક વાત એ પણ સ્પષ્ટ કહી દેવા માંગીએ છીએ કે આ જમાનામાં તંત્રને નામે સર્વસાધારણને ઉત્તેજિત કરનારા અને ઠગવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. આવા લોકો ધનની લાલચથી અથવા અંદરોઅંદર રાગદ્વેષને કારણે અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરે છે. એમના પ્રયત્નો કેટલા સફળ થાય છે અને એમના વચનોમાં કેટલું સત્ય હોય છે એ વાત જુદી છે. પરંતુ એ તો ખરું જ કે એવા લોકોના કાર્યને પરિણામે આ તંત્રવિદ્યાની બદનામી થાય છે અને આ વિદ્યાને લોકો સારા માણસોને માટે અનુપયોગી માનવા લાગે છે. આ સ્થિતિ તદ્દન ઇચ્છવા યોગ્ય ન ગણાય. જે લોકો આવું કુકૃત્ય કરે છે તેઓ ખરેખર દંડને યોગ્ય છે.
તંત્રશાસ્ત્રમાં અનેક મંત્રો છે પરંતુ એ બધા મંત્રોનું કાર્ય ગાયત્રીથી પણ થઈ શકે છે. ગાયત્રીની સંકલ્પ શક્તિની સાધના આ પુસ્તકમાં લખવામાં આવી છે, કારણ કે તે સર્વહિતકારી, સર્વસુલભ અને સર્વમંગલમય છે. પરમાણુંમયી તંત્રપ્રધાન, વામમાર્ગી સાવિત્રી વિદ્યાનો વિષય ગોપનીય-ગુપ્ત રાખવા જેવો છે. એ સંબંધની ગુપ્ત વાતો પર વધારે પ્રકાશ પાડવો અને તે વિષેની સાધનાઓ પ્રકાશમાં લાવવી સાધારણ લોકોના હિતમાં ન હોવાથી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે.
પ્રતિભાવો