૧૯. યજ્ઞોપવીત-ગાયત્રીની મૂર્તિમાન પ્રતિમા, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
યજ્ઞોપવીત-ગાયત્રીની મૂર્તિમાન પ્રતિમા, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
યજ્ઞોપવીતને “બ્રહ્મસૂત્ર’ પણ કહે છે. સૂત્ર દોરાને પણ કહેવામાં આવે છે અને જેનો અર્થ ઘણો જ વિસ્તૃત થાય છે એવી સંક્ષિપ્ત વાક્ય રચનાને પણ “સૂત્ર’ કહે છે. વ્યાકરણ, દર્શન, ધર્મ, કર્મકાંડ આદિના અનેક ગ્રંથો એવા છે, જેમાં તેમના ગ્રંથકર્તાઓએ પોતાના મંતવ્યોને બહુ જ સંક્ષિપ્ત વાક્યોમાં સમાવ્યાં છે. એ સૂત્રો પર લાંબી લાંબી વૃત્તિઓ નોંધ તથા ટીકાઓ થઈ છે. એ બધા દ્વારા એ સૂત્રોમાં છુપાયેલા અર્થોનું સ્પષ્ટીકરણ થાય છે. “બ્રહ્મસૂત્ર’માં જોકે અક્ષરો નથી તો પણ સંકેતોથી તેમાં ઘણું ઘણું બતાવવામાં આવ્યું છે. મૂર્તિઓ, ચિત્રો, ચિહ્નો વગેરેને આધારે અત્યંત મહત્ત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો કે એ બધામાં અક્ષરો હોતા નથી તો પણ તે ઘણું ઘણું પ્રગટ કરવા સમર્થ છે. ઇશારો કરવાથી એક માણસ પોતાના મનોભાવ બીજા આગળ રજૂ કરી શકે છે, ભલે એ ઇશારામાં કોઈ શબ્દો યા લિપિનો પ્રયોગ કરવામાં આવતો ન હોય. યજ્ઞોપવીતનાં બ્રહ્મસૂત્રો જોકે વાણી અને લિપિથી રહિત છે તો પણ એમાં અનેક વિશદ આશયો અને આદર્શો ભરેલા છે.
ગાયત્રીને ગુરુમંત્ર કહેવામાં આવે છે. યજ્ઞોપવીત ધારણ કરતી વખતે જ વેદારંભ કરાવવામાં આવે છે તે ગાયત્રીથી કરાવવામાં આવે છે. પ્રત્યેક દ્વિજે ગાયત્રી જાણવી અનિવાર્ય છે. તેવી જ રીતે ઉપવીત ધારણ કરવું એ પણ અનિવાર્ય છે. આ ગાયત્રી યજ્ઞોપવીતનું જોડું લક્ષ્મીનારાયણ, સીયારામ, રાધેશ્યામ, પ્રકૃતિબ્રહ્મ, ગૌરીશંકર અને નરમાદાના જોડા જેવું છે. જેમ સ્ત્રી પુરુષની સંમિલિત અવસ્થાનું નામ જ ગૃહસ્થી છે તે જ રીતે ગાયત્રી ઉપવીતનું મિલન દ્વિજત્વ છે. ઉપવીત સૂત્ર છે તો ગાયત્રી એની વ્યાખ્યા છે. એ બંનેનો આત્મા એક સાથે જોડાયેલો છે.
યજ્ઞોપવીતમાં ત્રણ તાર છે, ગાયત્રીમાં ત્રણ ચરણ છે. ‘તત્સવિતુર્વરેણ્યમ્ પ્રથમ ચરણ, ‘ભર્ગો દેવસ્ય ધીમહિ બીજું ચરણ અને “ધિયો યોનઃ પ્રચોદયાત્ ત્રીજું ચરણ છે. ત્રણ તારનું શું તાત્પર્ય છે, એમાં શો આશય સમાયેલો છે એ વાત સમજવી હોય તો ગાયત્રીનાં આ ત્રણ ચરણોને સારી રીતે જાણી લેવા જોઈએ.
ગાયત્રી મહામંત્રની પ્રતિમાન યજ્ઞોપવિત જેમાં ૯ શબ્દ, ત્રણ ચરણ, ૐ સહિત ત્રણ વ્યાર્ધતિઓનો સમાવેશ થયો છે.
ઉપવીતમાં ત્રણ પ્રથમ ગ્રંથિઓ અને એક બ્રહ્મગ્રંથિ હોય છે. ગાયત્રીમાં ત્રણ વ્યાહ્તિઓ (ભૂ: ભુવ: સ્વ:) અને એક પ્રણવ (ૐ) છે. ગાયત્રીના આરંભમાં ઓમકાર અને (ભૂઃ ભુવઃ સ્વઃ) નું જે તાત્પર્ય છે તેનો જ યજ્ઞોપવીતની ત્રણ ગ્રંથિઓ સંકેત કરે છે. આ ચાર ગાંઠો મનુષ્ય જાતિને શા શા બોધ આપે છે તે એ સંકેતોને સમજનાર સમજી શકે છે.
આ મહાવિજ્ઞાનને સરળતાપૂર્વક હૃદયંગમ કરવાને માટે અમે એને ચાર ભાગોમાં વિભક્ત કરીએ છીએ (૧) પ્રણવ તથા ત્રણે વ્યાહ્યુતિઓ અર્થાત્ યજ્ઞોપવીતની ચાર ગ્રંથિઓ, (૨) ગાયત્રીનું પ્રથમ ચરણ અર્થાત્ યજ્ઞોપવીતનો પ્રથમ તાર, (૩) બીજું ચરણ અર્થાત્ બીજો તાર, (૪) ત્રીજું ચરણ અર્થાત્ ત્રીજો તાર. હવે આપણે એના પર વિગતવાર વિચાર કરીએ.
(૧) પ્રણવનો (ઓમનો) સંદેશ આ છે “પરમાત્મા સર્વત્ર સમસ્ત પ્રાણીઓમાં સમાયેલા છે. તેથી લોકસેવાને માટે નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ તથા આપણા મનને સ્થિર તથા શાંત રાખવું જોઈએ.”
(૨) ભૂ: નું તત્ત્વજ્ઞાન એવું છે કે “શરીર અસ્થાયી ઓજાર સમાન છે. તેથી એના પર વધારે પડતી આસક્તિ ન રાખતાં આત્મબળ વધારવાનો, શ્રેષ્ઠ માર્ગનો, સત્કર્મોનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ.’
(૩) ભુવઃ નું તાત્પર્ય છે ‘પાપોની વિરુદ્ધ રહેનારો મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરે છે. જે પવિત્ર આદર્શો અને સાધનોને અપનાવે છે તે જ બુદ્ધિમાન છે.”
(૪) સ્વઃ નો પ્રતિધ્વનિ આવો છે “વિવેક દ્વારા શુદ્ધ બુદ્ધિથી સત્યને જાણવા તેમજ સંયમ અને ત્યાગની નીતિનું આચરણ કરવા માટે પોતાને તથા બીજાઓને પ્રેરણા આપવી જોઈએ.
યજ્ઞોપવીત ધારીની નીતિ આમ ચતુર્મુખી હોય છે. એ સર્વનો સારાંશ એ કે, યોગ્ય માર્ગે પોતાની શક્તિઓને વધારે અને અંતઃકરણને ઉદાર રાખીને પોતાની શક્તિનો મોટો ભાગ લોક હિતમાં વાપરે. આવી કલ્યાણકારી નીતિથી ચાલનારો માણસ વ્યષ્ટિના રૂપમાં અને સમષ્ટિના રૂપમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે. યજ્ઞોપવીત ગાયત્રીની મૂર્તિમાન પ્રતિમા છે. એનો જે સંદેશ મનુષ્ય જાતિને માટે છે, એના વગર બીજો કોઈ માર્ગ એવો નથી જેનાથી વૈયક્તિક અને સામાજિક સુખશાંતિ સ્થિર રહી શકે.
સ્વર્ગ એક કલ્પવૃક્ષ છે, જેની નીચે બેસીને જે વસ્તુની કામના કરવામાં આવે તે તરત જ સામે ઉપસ્થિત થઈ જાય છે. જે કોઈ ઇચ્છા કરવામાં આવે તે તરત પૂર્ણ થઈ જાય છે. તે કલ્પવૃક્ષ જેની પાસે હોય તે કેટલો સુખી અને સંતુષ્ટ હશે એની કલ્પના સહેજે કરી શકાય છે.
પૃથ્વી પર એવું કલ્પવૃક્ષ છે, જેમાં દેવલોકના કલ્પવૃક્ષના જેવી જ સંભાવનાઓ છુપાયેલી છે. એનું નામ છે ગાયત્રી. ગાયત્રી મંત્રને સ્થુળ નજરે જોવામાં આવે તો તે ૨૪ અક્ષરો અને નવ પદોની એક શબ્દ શૃંખલા માત્ર છે. પરંતુ ગંભીરતાપૂર્વક એનું અવલોકન કરવામાં આવે તો એના પ્રત્યેક પદ અને અક્ષરમાં એવા તત્ત્વોનું રહસ્ય છુપાયેલું માલૂમ પડશે કે, જેનાથી કલ્પવૃક્ષની જેમ આપણી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
આ પ્રકરણમાં “ગાયત્રી-કલ્પવૃક્ષ’નું ચિત્ર આપવામાં આવ્યું છે. એમાં બતાવ્યું છે કે, “ઓમ” ઈશ્વર તરફની આસ્તિકતા જ ભારતીય ધર્મનું મૂળ છે એમાંથી આગળ જતાં એના ત્રણ ભાગ થાય છે ભૂઃ ભુવઃ સ્વઃ-ભૂe નો અર્થ છે. આત્મ, ભુવઃ નો અર્થ છે-કર્મયોગ. સ્વઃ નું તાત્પર્ય છે સ્થિરતા-સમાધિ. આ ત્રણ શાખાઓમાંથી ત્રણ ત્રણ ડાળીઓ નીકળે છે. એ દરેકનું વિશેષ તાત્પર્ય છે. તત્ જીવન વિજ્ઞાન. સવિતુ: શક્તિ સંચય. વરેણ્યં શ્રેષ્ઠતા. ભર્ગો-નિર્મળતા. દેવસ્ય-દિવ્ય દૃષ્ટિ. ધીમહિ-સદ્ગુણ, ધિયો-વિવેક, યોનઃ-સંયમ. પ્રચોદયાત્-સેવા. ગાયત્રી આપણી.
આ જ પ્રકારે અવિકસિત વ્યક્તિ જનોઈની નિત્ય સફાઈનું મનોભૂમિમાં આ બધાં જ બીજ વાવે છે. પરિણામે જે વૃક્ષ ઊગે છે, તે કલ્પવૃક્ષ કરતાં જરા પણ કમ હોતું નથી.
એવો ઉલ્લેખ મળે છે કે, કલ્પવૃક્ષનાં બધાં પાંદડાં રત્નજડિત છે. તે રત્નો જેવાં સુશોભિત અને બહુમૂલ્ય હોય છે. ગાયત્ર વૃક્ષમાં ઉપર જણાવેલાં નવ પાંદડાં, નિઃસંદેહ રત્નો જેવાં મહામૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ છે. પ્રત્યેક પાંદડું-પ્રત્યેક ગુણ રત્ન કરતાં જરા પણ ઊતરે એમ નથી. ઝવેરાતોમાં “નવલખો હાર’ પુષ્કળ કીમતી છે. નવલાખ રૂપિયાથી તૈયાર કરાયેલો “નવલખો હાર પહેરનારો પોતાને બહુ જ ભાગ્યવાન માને છે. જો ગંભીર અને તાત્ત્વિક અને દીર્ધદષ્ટિથી જોવામાં આવે તો યજ્ઞોપવીત પણ નવરત્ન જડિત હારથી કોઈ પણ પ્રકારે ઓછા મહત્ત્વનું નથી.
ગાયત્રી-ગીતાના આધારે યજ્ઞોપવીતના જે નવ તારોને ધારણ કરવાનો આદેશ આપવામાં આવે છે, તે એટલાં મહત્ત્વપૂર્ણ છે કે, તેનું મૂલ્ય નવરત્નો કરતાં પણ વધી જાય છે.
૧. જીવન વિજ્ઞાનનું જ્ઞાન થવાથી મનુષ્યને જન્મમરણનું રહસ્ય સમજાઈ જાય છે. એને મૃત્યુનો ડર લાગતો નથી. તે સદા નિર્ભય રહે છે. એને શરીરનો તથા સાંસારિક વસ્તુઓનો મોહ રહેતો નથી. ફલસ્વરૂપ જે સાધારણ હાનિ-લાભોને માટે લોકો દુઃખના સમુદ્રમાં ડૂબી જાય છે અને હર્ષના મદમાં છકી જાય છે, એવા ઉન્માદોમાંથી તે બચી જાય છે.
૨. શક્તિ-સંચયની નીતિને અપનાવનારો માણસ દિનપ્રતિદિન અધિક સ્વસ્થ, વિદ્વાન, બુદ્ધિમાન, ધનિક, સહયોગી અને પ્રતિષ્ઠાવાન બને છે. નિર્બળ મનુષ્યો પર પ્રકૃતિનાં, બલવાનોનાં તથા દુર્ભાગ્યનાં જે આક્રમણો થાય છે એનાથી એ બચતો રહે છે અને શક્તિ પરિપૂર્ણતાને લીધે જીવનના અનેકવિધ આનંદોને તે ભોગવે છે અને પોતાની શક્તિ વડે તે બીજાઓને મદદ કરીને પુણ્યનો ભાગીદાર બને છે. જ્યાં શક્તિનું સંતુલન હોતું નથી ત્યાં અનીતિ જામે છે. શક્તિસંચયનું સ્વાભાવિક પરિણામ છે-અનીતિનો અંત, કે જે સર્વને માટે કલ્યાણકારી છે.
૩. શ્રેષ્ઠતાનું અસ્તિત્વ પરિસ્થિતિઓમાં નહીં પણ વિચારોમાં હોય છે. જે વ્યક્તિ સમૃદ્ધિવાન બન્યો છે, પરંતુ લક્ષ્ય, સિદ્ધાન્ત, આદર્શ તેમજ અંતઃકરણની દૃષ્ટિએ નીચે પડ્યો છે, તે કનિષ્ઠ જ રહી જવાનો. એવો કનિષ્ઠ મનુષ્ય બધા વિવેકવાન માણસોની નજરે સદા હલકો ગણાય છે. પોતાની નીચતાને લીધે તે હંમેશાં માનસિક અશાંતિમાં રહે છે. એનાથી ઊલટું, કોઈ વ્યક્તિ ભલે ગરીબ અને સાધનહીન હોય, પણ એનો આદર્શ, સિદ્ધાંત, ઉદ્દેશ્ય અને અંતઃકરણ ઉચ્ચ તથા ઉદાર હોય તો શ્રેષ્ઠ જ કહેવાશે. એ શ્રેષ્ઠતા એને આનંદ જ આપતી રહે છે, જે મોટી સાંસારિક સંપત્તિ દ્વારા પણ મળી શકતી નથી.
૪. નિર્મળતાનો અર્થ છે-સૌંદર્ય એ એવી વસ્તુ છે કે, જેને માત્ર મનુષ્ય જ નહીં પણ કીટપતંગો અને પશુપક્ષીઓ પણ પસંદ કરે છે. એ નિશ્ચિત છે કે કુરૂપતાનું કારણ ગંદકી છે. મલિનતા જે કોઈ પણ સ્થાને હશે ત્યાં કુરૂપતા રહેવાની જ અને ત્યાંથી દૂર જ રહેવાની સૌની ઇચ્છા હોય છે. શરીરમાં મેલ ભરેલો હોય તો માણસ કમજોર અને બીમાર રહેશે અને આ કારણે જેના કપડાં, ભોજન, ચામડી, વાળ, ઉપયોગમાં આવતી વસ્તુઓ વગેરેમાં ગંદકી હશે તો એ ઘૃણાસ્પદ, સ્વાસ્થ્ય બગાડનાર, કનિષ્ઠ તેમજ નિંદા યોગ્ય બની જશે. તો પછી મનમાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં મલિનતા હોય તો પછી કહેવું જ શું? મનુષ્યનું સ્વરૂપ હેવાન અને શેતાનથી પણ ખરાબ થઈ જાય છે. આ બધામાંથી બચવાનો એક જ ઉપાય “સર્વતોમુખી નિર્મળતા’ છે, જે અંદર અને બહાર સર્વ રીતે નિર્મળ છે, જેની કમાણી વિચારધારા, દેહ, વાણી, પોશાક, ઘર અને બીજી વસ્તુઓ નિર્મળ છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, તે સર્વપ્રકારે સુંદર, પ્રસન્ન, પ્રફુલ્લ, મૃદુલ અને સંતુષ્ટ જવામાં આવે છે.
૫. દિવ્ય દૃષ્ટિથી જોવાનો અર્થ એ છે કે-જગતનાં દિવ્ય તત્ત્વોની સાથે પોતાનો સંબંધ જોડવો. પ્રત્યેક પદાર્થ પોતાના સજાતીય પદાર્થને પોતાના તરફ ખેંચે છે અને પોતે તેમના તરફ ખેંચાય છે. એનો દૃષ્ટિકોણ દુનિયાની ભલાઈઓને જોવાનો, સમજવાનો અને અપનાવવાનો છે. એ પોતાની ચારેબાજુએ સારી જ વ્યક્તિઓને જુએ છે. લોકોના ઉપકારો, ભલમનસાઈ, સેવાભાવ, સહકાર અને સત્કાર્યો પર નજર કરતાં એવું જણાય છે કે, લોકોમાં બુરાઈઓ કરતાં ભલાઈઓ જ વધારે પ્રમાણમાં છે અને દુનિયા આપણી સાથે અપકાર કરતાં ઉપકાર જ વધારે કરી રહી છે.આંખો પર જેવા રંગના ચશ્માં ચઢાવવામાં આવે, તેવા જ રંગની તે વસ્તુઓ દેખાય છે. જેમની દૃષ્ટિ દોષિત હોય છે. તેમને માટે દરેક પદાર્થ અને પ્રાણી દોષિત, ખરાબ છે. પરંતુ જેની દૃષ્ટિ દિવ્ય છે. તેને પ્રભુની આ પુનિત ફૂલવાડીમાં બધે આનંદ જ આનંદ વરસતો દેખાય છે.
૬. સદ્ગુણ-પોતામાં સારી ટેવો, યોગ્યતાઓ, વિશેષતાઓને ધારણ કરવી એનું નામ સદ્ગુણ છે. વિનય, નમ્રતા, શિષ્ટાચાર, મધુર ભાષણ, ઉદાર વ્યવહાર, સેવા-સહકાર, ઈમાનદારી, પરિશ્રમશીલતા, નિયમિતતા, મિતવ્યયિતા, મર્યાદા, કર્તવ્ય પરાયણતા, જાગૃતિ, પ્રસન્ન મુખમુદ્રા, ધૈર્ય, સાહસ, પરાક્રમ, પુરુષાર્થ, આશા, ઉત્સાહ એ બધા સદ્ગુણો છે. સંગીત, સાહિત્ય, કલા, શિલ્પ, વ્યાપાર, વક્તૃત્વ, વ્યવસાય, ઉદ્યોગ, શિક્ષણ વગેરેમાં યોગ્યતા હોવી એ સદ્ગુણ છે. આવા સદ્ગુણો જે ધરાવતો હોય, તે આનંદમય જીવન ગુજારે જ. એની કલ્પના સહજ થઈ શકે એમ છે.
૭. વિવેક-એ એક પ્રકારનો આત્મિક પ્રકાશ છે, કે જેના દ્વારા સત્ય અસત્યની, ઉચિત અનુચિતની, આવશ્યક-અનાવશ્યકની પરીક્ષા થાય છે. જગતમાં અસંખ્ય પરસ્પર વિરોધી માન્યતાઓ, રીતરિવાજો વિચારધારાઓ પ્રચલિત છે અને તે દરેકની પાછળ કંઈક તર્ક આધાર, કંઈક દાખલાઓ તેમજ કેટલાંક પુસ્તકો અને મહાપુરુષોના નામનો સંબંધ હોય છે. આવી દશામાં શું ગ્રાહ્ય છે અને શું અગ્રાહ્ય છે, એનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે. આ સંબંધમાં દેશ, કાળ, પરિસ્થિતિ, ઉપયોગિતા, જનહિત આદિ વાતો ધ્યાનમાં રાખીને સદબુદ્ધિથી જે નિર્ણય કરવામાં આવે છે, તે જ પ્રામાણિક અને ગ્રાહ્ય હોય છે. જેણે ઉચિત નિર્ણય કરી લીધો હોય તેણે સમજવું કે તેને સરળતાપૂર્વક સુખશાંતિના લક્ષને પહોંચવાનો માર્ગ મળી ગયો. જગતમાં મોટે ભાગે કલહ, ક્લેશ, પાપ અને દુઃખનું કારણ દુર્બુદ્ધિ, ભ્રમ તથા અજ્ઞાન હોય છે. વિવેકી માણસ એ બધી મૂંઝવણોમાંથી અનાયાસે જ બચી જાય છે.
૮. સંયમ-જીવનશક્તિનું વિચારશક્તિનું, ભોગેચ્છાનું, શ્રમનું સંતુલન બરાબર રાખવું તે સંયમ છે. એને ઓછુંય નહીં થવા દેવું કે નષ્ટ-નિષ્ક્રિય પણ ન થવા દેવું અને ખોટે માર્ગે વ્યય ન થવા દેવું એ સંયમનું તાત્પર્ય છે. માનવ શરીર આશ્ચર્યજનક શક્તિઓનું કેન્દ્ર છે. જો એ શક્તિઓનો અપવ્યય અટકાવીને ઉપયોગી દિશામાં વાપરવામાં આવે તો અનેક આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થઈને જીવનની પ્રત્યેક દિશામાં ઉન્નતિ થાય છે.
૯. સેવા-સહાય, સહયોગ, પ્રેરણા, ઉન્નતિ અને સુવિધા તરફ કોઈને આગળ વધારવા તેની એ સર્વથી શ્રેષ્ઠ સેવા છે. આ દિશામાં આપણું શરીર અને મગજ આપણી સેવાનું સૌથી વધારે પાત્ર છે, કેમ કે તે સર્વથી આપણી વધારે નિકટ છે. સામાન્ય રીતે દાન આપવું, સમય આપવો, વિના મૂલ્ય આપણી શારીરિક કે માનસિક શક્તિ કોઈને માટે વાપરવી એને સેવા કહેવાય છે અને એમાં આપણા ત્યાગથી બીજામાં ક્રિયાશક્તિ, આત્મનિર્ભયતા, મૂર્તિ, પ્રેરણા વગેરે જાગ્રત થઈ કે નહીં એવી કોઈ અપેક્ષા રાખવામાં આવતી નથી. આ પ્રકારની સેવા બીજાને આળસ, પરાવલંબી અને ભાગ્યવાદી બનાવનારી હાનિકારક સેવા છે. આપણે તો એવા પ્રકારની સેવા કરવી જોઈએ જેથી બીજાઓમાં ઉત્સાહ વધે અને આત્મનિર્ભરતા તેમજ ક્રિયાશીલતાને સતેજ કરવામાં સહાયક થવાય. સેવા એ પોતાને તથા બીજાને ઉન્નત બનાવવાનું, જગતને વધારે સુંદર અને આનંદમય બનાવવાનું પુણ્ય કાર્ય છે. આ પ્રકારના સેવાભાવી પુણ્યાત્મા સાંસારિક દૃષ્ટિએ તથા આત્મદષ્ટિથી સુખી અને સંતુષ્ટ રહે છે.
આ નવા ગુણો નિઃસંદેહ નવરત્ન છે. માણેક, મોતી, પરવાળુ, પાનું, પોખરાજ, હીરો, ગોમેદ, લસણિયો એ નવ રત્ન છે. જેની પાસે એ રત્ન હોય છે, તે સર્વ રીતે સુખી ગણાય છે. પરંતુ ભારતીય ધર્મશાસ્ત્ર કહે છે કે, જેની પાસે યજ્ઞોપવીત અને ગાયત્રી- મિશ્રિત ઉપરોક્ત આધ્યાત્મિક નવરત્નો છે તે આ ભૂતળ પરનો કબર છે. ભલેને તેની પાસે ધનદોલત, જરજમીન ન હોય, આ નવરત્ન મંડિત કલ્પવૃક્ષ જેની પાસે છે તે વિવેકયુક્ત, યજ્ઞોપવીતધારી સદા સુલોકની સમૃદ્ધિ ભોગવે છે. એને માટે આ ભૂલોક સ્વર્ગ છે. એ કલ્પવૃક્ષ આપણને ચારે ફળ આપે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે સમૃદ્ધિઓથી આપણને પરિપૂર્ણ કરી દે છે.
પ્રતિભાવો