૨૧. ગાયત્રી સાધનાનો ઉદ્દેશ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી સાધનાનો ઉદ્દેશ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
નવા વિચારોથી જૂના વિચારો બદલાઈ જાય છે. કોઈ માણસ અમુક વસ્તુને ખોટી માનતો હોય તો તેને તર્ક, પ્રમાણ અને દાખલાઓ આપીને નવી વાત સમજાવી શકાય છે. જો તે અત્યંત દુરાગ્રહી, મૂઢ, ઉત્તેજીત કે મદાંધન ન હોય તો તેને કોઈ વાત સમજાવવાથી ખોટી માન્યતા દૂર થાય છે. સ્વાર્થ અને અભિમાનને કારણે કોઈ પોતાની માન્યતાની વકીલાત કરે તો એ વાત જુદી છે. માન્યતા અને વિશ્વાસના ક્ષેત્રમાં એના વિચાર અવશ્ય બદલાઈ જાય છે. જ્ઞાનથી અજ્ઞાનને હટાવી દેવું એ કંઈ વધારે મુશ્કેલ નથી,
પરંતુ સ્વભાવ રુચિ, ઇચ્છા, ભાવના અને પ્રકૃતિની બાબતોમાં એવું નથી કે તે સાધારણ રીતથી બદલી શકાય. એ જે સ્થાન પર અડ્ડો આસન જમાવીને બેઠી હોય ત્યાંથી સહેલાઈથી ખસતી નથી. કારણ, મનુષ્ય ચોરાશી લાખ કીટ-પતંગો, જીવ-જંતુઓ, ક્ષુદ્ર યોનિઓમાં ભ્રમણ કરીને નરદેહમાં આવે છે. તેથી સ્વભાવતઃ એના આગલાં જન્મજન્માંતરોના પાશવિક નીચ સંસ્કારો ભારે દઢતાથી એની મનોભૂમિમાં જમા થયેલા હોય છે. મગજમાં અનેક પ્રકારના વિચારો આવે છે અને જાય છે. એનામાં પરિવર્તન થતું રહે છે. પણ એનો વિશેષ પ્રભાવ મનોભૂમિ પર પડતો નથી. સારો ઉપદેશ સાંભળવાથી, ઉત્તમ પુસ્તકો વાંચવાથી અને ગંભીરતાપૂર્વક પોતે આત્મચિંતન કરવાથી મનુષ્ય ભલાઈ અને બૂરાઈ વચ્ચેના અંતરને સારી રીતે સમજતો થાય છે અને પોતાની ભૂલો બૂરાઈઓ, ત્રુટિઓ અને કમજોરીઓ સારી રીતે પ્રતીત થઈ જાય છે. બૌદ્ધિક રીતે એ વિચારે છે કે દોષોમાંથી એની મુક્તિ થવી જોઈએ. કેટલીક વાર તો એ પોતાની ભર્ત્સના પણ કરે છે. આટલું હોવા છતાં પણ તે પોતાની ચિરસંચિત બુરાઈઓથી પોતાને અલગ કરી શકતો નથી.
નશાખોર, ચોર, દુષ્ટ, દુરાચારી પ્રકૃતિના મનુષ્યો સારી રીતે જાણે છે કે પોતે ખરાબ માર્ગ અપનાવ્યો છે અને બહુધા તેઓ એથી છૂટી જાય એમ પણ વિચારતા હોય છે, પરંતુ એમની ઇચ્છા માત્ર એક નિર્બળ કલ્પના જ રહી જાય છે અને એમના મનોરથ નિષ્ફળ જાય છે. બૂરાઈઓ છૂટતી નથી અને જ્યારે પ્રલોભનનો અવસર આવે છે, ત્યારે મનોભૂમિમાં મૂળ ઘાલી બેઠેલી વૃત્તિઓ વંટોળિયાની માફક ઉમટી પડે છે અને તે વ્યક્તિ પોતાની આદત પ્રમાણે ફરીથી બૂરા કાર્યો કરી બેસે છે. વિચાર અને સંસ્કાર એ બેની તુલનામાં સંસ્કારની શક્તિ વધારે પ્રબળ છે. વિચાર એ એક નાનું સરખું બાળક છે, જ્યારે સંસ્કાર સશક્ત અને પ્રૌઢ જેવો હોય છે. બંનેના યુદ્ધમાં પ્રાયઃ એવું જ પરિણામ જોવામાં આવે છે કે, બાળકની જ હાર થાય છે અને પ્રૌઢ જીતે છે. જોકે કોઈ મનસ્વી વ્યક્તિ શ્રીકૃષ્ણ દ્વારા પૂતના અને રામ દ્વારા તાડકા વધનો દાખલો ઉપસ્થિત કરીને પોતાના વિચારબળ દ્વારા કુસંસ્કારો પર વિજય પ્રાપ્ત કરે છે. પણ સાધારણ રીતે લોકો કુસંસ્કારોની પકડમાં, જાળમાં ફસાયેલા પક્ષીની માફક સપડાઈ ગયેલા જ દેખાય છે. અનેક ધર્મોપદેશકો, જ્ઞાનીઓ, વિદ્વાનો, નેતાઓ મનાતા મહાપુરુષોનાં ચરિત્રો જ્યારે કુકર્મયુક્ત જોવામાં આવે છે, ત્યારે તો એમ જ કહેવું પડે છે કે એમની પ્રૌઢ બુદ્ધિ પણ તેમના કુસંસ્કારો પર વિજય મેળવી શકી નથી. કેટલીકવાર તો ભલભલા ઈમાનદાર અને તપસ્વી મનુષ્યો કોઈ વિશેષ પ્રલોભનના સમયે ડગી જાય છે, ને એ માટે તેમને પાછળથી પસ્તાવું પડે છે. ચિરસંચિત પાશવિક વૃત્તિઓનો ભૂકંપ થાય છે ત્યારે સદાશયના આધાર પર ચિર પ્રયત્નથી રચાયેલી સુચરિત્રતાની દીવાલ પણ હાલી ઉઠે છે.
ઉપર જણાવેલી હકીકત ઉપરથી એમ માની લેવાનું નથી કે વિચાર શક્તિ એક નિરર્થક વસ્તુ છે અને એનાથી કુસંસ્કારો પર જીત મેળવી શકાતી નથી. સાધારણ મનોબળવાળા માણસો આ બાબતમાં મંદ ગતિએ આગળ વધે છે અને કોઈક વાર તો તેમને નિરાશા અનુભવાય છે છતાં પણ કોઈ સદ્વિચારોનું કાર્ય જારી રાખે તો અવશ્ય જ કાલાંતરે કુસંસ્કારો પર વિજય મેળવી શકાય છે. અધ્યાત્મ વિદ્યાના આચાર્યો આવો આવશ્યક કાર્યોને આટલાં વિલંબ સુધી પડયા રહેવા દેતા નથી. એમણે આ વિષયમાં ઘણી વધારે ગંભીરતા, સૂક્ષ્મ દૃષ્ટિ અને મનોયોગપૂર્વક વિચાર કરીને માનવ અંતઃકરણમાં રહેનારા પાશવિક સંસ્કારોનું પારદર્શી વિશ્લેષણ કર્યું છે અને પરિણામ પર પહોંચ્યા છે કે, મનઃક્ષેત્રના જે સ્તર પર વિચારોનું કંપન ક્રિયાશીલ રહે છે એનાથી કોઈ અધિક ઘેરા સ્તર પર સંસ્કારોનું મૂળ હોય છે. જેમ કૂવો ખોદતી વખતે જમીનમાંથી જુદી જુદી જાતની માટીનાં પડ નીકળે છે તેમ જ મનોભૂમિનાં પણ અનેક હોય છે અને તેમનાં કાર્યો, ગુણો અને ક્ષેત્રો જુદાં જુદાં હોય છે. ઉપરનાં બે પડે પડો (૧) મન અને (ર) બુદ્ધિ છે. મનમાં ઇચ્છાઓ. વાસનાઓ. કામનાઓ પેદા થાય છે અને બુદ્ધિનું કામ વિચાર કરવો, માર્ગ શોધવો અને નિર્ણય કરવો એ છે. આ બંને પડો મનુષ્યના નજીકના સંપર્કમાં છે. એમને સ્થૂલ મન:ક્ષેત્ર કહેવામાં આવે છે. સમજવાથી તથા પરિસ્થિતિના પરિવર્તનથી એમાં સરળતાથી ફેર પડે છે.
આ સ્થુલ ક્ષેત્રના ગાઢ પડને સૂક્ષ્મ મનઃ ક્ષેત્ર કહેવામાં આવે છે. એના મુખ્ય બે ભાગો છે, (૧) ચિત્ત અને (૨) અહંકાર. ચિત્તમાં સંસ્કાર, આદત, રુચિ, સ્વભાવ અને ગુણોનાં મૂળિયાં રહે છે. અહંકાર પોતાના વિષેની માન્યતાને કહેવામાં આવે છે. પોતાને જે વ્યક્તિ શ્રીમંત-ગરીબ, બ્રાહ્મણ-શૂદ્ર, પાપી-પુણ્યાત્મા, ભાગ્યવાન-અભાગી, સ્ત્રી-પુરુષ, મૂર્ખ-બુદ્ધિમાન, તુચ્છ-મહાન, જીવ બ્રહ્મ, બદ્ધ-મુક્ત અદિ જેવા પણ માની લે છે તેને એવા જ અહંકારવાળો માનવામાં આવે છે. આત્માના અહમના સંબંધી માન્યતાનું નામ જ અહંકાર છે. એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના અનેક ભેદો-ઉપભેદો છે અને તેનાં ગુણકર્મો પણ જુદાં જુદાં છે. એનું વર્ણન અહીં થઈ શકે એમ નથી. અહીં તો સંક્ષિપ્ત પરિચય આપવો એટલાં માટે આવશ્યક છે, જેથી કુસંસ્કારોના નિવારણ વિશે વાચકો સારી રીતે સમજતા થાય.
જેમ મન અને બુદ્ધિનું જોડું છે તેમ ચિત્ત અને અહંકારનું જોડું છે. મનમાં અનેક પ્રકારની ઇચ્છાઓ અને કામનાઓ હોય છે. એમાં કઈ દબાવી દેવા યોગ્ય છે એ બુદ્ધિ જાણે છે અને તે સભ્યતા, લોકાચાર, સામાજિક નિયમ, ધર્મ-કર્તવ્ય, સંભવ-અસંભવ આદિનું ધ્યાન રાખે છે અને જે ઇચ્છા કાર્યમાં ઉતારવા માટે લાયક હોય, તેને માટે જ બુદ્ધિ પોતાના પ્રયત્ન કરે છે. આ પ્રકારે તે બંને મળીને મગજમાં પોતાના તાણાવાણા વણે છે.
અંતઃકરણના ક્ષેત્રમાં ચિત્ત અને અહંકારનું જોડું પોતાનું કાર્ય કરે છે. જીવાત્મા જે શ્રેણીનો અને જે સ્તરનો અનુભવ કરે છે તે પ્રમાણે એ ચિત્તમાં એ શ્રેણીના, સ્તરના પૂર્વસંચિત સંસ્કારો સક્રિય અને સશક્ત રહે છે. કોઈ વ્યક્તિ પોતાને શરાબી, પાપી, કસાઈ, અછૂત, સમાજના નીચલાં વર્ગનો માને તો તેનો આ અહંકાર એના ચિત્તને એ જાતનું મૂળ નાખવામાં અને સ્થિર રાખવામાં મક્કમ રાખે છે. જે ગુણ-કર્મ-સ્વભાવ આ શ્રેણીના હોય છે. તે બધા એના ચિત્તમાં સંસ્કારના રૂપે જમા થઈને બેસી જાય છે. જો એનો અહંકાર અપરાધી યા શરાબીની માન્યતાનો પરિત્યાગ કરીને લોકસેવક, મહાત્મા, સચ્ચરિત્ર અને ઉચ્ચ થવાની માન્યતા સ્થિર કરે તો બહુ જ થોડા વખતમાં એની પુરાણી આદતો, આકાંક્ષાઓ, અભિલાષાઓ બદલાઈ જશે અને તે તેવો જ બની જશે. દારૂ પીવો ખરાબ છે એ વાત તો અગાઉ એના મનમાં અનેક વાર આવી ચૂકી હતી પણ લત છૂટતી ન હતી. એ લત તો ત્યારે જ છૂટે જ્યારે તે પોતાના અહંકારને પ્રતિષ્ઠિત નાગરિકની માન્યતામાં બદલી નાખે અને માનતો થાય કે એ આદતો મારા ગૌરવ, દરજ્જો અને વ્યવહારમાં હાનિકારક છે. અંતઃકરણના આ એક જ પોકારથી એક જ હુંકારથી, એક જ ચિત્કારથી ચિત્તમાં જમા થયેલા કુસંસ્કારો ઉખડી જઈને એક બાજુ ઢળી પડે છે અને તેને સ્થાને નવા, ઉપર્યુક્ત, આવશ્યક, અનુરૂપ સંસ્કારો ટૂંકા વખતમાં જ જમા થાય છે. જે કાર્ય મન અને બુદ્ધિ દ્વારા અત્યંત કષ્ટસાધ્ય માલુમ પડતું હતું તે અહંકાર પરિવર્તનથી એક ચપટીમાં ઠીક થઈ જાય છે.
અહંકાર સુધી સીધા પહોંચાડવા માટે સાધના સિવાય બીજો કોઈ માર્ગ નથી. મન અને બુદ્ધિને શાંત, મૂર્છિત, તંદ્રા અવસ્થામાં છોડી દઈને સીધો અહંકાર સુધી પ્રવેશ પામવો એ જ સાધનાનો ઉદ્દેશ છે. ગાયત્રી સાધનાનું વિધાન પણ આ પ્રકારનું છે. એનો પ્રભાવ સીધો અહંકાર પર પડે છે. હું બ્રાહ્મી શક્તિનો આધાર છું, ઈશ્વરીય સ્ફુરણા ગાયત્રી મારા રોમેરોમમાં ઓતપ્રોત થઈ રહી છે. હું એને વધારે માત્રામાં મારી અંદર દાખલ કરીને બ્રાહ્મીભૂત થઈ રહ્યો છું. આ માન્યતાઓ માનવીય અહંકારને પાશવિક સ્તરથી બહુ જ ઊંચે ઉપાડી લઈ જાય છે અને એમાં દેવભાવ ઉપસ્થિતિ કરે છે. માન્યતા એ કોઈ સાધારણ વસ્તુ નથી. ગીતા કહે છે-“યો યચ્છરદ્ધઃ સ અવ સઃ’ જે પોતાને વિષે જેવી શ્રદ્ધા રાખે છે, વસ્તુતઃ તે તેવો જ થાય છે. ગાયત્રી-સાધના પોતાના સાધકમાં આત્મવિશ્વાસ, ઇશ્વરીય અહંકાર પ્રદાન કરે છે અને તે થોડાક જ સમયમાં વસ્તુતઃ તેવો જ થઈ જાય છે. જે સ્તર ઉપર એની પોતાની માન્યતા હોય તેવા જ સ્તર પર ચિત્તવૃત્તિઓ રહેશે અને તેવી જ તેની આદતો, ઇચ્છાઓ, રૂચિઓ, પ્રવૃત્તિઓ, ક્રિયાઓ નજરે પડશે. જે દિવ્ય માન્યતાથી ઓતપ્રોત છે, નિશ્ચય જ એની ઇચ્છાઓ અને ક્રિયાઓ તેવી જ હશે. આ સાધના પ્રક્રિયા માનવ અંતઃકરણનો કાયાકલ્પ કરી નાખે છે. જે આત્મસુધારણાને માટે જ્યાં ઉપદેશ સાંભળવો અને પુસ્તક વાંચવું વિશેષ સફળ થતાં નથી ત્યાં આ કાર્ય સાધના દ્વારા સહેલાઈથી પૂરું થઈ જાય છે. એ જ સાધનાનું રહસ્ય છે.
ઉચ્ચ મનક્ષેત્ર (સુપર મેન્ટલ) જે ઈશ્વરીય દિવ્ય શક્તિઓના અવતરણનું યોગ્ય સ્થાન છે. જ્યાં વિમાનઘર હોય છે ત્યાં જ વિમાન ઊતરે છે. ઈશ્વરીય દિવ્યશક્તિ માનવ પ્રાણીના એ ઊંચા ક્ષેત્રમાં ઊતરે છે. જો એ સાધના દ્વારા નિર્મળ ન બનાવવામાં આવે તે અતિ દિવ્ય શક્તિઓને પોતાનામાં ઊતારી શકતું નથી. સાધના સાધકના ઉચ્ચ મન:ક્ષેત્રનો ઉપર્યુક્ત એરોડ્રોમ બનાવે છે, જ્યાં દૈવીશક્તિ ઊતરી શકે.
આ તો અપરા પ્રકૃતિને પરા પ્રકૃતિમાં રૂપાંતરિત કરવાનું વિજ્ઞાન છે. મનુષ્યની પાશવિક વૃત્તિઓને સ્થાને ઈશ્વરીય સત-શક્તિનું પ્રતિષ્ઠાન કરવું એ અધ્યાત્મ વિજ્ઞાનનું કાર્ય છે. તુચ્છને મહાન, સીમિતને અસીમ, અણુને વિભુ, બદ્ધને મુક્ત, પશુને દેવ બનાવવા એ સાધનાનો ઉદ્દેશ છે. આ પરિવર્તનની સાથે સાથે એ સામર્થ્ય પણ મનુષ્યમાં આવી જાય છે, જે એ સહુ-શક્તિમાં સમાયેલા છે અને જેને ઋષિ, સિદ્ધિ આદિ નામોથી ઓળખવામાં આવે છે. સાધના આધ્યાત્મિક કાયાકલ્પની એક પ્રણાલી છે અને નિશ્ચય જ અન્ય સાધના વિધિઓમાં ગાયત્રીનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે.
પ્રતિભાવો