૨૯. ગાયત્રી-સાધનાથી પાપમુક્તિ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રી સાધનાથી પાપમુક્તિ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રીની અનંત કૃપાથી પતિતોને ઉચ્ચતર મળે છે અને પાપીઓનાં પાપનો નાશ થાય છે. આ તથ્યનો વિચાર કરીને આપણે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે, આત્મા સર્વથા સ્વચ્છ, નિર્મળ, પવિત્ર, શુદ્ધ, બુદ્ધ અને નિર્લિપ્ત છે. ધોળો કાચ યા પારદર્શક પાત્ર પોતે જ સ્વચ્છ હોય છે. એમાં કોઈ રંગનું પાણી ભરવામાં આવે તો તે પાત્ર તેવા રંગનું દેખાશે. સામાન્ય રીતે તે પાત્ર પણ એવા રંગનું જ ગણાય છે. છતાં મૂળે તે પાત્ર સ્થિતિ છે. આત્મા સ્વભાવે નિર્વિકાર છે, પણ એમાં જે પ્રકારના “ગુણ-કર્મ-સ્વભાવ’ વગેરે ભરાઈ જાય છે તેવા પ્રકારનો તે દેખાવા માંડે છે.
ગીતામાં કહ્યું છે કે, “વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરું તથા ચાંડાલ આદિને જે સમત્વ બુદ્ધિથી જુએ છે, તે પંડિત છે.” એ સમત્વનું રહસ્ય એ છે કે, આત્મા સર્વથા નિર્વિકાર છે, એના મૂળમાં પરિવર્તન હોતું નથી. કેવળ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું અંતઃકરણ ચતુષ્ટય, રંગીન-વિકાર ગ્રસ્ત થઈ જાય છે, જેને લીધે મનુષ્ય અસ્વાભાવિક, દુ:ખી અને વિકૃત દશામાં પડેલો જણાય છે. આ સ્થિતિમાં જો પરિવર્તન થઈ જાય તો આજનો “દુષ્ટ’ આવતીકાલે “સંત” બની જાય. ઇતિહાસ બતાવે છે કે, એક ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલો ભયંકર ચોર બદલાઈને મહર્ષિ વાલ્મિકી થઈ ગયો. જીવનભર વેશ્યાવૃત્તિ કરવાવાળી ગણિકા આંતરિક પરિવર્તનને લીધે પરમ સાધ્વી દેવીઓને પ્રાપ્ત થતી પરમ-ગતિની અધિકારિણી થઈ. કસાઈનો ધંધો કરતા અજામિલ અને સદન, પરમ ભગત કહેવાયા. આમ નીચ કામ કરનારાઓ ઊંચા થઈ શક્યા છે અને હીન કુટુંબમાં જન્મ લેનારાઓને ઉચ્ચ વર્ણ પ્રતિષ્ઠા મળી છે. રૈદાસ ચમાર, કબીર વણકર, રામાનુજ શૂદ્ર, ષટકોપાચાર્ય ખાટકી અને તિબવલ્લુવર અંત્યજ વર્ણમાં ઉત્પન્ન થયા હતા. પણ એમની સ્થિતિ અનેક બ્રાહ્મણોથી ઊંચી હતી. વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા હતા.
જ્યાં પતિત સ્થાનથી ઉપર આવ્યાના દાખલાઓથી ઇતિહાસ ભર્યો પડયો છે ત્યાં, ઉચ્ચ સ્થિતિના લોકો પતિત થયાના દાખલા પણ ઓછા નથી. પુલસ્તિના ઉત્તમ બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલો, ચાર વેદોના મહાપંડિત રાવણ, મનુષ્યતાથી પણ પતિત થઈને રાક્ષસ કહેવાયો. ખોટું અન્ન ખાવાથી દ્રોણ અને ભીષ્મ જેવા જ્ઞાની પુરુષો. અન્યાયી કૌરવોના પક્ષના સમર્થક થઈ ગયા. વિશ્વામિત્રે ક્રોધમાં આવી જઈને વસિષ્ઠના નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી. પારાશરે માછીની કુમારી કન્યા સાથે વ્યભિચાર કરીને સંતાન ઉત્પન્ન કર્યું, વિશ્વામિત્રે વેશ્યા પર આસક્ત થઈને તેને લાંબા સમય સુધી પોતાની પાસે રાખી. ચંદ્રમા જેવો દેવતા ગુરુમાતાની સાથે કુમાર્ગગામી બન્યો. દેવતાઓના રાજા ઇંદ્રને વ્યભિચારને કારણે શાપના ભોગ થવું પડ્યું. બ્રહ્મચારી નારદ મોહગ્રસ્ત થઈને વિવાહ કરવા માટે સ્વયંવરના મંડપમાં પહોંચ્યા. સડેલી, જર્જરિત કાયાવાળા વયોવૃદ્ધ ચ્યવન ઋષિને સુકુમારી સુકન્યા સાથે લગ્ન કરવાનું સૂઝયું. બલિરાજાને દાન કરતા અટકાવવા જતાં શુક્રાચાર્યે પોતાની આંખ ગુમાવી. ધર્મરાજે અશ્વત્થામા મરી ગયો છે એની પુષ્ટિમાં ધીમે ધીમે “નરો વા કુંજરો વા’ એવું ગણગણીને પોતાને છળથી બચાવવાની પ્રવંચના કરી. ઇતિહાસ જોતાં માલૂમ પડે છે કે મોટા મોટાઓ સ્થાનભ્રષ્ટ થયા છે. આ ઉપરથી સાબિત થાય છે કે, આંતરિક સ્થિતિમાં ફેરફાર થઈ જતાં સારા મનુષ્યો ખરાબ અને ખરાબ મનુષ્યો સારા થઈ શકે છે.
શાસ્ત્ર કહે છે કે જન્મથી તો બધા લોકો શૂદ્ર જ પેદા થાય છે અને પછી સંસ્કારના પ્રભાવથી દ્વિજ બને છે. સંસ્કાર શૂદ્રને દ્વિજ અને દ્વિજને શૂદ્ર બનાવી દે છે. ગાયત્રી તત્વજ્ઞાનને હ્રદયમાં ધારણ કરવાથી એવા સંસ્કારોની ઉત્પત્તિ થાય છે, જે મનુષ્યને એક વિશેષ પ્રકારનો બનાવી દે છે. એ પાત્રમાં ભરેલો પહેલો લાલ રંગ નિવૃત્ત થઈ જાય છે અને તેને સ્થાને નીલ રંગ જોવામાં આવે.
પાપનો નાશ આત્મતેજની પ્રચંડતાથી થાય છે. આ તેજ વધે છે તેટલા પ્રમાણમાં સંહારનું કાર્ય વહેલું થાય છે. જે કામ તીક્ષ્ણ તલવારથી થાય છે તે ધાર વગરના લોખંડથી થતું નથી. આ તેજ કઈ રીતે આવે ? એનો ઉપાય તપ તથા પરિશ્રમ છે. લોખંડને અગ્નિમાં નાંખીને તેને ટીપીને ધાર કાઢવામાં આવે ત્યારે જ તેમાંથી બનેલી તલવાર શત્રુ સેનાને સફાચટ કરી નાખવા યોગ્ય બને છે. એ જ રીતે આપણી આત્મ શક્તિને તેજ બનાવવા માટે “તપ” અને “પ્રાયશ્ચિત્ત’ કરવા જોઈએ.
અપરાધોની નિવૃત્તિ માટે દરેક ઠેકાણે શિક્ષાનું વિધાન કામમાં લેવાય છે. બાળક ગરબડ કરે તો ધમકી અને માર મળે. વિદ્યાર્થી પ્રમાદ કરે તો ગુરુ સોટી ચમકાવે, સામાજિક નિયમોનો ભંગ થાય તો પંચાયત દંડ કરે, કાયદાનો ભંગ કરવામાં આવે તો દંડ, જેલ, કાળાપાણી અગર ફાંસી તૈયાર જ હોય. ઈશ્વર દૈવિક, દૈહિક, ભૌતિક દુઃખ આપીને પાપોનો દંડ કરે છે. આ દંડવિધાન બદલો કે પ્રતિહિંસા જ નથી. ખૂનનો બદલો ફાંસી” જંગલી પ્રથાને કારણે નથી. દંડવિધાનનું નિર્માણ ઉચ્ચ આધ્યાત્મિક વિજ્ઞાનના આધાર પર કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે, દંડરૂપી જે કષ્ટ આપવામાં આવે છે તેનાથી મનુષ્યની અંદર એક ખળભળાટ મચે છે, પ્રતિક્રિયા થાય છે, તેજી આવે છે, જેનાથી તેનું ગુપ્તમાનસ ચમકી ઉઠે છે અને ભૂલ કરવાનું છોડી દઈને ઉચિત માર્ગ પર આવી જાય છે. “તપ”માં એવી જ શક્તિ છે. તપની ગરમીથી અનાત્મ તત્ત્વોનો સંહાર થાય છે.
બીજાઓ દ્વારા દંડના રૂપમાં તપ કરાવવાથી પણ આપણી શુદ્ધિ થઈ જાય છે. એ પ્રણાલીને આપણે પોતે જ અપનાવીએ, આપણાં ગુપ્ત અને પ્રગટ પાપોનો દંડ પોતે જ ભોગવીને સ્વેચ્છાપૂર્વક તપ કરીએ તો, તે બીજા પાસે કરાવેલા ભાડૂતી તપથી અનેકગણું ઉત્તમ છે. એમાં ન અપમાન થાય, ન પ્રતિહિંસા થાય તેમજ ન તો આત્મગ્લોનિથી મન ક્ષુભિત થાય. પરંતુ સ્વેચ્છા તપથી એક પ્રકારનો આધ્યાત્મિક આનંદ થાય છે, શૌર્ય અને સાહસ પ્રગટે છે અને બીજાઓની નજરે આપણી શ્રેષ્ઠતા. અને પ્રતિષ્ઠા વધે છે. પાપોની નિવૃત્તિને માટે આત્મતેજનો અગ્નિ જોઈએ. એ અગ્નિની ઉત્પત્તિથી બેવડો લાભ થાય છે. એક તો હાનિકારક તત્ત્વો મનોવિકારોનો નાશ થાય છે. બીજું એની ઉષ્મા અને પ્રકાશથી દૈવી તત્ત્વોનો વિકાસ, પોષણ, તેમજ વૃદ્ધિ થાય છે, જેનાથી સાધક તપસ્વી, મનસ્વી અને તેજસ્વી બની જાય છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં ડગલે ને પગલે વ્રત, ઉપવાસ, દાન, સ્નાન, આચારવિચાર આદિનાં વિધિવિધાન એ દૃષ્ટિએ કરવામાં આવ્યાં છે કે એને અપનાવીને આ બેવડો લાભ મેળવી શકાય.
આપણાથી કંઈ ભૂલ, પાપ યા બૂરાઈ થઈ ગઈ હોય તો એને અશુભ ફળના નિવારણ માટે સાચું પ્રાયશ્ચિત્ત તો એ છે કે, ફરીથી ન કરવાનો દૃઢ નિશ્ચય કરવો અને આ નિશ્ચયની સાથે જ થોડી તપશ્ચર્યા કરવામાં આવે તો એ પ્રતિજ્ઞાને બળ મળે છે અને તેના પાલનમાં દૃઢતા આવે છે. તેની સાથે જ એ તપશ્ચર્યા સાત્વિકતાની તીવ્ર ગતિથી વૃદ્ધિ કરે છે, ચૈતન્ય ઉત્પન્ન કરે છે અને એવા ઉત્તમોત્તમ ગુણકર્મ સ્વભાવોને ઉત્પન્ન કરે છે. જેનાથી પવિત્રતામય, સાધનામય, મંગલમય જીવન વિતાવવાનું સુલભ થાય છે. ગાયત્રી શક્તિના આધારે કરાયેલી તપશ્ચર્યા મોટા મોટા પાપીઓને પણ નિષ્પાપ બનાવવાને, એમનાં પાપો નાશ કરવાને તથા ભવિષ્યમાં તેમને નિષ્પાપ રહેવાને યોગ્ય બનાવે છે.
જે કાર્યો પાપ જેવાં દેખાય ને મનાય તે સર્વદા એવા પાપ હોતાં નથી. કહેવામાં આવે છે કે કાર્ય પાપ નથી કે પુણ્ય નથી. કર્તાની ભાવના અનુસાર તે પાપ કે પુણ્ય થાય છે. જે કાર્ય એક સ્થિતિના મનુષ્યને માટે પાપ છે તે જ બીજાને માટે અપાપ છે અને કોઈને માટે તો પુણ્ય પણ છે. હત્યા કરવી એ એક કર્મ છે. એ ત્રણ વ્યક્તિઓને માટે ભિન્ન પરિસ્થિતિને લીધે ભિન્ન પરિણામવાળું થાય છે. કોઈ વ્યક્તિ બીજાનું ધન અપહરણ કરવા માટે કોઈની હત્યા કરે તે હત્યા ઘોર પાપ ગણાય. કોઈ ન્યાયાધીશ અથવા જલ્લાદ સમાજના શત્રુ અપરાધીને ન્યાયના રક્ષણને કાજે દેહાંત દંડની સજા કરે તો તેને માટે એનું એ કર્તવ્યપાલન ગણાય. કોઈ વ્યક્તિ આતતાયી ડાકુઓના આક્રમણથી નિર્દોષના પ્રાણ બચાવવાને માટે પોતાને જોખમમાં નાખીને એ અત્યાચારીઓનો વધ કરે તો પુણ્ય છે. હત્યા તો ત્રણેએ કરી પણ ત્રણેની હત્યાઓ જુદા જુદા પરિણામવાળી છે. ત્રણે હત્યારાઓ ડાકુ, ન્યાયાધીશ અને આતતાયી સાથે લડીને એનો વધ કરનારો-સમાનરૂપ પાપી ગણાતા નથી.
ચોરી એક ખરાબ કર્મ છે. પરંતુ પરિસ્થિતિઓને વશ તે પણ સદા બૂરું કર્મ નથી રહેતું. પોતે સમૃદ્ધ હોવા છતાં પણ જે અન્યાયપૂર્વક બીજાઓનું ધન હરણ કરે છે. તે પાકો ચોર દાખલો લો- ભૂખથી પ્રાણ જતા હોય એ મુસીબતમાં કોઈ સુસંપન્ન આદમીનું કે આત્મરક્ષણ કરે તે કંઈ બહુ મોટું પાપ નથી. ત્રીજી સ્થિતિમાં કોઈ દુષ્ટની સાધન સામગ્રી ચોરીને એને શક્તિહીન બનાવી દેવો અને એ ચોરેલી સામગ્રીને સન્માર્ગે વાપરવું એ પુણ્યનું કામ છે. ત્રણે ચોરને એકસરખી શ્રેણીના ઠરાવી શકાય નહીં.
પરિસ્થિતિ, મજબૂરી, ધર્મરક્ષા તથા બૌદ્ધિક સ્વલ્પ વિકાસનાં કારણોને વશ કોઈવાર એવા કાર્યો થાય છે, જે ભૂલ દૃષ્ટિએ જોતાં નિંદનીય માલૂમ પડે છે, પણ વસ્તુતઃ એની પાછળ પાપભાવના છુપાયેલી હોતી નથી. એવા કામોને પાપ કહી શકાતાં નથી. બાળકનો ફોલ્લો ચીરવાને માટે માતાને એને હૉસ્પિટલમાં લઈ જવો પડે છે અને બાળકને કષ્ટમાં નાખવું પડે છે. રોગીની પ્રાણરક્ષાને માટે દાકતરને કસાઈની જેમ વાઢકાપ કરવી પડે છે. રોગીની કુપથ્યકારક ઇચ્છાઓને ટાળવાને માટે પરિચારકને જૂઠાં બહાના બતાવીને કોઈ પણ પ્રકારે તેને સમજાવવો પડે છે. બાળકોની હઠનું પણ ઘણે ભાગે-આવું જ સમાધાન કરવામાં આવે છે. હિંસક જંતુઓ, શસ્ત્રધારી દસ્યુઓ પર સામેથી નહીં પણ પાછળથી છુપાઈને આક્રમણ કરવું પડે છે.
પ્રાચીન ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવાથી જણાય છે કે અનેક મહાપુરુષોને પણ ધર્મની સ્કૂલ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું પડ્યું છે. પાપી કામ કરનારા માણસને સાધારણ રીતે પાપી બનવું પડે છે. એ પ્રમાણે પેલાને લોકહિત, ધર્મવૃદ્ધિ અને અધર્મ નાશની સંભાવનાના કારણે પાપી બનવું પડતું નથી.
ભગવાન વિષ્ણુએ ભસ્માસુરથી શંકરના પ્રાણ બચાવવાને માટે મોહિનીનું રૂપ લઈને એને છેતરીને મારી નાખ્યો. સમુદ્રમંથન વખતે અમૃતની વહેંચણીમાં જ્યારે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ઝઘડો થયો ત્યારે પણ વિષ્ણુએ માયા મોહિની રૂપ લઈને અસુરોને ધોખામાં રાખીને અમૃત દેવતાઓને પીવડાવી દીધું. સતી વૃન્દાનું સતીત્વ ડગાવવાને માટે ભગવાને જાલંધરનું રૂપ લીધું હતું. રાજા બલિને છળવાને માટે ભગવાને જાલંધરનું રૂપ લીધું હતું. ઝાડની ઓથે છુપાઈને શ્રીરામે અનુચિત રીતે વાલીને માર્યો હતો.
મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વત્થામાના મૃત્યુનું છળપૂર્વક સમર્થન કર્યું. અર્જુને શિખંડીને આગળ ઊભો રાખીને ભીષ્મને માર્યા અને કર્ણનો રથ કીચડમાં ઊતરી ગયો હોવા છતાં પણ તેનો વધ કર્યો. ઘોર દુષ્કાળમાં સુધાપીડિત થવાથી વિશ્વામિત્ર ઋષિએ ચાંડાલને ઘેરથી કૂતરાનું ગાયત્રી માંસ લાવીને ખાધું. પ્રહલાદે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો. ભરતે માતાની નિર્ભત્સના કરી, બલિએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા ન માની, ગોપીઓએ પરપુરુષ શ્રીકૃષ્ણ પર પ્રેમ કર્યો. મીરાંએ પોતાના પતિને છોડી દીધો, પરશુરામે પોતાની માતાનું શિર કાપી નાખ્યું વગેરે કાર્યો સાધારણત: અધર્મ જણાય છે, પણ એના કર્તાઓએ સદ્ઉદેશથી પ્રેરિત થઈને તે કર્યા હતાં. તેથી ધર્મની સૂક્ષ્મ દૃષ્ટિથી એ કાર્યોને પાતક ગણવામાં આવતાં નથી.
શિવાજીએ અફઝલખાનનો વધ કૂટનીતિની ચતુરાઈથી કર્યો હતો. ભારતીય સ્વાધીનતાના ઇતિહાસમાં ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકારની સાથે જે નીતિ અપનાવી હતી તેમાં ચોરી, ધાડ, જાસૂસી, હત્યા, કતલ, જૂઠું બોલવું, છળ, વિશ્વાસઘાત એના જ જેવાં બધાં કામોનો સમાવેશ થયો હતો. જેને આમ તો અધર્મ જ કહી શકાય, પરંતુ એમનો આત્મા પવિત્ર હતો. અસંખ્ય દીનદુઃખી પ્રજાની કરુણાજનક સ્થિતિથી દ્રવિત થઈને અન્યાયી શાસકોને ઉથલાવી પાડવા માટે તેમણે એ કર્યું હતું. કાયદો ભલે તેમને અપરાધી કહે પરંતુ વસ્તુતઃ તેઓને કદાપિ પાપી કહી શકાય નહિ.
અધર્મનો નાશ અને ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાનને યુગે યુગે અવતાર ધારણ કરીને અગણિત હત્યાઓ કરવી પડે છે અને લોહીની નદીઓ વહેવડાવી પડે છે, એમાં પાપ નથી થતું. સારા ઉદેશને માટે અનુચિત કાર્ય પણ ઉચિત જ મનાય છે. તેમજ ભૂખ્યા, સંત્રસ્ત, દુઃખી, ઉત્તેજિત, આપત્તિગ્રસ્ત અથવા અજ્ઞાન બાળક, રોગી પાગલ કાંઈ અનુચિત કાર્ય કરી બેસે તો ક્ષમ્ય ગણવામાં આવે છે, કારણ કે તે એવી મનોભૂમિના મનુષ્ય હોય છે કે, જે ધર્મ અને કર્તવ્ય વિષે ઠીક વિચાર કરવા અસમર્થ હોય છે.
પાપીઓની ગણતરીમાં જેટલા લોકો છે એમાંથી મોટે ભાગે એવા હોય છે કે જેમને ઉપર્યુક્ત કારણોથી અનુચિત કાર્ય કરવું પડ્યું હોય અને પછી તે તેમનો સ્વભાવ જ બની જાય છે. પરિસ્થિતિઓએ, આદતોએ, જરૂરિયાતોએ એમને લાચાર બનાવી દીધા હોય છે. જો એ દુર્ગુણોનો ભોગ ન બની ગયા હોત અને એમને સાથે માર્ગે વાળે એવા સાધનો મળી ગયાં હોય તો તેઓ સારા માણસો થાત.
કાયદો અને લોકમત કોઈને ગમે તેટલો દોષિત ઠરાવતો હોય, સ્થૂલ દૃષ્ટિએ કોઈ માણસ અત્યંત ખરાબ હોઈ શકે છે પણ ખરા પાપીઓની સંખ્યા આ દુનિયામાં બહુ જ ઓછી છે. જે પરિસ્થિતિઓને લીધે ખરાબ બની ગયા છે, તેમને પણ સુધારી શકાય છે. કારણ પ્રત્યેક આત્મા ઈશ્વરનો અંશ હોવાથી તે તત્ત્વતઃ પવિત્ર છે. બુરાઈઓ ઉપર ચડેલો મેલ છે. એ મેલને સાફ કરવો કઠણ અને મુશ્કેલ નથી. સહેલાઈથી દૂર કરાય એમ છે.
કેટલાક લોકો એમ વિચારે છે કે અમે એટલાં પાપ કર્યા છે અને એટલી બુરાઈઓ કરી છે કે અમારાં પ્રગટ-અપ્રગટ પાપોની યાદી બનાવવામાં આવે તો બહુ લાંબી થાય. હવે અમે સુધરી શકીએ એમ નથી. કોણ જાણે અમારે કેટલા સમય સુધી નરકમાં પડી રહેવું પડશે. અમારો ઉદ્ધાર અને કલ્યાણ હવે શી રીતે થઈ શકે. આવું વિચારનારાએ જાણવું જોઈએ કે સન્માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા કરતાં જ તેમનો જૂનો મેલો પોશાક ઊતરી જાય છે. પાપવાસનાઓનો પરિત્યાગ કરવાથી અને એનું સાચા હ્રદયથી પ્રાયશ્ચિત્ત કરવાથી પાછલાં પાપોનાં ફળોમાંથી છુટકારો મળી શકે છે. કેવલ તે પરિપકવ પ્રારબ્ધ કર્મોમાંથી જે આ જન્મને માટે ભાગ્ય બની ચૂક્યાં છે, તે તો કોઈ પણ રીતે ભોગવવા જ પડે છે. તે વિનાનાં જે પ્રાચીન કે આજકાલનાં કર્મો છે, તે હજુ પ્રારબ્ધ નથી બન્યાં તેનો સંચિત સમૂહ નાશ કરી શકાય છે. જે આ જન્મને માટે દુઃખદાયી ભોગ છે તે પણ ધાર્યા કરતાં વધારે હળવા થઈ જાય છે અને તે વધારે દુઃખ આપ્યા વિના જ શાંત થઈ જાય છે.
કોઈ માણસ પોતાના આગલાં જીવનનો અધિકાંશ ભાગ કુમાર્ગમાં પસાર કરી ચૂક્યો હોય અથવા નિરર્થક વિતાવી ચૂક્યો હોય તો તેને માટે કેવળ દુઃખી થવાથી પસ્તાવાથી યા નિરાશ થવાથી કોઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. જીવનનો જે ભાગ બાકી રહ્યો છે, તે પણ છેવટે ઓછો મહત્ત્વપૂર્ણ નથી. રાજા પરીક્ષિતને મૃત્યુ પહેલાં માત્ર એક જ અઠવાડિયું આત્મકલ્યાણ માટે મળ્યું હતું. એમણે એ ટૂંક સમયનો સદુપયોગ કર્યો અને ધારેલો લાભ મેળવ્યો. સૂરદાસને પોતાની આખા જન્મની વ્યભિચારી આદતોથી છુટકારો મળતો નથી એમ જણાતાં છેલ્લે પોતાની આંખો ફોડી નાખવી પડી હતી. તુલસીદાસનું કામાતુર થઈને રાતોરાત સાસરે પહોંચવું અને બારીએ લટકતો સાપ પકડીને સ્ત્રીની પાસે જવું પ્રસિદ્ધ છે. એવું જીવન લાંબો સમય વિતાવ્યા પછી સત્પંથે વળવાથી થોડા જ વખતમાં તેઓ યોગી અને મહાત્માઓને મળતી સદ્ગતિના અધિકારી બની ગયા.
આ એક રહસ્યમય સત્ય છે કે, અત્યાર સુધી જે સક્રિય, જાગૃત, ચેતન, પરાક્રમી, પુરુષાર્થી અને બદમાશ ગણાતા હોય તેઓ મંદબુદ્ધિ, ડરપોક, કમજોર, સાદાસીધા લોકોના કરતાં વહેલી આત્મોન્નતિ કરી શકે છે. કારણ એવા મંદ ચેતનાવાળામાં શક્તિનો સ્ત્રોત બહુ જ ઓછો હોય છે. તેઓ પૂરા સદાચારી અને ભક્ત રહે તો પણ મંદ શક્તિને લીધે તેમની પ્રગતિ અત્યંત મંદ ગતિથી થાય છે. પરંતુ જે લોકો શક્તિશાળી છે, જેની અંદર ચૈતન્ય અને પરાક્રમનું ઝરણું તોફાની ગતિથી વહે છે, તે જે કાંઈ ધારે તેમાં સફળતા જ પ્રાપ્ત કરે. અત્યાર સુધી જેમણે પોતાને બદમાશીનો ઝંડો ઊંચો જ રાખ્યો છે તેઓ પણ સન્માર્ગે લાગી જાય તો આશ્ચર્યકારક સફળતા પ્રાપ્ત કરી શકે છે. ગધેડો દસ વર્ષમાં જેટલો ભાર વહે છે તેટલો ભાર હાથી એક જ દિવસમાં વહી શકે છે. આત્મોન્નતિ પણ એક પુરુષાર્થ છે. જેમના સ્નાયુઓમાં બળ અને મનમાં અદમ્ય સાહસ તથા ઉત્સાહ છે તે મંજિલ પર જે લોકો જલદી પહોંચી જાય છે તે પુરુષાર્થી છે.
જે લોકો પૂર્વ જીવનમાં કુમાર્ગગામી હતા તેઓ આ જન્મમાં અનેક ભૂલો કરે છે અને ગરબડો મચાવે છે. તેઓ પથભ્રષ્ટ તો છે જ, છતાં તેમણે પણ એ ખોટી પ્રક્રિયા દ્વારા પણ પોતાની ચૈતન્યતા, બુદ્ધિમત્તા અને ક્રિયાશીલતાને વધાર્યા છે. એ વધારો એક ઉત્તમ પૂંજી છે. પથભ્રષ્ટતાને લીધે એમને હાથે જે પાપો થઈ ગયાં તે દુઃખ અને પશ્ચાતાપનો હેતુ અવશ્ય છે. પરંતુ સંતોષની વાત એટલી જ છે કે એ કાંટાળા, પથરાળા, લોહીલુહાણ કરી નાખે એવા દુઃખદાયી માર્ગે ભટકતા હોવા છતાં પણ મંજિલની દિશામાં તેમણે યાત્રા કરી છે. જો હવે પછી પણ સત્ત્વગુણના આધારે રાજમાર્ગ પર આવીને આગળ વધે તો તેઓ જરૂર ધ્યેયને પહોચે.
પાછલાં પાપો નષ્ટ થઈ શકે છે. કુમાર્ગ પર ચાલવાથી ઘા પડયા હોય છે તે થોડું ગણું દુઃખ આપીને સત્વરે સારા થઈ જાય છે. એ માટે ડરવાનું કે નિરાશ થવાનું કશું કારણ ન આપણી રુચિ તથા ક્રિયાને બદલવી જોઈએ. આવું પરિવર્તન થતાંની સાથે જ સીધા માર્ગે પ્રગતિ થવા માંડશે. દૂરદર્શી તત્ત્વજ્ઞોનો મત છે કે જ્યારે ખરાબ આચરણોવાળા માણસો બદલાય છે ત્યારે આશ્ચર્યજનક ગતિથી તેઓ સન્માર્ગે ગતિ કરે છે અને ટૂંક વખતમાં જ મહાત્મા બની જાય છે. જે વિશેષતાને લીધે તેઓ પાકા બદમાશ હતા તે જ વિશેષતાઓ તેમને સફળ સંતો બનાવી દે છે. ગાયત્રીનો આશ્રય લેવાથી દુષ્ટ, બદમાશ અને દુરાચારી સ્ત્રીપુરુષો પણ થોડા વખતમાં જ સન્માર્ગગામી અને પાપરહિત થઈ જાય છે.
પ્રતિભાવો