૪૪. ગાયત્રી સાથે યજ્ઞનો સંબંધ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ગાયત્રી સાથે યજ્ઞનો સંબંધ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

યજ્ઞ ભારતીય સંસ્કૃતિનું આદિ પ્રતીક છે. આપણા ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે તેટલી બીજા કશાને આપવામાં આવી નથી. આપણે કોઈ પણ શુભ-અશુભ ધર્મકૃત્ય યજ્ઞ વિના પૂર્ણ થતું નથી. જન્મથી અંત્યેષ્ઠિ સુધી સોળ સંસ્કારો હોય છે, એમાં અગ્નિહોત્ર આવશ્યક છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના રક્ષણ માટે સૂતકનિવૃત્ત સુધી ઘરમાં અખંડ અગ્નિ રાખવામાં આવે છે. નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન આદિ સંસ્કારોમાં પણ હવન અવશ્ય થાય છે. અંતમાં જ્યારે શરીર છૂટે છે ત્યારે એને અગ્નિને સોંપવામાં આવે છે. મનુષ્ય મરણ પામ્યા પછી ચિતામાં બાળીને તેના શબને ભસ્મ કરી નાખે છે. પરંતુ શાસ્ત્રમાં જોવામાં આવે તો એ પણ એક યજ્ઞ જ છે. એમાં વેદમંત્રોથી વિધિપૂર્વક આહુતિઓ આપવામાં આવે છે અને શરીરને યજ્ઞ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

પ્રત્યેક કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, પર્વ, તહેવાર, ઉત્સવ અને ઉદ્યાપનમાં હવનને આવશ્યક માનવામાં આવે છે. હાલમાં લોકો એનું મહત્ત્વ અને વિધાન ભૂલી ગયા છે અને કેવળ ચિહ્નપૂજા કરીને કામ ચલાવે છે. ઘરોમાં સ્ત્રીઓ કોઈને કોઈ રૂપમાં ચિહ્ન પૂજા તો કરે જ છે. તેઓ તહેવારમાં યા પર્વોમાં અગ્નિને જમાડવાની ક્રિયા કોઈને કોઈ રૂપમાં કરે છે. થોડા અંગાર લઈને ઘી નાખીને પ્રજ્વલિત કરીને તેને નાના નાના ગ્રાસ ચઢાવવા અને જળ એ અગ્નિને ફરતે ફેરવવું-અગ્નિની પરિક્રમા કરવી-એ વાત આપણને કેટલાક સંસ્કારી ઘરમાં જોવા મળે છે, પિતૃઓનું શ્રાદ્ધ જે દિવસે હોય તે દિવસે બ્રાહ્મણ ભોજન પહેલાં અગ્નિને ભોજન કરાવવામાં આવે છે. એવી સ્થિર માન્યતા છે કે અગ્નિના મુખમાં આપેલી આહુતિ દેવતાઓ અને પિતૃઓને પહોંચે છે.

વિશેષ પ્રસંગોએ તો હવન અવશ્ય કરવો જ પડે છે. ચૂલો, ઘંટી, સાવરણી આદિથી થનારી નિત્યની હિંસા અને પાતકોના નિવારણાર્થે નિત્ય પંચયજ્ઞ કરવાનું વિધાન છે. એ પાંચેમાં પણ છે. બલિવૈશ્ય અગ્નિમાં આહુતિ આપીને થાય છે. આ પ્રકારે શાસ્ત્રોની આજ્ઞાનુસાર તો નિત્ય હવન કરવાનું આપણે માટે આવશ્યક છે. તહેવારોના દિવસે અગ્નિહોત્ર કરવું આવશ્યક છે. હોળી તો યજ્ઞનો જ તહેવાર છે. આજકાલ લોકો લાકડાં બાળીને હોળી ઊજવે છે. શાસ્ત્રો કહે છે કે લોકો સાચા યજ્ઞની આવશ્યકતા અને વિધિને ભૂલી ગયા છે. પરંતુ માત્ર લાકડાં બાળીને એ પ્રાચીન પરંપરાને ગમે તેમ સાચવી રહ્યા છે. એ જ રીતે શ્રાવણી, દશેરા તેમજ દિવાળીના તહેવારોમાં કોઈને કોઈ પ્રકારે હવન થાય છે. નવરાત્રિમાં સ્ત્રીઓ દેવોની પૂજા કરે છે ત્યારે અગ્નિમુખમાં દેવીને નિમિત્તે ઘી, લવિંગ, જાયફળ આદિ ચીજો અવશ્ય ચઢાવે છે. સત્યનારાયણની વ્રતકથા, રામાયણ પારાયણ, ગીતાપાઠ, ભાગવત સપ્તાહ આદિ ગમે તે શુભ આયોજન હોય એમાં હવન અવશ્ય હોવાનો જ.

મંત્ર સાધનાઓમાં પણ હવન અનિવાર્ય છે. જેટલા પણ પાઠ, પુરશ્ચરણ, જપ, સાધના કરવામાં આવે છે, તે ચાહે વેદોક્ત હોય, ચાહે તાંત્રિક હોય, એમાં કોઈને કોઈ રૂપમાં હવન કરવો જરૂરી હોય છે. ગાયત્રીની ઉપાસનામાં પણ હવન આવશ્યક છે. અનુષ્ઠાન યા પુરશ્ચરણમાં જપનો દસમો ભાગ હવન કરવાનું વિધાન છે. પરિસ્થિતિ વશ દસમા ભાગની આહુતિઓ ન આપી શકાય તે સોમા ભાગની (શતાંશ) આપવી. ગાયત્રીને માતા અને યજ્ઞને પિતા માનવામાં આવ્યા છે. એ બંનેના સંયોગથી મનુષ્યનો આધ્યાત્મિક જન્મ થાય છે, તેને “દ્વિજત્વ’ કહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહેવામાં આવે છે. એ દ્વિજનો અર્થ છે બે જન્મવાળો. જેમ આપણા શરીરને જન્મ માતાપિતાની સેવા પૂજા કરવી તે મનુષ્યનું નિત્યકર્મ છે, તેમ ગાયત્રીમાતા અને યજ્ઞપિતાની પૂજા એ પણ પ્રત્યેક દ્વિજનું આવશ્યક ધર્મ કર્તવ્ય છે.

ધર્મગ્રન્થોમાં ડગલે ને પગલે યજ્ઞના મહિમાનું ગાન છે. વેદમાં યજ્ઞનો વિષય મુખ્ય છે કેમ કે યજ્ઞ એક એવું વિજ્ઞાનમય વિધાન છે, જેથી મનુષ્યનું આધ્યાત્મિક અને ભૌતિક રીતે કલ્યાણ અને ઉત્કર્ષ થાય છે. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. કહેવામાં આવ્યું છે કે

યો યજ્ઞં યજ્ઞંપરૌંરિચતે યજ્ઞસંજ્ઞિત |  તં યજ્ઞપુરુષ વિષ્ણુ નમામિ પ્રભુમીશ્વરમ્ ||

જે યજ્ઞ દ્વારા પૂજાય છે, યજ્ઞમય છે, યજ્ઞરૂપ છે એ યજ્ઞરૂપ વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે.

યજ્ઞ મનુષ્યની અનેક કામનાઓ પૂર્ણ કરે છે તથા સ્વર્ગ અને મુક્તિ પ્રદાન કરે છે. યજ્ઞ નહીં કરનારની શાસ્ત્રોમાં ઘણી નિંદા કરવામાં આવી છે.

કસ્ત્વા વિમુંચતિ સત્વા વિસુંન્વિ કસ્મૈ ત્વા વિમુંચતિ  તસ્મૈ ત્વા વિમુંચતિ |  પોષાય રક્ષસા ભાગોસિ |

– વજુ ર/ર૩

સુખશાંતિને ચાહનાર કોઈ વ્યક્તિ યજ્ઞનો પરિત્યાગ નથી કરતી. જે યજ્ઞને છોડે છે તેને યજ્ઞરૂપ પરમાત્મા પણ છોડી દે છે. સર્વની ઉન્નતિ માટે યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. જે નથી આપતા તે રાક્ષસ બની જાય છે.

યજ્ઞેન પાપે: બહુભિર્વિમુક્તઃ પ્રાપ્નોતિ લોકાન્ પરમસ્ય વિષ્ણો : | -હારિત

યજ્ઞ દ્વારા અનેક પાપોમાંથી મુક્તિ મળે છે તથા પરમાત્માના લોકની પણ પ્રાપ્તિ થાય છે.

પુત્રાર્થી લભતે પુત્રીન્ ધનાર્થી લભતે ધનમ્ | ભાર્યાર્થી શોભનાં માર્યા કુમારી ચ શુભમ્ પતિમ્ ||  ભ્રષ્ટરાજયસ્તથા રાજ્યં શ્રીકામ: શ્રિયમાપ્નુયાત્ | યં યં પ્રાર્થયતે કામં સર્વે ભવતિ પુષ્કલમ્ |

નિષ્કામઃ કુરુતે યજ્ઞ:  સ પરં બ્રહ્મ ગચ્છતિ છે ||  મત્સ્યપુરાણ ૯૩/૧૧૭

યજ્ઞથી પુત્રાર્થીને પુત્રલાભ, ધનાર્થીને ધનલાભ, લગ્નાર્થીને સુંદર ભાર્યા, કુમારીને સુંદર પતિ, શ્રીની કામનાવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને નિષ્કામ ભાવથી યજ્ઞાનુષ્ઠાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

ન તસ્ય ગ્રહપીડા સ્યાન્ના ચ બન્ધધનક્ષયઃ | ગ્રહ યજ્ઞ વ્રત ગેહે લિખિતં  યત્ર તિષ્ટતિ ||

 ન તત્ર પીડા પાપાનાં ન ચ બન્ધુમ્ | અશેષ-યશફલદ- મમેષાધૌધ-નાશનમ્ | કોટિહોમપદ્ધતિ

યજ્ઞ કરનારને ગ્રહપીડા, બધુનાશ, ધનક્ષય, પાપ, રોગ, બન્ધન આદિની પીડા સહન કરવી પડતી નથી. યજ્ઞનું ફળ અનંત છે.

દેવાઃ સન્તોષિતા યજ્ઞૈર્લોકાન્ સમ્વર્ધયન્ત્યુત ઉભયોલોં ક્યો ! ભૂતિર્યજ્ઞઃ પ્રદશ્યતે તસ્માધજ્ઞાદિવ  યાતિ પૂર્વજૈઃ સહઃ મોદતે નાસ્તિ યજ્ઞસમન્દાન નાપ્તિ યજ્ઞસમો વિધિઃ ||  સર્વધર્મ સમુદેશો દેતિ ! યજ્ઞે સમાહિતીઃ  -મહાભારત

યજ્ઞોથી સંતુષ્ટ થઈને દેવતા જગતનું કલ્યાણ કરે છે. યજ્ઞથી લોકપરલોકનું સુખ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી સુવર્ણની પ્રાપ્તિ થાય છે. તે યજ્ઞથી જ મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને પૂર્વજોની સાથે આનંદ કરે છે. યજ્ઞ સમાન કોઈ દાન નથી. યજ્ઞ સમાન કોઈ વિધિવિધાન નથી. યજ્ઞમાં જ બધા ધર્મોનો ઉદ્દેશ સમાયો છે.

અસુરાશ્ચ  સુરાશ્ચૈવ  પુણ્યહેતોર્મ ખક્રિયામ્ |  પ્રયતન્તે  મહાત્માનસ્તસ્માદ્યજ્ઞપરાયાઃ ||

યજ્ઞૈરેવ મહાત્માનો બભૂ બુરોધિકાઃ સુરાઃ | મહાભારત

અસુર અને સુર સર્વ પુણ્યના મૂળ હેતુ યજ્ઞને માટે પ્રયત્ન કરે છે. સત્પુરુષોએ સદા યજ્ઞપરાયણ થવું જોઈએ. યજ્ઞથી જ ઘણા પુરુષો દેવ બન્યા છે.

યદીક્ષિતાયુર્વદિ વા પરેતો મૃત્યોરતિકં નીતિ એવં |

તમાહરામિ નિઋતે રુપસ્થ તસ્યાર્થમેનં શતશારદાય || અથર્વ ૩/૧/૧ર

જો રોગી પોતાની જીવનશક્તિને પણ ખોઈ ચૂક્યો હોય, નિરાશાજનક સ્થિતિએ પહોંચી ગયો હોય, તો પણ એને મૃત્યુની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવે છે અને સો વર્ષ જીવતો રહેવાને માટે ફરીથી યોગ્ય બનાવી દેવામાં આવે છે.

યજ્ઞેરાપ્યાયિતા દેવા વૃષ્ઠયુત્સર્ગેણ વે પ્રજાઃ | આપ્યાયન્તે તુ ધર્મજ્ઞા: કલ્યાણહેતવઃ || -વિષ્ણુપુરાણ

યજ્ઞથી દેવતાઓનું બળ મળે છે. યજ્ઞથી વર્ષા થાય છે. યજ્ઞથી અન્ન અને પ્રજાપાલન થાય છે. હે ધર્મજ્ઞ ! યજ્ઞ જ કલ્યાણનો હેતુ છે.

પ્રયુકત્યા યથા કેષ્ટૂવા રાજ્યક્ષ્મા પુરોજિતઃ | ના વેદવિહિતામિષ્ટમારોગ્યાર્થી પ્રયોજ્યેત્ ||

-ચરક ચિ. ખંડ ૮/૧૨૨

ક્ષય જેવા રોગોનો પ્રાચીનકાળમાં યજ્ઞના પ્રયોગથી નાશ કરવામાં આવતો હતો. રોગમુક્તિની ઇચ્છા રાખનારાઓએ આ વેદવિદિત યજ્ઞનો આશ્રય લેવો.

અહં ક્રતુરહં  યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ | મન્ત્રોડહમહમેવાજ્યમહમગ્કિરહં  હુતમ્ || -ગીતા ૯/૭૬

હું જ કર્તું છું, હું જ યજ્ઞ છું, હું જ સ્વધા છું, હું જ ઔષધિ છું, હું જ મંત્ર છું, આજીવન હવન પણ હું જ છું.

નાડ્યં લોકોસ્ત્યયજ્ઞસ્ય કુતોડન્યઃ કુરુસત્તમ | -ગીતા ૪/૩૧

હે અર્જુન ! યજ્ઞરહિત મનુષ્યને આ લોકમાં પણ સુખ મળતું નથી તો પરલોકમાં સુખ હોય જ ક્યાંથી ?

નાસ્ત્યયજ્ઞસ્ય લોકો તે નાયજ્ઞો વિદતે શુભમ્ | અયજ્ઞો ન ચ પૂતાત્મા નશ્યન્તિ છિન્નપર્ણ વત્ || -શંખ.

યજ્ઞ ન કરનારો મનુષ્ય લૌકિક અને પારલૌકિક સુખોથી વંચિત થઈ જાય છે. યજ્ઞ ન કરનારનો આત્મા પવિત્ર હોતો નથી અને કાળથી છૂટા પડેલા પાંદડાની જેમ તે નષ્ટ થઈ જાય છે.

સહયજ્ઞાઃ પ્રજ્ઞા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ | અનેન પ્રસવિપ્યધ્વમેષ વો સ્ત્વષ્ઠકામધુક્ || દેવાન્ ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ ||  પરસ્પર ભાવન્તઃ શ્રોય: પરમવાપ્સ્યથ ||  ઈષ્ટાનમોગાન્ હિ વો દેવા દાસ્યન્તે  યજ્ઞભાવિતાઃ ||  ગીતા ૩/૧૦/૧૧

બ્રહ્માજીએ મનુષ્યની સાથે જ યજ્ઞને પેદા કર્યો અને એને કહ્યું કે, આ યજ્ઞ દ્વારા તમારી ઉન્નતિ થશે. આ યજ્ઞ તમારી ઇચ્છિત કામનાઓ. આવશ્યકતાઓને  પૂર્ણ કરશે. તે દેવતાઓને સંતુષ્ટ કરો, તે દેવતાઓ તમારી ઉન્નતિ કરશે. આમ બંને પોતાનાં કર્તવ્યોનું પાલન કરીને કલ્યાણને પ્રાપ્ત કરશો. યજ્ઞથી સંતુષ્ટ કરાયેલા દેવો અનાયાસે તમને સુખશાંતિની વસ્તુઓ આપશે.

અસંખ્ય શાસ્ત્ર વચનોમાંથી કેટલાંક પ્રમાણો ઉપર આપવામાં આવ્યાં છે. તે ઉપરથી યજ્ઞનું મહત્ત્વ સહેજે ધ્યાનમાં આવી જાય છે. પૂર્વકાળમાં પણ આધ્યાત્મિક અને ભૌતિક ઉદેશોને માટે મોટા મોટા યજ્ઞો કરવામાં આવતા હતા. દેવો પણ યજ્ઞ કરતા હતા, અસુરો પણ યજ્ઞ કરતા હતા અને ઋષિઓ પણ યજ્ઞ કરતા હતા. રાજા લોકો અશ્વમેધ આદિ વિશાલ યજ્ઞોનું આયોજન કરતા હતા અને સાધારણ લોકો પણ સમયે સમયે યજ્ઞ કર્યા કરતા. અમુક લોકો હંમેશ યજ્ઞોનો વિધ્વંસ કરતા હતા કે જેથી યજ્ઞથી એમના શત્રુઓનો ઉત્કર્ષ અને લાભ થઈ ન શકે. એ જ પ્રમાણે અસુરોના યજ્ઞનો પણ ધ્વસ કરાતો હતો. રામાયણમાં રાક્ષસોના એવા યજ્ઞનું વર્ણન છે, જેનો હનુમાનજીએ નાશ કર્યો હતો. જો સફળ થાય તો રાક્ષસો અજેય થઈ ગયા હોત.

રાજા દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યાથી ચાર પુત્રો પામ્યા હતા. રાજા નૃગ યજ્ઞ દ્વારા સ્વર્ગે જઈને ઇન્દ્રાસનના અધિકારી થતા હતા. રાજા અશ્વપતિએ યજ્ઞ દ્વારા સંતાન પ્રાપ્ત કરવાને કર્યો હતો. ઈન્દ્ર પોતે પણ યજ્ઞથી જ સ્વર્ગને પામ્યો હતો. ભગવાન રામે પોતાને ત્યાં અશ્વમેધ કરાવ્યો. શ્રીકૃષ્ણની પ્રેરણાથી પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો હતો, આગંતુકોના સ્વાગતનું કામ શ્રીકૃષ્ણ પોતે કર્યું હતું. પાપોના પ્રાયશ્ચિત્ત તરીકે, અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિને માટે, કોઈ અભાવની પૂર્તિને માટે, કોઈ સહયોગ યા સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, રોગ નિવારણ માટે, દેવતાઓને પ્રસન્ન કરવાના હેતુથી, ધનધાન્યની અધિક ઊપજને માટે, અમૃતમયી વર્ષાને નિમિત્તે, વાયુમંડળમાંથી અસ્વાથ્યકર તત્ત્વોનું ઉમૂલન કરવાને માટે હવન-યજ્ઞ કરવામાં આવતા હતા અને તેનાં પરિણામો પણ તેને અનુરૂપ જ આવતાં હતાં.

યજ્ઞ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. જે વૃક્ષોની સમિધાઓ કામમાં લેવામાં આવે છે, તેમાં વિશેષ પ્રકારના ગુણો હોય છે. કયા પ્રયોગમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ, તેનું પણ વિજ્ઞાન છે. એ વસ્તુઓ ભેગી થવાથી એક વિશેષ ગુણવાળું મિશ્રણ તૈયાર થાય છે, જે બળવાથી વાયુમંડળમાં એક વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે. વેદમંત્રોના ઉચ્ચારણની શક્તિથી એ પ્રભાવમાં ઉમેરો થાય છે. પરિણામે જે વ્યક્તિ યજ્ઞમાં જોડાય છે, એના પર તથા આજુબાજુના વાયુમંડળ પર એનો ભારે પ્રભાવ પડે છે. સૂક્ષ્મ પ્રકૃતિના અંતરાલમાં જે વિવિધ પ્રકારની શક્તિઓ કામ કરે છે, તેમને દેવતાઓને અનુકૂળ બનાવી એમને ઉપયોગી વાતોમાં પ્રયોજવા, એમની સાથે સંબંધ સ્થાપવો, એનું જ નામ દેવતાઓને પ્રસન્ન કરવા કહેવાય. એ કાર્ય યજ્ઞથી સહેલાઈથી સધાય છે.

જગતમાં કદી કોઈ વસ્તુનો નાશ થતો નથી. કેવળ રૂપાંતર થતું રહે છે. જે વસ્તુ હવનમાં હોમવામાં આવે છે તે તથા વેદમંત્રોની શક્તિથી જે સદ્ભાવનાઓ યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, તે બંને મળીને આકાશમાં છવાઈ જાય છે. એનું પરિણામ આખા જગતને માટે કલ્યાણકારક નીવડે છે. આ પ્રકારે આ જગતની સેવાનું, વિશ્વમાં સુખશાંતિ ઉત્પન્ન કરવાનું યજ્ઞ એક ઉત્તમ માધ્યમ અને પુણ્યમય પરમાર્થ છે. યજ્ઞથી સાધકની આત્મશુદ્ધિ થાય છે, એનાં પાપ નાશ પામે છે તેમજ શાંતિ અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. સાચા હ્રદયથી યજ્ઞ કરનારાના લોક અને પરલોક સુધરે છે. જો એનું પુણ્ય પર્યાપ્ત થાય તો એને સ્વર્ગ કે મુક્તિ મળી જાય છે અને કદાચ બીજા જન્મ લેવો પડે તો સુખી, શ્રીમંત, સમૃદ્ધ અને ઊંચા પરિવારમાં તેનો જન્મ થાય છે. ત્યાર બાદ ભવિષ્યને માટે સુવિધાથી કર્મ કરીને તે પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે.

યજ્ઞનો અર્થ દાન, એકતા, ઉપાસના છે. આ ભાવનાઓ અને મનોવૃત્તિઓને વધારવાને માટે યજ્ઞનું આયોજન સ્થળ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. યજ્ઞનું વેદોક્ત આયોજન, શક્તિશાળી મંત્રોનું  ઉચ્ચારણ, વિધિપૂર્વક બનાવેલો કુંડ, શાસ્ત્રોક્ત સમિધાઓ તથા સામગ્રી જ્યારે ઠીક પ્રમાણમાં વિધાનપૂર્વક હોમવામાં આવે છે, ત્યારે એનો દિવ્ય પ્રભાવ વિસ્તૃત આકાશમંડળમાં ફેલાઈ જાય છે. એ પ્રભાવના પરિણામે પ્રજાના અંત:કરણમાં પ્રેમ, એકતા, સહયોગ, સદ્ભાવના, ઉદારતા, ઈમાનદારી, સંયમ સદાચાર, આસ્તિકતા આદિ સદ્ભાવો અને સદ્વિચારોનો સ્વયમેવ આવિર્ભાવ થવા માંડે છે. પર્ણોથી આચ્છાદિત દિવ્ય આધ્યાત્મિક વાતાવરણના દિવસોમાં જે સંતાન પેદા થાય છે તે પણ સ્વસ્થ, સદ્ગુણી અને ઉત્તમ વિચારો ધરાવનારું થાય છે. પ્રાચીનકાળમાં પુત્રપ્રાપ્તિ માટે પુત્રેષ્ઠિ કરવામાં આવતા હતા. એ ઉપરાંત જેમને સંતાનો થતાં હતાં, તેઓ પણ સદ્ગણી અને પ્રતિભાવાન, સંતાન પ્રાપ્ત કરવાને માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવતા હતા. ગર્ભાધાન, સીમંત, પુંસવન, જાતકર્મ, નામકરણ આદિ સંસ્કારો બાળકનો જન્મ થયા પછી અજ્ઞાન અવસ્થામાં જ થાય છે. એ દરેકમાં હવન થાય છે તેથી બાળકના મન પર દિવ્ય પ્રભાવ પડે છે અને મોટો થયા પછી પુરુષ સિંહ અને મહાપુરુષ થાય છે. પ્રાચીનકાળનો ઇતિહાસ સાક્ષી કે, જે જમાનામાં આ દેશમાં યજ્ઞની પ્રતિષ્ઠા હતી, તે જમાનામાં આ દેશમાં મહાપુરુષો અને નરરત્નોની વિપુલતા હતી. આજે યજ્ઞનો તિરસ્કાર કરીને અનેક દુર્ગુણો, રોગો, કુસંસ્કારો અને ખરાબ આદતોથી ગ્રસિત બાળકોથી આપણાં ઘરો ભરાઈ રહ્યાં છે.

યજ્ઞથી અદૃશ્ય આકાશમાં જે આધ્યાત્મિક વિદ્યુત-તરંગો ફેલાય છે, તે લોકોના મનમાંથી દ્વેષ, પાપ, અનીતિ, વાસના, સ્વાર્થ, કુટિલતા આદિ બૂરાઈઓને દૂર કરે છે. પરિણામે એનાથી અનેક સમસ્યાઓ હલ થાય છે. અનેક ગૂંચવણો, મુશ્કેલીઓ, દાવપેચના પ્રસંગો, ચિંતાઓ, ભય, આશંકાઓ અને ખરાબ સંભાવનાઓ સમૂળી નષ્ટ થઈ જાય છે. રાજા, ધનિક, સમૃદ્ધ લોકો અને ઋષિમુનિઓ મોટા મોટા યજ્ઞો કરાવતા હતા. તેનાથી દૂર દૂરનું વાતાવરણ નિર્મળ થતું હતું અને દેશવ્યાપી-વિશ્વવ્યાપી બૂરાઈઓ અને સંકટોનું નિવારણ થઈ જતું હતું. સામાન્ય લોકો પણ નાના યજ્ઞો કરાવતા હતા, જેનાથી એમના ઘરની, કુટુંબની, ગામની નાની નાની સમસ્યાઓનો ઉકેલ થઈ જતો હતો. વ્યાપક સુખ, સમૃદ્ધિ, વર્ષા, આરોગ્ય, સુખશાંતિને માટે મોટા મોટા યજ્ઞોની આવશ્યકતા પડે છે. પરંતુ નાના હવનો પણ પોતાની મર્યાદા પ્રમાણે લોકોને લાભ આપે છે. હવનમાં જેટલો ખર્ચ થાય છે તેનાથી હજારો ગણા મૂલ્યની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ અને આપત્તિઓથી નિવૃત્તિ મળે છે.

મોટા યજ્ઞો કરવાનું જેમનું સામર્થ્ય છે, તેમણે તે કરવા જોઈએ. અગ્નિનું મુખ ઈશ્વરનું મુખ છે. એમાં જે કંઈ ખવડાવવામાં આવે તે સાચા અર્થમાં બ્રહ્મભોજન છે. બ્રહ્મ અર્થાત્ પરમાત્મા. યજ્ઞના મુખમાં આહુતિ આપવી, એટલે પરમાત્માને ભોજન કરાવવું. ભગવાન આપણને સહુને ખવડાવે છે, તો આપણે પણ કર્તવ્ય છે કે, પોતાના ઉપર ઉપકાર કરનારની પ્રતિપૂજા કરવામાં કંજૂસાઈ ન કરવી, જેની આર્થિક સ્થિતિ સારી ન હોય, તેણે થોડું થોડું ઉઘરાણું કરીને સામૂહિક યજ્ઞની વ્યવસ્થા કરવી. જ્યાં એમ બની શકે એવું ન હોય ત્યાં કોઈ કોઈ વાર નાના નાના હવન કરવા અથવા જ્યાં નિયમિત યજ્ઞ થતા હોય ત્યાં પણ પોતાના તરફથી થોડીક આહુતિ આપવાની ગોઠવણ કરવી. કોઈ બીજું યજ્ઞ કરી રહ્યું હોય તો એમાં સમય, સહયોગ અને સહાય આપીને અને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો તે પણ ભાગીરથ કાર્ય થવા જેવું જ ગણાય. નિત્યનું અગ્નિહોત્ર બહુ સરલ છે. એમાં એટલો ખર્ચ થતો નથી, કે મધ્યમ વર્ગનો મનુષ્ય તેનો ભાર ન ઉપાડી શકે. જે લોકો નિત્ય હવન કરી શકતા નથી તેમણે સપ્તાહમાં એક વાર રવિવાર અથવા અમાસ અથવા પૂનમે હવન કરવાનો પ્રયત્ન કરવો. આ સાધારણ હવનનું વિધિવિધાન કઠિન નથી. “ગાયત્રી યજ્ઞવિધાન” પુસ્તકમાં એનો સરળ વિધિ આપવામાં આવ્યો છે. એને આધારે પુરોહિત વગર પણ સહેલાઈથી કોઈ પણ માણસ કરાવી શકે છે. જ્યાં કંઈ પણ વિધાનની ખબર ન હોય, ત્યાં કેવળ શુદ્ધ ઘીની આહુતિ ગાયત્રી મંત્રને અંતે “સ્વાહા’ શબ્દ બોલીને આપી શકાય છે. કોઈને કોઈ પ્રકારે યજ્ઞ પરંપરા ચાલુ રાખવામાં આવે તો એ ભારતીય સંસ્કૃતિની બહુ જ મોટી સેવા છે એ નાનું શું કર્મકાંડ પણ આપણા ઘરના વાયુ મંડળને શુદ્ધ કરવામાં અને બધા લોકો પર સત્ત્વગુણનો પ્રભાવ પાડવામાં ખૂબ જ સહાયક થાય છે. જેમના ઘરમાં હવન થતા રહે છે, ત્યાં પાપકર્મનો પ્રવેશ થતો નથી. પ્રેત-પિશાચ, દુઃખ-દુર્ભાગ્ય, અભાવ, દરિદ્રતા અને ક્લેશ-કલહનું શમન થતું રહે છે. યજ્ઞથી અગ્નિહોત્રના દેવતા પ્રસન્ન થઈને સુખશાંતિની વર્ષા કરતા રહે છે.

યજ્ઞ કોઈ પણ જાતનો નુકસાનીનો સોદો નથી, સાધારણ રીતે કરાયેલા હવનમાં જે પૈસા ખર્ચાય છે, તે એક પ્રકારે દેવતાઓની બેંકમાં જમા થાય છે અને તે સંતોષકારક પૂરતા વ્યાજ સાથે સંકટના સમયે આપણને પાછાં મળે છે. વિધિપૂર્વક શાસ્ત્રીય પદ્ધતિ અને વિશિષ્ટ ઉપચારો અને વિધિવિધાનથી કરાયેલા હવન તો વિશેષ મહત્ત્વના છે, એવા યજ્ઞો એક પ્રકારનું દિવ્ય અસ્ત્ર છે. દૈવી સહાય પ્રાપ્ત કરવાનો એ અચૂક ઉપાય છે. પ્રાચીનકાળમાં યજ્ઞથી ધારેલી વર્ષા થતી હતી. યજ્ઞશક્તિથી સુસજ્જિત થઈને યોદ્ધા લોકો અજેય બનતા હતા. યજ્ઞ દ્વારા યોગી લોકો પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરીને આત્મસાક્ષાત્કાર કરતા હતા. યજ્ઞ સમસ્ત રિદ્ધિ-સિદ્ધિઓનો પિતા છે. યજ્ઞને દેવોએ “કામધુક’ કહ્યો છે. તે મનુષ્યના અભાવોને દૂર કરનારો અને વિઘ્નોને દૂર કરનારો છે.

નાના પાયા પર કરેલો હોમ પણ બહુ જ ઉપયોગી થાય છે. એ દ્વારા ઘરની વાયુશુદ્ધિ, રોગનિવૃત્તિ અને અનિષ્ટોથી આત્મરક્ષા થાય છે અને વિધિપૂર્વક થયેલા યજ્ઞો તો અસાધારણ ફળ આપે છે. યજ્ઞ એક વિદ્યા છે. પાંચે તત્ત્વોનું હોમમાં એક વૈજ્ઞાનિક સંમિશ્રણ થાય છે, જેથી એક મહાન શક્તિનો આવિર્ભાવ થાય છે. યજ્ઞની એ પ્રચંડ શક્તિને “દ્વિ મૂર્ધા, દ્વિ નાસિકા, સપ્ત હસ્ત, દ્વિમુખ, સપ્ત જિહ્વા, ઉત્તર મુખ, કોટિ દ્વાદશ મૂર્ના, દ્વિ પંચ, શત્કલાયુતગમ્” આદિ વિશેષણો આપવામાં આવ્યાં છે.

આ રહસ્યમય સંકેતમાં એ બતાવવામાં આવ્યું છે કે, યજ્ઞાગ્નિની મૂર્ધા ભૌતિક અને અધ્યાત્મિક બને છે. આ ક્ષેત્રો સફળ બનાવી શકાય છે. સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકૃતિ યજ્ઞની નાસિકા છે. એના પર અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. સાતે પ્રકારની સંપત્તિઓ યજ્ઞના હાથમાં છે. વામ માર્ગ અને દક્ષિણ માર્ગ એ બે મુખો છે. સાત લોક જીભ છે. આ બધા લોકોમાં જે કાંઈ પણ વિશેષતાઓ છે, તે યજ્ઞાગ્નિના મુખમાં મોજૂદ છે. ઉત્તર ધ્રુવનું ચુંબકત્વ કેન્દ્ર અગ્નિમુખ છે. યજ્ઞની બાવન કલાઓ એવી છે, જેમાંથી થોડીક પ્રાપ્ત કરીને રાવણ આટલો શક્તિશાળી થઈ ગયો હતો. જો એ બધી કલાઓ પ્રાપ્ત થઈ જાય તો દુનિયાના બધા પદાર્થો અને હસ્તક થઈ જાય છે. યજ્ઞનો મહિમા અનંત છે. એનું આયોજન પણ ફળદાયક થાય છે. ગાયત્રી ઉપાસકોને તો યજ્ઞ પિતાતુલ્ય પૂજનીય ગાયત્રી ઉપાસકોને માટે યજ્ઞ આવશ્યક છે. એમણે યજ્ઞની પરંપરા ચાલુ રાખવી જોઈએ. પોતાના ઘરનું, પોતાની મનોભૂમિનું વાતાવરણ યજ્ઞમય રહે, એ માટે યજ્ઞ ભગવાનની પૂજા કરવી એ દરેક ગાયત્રી ઉપાસકોની ફરજ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: