૩૨. મહિલાઓને માટે કેટલીક વિશેષ સાધનાઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

મહિલાઓને માટે કેટલીક વિશેષ સાધનાઓગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

પુરુષોની જેમ સ્ત્રીઓને પણ વેદમાતા ગાયત્રીની સાધનાનો અધિકાર છે. ગતિહીન વ્યવસ્થાને ગતિશીલતામાં પરિણિત કરવાને માટે બે ભિન્ન ભિન્ન જાતનાં પારસ્પરિક આકર્ષણ કરવાવાળાં તત્ત્વોની આવશ્યકતા હોય છે. ઋણ (નેગેટિવ) અને ધન (પોઝીટિવ) શક્તિઓના પારસ્પરિક આકર્ષણ-વિકર્ષણ દ્વારા જ વિદ્યુત ગતિનો સંચાર થાય છે. પરમાણુના ઈલેકટ્રોન અને પ્રોટોન પારસ્પરિક આદાન પ્રદાનને લીધે ગતિશીલ હોય છે. શાશ્વત ચૈતન્યને ક્રિયાશીલ બનાવવાને માટે સજીવ સૃષ્ટિને નર અને માદાનાં બે રૂપોમાં વહેંચવામાં આવ્યું છે, કેમ કે એવું વિભાજન થયા વગર વિશ્વ નિશ્ચેષ્ટ અવસ્થામાં જ પડી રહેત. “રુચિ” અને “પ્રાણ” શક્તિનું સંમેલન જ તો ચૈતન્ય છે! નરતત્ત્વ અને નારીતત્ત્વનું પારસ્પરિક સંમેલન જ ન થાય તો ચૈતન્ય, આનંદ, સૂરણા, ચેતના, ગતિ, ક્રિયા, વૃદ્ધિ આદિનો લોપ થઈને એક જડ સ્થિતિ જ રહી જાય.

નરતત્ત્વ અને નારીતત્ત્વ એકબીજાના પૂરક છે. એકના વિના બીજું અપૂર્ણ છે. બંનેનાં મહત્ત્વ, ઉપયોગ, અધિકાર અને સ્થાન સમાન છે. વેદમાતા ગાયત્રીની સાધનાનો અધિકાર પણ સ્ત્રીઓને પુરુષોના જેટલો જ છે. જેઓ એમ કહે છે કે ગાયત્રી વેદમંત્ર હોવાથી તેનો અધિકાર સ્ત્રીઓને નથી, તેઓ ભારે ભૂલ કરે છે. પ્રાચીનકાળમાં સ્ત્રીઓ મંત્રદૃષ્ટા  હતી. વેદમંત્રોનું એમના દ્વારા અવતરણ થયું છે. ગાયત્રી પોતે સ્ત્રીલિંગ છે, તો સ્ત્રીઓને એનો અધિકાર ન હોવાનું કોઈ કારણ નથી. જે અશિક્ષિત, હીન મતિ, અપવિત્ર સ્ત્રી શુદ્ર છે, તે પોતે જ એવી પ્રવૃત્તિ ધરાવતી નથી અને એનું મહત્ત્વ સમજતી હોતી નથી, તેથી તે પોતાની માનસિક અવસ્થાના કારણે જ એનાથી વંચિત રહે છે.

સ્ત્રીઓ પણ પુરુષોની માફક ગાયત્રીની સાધના કરી શકે છે. જે સાધનાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે, તે બધી એમના અધિકારનું ક્ષેત્ર છે. પરંતુ સધવા સ્ત્રીઓ જેમને ઘરના કાર્યમાં વિશેષ ગૂંથાઈ રહેવું પડે છે અથવા જેમને નાનાં નાનાં બાળકો હોવાથી તેમના મળમૂત્રના સંપર્કમાં રહેવાનું હોવાથી તેમનાથી સ્વચ્છતા સચવાતી નથી તેમને માટે લાંબી સાધનાઓ અશક્ય છે. તેમણે સંક્ષિપ્ત સાધનાથી કામ ચલાવી લેવું. જે આખો ગાયત્રી મંત્ર યાદ ન રાખી શકતી હોય તેમણે સંક્ષિપ્ત ગાયત્રી પંચાક્ષરી મંત્ર (ૐ ભૂર્ભુવઃ સ્વઃ)થી કામ ચલાવવું. જ્યારે તેઓ રજસ્વલા હોય ત્યારે તેમણે વિધિપૂર્વકની સાધના બંધ રાખવી. કોઈ અનુષ્ઠાન ચાલી રહ્યું હોય તો એ દિવસોમાં તે રોકી રાખીને રજ: સ્નાન કર્યા પછી તેને ફરીથી ચાલુ કરવું.

નિઃસંતાન મહિલાઓ ગાયત્રી સાધના પુરુષોની જેમ જ વિધિપૂર્વક કરી શકે છે. અવિવાહિત કે વિધવા સ્ત્રીઓને માટે પુરુષો જેટલી જ સગવડ છે. જેમનાં છોકરાં મોટાં થઈ ગયાં છે, ખોળામાં કોઈ બાળક ન હોય અથવા તો વયોવૃદ્ધ હોય, તેમને કંઈ અગવડ હોતી નથી. સાધારણ દૈનિક સાધનામાં કોઈ વિશેષ નિયમો પાળવાની જરૂર નથી. દંપતી જીવનના સાધારણ ધર્મપાલનમાં એનાથી કંઈ વાધો આવશે નહીં. જો કોઈ વિશેષ સાધના કે અનુષ્ઠાન કરવું હોય તો એટલી અવધિ માટે બ્રહ્મચર્યનું પાલન ખાસ કરવું.

વિવિધ ઉદેશોને માટે કેટલીક સાધનાઓ નીચે આપવામાં આવી છે

• મનોનિગ્રહ અને બ્રહ્મપ્રાપ્તિ માટે  :  વિધવા બહેનો આત્મસંયમ, સદાચાર, વિવેક, બ્રહ્મચર્યપાલન, ઇન્દ્રિયનિગ્રહ અને મનને વશ કરવાને માટે ગાયત્રી સાધનાનો બ્રહ્માસ્ત્રના રૂપમાં પ્રયોગ કરી શકે છે. જે દિવસથી આ સાધનાનો આરંભ કરવામાં આવે છે, તે જ દિવસથી મનમાં શાંતિ, સ્થિરતા, બુદ્ધિ અને આત્મસંયમની ભાવના ઉત્પન્ન થાય છે. મન પર આપણો કાબૂ રહે છે અને ચિત્તની ચંચળતા નષ્ટ થઈ જાય છે અને વિચારોમાં સત્ત્વગુણી વૃદ્ધિ થાય છે. ઇચ્છાઓ રુચિઓ, ક્રિયાઓ, ભાવનાઓ એ સર્વે સત્ત્વગુણી, શુદ્ધ અને પવિત્ર રહેવા માંડે છે. ઈશ્વરપ્રાપ્તિ, ધર્મરક્ષા, તપશ્ચર્યા, આત્મકલ્યાણ અને ઈશ્વર-આરાધનામાં મન વધારે પ્રમાણમાં જોડાય છે. ધીરે ધીરે એમની સ્થિતિ સાધ્વી, તપસ્વિની, ઈશ્વરપરાયણ અને બ્રહ્મવાદિની જેવી થઈ જાય છે. ગાયત્રીના રૂપમાં ભગવાનનો એને સાક્ષાત્કાર થવા માંડે છે અને એવી આત્મશાંતિ મળે છે, જેની તુલનામાં સધવા રહેવાનું સુખ એમને નિતાન્ત તુચ્છ જણાય છે.

સવારમાં બહુ ગરમ નહીં અને બહુ શીતલ નહીં એવા પાણીથી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી ગાયત્રી સાધનામાં બેસવું. પાસે જળથી ભરેલું પાત્ર રાખવું, જપને માટે તુલસીની માળા અને પાથરવા કુશનું આસન રાખવું. વૃષભારૂઢ શ્વેત વસ્ત્રધારી, ચતુર્ભુજા પ્રત્યેક હાથમાં માળા, કમંડળ, પુસ્તક અને પુષ્પ રાખેલી પ્રસન્નમુખી-પ્રૌઢાવસ્થાવાળી ગાયત્રીનું ધ્યાન કરવું, આ ધ્યાન સત્ત્વગુણની વૃદ્ધિને માટે મનોવિગ્રહને માટે બહુ જ લાભદાયક છે. મનને ધ્યાનમાં વારંવાર સ્થિર કરવું જોઈએ અને સુખથી જપ કરતા રહેવું જોઈએ. પ્રાતઃ અને સાયં જપ કરવા. નિત્ય એક માળાનો જપ થવો જ જોઈએ અને સગવડ હોય તો વધારે જપ કરવા ઉત્તમ છે. તપશ્ચર્યાવાળા પ્રકરણમાં લખેલી તપશ્ચર્યાઓને સાથે જ કરાય તો વધારે સારું. કેવા પ્રકારના સ્વાસ્થ્યમાં અને વાતાવરણમાં કેવા પ્રકારની તપશ્ચર્યા કરવી એની સલાહ આ પુસ્તકના લેખકને જવાબી પત્ર લખીને મેળવી લેવી.

૦ કુમારિકાઓને માટે આશાસ્પદ સાધના  :  કુંવારી કન્યાઓએ પોતાના વિવાહિત જીવનમાં બધા પ્રકારની સુખશાંતિ મળે એ માટે ભગવતીની ઉપાસના કરવી. પાર્વતીજીએ મનપસંદ વર મેળવવા નારદજીના આશીર્વાદાનુસાર તપ કર્યું અને તેથી તેમનો મનોરથ પૂર્ણ થયો. સીતાજીએ પણ મનોવાંછિત વર મળે એટલાં ખાતર ગૌરી (પાર્વતી)ની ઉપાસના કરી હતી. નવરાત્રિમાં આસ્તિક ઘરની કન્યાઓ ભગવતીની આરાધના કરે છે. ગાયત્રીની ઉપાસના એમને માટે બધી રીતે મંગલમય છે.

ગાયત્રીનું ચિત્ર અથવા પ્રતિમા અથવા મૂર્તિની, કોઈ બીજા દેવની પૂજા કરવામાં આવે છે તેવી પૂજા કરવી. પ્રતિમાની સામે એક નાની થાળી રાખવી જોઈએ અને તેમાંથી ચંદન, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, પુષ્પ, જલ, ભોગ આદિ સામગ્રી ચઢાવવી. આરતી કરીને મૂર્તિના કપાળે ચંદન લગાડવું, નેત્રો બંધ રાખીને ધ્યાન કરવું અને મનમાં ઓછામાં ઓછા ર૪ ગાયત્રીના મંત્ર જપવા. જો ગાયત્રીનું ચિત્ર અથવા મૂર્તિ તમારે ત્યાં મળી શકે એમ ન હોય તો ગાયત્રી તપોભૂમિ મથુરાને લખીને મંગાવવા. આ પ્રકારની ગાયત્રી સાધના કુંવારી કન્યાઓને અનુકૂળ વર, ઘર તથા અખંડ સૌભાગ્ય પ્રદાન કરવામાં સહાય કરે છે.

૦ સૌભાગ્યવતીઓને માટે મંગલમયી સાધના  :  પોતાનો પતિ સુખી, સમૃદ્ધ, દૈવીગુણયુક્ત, સ્વસ્થ, પ્રસન્ન અને દીર્ઘજીવી બને એટલાં ખાતર સધવા સ્ત્રીઓએ ગાયત્રીનું શરણ લેવું જોઈએ. એનાથી પતિનો બગડેલો સ્વભાવ, વિચાર અને આચરણ શુદ્ધ થઈને એનામાં સાત્ત્વિક બુદ્ધિ આવે છે, જેથી તે પોતાના ગૃહસ્થ-જીવનના કર્તવ્ય ધર્મોનું તત્પરતા અને પ્રસન્નતાપૂર્વક પાલન કરી શકે. આ સાધનાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય તથા સ્વભાવમાં એક એવું આકર્ષણ પેદા થાય છે કે જેથી તે બધાંને પ્રિય લાગે છે અને તેમનો બધે સત્કાર થાય છે. પોતાની બગડેલી તંદુરસ્તી, ઘરના બીજા લોકોનું બગડેલું સ્વાસ્થ્ય, આર્થિક તંગી, વધેલો ખર્ચ, ઓછી આવક, પારિવારિક ક્લેશ, આપસમાં રાગદ્વેષ વગેરેને શાંત કરવાને માટે સ્ત્રીઓએ ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. પિતાનું કુળ અને પતિ કુળના એ બંને પક્ષોને માટે આ સાધના ઉપયોગી છે. પરંતુ સધવાઓની ઉપાસના પતિના કુળને માટે વિશેષ પ્રમાણમાં લાભદાયક થાય છે.

ઉપાસના સવારથી મધ્યાહ્નકાળ સુધીમાં કરી લેવી જોઈએ. જ્યાં સુધી સાધના ન થાય ત્યાં સુધી ભોજન કરવું નહિ. પાણીની છૂટ રાખી શકાય છે. શુદ્ધ શરીર, શુદ્ધ મન રાખી અને શુદ્ધ વસ્ત્ર પરિધાન કરીને પૂર્વ તરફ મોં કરીને બેસવું. કેશર નાખીને ચંદન પોતાને હાથે ઘસવું અને મસ્તક હૃદય તથા કંઠ પર તિલક કરવું. ગાયત્રીની મૂર્તિ અગર ચિત્રની સ્થાપના કરીને તેની વિધિવત્ પૂજા કરવી. પૂજાનાં બધાં કાર્યોમાં પીળા રંગનો ઉપયોગ કરવો. પ્રતિમાનું આવરણ પીળા વસ્ત્રનું રાખવું. પીળા પુષ્પો, પીળા ચોખા, બેસનના લાડુ આદિ પીળા પદાર્થોનો ભોગ, કેશર મેળવેલા ચંદનનું તિલક, આરતીને માટે ગાયનું પીળું ઘી અને ન મળે તો એમાં કેશર નાખીને પીળું બનાવી લેવું. આંખો બંધ કરીને પીતવર્ણ આકાશમાં પીળા સિંહ પર સવાર, પીતવસ્ત્ર પહેરેલી ગાયત્રીનું ધ્યાન કરવું. પૂજા કરતી વખતે બધાં વસ્ત્રો પીળા ન રાખી શકાય તો ઓછામાં ઓછું એક વસ્ત્ર તો પીળું રાખવું જ જોઈએ. આ પ્રકારે પીતવર્ણ ગાયત્રીનું ધ્યાન કરીને ઓછામાં ઓછા ૨૪ ગાયત્રી મંત્ર જપવા. જ્યારે જ્યારે વખત મળે ત્યારે ગાયત્રીનું ધ્યાન કરતા રહેવું. દર મહિનાની પૂનમે વ્રત રાખવું જોઈએ. રોજ પોતાના આહારમાં એક ચીજ પીળા રંગની અવશ્ય રાખવી. શરીરે કોઈ દિવસ હળદર ચોપડવી સારી છે. આ પીતવર્ણ સાધના દંપતી જીવનને સુખી બનાવવા માટે અત્યંત ઉત્તમ છે.

૦ સંતાનસુખ આપનારી ઉપાસના :  જેમનાં છોકરા માંદાં રહેતાં હોય, અલ્પ આયુષ્યમાં જ મરી જતાં હોય, કેવળ પુત્રીઓ જ થતી હોય, કસુવાવડ થઈ જતી હોય, ગર્ભ રહેતો ન હોય, વંધ્યાદોષ લાગુ પડ્યો હોય અથવા સંતાન દીર્ઘસૂત્રી, આળસુ, કુમાર્ગી હોય, તેઓ ગાયત્રી માતાને શરણે જઈને એ બધાનું નિવારણ કરી શકે છે. અમારી પાસે એવા હજારો ઉદાહરણો છે, જેમાં સ્ત્રીઓએ વેદમાતા ગાયત્રીનું શરણું લઈને, તેના ચરણોમાં પાલવ પાથરીને સંતાન સુખ માંગ્યું છે અને ભગવતીએ પ્રસન્નતાપૂર્વક તેમને તે આપ્યું પણ છે. માતાના ભંડારમાં કોઈ પણ વસ્તુની ખોટ હોતી નથી. તેથી એની કૃપા પ્રાપ્ત થતાં માણસને દુર્લભમાં દુર્લભ વસ્તુ મળે છે. એવી કોઈ વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થાય. તો પછી સંતાન સુખ જેવી સાધારણ વાત બની શકવાનું મુશ્કેલ નથી. જે સ્ત્રીઓ ગર્ભવતી હોય તેમણે સવારે સૂર્યોદય પહેલાં અને સાંજે સૂર્યાસ્ત પછી ગર્ભમાં ગાયત્રીના સૂર્ય જેવા પ્રચંડ તેજનું ધ્યાન કરવું અને મનમાં ગાયત્રીનો જપ કરવો. એમ કરવાથી તેમનાં બાળક તેજસ્વી, બુદ્ધિમાન, ચતુર, દીર્ઘજીવી તથા યશસ્વી થાય છે.

સવારે કેડે ભીનું વસ્ત્ર રાખીને શાંત ચિત્તે ધ્યાનાવસ્થિત થવું જોઈએ અને પોતાની યોનિને માર્ગે ગર્ભાશય સુધી પહોચતા સૂર્યકિરણો જેવા ગાયત્રીના પ્રકાશનું ધ્યાન કરવું, આંખો બંધ રાખવી. કટિપ્રદેશમાં તેજપૂંજનો અનુભવ કરવો. જપ ચાલુ રાખવા. આ સાધનાથી ગર્ભ રહે છે. કુંતીએ આ સાધનાના બળથી ગાયત્રીના દક્ષિણ ભાગ (સૂર્ય ભગવાન)ને પ્રસન્ન કરીને કુંવારી અવસ્થામાં જ કર્ણને જન્મ આપ્યો હતો. આ સાધના કુંવારી કન્યાઓએ કરવી નહીં.

સાધનામાંથી ઊઠીને સૂર્યને પાણી ચઢાવવું અને અર્થમાંથી બચેલું એક ખોબો પાણી પોતે પીવું. આ પ્રયોગથી વંધ્યા પણ ગર્ભધારણ કરે છે. બાળકો મરી જતાં હોય અથવા ગર્ભપાત થઈ જતો હોય, એમના એ દુઃખ મટી જઈને સંતોષદાયી સંતાનો રોગી, કુબુદ્ધિ, આળસુ, ચીડિયાં બાળકોને ખોળામાં લઈને માતાએ હંસવાહિની, ગુલાબી કમળ પુષ્પોથી લદાયેલી, શંખચક્ર હાથમાં ધારણ કરેલી એવી ગાયત્રી માતાનું ધ્યાન કરવું અને મનમાં ને મનમાં જ જપ કરવા. માતાના જપનો પ્રભાવ ખોળામાં સુતેલા બાળક પર પડે છે. બાળક નાનું હોય તો સાધનના સમયે તેને દૂધ પાતા રહેવું અને મોટું હોય તો તેના માથા પર અને શરીર પર હાથ ફેરવતા રહેવું. બાળકોની શુભ કામનાને માટે ગુરુવારનું વ્રત ઉપયોગી છે. સાધનામાંથી ઊઠયા પછી સૂર્યને અર્થ આપવો અને પછી વધેલું પાણી માર્જનની જેમ બાળક પર છાંટવું.

• કોઈ વિશેષ આવશ્યકતા માટે :  પોતાના કુટુંબ પર, પરિજનો પર અથવા પ્રિયજનો પર આવી પડેલી કોઈ આપત્તિના નિવારણને માટે અથવા કોઈ આવશ્યક કાર્યમાં ઊભા થયેલ કોઈ અવરોધ માટે તેમજ મુસીબતને હટાવવાને માટે દૈવી સહાયતા મેળવવા ગાયત્રીની સાધના સર્વોત્તમ છે. કોઈ વિશેષ કામના મનમાં હોય અને તેમાં મુશ્કેલીઓ જણાય તો સાચા હ્રદયથી વેદમાતા ગાયત્રીની પ્રાર્થના કરવી જોઈએ. માતા જેમ પોતાના બાળકની હાંક સાંભળીને દોડી આવે છે, તેમ ગાયત્રીની ઉપાસિકાઓ પણ માતાની અમીટ કરુણાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે છે.

નવ દિવસનું લઘુ અનુષ્ઠાન અથવા ચાલીસ દિવસોનું પૂર્ણ અનુષ્ઠાન જેનું વર્ણન આ પુસ્તકમાં આપ્યું છે, એનો ઉપયોગ તત્કાલીન આવશ્યકતાની પૂર્તિ માટે કરી શકાય. પોતે ન કરી શકે એમ હોય તો કોઈ ગાયત્રી વિદ્યાના જ્ઞાતા પાસે એ કરાવવું. તપશ્ચર્યા પ્રકરણમાં લખેલી તપશ્ચર્યાઓ ભગવતીને પ્રસન્ન કરવામાં પ્રાયઃ સફળ થાય છે. એક વર્ષનું ગાયત્રી-ઉદ્યાપન-વ્રત બધી કામનાઓ પૂર્ણ કરે એવું છે, જેમ પુરુષોને માટે ગાયત્રી અનુષ્ઠાન એક સર્વપ્રદાન સાધન છે તેમજ સ્ત્રીઓ માટે પણ ગાયત્રી ઉદ્યાપનનો વિશેષ મહિમા છે. એનો આરંભ કરવામાં વિશેષ તકલીફ તેમ જ પ્રતિબંધ નડતા નથી. સરળતાની દૃષ્ટિએ એ સ્ત્રીઓને વિશેષ ઉપયોગી છે. માતાને પ્રસન્ન કરવાને માટે ઉદ્યાપનની પુષ્પમાળા માતાનો એક પરમપ્રિય ઉપહાર છે.

નિત્યની સાધનામાં ગાયત્રી ચાલીસાનો પાઠ સ્ત્રીઓને માટે ઘણો હિતકર છે. જનોઈને સ્થાને ગળામાં કંઠી ધારણ કરીને સ્ત્રીઓ દ્વિજત્વ પ્રાપ્ત કરી લે છે અને ગાયત્રીની અધિકારિણી બની જાય છે. સાધનાનો આરંભ કરતાં પહેલાં ઉત્કલન કરી લેવું જોઈએ. આ પુસ્તકમાં અગાઉનાં પાનાંમાં ઉત્કીલન એટલે શું તે સવિસ્તાર સમજાવવામાં આવ્યું છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: