૩૬. માતા સાથે વાર્તાલાપ કરવાની સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
માતા સાથે વાર્તાલાપ કરવાની સાધના , ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
સાધનાની દિવ્ય જ્યોતિ જેમ જેમ અધિક પ્રકાશિત થતી જાય છે, તેમ તેમ અંતરાત્માની ગ્રહણ શક્તિ વધતી જાય છે. રેડિયો યંત્રની અંદર બલ્બ લગાવેલા હોય છે. વીજળીનો સંચાર થવાથી તે બળવા માંડે છે. પ્રકાશ થતાં જ યંત્રનો ધ્વનિ પકડનારો ભાગ જાગૃત થાય છે અને ઈશ્વર તત્ત્વમાં ભ્રમણ કરતા સૂક્ષ્મ તરંગોને પકડવા માંડે છે. એ ક્રિયાને “રેડિયો વાગે છે એમ કહેવાય છે. સાધના એક વીજળી છે, જેનાથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના બલ્બ દિવ્ય જ્યોતિથી ઝગમગવા લાગે છે. આ પ્રકારનો સીધો પ્રભાવ અંતરાત્મા પર પડે છે. જેથી એનો સૂક્ષ્મ આત્મા જાગૃત થઈ જાય છે અને દિવ્ય સંદેશાઓ, ઈશ્વરીય આદેશોને પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને સમજવાની યોગ્યતા ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકારે સાધકનું અંતઃકરણ રેડિયો જેવું બની જાય છે અને એના દ્વારા સૂક્ષ્મ જગતની મોટી મોટી રહસ્યમય વાતોનું પ્રકટીકરણ થાય છે.
દર્પણ જેવું અંતઃકરણ જેટલું સ્વચ્છ અને નિર્મળ હશે, તેટલું સ્પષ્ટ પ્રતિબિંબ તેમાં પડશે. મેલો અરીસો ઝાંખો હોય છે. તેમાં ચહેરો સાફ દેખાતો નથી. સાધનાથી અંતરાત્મા નિર્મળ થઈ જાય છે અને એમાં દૈવી તત્ત્વોનો ઈશ્વરીય સંકેતોનો અનુભવ સ્પષ્ટરૂપે થાય છે. અંધારાંમાં શું થઈ રહ્યું છે, તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. પણ દીવો સળગાવવાથી ક્ષણ પહેલાંના અંધારાંમાં છુપાયેલી બધી વસ્તુઓ પ્રકટ થાય છે અને તેનું રહસ્ય પ્રત્યક્ષ થઈ જાય છે.
ગાયત્રી સાધકોની મનોભૂમિ સ્વચ્છ થઈ જાય છે અને એમાં અનેક ગુપ્ત વાતોનું રહસ્ય આપણને સ્પષ્ટ દેખાવા લાગે છે. આ તથ્યને ગાયત્રી દર્શન અથવા વાર્તાલાપ પણ કહી શકાય. સાધનાની પરિપકવ અવસ્થામાં તો સ્વપ્નમાં યા જાગૃત અવસ્થામાં ભગવતીનું દર્શન કરવાનો દિવ્ય ચક્ષુઓનો લાભ મળે છે અને એનો સંદેશ સાંભળવાનું સૌભાગ્ય આપણા દિવ્ય કાનોને પ્રાપ્ત થાય છે, કોઈકને પ્રકાશમયી જ્યોતિના રૂપમાં, કોઈકને અલૌકિક દૈવી રૂપમાં, કોઈકને સંબંધિત કોઈ સ્નેહભરી નારીના રૂપમાં દર્શન થાય છે. કોઈ એના સંદેશ પ્રત્યક્ષ વાર્તાલાપની જેમ પ્રાપ્ત કરે છે. કોઈને કોઈ બહાને આડકતરી રીતે વાત સંભળાઈ કે સમજાઈ હોય એવું પ્રતીત થાય છે, તો કોઈકને આકાશવાણીની માફક સ્પષ્ટ શબ્દોમાં આદેશ મળે છે. એ સાધકોની વિશેષ મનોભૂમિ પર આધાર રાખે છે. દરેકને આપ્રકારના અનુભવો થતા નથી.
પરંતુ એક રીતે દરેક સાધક માતા પાસે પહોંચી શકે છે અને પોતાની આત્મિક શક્તિને અનુરૂપ સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉત્તર પ્રાપ્ત કરી શકે છે. તે રીત એવી છે કે, એકાંત સ્થળમાં શાંત ચિત્તે આરામથી શરીરને ઢીલું કરીને બેસવું, ચિત્તને ચિંતામાંથી રહિત રાખવું. શરીર અને વસ્ત્રો સ્વચ્છ રાખવા. આંખો મીંચીને પ્રકાશ જ્યોતિ યા હંસવાહિનીના રૂપમાં હૃદયસ્થાન પર ગાયત્રી શક્તિનું ધ્યાન કરવું અને મનમાંના પોતાના પ્રશ્નો ભગવતીની સામે રજૂ કરવા. આવું ધ્યાન દસ મિનિટ સુધી કર્યા પછી એવી રીતે ત્રણ શ્વાસ લેવા કે જાણે અખિલ વાયુમંડળમાં વ્યાપેલી મહાશક્તિ શ્વાસ દ્વારા આપણા અંતઃકરણના કણકણમાં વ્યાપ્ત થઈ ગઈ છે. હવે ધ્યાન બંધ કરો અને મનને બધા પ્રકારના વિચારોમાંથી બિલકુલ મુક્ત કરી દો. પોતે કોઈ પણ વિચાર શરૂ ન કરો. મન અને હૃદય સર્વથા વિચાર શૂન્ય થઈ જવા જોઈએ.
આ શૂન્યાવસ્થામાં સ્તબ્ધતાનો ભંગ કરે એવી સ્ફુરણા અંતઃકરણમાં થાય છે જેમાંથી અનાયાસે જ કોઈ અચિંત્ય ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એકાએક કોઈ વિચાર અંતરાત્મામાં ઉદ્ભવ થાય છે. જાણે કોઈ અજ્ઞાત શક્તિઓએ ઉત્તર સુઝાડ્યો ન હોય ! પવિત્ર હૃદય જ્યારે ઉપરોક્ત સાધના દ્વારા વધારે દિવ્ય પવિત્રતાથી પરિપૂર્ણ થઈ જાય છે, ત્યારે સૂક્ષ્મ દૈવી શક્તિ જે વ્યષ્ટિ અંતરાત્મા અને સમષ્ટિ પરમાત્મા સમાનરૂપે વ્યાપ્ત છે, એ પવિત્ર હૃદય પર પોતાનું કાર્ય કરવાનો આરંભ કરી દે છે અને કોઈ એવા પ્રશ્નો, સંદેહો અને શંકાઓના ઉત્તરો મળી રહે છે, જે અગાઉ ઘણા જ વિવાદાસ્પદ, સંદેહમય અને રહસ્યમય જણાતા હતા. આ પ્રક્રિયાથી ભગવતી વેદમાતા ગાયત્રી સાધક સાથે વાર્તાલાપ કરે છે અને તેની અનેક જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. આવો ક્રમ જો વ્યવસ્થાપૂર્વક આગળ વધતો રહે તો એ શરીરરહિત દિવ્યમાતા સાથે વાર્તાલાપ કરી શકવાનું સંભવ થાય છે. જન્મ આપનાર મનુષ્ય-શરીરધારી માતા સાથે વાત કરવા જેટલું આ પણ સંભવિત છે.
માતા સાથે વાર્તાલાપનો વિષય નીચે જણાવેલી આવશ્યકતાના સંબંધોને લગતો ન હોવો જોઈએ. વિશેષતઃ આર્થિક પ્રશ્નોને માધ્યમ ન બનાવવા જોઈએ. કેમ કે સ્વાર્થ. લોભ સાંસારિકતા આદિના અન્ય અનેક મલિન ભાવો ઊઠે છે અને અંતઃકરણની પવિત્રતા જે માતાની સાથે વાર્તાલાપ કરવા માટે આવશ્યક છે તેનો નાશ કરી દે છે. ચોરાઈ ગયેલી વસ્તુ, જમીનમાં દાટેલું ધન, તેજીમંદી, સટ્ટો, લોટરી, હારજીત, આયુષ્ય, સંતાન, સ્ત્રી, ખટલો, નોકરી, લાભ કે હાનિ જેવા પ્રશ્નોને માધ્યમ બનાવીને જે લોકો એ દૈવીશક્તિ સાથે વાર્તાલાપ કરવાનું ઇચ્છે છે તેઓ માતાની દૃષ્ટિમાં તેની સાથે વાર્તાલાપ કરવાને યોગ્ય અધિકારી નથી ગણાતા. એવા અધિકાર વગરના લોકોના પ્રયત્નો સફળ થતા નથી. એમની મનોભૂમિમાં પ્રાયઃ કોઈ દૈવી સંદેશા આવતા નથી. અને જો આવે તો તે માતાના શબ્દો ન રહેતાં કોઈ બીજા જ સ્ત્રોતમાંથી આવેલા હોય છે પરિણામે એની સત્યતા અને વિશ્વસનીયતા શંકાને યોગ્ય હોય છે.
વર્તમાન યુગમાં આ જાતનો દોષ લોકોમાં ખૂબ જ ફેલાયેલો દેખાય છે. આ અર્થપ્રધાન યુગમાં ધનને અતિશય મહત્ત્વ મળ્યું છે. જેથી કરીને મનુષ્યની આધ્યાત્મિક શક્તિઓ કુંઠિત થઈ ગઈ છે. એવા અર્થદષ્ટિવાળા માણસોની દૃષ્ટિએ દેવદેવતાઓની પૂજા અને ઈશ્વરની ઉપાસનાનું મૂલ્ય, દુન્યવી વૈભવ અને સંપત્તિની પ્રાપ્તિ સુધી જ મર્યાદિત દૃષ્ટિએ સીમિત જ છે. ધનની મોહિનીએ મનુષ્યોની બુદ્ધિને એવી ભ્રમિત કરી નાંખી છે કે તેને માટે તેઓ ધર્મને ત્યાગવા-વેચવા પણ તૈયાર થઈ જાય છે. થોડા પૂજાપાઠ કે ભજન-કીર્તનથી અલૌકિક શક્તિઓનો આભાસ પ્રાપ્ત કરવાની આજના માનસથી પ્રેરિત થયેલી આશા ખરેખર નિરર્થક જ છે. એ આશાઓ કદી પણ ફળી શકે નહિ. એવી અલૌકિક શક્તિઓને આભાસની પ્રાપ્તિ કરવા માટે તો દૃષ્ટિ અત્યંત ઉચ્ચ અને વિશાળ રાખવી પડે. માત્ર સ્વાર્થી દૃષ્ટિ કામમાં આવે નહિ. પરમાર્થ જ મહત્ત્વનો છે. પરમાર્થનો સતત ખ્યાલ રાખવામાં આવે તો જ અલૌકિક તત્ત્વોની પ્રાપ્તિની આશા રાખી શકાય.
માતા સાથેનો વાર્તાલાપ આધ્યાત્મિક, ધાર્મિક, આત્મકલ્યાણકારી, જનહિતકારી, પારમાર્થિક, લોકહિતના પ્રશ્નો વિષેનો જ હોવો જોઈએ. કર્તવ્ય અને અકર્તવ્યની ગૂંચો, વિવાદાત્મક વિચારો, વિશ્વાસો અને માન્યતાઓ બાબત જ એ વાર્તાલાપનો આરંભ થવો જોઈએ.
આ પ્રકારના વાર્તાલાપોમાં પોતાના તથા બીજા મનુષ્યોના પૂર્વજન્મો, પૂર્વસંબંધો વિશેની કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો બહાર આવે છે, જીવન નિર્માણનો સુઝાવ મળે છે, તેમ જ એવા સંકેતો મળે છે, જે અનુસાર કાર્ય કરવાથી આ જ જન્મમાં આશાજનક સફળતા પ્રાપ્ત થાય છે. સદ્ગુણોનો, સાત્ત્વિકતાનો, મનોબળનો, દૂરદર્શિતાનો, બુદ્ધિમત્તાનો તથા આંતરિક શાંતિનો ઉદ્ભવ તો અવશ્ય જ થાય છે. આમ માતા સાથેનો વાર્તાલાપ સર્વપ્રકારે કલ્યાણકારક સિદ્ધ થાય છે.
પ્રતિભાવો