૩૧. નવરાત્રિઓમાં ગાયત્રી-સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

નવરાત્રીઓમાં ગાયત્રી સાધના, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

આમ તો વર્ષા, શરદ, શિશિર, હેમન્ત, વસંત, ગ્રીષ્મ આ છ ઋતુઓ હોય છે. છતાં શિયાળો, ઉનાળો તથા ચોમાસું એ ત્રણ જ ઋતુઓ માનવામાં આવે છે. પરંતુ ખરી રીતે તો ઋતુઓ બે જ છે. (૧) શિયાળો અને (૨) ઉનાળો. વરસાદ તો બંને ઋતુઓમાં પડે છે. ઉનાળામાં વરસાદ શ્રાવણ-ભાદરવામાં પડે છે, શિયાળામાં પોષ-મહામાં પડે છે. ઉનાળામાં પાણી વધારે પ્રમાણમાં પડે છે, શિયાળામાં ઓછું. આટલું અંતર હોવા છતાં પણ બંને ઋતુમાં પાણી પડવાની આશા રખાય છે. આ બે ઋતુઓના મળવાથી થતા સંધિના સમયને નવદુર્ગા (નવરાત્રિ) કહેવામાં આવે છે.

દિવસ અને રાત્રિના મળવાના સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે અને એ મહત્ત્વપૂર્ણ સંધ્યાકાળ વખતે ભારે સાવધાનીથી રહેવું પડે છે. સૂર્યોદય કે સૂર્યાસ્તના વખતે ભોજન કરવું, સૂઈ રહેવું, મૈથુન કરવું, પ્રવાસનો આરંભ કરવો, આદિ કેટલાંક કાર્યો વર્જિત છે. આ સમય ઈશ્વર સાધના, સંધ્યાવંદન, આત્મ-સાધના આદિ કાર્યોમાં વાપરવો જોઈએ, કારણ કે એ સમય એ કાર્યો માટે સૂક્ષ્મ દૃષ્ટિએ અધિક ઉપયોગી છે. તે વખતે એ કાર્ય કરવાથી થોડા જ શ્રમથી આશ્ચર્યજનક સફળતા મળે છે. આ પ્રકારે જે કાર્યો વર્જિત છે તે અન્ય સમય કરતાં આ વખતે વિશેષ હાનિકારક છે. શરદી અને ગરમીની ઋતુઓનું મિલન એ દિવસ અને રાત્રિના મિલન જેવો સંધ્યાકાળ છે. પુણ્યપર્વ છે. પુરાણોમાં કહ્યું છે કે, ઋતુઓ નવ દિવસ માટે રજસ્વલા-ઋતુમતી થાય છે. જેમ રજસ્વલાના વિશેષ આહાર-વિહાર અને આચાર-વિચાર પર ધ્યાન રાખવું આવશ્યક છે, તેમજ આ સંધ્યાકાળમાં સંધિવેળામાં-રજસ્વલા-અવધિમાં વિશેષ સ્થિતિમાં રહેવાની આવશ્યકતા હોય છે.

આરોગ્યશાસ્ત્રના પંડિતો જાણે છે કે, અશ્વિન ચૈત્રમાં જે સૂક્ષ્મ ઋતુ પરિવર્તન થાય છે, એનો પ્રભાવ માનવ શરીર પર પુષ્કળ થાય છે. એ પ્રભાવથી સ્વાસ્થ્યની દીવાલો હાલી ઉઠે છે અને અનેક માણસો તાવ, ઝાડા, મરડો, પેટનો દુઃખાવો આદિ અનેક રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. વૈદ્ય દાકતરોના દવાખાનામાં દર્દીઓનો મેળો જામે છે. લોકો જાણે છે કે વમન, વિરેચન વગેરેથી શરીર શુદ્ધિ માટે આસો અને ચૈત્ર માસ સહુથી વધારે યોગ્ય છે. એ સમયમાં દશેરા અને રામનવમી જેવા બે મોટા તહેવારો નવરાત્રિના અંતમાં આવે છે. એવા મહત્ત્વપૂર્ણ તહેવારો માટે એ જ સમય સૌથી વધારે યોગ્ય છે. નવરાત્રિના અંતમાં ભગવતી દુર્ગા પ્રગટ થઈ. ચૈત્રી નવદુર્ગાઓના અંતમાં ભગવાન રામનો અવતાર થયો. એ અમાસ-પૂર્ણિમાની સંધ્યા-ઉષા જેવી જ છે કે જેના અંતમાં ચંદ્ર અને સૂર્યનો ઉદય થાય છે.

આસો અને ચૈત્ર માસના શુકલ પક્ષની પ્રતિપદા (પડવા)થી નવમી સુધી નવરાત્રિ રહે છે. એ સમય ગાયત્રી સાધનાને માટે સૌથી વધારે યોગ્ય છે. એ દિવસોમાં ઉપવાસ રાખીને ચોવીસ હજાર મંત્રોનું એક નાનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ નાની સાધના પણ મોટી સાધના જેવી જ ઉપયોગી સિદ્ધ થાય છે.

એક ટાણું અન્નાહાર, એક ટાણું ફલાહાર, બે વખત દૂધ અને ફળો. એક સમય આહાર, ફળ-દૂધનો આહાર, કે કેવળ દૂધનો આહાર એમાંથી જે કોઈ પણ જાતનો ઉપવાસ કરવો. અનુકૂળ હોય તે અનુસાર સાધનાનો આરંભ કરી દેવો જોઈએ. સવારમાં બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને શૌચ સ્નાનથી નિવૃત્ત થઈને અગાઉ આપેલા નિયમો ધ્યાનમાં રાખીને ઉપાસના કરવા બેસવું જોઈએ. નવ દિવસોમાં ચોવીસ હજાર જપ કરવાના હોય છે. દરરોજ ૨૬૬૭ મંત્ર જપવાના હોય છે. એક માળામાં એકસો આઠ મણકા હોય છે. દરરોજ ૨૭ માળાઓ જપવાથી એ સંખ્યા પૂરી થઈ જાય છે. ત્રણ ચાર કલાકમાં સામાન્ય ગતિ અનુસાર એટલી માળાઓ સહેલાઈથી જપી શકાય છે. જો એક બેઠકના એકી સાથે એટલાં જપ કરવા કઠણ લાગે તો સવાર-સાંજ મળીને પૂરા કરવા. છેલ્લો દિવસ હવનને માટે છે. એ દિવસે પહેલા વર્ણવેલી હવનવિધિ પ્રમાણે ઓછામાં ઓછી ૧૦૮ આહુતિઓનો હવન કરવો. બ્રહ્મભોજન અને યજ્ઞ પૂર્તિની દાન-દક્ષિણાની પણ યથાશક્તિ વ્યવસ્થા કરવી.

આ નાનું નવ દિવસનું અનુષ્ઠાન નવદુર્ગાઓના સમયમાં દર સાલ કરતા રહીએ તો સૌથી ઉત્તમ. પોતે ન કરી શકાય તો કોઈ અધિકારી સુપાત્ર બ્રાહ્મણ મારફત કરાવી લેવું. આ નવ દિવસો સાધનાને માટે અત્યન્ત મહત્ત્વના છે. કષ્ટ નિવારણ, કામના પૂર્તિ અને આત્મબળ વધારવાને માટે એ દિવસોની ઉપાસના ખાસ લાભદાયક થઈ પડે છે. એ સમયમાં વાચકે એક નાનું અનુષ્ઠાન કરીને એનો લાભ અનુભવી જોવો.

નવરાત્રિ સિવાયના દિવસોમાં પણ નાનાં અનુષ્ઠાનો એ પ્રકારે કરી શકાય છે. સવા લાખ જપનું ચાલીસ દિવસમાં પૂરું થનારું પૂર્ણ અનુષ્ઠાન છે. નવ દિવસોનું અનુષ્ઠાન એકપાદ (પંચમશ) અનુષ્ઠાન કહેવાય છે. સગવડ અને આવશ્યકતાનુસાર એ પણ કરતા રહેવું જોઈએ.

આ તપનું ધન જેટલા પ્રમાણમાં વધારે એકઠું કરી શકાય તેટલું ઉત્તમ છે.

નાનો ગાયત્રી મંત્ર

જેમ સવા લક્ષ જપનું પૂર્ણ અનુષ્ઠાન કરી શકનાર માટે નવ દિવસનું ચોવીસ હજાર જપનું લઘુ અનુષ્ઠાન થઈ શકે છે. તેમજ થોડું ભણેલા, અભણ, બાળકો અથવા સ્ત્રીઓને માટે લઘુ ગાયત્રી મંત્ર છે. ૨૪ અક્ષરોનો પૂર્ણ મંત્ર જેઓ યાદ ન રાખી શકે, તે પ્રણવ અને વ્યાહૃતિઓ અર્થાત્ ૐ ભૂર્ભુવઃ સ્વઃ આટલાં નાના પંચાક્ષરી મંત્રનો જપ કરીને કામ ચલાવી શકે છે. જે ચારે વેદોનું બીજ ચોવીસ અક્ષરોવાળી ગાયત્રી છે, તે જ રીતે ગાયત્રીનું મૂળ પંચાક્ષરી મંત્ર અને વ્યાહૃતિઓ છે.

ૐ ભૂર્ભુવઃ સ્વઃ આ મંત્ર અલ્પજ્ઞાનવાળા માણસોને માટે ખૂબ ઉપયોગનો છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: