૨૨. નિષ્કામ સાધનાનું તત્ત્વજ્ઞાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
નિષ્કામ સાધનાનું તત્ત્વજ્ઞાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રીની ઉપાસના નિષ્કામ ભાવનાથી કરવામાં આવે કે સકામ ભાવનાથી કરવામાં આવે, પણ એનું ફળ અવશ્ય મળે છે. ભોજન સકામ ભાવનાથી કરવામાં આવે કે નિષ્કામ ભાવનાથી કરવામાં આવે પણ ભૂખ તો શાંત થાય છે. પરિણામે તેમાંથી રક્ત પણ અવશ્ય થાય છે. જે ગીતા આદિ સત્ શાસ્ત્રોમાં નિષ્કામ કર્મ પર આટલો ભાર મૂકવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે ઉચિત રીતે કરાયેલા કર્મથી પણ આપણું ધારેલું ફળ મળી જ જાય એવું બનતું નથી. કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે, પૂરી સાવધાની અને તત્પરતાથી સાધક ખિન્ન, નિરાશ અને અશ્રદ્ધાળુ થઈ જાય છે અને શ્રેષ્ઠ સાધના માર્ગથી ઉદાસીન થઈ જાય છે. તેથી શાસ્ત્રકારો નિષ્કામ કર્મને, નિષ્કામ સાધનાને અધિક શ્રેષ્ઠ માને છે અને એના પર વધારે ભાર મૂકે છે.
એનો અર્થ એ નથી કે, સાધનાનો શ્રમ નિરર્થક ચાલ્યો જાય છે અથવા સાધના- પ્રણાલી જ સંદિગ્ધ છે. એ પ્રામાણિકતા અને વિશ્વસતામાં જરા પણ સંદેહ કરવાની જરૂર નથી. આ દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોનો એક કણ પણ ફોગટ જતો નથી. આજ સુધીમાં જેણે આ દિશામાં ડગલું ભર્યું છે, તેને પોતાના પરિશ્રમનું ભરપૂર ફળ મળ્યું છે. કેવળ એક જ અડચણ છે કે, સદા ઇચ્છિત મનોવાંછિત પૂર્ણ જ થવાની નિશ્ચિતતા હોતી નથી. કારણ એ છે કે, પ્રારબ્ધ કર્મોનો પરિપાક થઈને જે ભવિષ્ય બની ચૂકી છે, તે કમરખાને મિટાવવાનું મુશ્કેલ બને છે. એ રેખા કેટલીકવાર તો સાધારણ હોય છે અને પ્રયત્ન કરવાથી તેમાં ફેરફાર થઈ જાય છે અને કેટલીક વાર કર્મના એ ભોગ એટલાં પ્રબળ અને સુનિશ્ચિત હોય છે કે, એમને ટાળવાનો સંભવ હોતો નથી. એવા કઠણ પ્રારબ્ધોના બંધનમાં મોટા મોટાઓને પણ બંધનો અને તેની યાતનાઓ ભોગવવી પડે છે.
રામનું વનગમન, સીતાનું હરણ, કૃષ્ણનું શિકારીના હાથે ઘાયલ થઈને સ્વર્ગે સિધાવવું, હરિશ્ચંદ્રને સ્ત્રી-પુત્ર વેચવા પડ્યાં, નળે કરેલો દમયંતીનો ત્યાગ, પાંડવોનું હિમાલયમાં ગળાઈ જવું, શબ્દવેધી બાણ મારવામાં કુશળ પૃથ્વીરાજનું મલેચ્છોના કેદી થઈને મરવું, આવી અસંખ્ય ઘટનાઓ ઇતિહાસમાં જોવા મળે છે. આથી આશ્ચર્ય થાય છે કે, આવા લોકો પર પણ વિપત્તિઓ શા કારણે આવી પડી ? એનાથી વિપરીત એવી ઘટનાઓ પણ છે કે સાવ તુચ્છ અને દુઃખી પરિસ્થિતિના લોકોને મોટાં મોટાં અને ઊંચા પદો મળ્યાં છે. કેવળ દૈવી સહાયતા વડે જ તેમને વિના શ્રમે આટલો ઉત્કર્ષ પામેલા જોઈને આપણે આશ્ચર્યમાં ડૂબી જઈએ છીએ. આવી ઘટનાઓનું સમાધાન પ્રારબ્ધના ભલાબૂરા ભોગોની અમિટતાના આધાર પર જ થઈ શકે છે. જે બનવાનું હોય તે બન્યા જ કરે છે. પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી શકે એમ નથી.
અહીં એવો સંદેહ ઉત્પન્ન થાય છે કે, જો પ્રારબ્ધ જ પ્રબળ હોય, તો પછી પ્રયત્ન કરવાથી શો લાભ ? એવો સંદેહ કરનારાઓએ સમજવું જોઈએ કે જીવનમાં બધાં જ કાર્યો કંઈ પ્રારબ્ધ પર નિર્ભર હોતાં નથી. કેટલીક ખાસ ભવિતવ્યતાઓ જ એવી અટલ હોય છે કે, જેમાં કંઈ ફેરફાર ન થઈ શકે. જીવનનો મોટો ભાગ એવો હોય છે કે જેમાં તાત્કાલિક કર્મોનું જ ફળ પ્રાપ્ત થતું રહે છે. ક્રિયાનું પરિણામ તરત જ મળી જાય છે. પણ કદી કદી એમાં અપવાદ આવતા રહે છે કે સારું કરવા જતાં બૂરું થાય છે અને બૂરું કરવા જતાં સારું થઈ જાય છે. સખત મહેનત કરનાર અને ચતુર વ્યક્તિ હંમેશાં તંગીમાં જ રહે છે અને મૂર્ખ તથા આળસુ માણસને અનાયાસે લાભ મળી જાય છે. એવા અપવાદો હંમેશાં હોતા નથી. કદી કદી જ જોવામાં આવે છે. જો એવી જ ઊંધી-ચત્તી ઘટનાઓ રોજ બન્યા કરે તો દુનિયાની બધી વ્યવસ્થા જ બગડી જાય અને કર્તવ્યમાર્ગ જ નષ્ટ થઈ જાય. કર્મ અને ફળનું બંધન કદી નજરે ન પડતું હોય તો લોકો કર્તવ્યનો માર્ગ છોડી દઈને થવાનું હશે તે થશે એમ ગણીને ભાગ્યને ભરોસે બેસી રહેવાની જ નીતિ અપનાવી લે અને તેથી જગતમાં ઘોર અવ્યવસ્થા ફેલાઈ જાય. એવું હંમેશાં જ બનતું નથી પણ કદી કદી એવા અપવાદો જોવામાં આવે છે ખરા. ગાયત્રીની સકામ સાધના જ્યાં અધિકતર ઇચ્છિત પ્રયોજનોમાં સફળતા પ્રદાન કરે છે, ત્યાં કદી કદી એવું પણ જોવામાં આવે છે કે, પ્રયત્ન નિષ્ફળ થઈ પડે અને વિપરીત પરિણામ આવે છે. એ પ્રસંગે અકાટય પ્રારબ્ધની જ પ્રબળતા સમજવી જોઈએ.
ધારેલું ફળ ન મળે તો પણ ગાયત્રી-સાધનાનો શ્રમ વ્યર્થ જતો નથી. એનાથી બીજા પ્રકારના લાભો તો પ્રાપ્ત થાય જ છે. જેમ કોઈ યુવક બીજા યુવકને કુસ્તીમાં પછાડવાને માટે વ્યાયામ અને પૌષ્ટિક ભોજન કરીને પોતાનું શરીર સુદઢ બનાવવાની ઉત્સાહપૂર્વક તૈયારી કરે અને પૂરી તૈયારી પછી પણ કદાચ તે સામાને હરાવી ન શકે તો તેણે એવું ન સમજી લેવું જોઈએ કે તેની તૈયારી ફોગટ ગઈ છે. તે તો તેનો ફાયદો બતાવશે જ. શરીરની સુદઢતા, ચહેરાની કાંતિ, અંગોની સુડોળતા, ફેફસાંની મજબૂતી, બલવીર્યની અધિકતા, નીરોગિતા, દીર્ઘ જીવન, કાર્યક્ષમતા, બળવાન સંતાનો આદિ અનેક લાભો એ વધારેલી તંદુરસ્તીથી મળે છે. કુસ્તીમાં સફળતાથી વંચિત રહેવું પડ્યું પણ શરીરના બળની વૃદ્ધિથી થતાં બીજા લાભોથી તેને કોઈ વંચિત રાખી શકતું નથી. ગાયત્રીનો સાધક કામ્ય પ્રયોજનમાં કદાચ સફળ ન થાય તો પણ વિશેષ પરિશ્રમથી જ મળી શકે એવા અનેક લાભો અનેક માર્ગે મળી રહે છે.
મનુષ્ય એવી ઇચ્છાઓ પણ કરે છે, જે એને પોતાને લાભકારક અને આવશ્યક લાગતી હોય પણ ઈશ્વરની દૃષ્ટિમાં એ ઇચ્છાઓ એને માટે અનાવશ્યક હોય. એવી ઇચ્છાઓ પ્રભુ પૂરી પાડતો નથી. બાળક અનેક ચીજો માગે છે પણ માતા જાણતી હોય છે કે, એને શું આપવું જોઈએ ને શું નહીં. બાળકના રડવા કકળવા તરફ પણ માતા ધ્યાન આપતી નથી અને એને ઉપયોગી ન હોય તે વસ્તુ મુદ્દલ આપતી નથી. રોગીઓનો આગ્રહ પણ આવા જ પ્રકારનો હોય છે. રોગી કુપથ્ય વસ્તુઓ માંગે છે. પણ ચતુર પરિચારિકા એની માગણી સંતોષતી નથી. કારણ, એ જુએ છે કે, એમ કરવાથી રોગીનો જીવ જોખમમાં મુકાય છે. બાળક અને રોગીની માગણી ઉચિત હોવામાં કોઈ સંદેહ નથી કરતું કેમકે તેઓ જુએ અને સમજે છે કે, તેમની માંગણી ઉચિત, આવશ્યક અને નિર્દોષ છે. આમ હોવા છતાં પણ તેમનો દૃષ્ટિકોણ વાજબી હોતો નથી. ગાયત્રી-સાધકોમાં પણ ઘણા બાળક અને રોગીના જેવી બુદ્ધિવાળા હોય છે. તેમની નજરે તો તેમની કામના યોગ્ય હોય છે, પરંતુ ઈશ્વર જાણે છે કે ક્યાં પ્રાણીઓને કઈ વસ્તુઓ ઉપયોગી છે. તે પોતાના પુત્રોને એમની યોગ્યતા, સ્થિતિ અને આવશ્યકતાને અનુકૂળ વસ્તુઓ જ આપે છે. અસફળ ગાયત્રી-સાધકોમાં સંભવ છે કે કોઈને બાળબુદ્ધિની માગણીઓને લીધે અસફળ થવું પડ્યું હોય.
માતા પોતાના એક બાળકને રમકડા અને મીઠાઈ આપીને વહાલ કરે છે અને બીજાને હૉસ્પિટલમાં ઓપરેશનની કઠોર પીડા આપવાને લઈ જાય છે અને કડવી દવા પીવડાવે છે. બાળક આ વર્તનને માતાનો પક્ષપાત, અન્યાય, નિર્દયતા અથવા જે ચાહે તે કહી શકે છે. પણ માતાનું હૃદય ખોલીને જોવામાં આવે તો તેના હ્રદયમાં બંને બાળકો માટે સરખો જ પ્યાર હોય છે. બાળક જે કાર્યને પોતાની સાથે અન્યાય અને શત્રુતા સમજે છે, તે માતાની નજરે પ્રેમનું જ કાર્ય હોય છે. આપણી નિષ્ફળતાઓ, હાનિઓ તથા યાતનાઓ પણ કેટલીકવાર આપણા લાભને માટે જ હોય છે. માતા આપણી મોટી આપત્તિઓને નાના કષ્ટ દ્વારા નિવારવા માગતી હોય છે. એની દૃષ્ટિ વિશાળ છે. એનું હૃદય બુદ્ધિમત્તા પૂર્ણ છે, કેમ કે એમાં આપણું હિત સમાયેલું હોય છે. દુઃખ, દારિદ્રય, રોગ, ક્લેશ, અપમાન, શોક, વિયોગ આદિ આપીને પણ આપણા ઉપર તે પોતાની મહાન કૃપાનું પ્રદર્શન કરે છે. એ કડવી દવાઓ પીવડાવીને આપણા શરીરમાં છૂપાયેલા ભયંકર વ્યાધિઓનું શમન કરીને ભવિષ્યમાં પૂર્ણ નીરોગી રાખવાનો પ્રયત્ન કરે છે. જો એવો અવસર આવે તો ગાયત્રી-સાધકે પોતાનું ધૈર્ય ન છોડવું જોઈએ. અને નિરાશ ન થવું જોઈએ. સ્મરણ રાખવું જોઈએ કે માતાના ખોળામાં પોતે નિશ્ચિત થઈ ચૂક્યો છે, તેથી સંકટમાં નથી. નિષ્કામ ભાવનાથી સાધના કરનારાને પણ સકામ સાધકથી કંઈ ઓછો લાભ મળતો નથી. માતાથી એ છૂપું રહેતું નથી કે પુત્રને વસ્તુતઃ કઈ વસ્તુની આવશ્યકતા છે. જે આવશ્યકતા એની દૃષ્ટિએ ઉચિત છે, એનાથી તે પોતાના બાળકને વંચિત રહેવા દેતી નથી.
તો આપણે નિષ્કામ સાધના કરીને ચુપચાપ જોતા રહીએ કે જીવનની પ્રત્યેક ક્ષણે તે આદ્યશક્તિ કેવા પ્રકારે સહાયતા કરી રહી છે. શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જેણે માતાનો આશ્રય લીધો છે, તેને પોતાના માથા પર એક દૈવી છત્રછાયાના અસ્તિત્વનો અનુભવ થશે અને તેની સર્વ ગાયત્રી કામનાઓ પૂર્ણ થશે. કદી પણ ગાયત્રી-સાધના નિષ્ફળ જતી નથી એ એક સ્વીકૃત તથ્ય છે.
પ્રતિભાવો