૧૫૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૮૫/૪૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 29, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૮૫/૪૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સમ્રાજ્ઞી શ્વસુરે ભવ, સમ્રાજ્ઞી શ્વશ્રવાં ભવ । તતાન્દરિ સમ્રાજ્ઞી ભવ, સમ્રાજ્ઞી અધિ દેવૃષુ ॥ (ઋગ્વેદ ૧૦/૮૫/૪૬)
ભાવાર્થ : હે વધૂ ! તું પોતાના કુટુંબમાં એ રીતે જીવન વિતાવ કે જેથી સાસુ, સસરા, નણંદ તથા દિયર બધાં તારું સન્માન કરે.
સંદેશ : છોકરી લગ્ન થયા પછી પોતાનું બધું જ છોડીને પતિના ઘરમાં આવે છે. માતા, પિતા, ભાઈ, બહેન, કુટુંબ, ઘર બધું પાછળ રહી જાય છે. તે જયાં જન્મી, બાલ્યાવસ્થા ભોગવી, ભણીગણીને યૌવનાવસ્થામાં પ્રવેશી, તે બધું જ સ્નેહપૂર્ણ વાતાવરણ હસતાં હસતાં છોડી દે છે અને એક અજાણ્યો માણસ સાથે સંબંધ જોડીને તેના ઘેર પહોંચે છે. આ ત્યાગથી શું તે નુકસાનમાં રહે છે ? ના, પતિ માટેનો ત્યાગ અને સર્વસ્વના સમર્પણ દ્વારા તે પતિના કુટુંબની એક ખૂબ મહત્ત્વપૂર્ણ સભ્ય બની જાય છે. હવે એ જ તેનું પોતાનું કુટુંબ બની જાય છે. તે ઘરની માલિકણ બની જાય છે અને ઘરની બધી જ જવાબદારી તેના પર આવી જાય છે.
આ નવા કુટુંબમાં તે સાસુ, સસરા, નણંદ, દિયર બધાંની સામ્રાજ્ઞી બની જાય છે. જે રીતે એક સમ્રાટ પોતાના તાબાના બધા રાજાઓનાં સુખ, સગવડ અને સંરક્ષણની ચિંતા કરે છે અને બધામાં મનમેળ સ્થાપીને તે બધાની ઉન્નતિનું ધ્યાન રાખે છે, તે જ રીતે કુટુંબનો મુખ્ય સભ્ય બનીને નવવધૂને બધાંની સેવા, સગવડ, ભોજન, વસ્ત્ર વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવાનો મોટાભાગનો ભાર ઉઠાવવો પડે છે. કુટુંબના નાનામોટા બધા સભ્યોના હિતનો વિચાર કરવો તે તેનું કર્ત્તવ્ય બની જાય છે. આ બધાં કર્તવ્યો નિભાવવાને કારણે જ તે ઘરની માલિકણ કે સામ્રાજ્ઞી કહેવાય છે.
સામ્રાજ્ઞી કે માલિકણ બની જવાનું તાત્પર્ય એ નથી કે તે ઘરમાં બધાં પર પોતાનું પ્રભુત્વ સ્થાપે. તેનો ભાવ એ છે કે તે પોતાની મહત્ત્વની જવાબદારી નિભાવે, બધાની સાથે શિષ્ટ વ્યવહાર કરે અને મોટેરાંઓના અનુભવોનો લાભ લેતી રહીને તેમની સૂચનાઓ મુજબ સમગ્ર ઘરનાં કાર્યોનું સંચાલન કરે. નવા વાતાવરણમાં આવીને તે પોતાને નોકર ન માને અને તેનામાં કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ ન જન્મે, એટલા માટે તેને સામ્રાજ્ઞીનું ગૌરવવંતુ પદ આપવામાં આવ્યું છે. કુટુંબના બધા લોકોએ તેને યોગ્ય માનસન્માન આપીને તેની સાથે સ્નેહ અને પ્રેમભર્યો વ્યવહાર કરવો જોઈએ.
પરંતુ આજકાલ મોટાભાગના માણસો આ પ્રેમપૂર્ણ સ્વસ્થ દૃષ્ટિકોણની ઉપેક્ષા કરીને નવવધૂને યથાયોગ્ય સ્નેહ આપતા નથી. તેને નોકરાણી સમજીને સાસુ, નણંદ અને બીજા સભ્યો તેના પર પ્રત્યેક ક્ષણે હુમ ચલાવતા રહે છે. તેનાં સારાં કાર્યોમાં પણ તેમને દોષ જણાય છે. તેની ઉપેક્ષા, અવગણના, મારપીટ અને કોઈવાર તો તેની હત્યા કરવા સુધીની દુઃખદ પરિસ્થિતિ સર્જાય છે. આવું કેમ બને છે ? આ ખૂબ દુઃખ, શોક અને ચિંતાનો વિષય છે. જો સાસુસસરા પુત્રવધૂને પોતાની પુત્રી સમાન માને અને વધૂ પણ તેમને માતાપિતા જેવાં ગણે ત્યારે જ વ્યવહારમાં સરળતા જન્મે છે. પ્રશ્ન એ છે કે પહેલ કોણ કરે ? સાસુ સસરા કે પુત્રવધૂ ? મોટા હોવાના સંબંધે પહેલાં સાસુસસરાએ તેને પોતાની પુત્રી જેવો પ્રેમ અને સ્નેહ આપવો જોઈએ કે જેથી માબાપથી છૂટા પડવાથી તેના જીવનમાં આવેલો ખાલીપો દૂર થઈ જાય. ત્યાર પછી તો એ બમણા ઉત્સાહથી પોતાના સામ્રાજ્યનું હિત તથા સગવડ સાચવવામાં લાગી જશે.
આમાં જ સામ્રાજ્ઞીના પદનું ગૌરવ છે.
પ્રતિભાવો