૨૪ સાધકો માટે કેટલાક આવશ્યક નિયમો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

સાધકોને માટે કેટલાક આવશ્યક નિયમો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

            ગાયત્રી સાધના કરનાર માટે આવશ્યક માહિતી નીચે આપવામાં આવી છે

૧. શરીરને શુદ્ધ કરીને સાધનામાં બેસવું જોઈએ. સાધારણ રીતે સ્નાનથી જ શરીર શુદ્ધ થાય ગાયત્રી છે. પણ કંઈ વિવશતા, ઋતુ-પ્રતિકૂળતા અથવા અસ્વસ્થ પ્રકૃતિ હોય તો હાથમાં ધોઈને જ, ભીના કપડાથી શરીર લૂછીને પણ કામ ચલાવી શકાય છે.

૨. સાધનાના સમયે શરીર પર ઓછામાં ઓછાં વસ્ત્રો હોવા જોઈએ. ઠંડીનું પ્રમાણ અધિક હોય તો કામળી ઓઢવી ઉત્તમ ગણાય.

૩. સાધનાને માટે એકાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા શોધવી જોઈએ. વાતાવરણ શાંતિમય હોય, એવા સ્થળો ખેતર, બગીચો, જળાશયનો કિનારો કે દેવમંદિર આ કાર્ય માટે યોગ્ય ગણાય. પણ એવું સ્થાન ન મળી શકે ત્યાં ઘરનો કોઈ સ્વચ્છ શાંત ખૂણો પણ પસંદ કરી શકાય.

૪. સાધના વખતે ધોયેલું વસ્ત્ર જ પહેરવું.

૫. પલાંઠી વાળીને ટટ્ટાર બેસવું. કષ્ટસાધ્ય આસન માંડીને બેસવાથી શરીરને કષ્ટ થાય છે અને મન વારંવાર અસ્થિર અને વ્યગ્ર બને છે. તેથી એવી રીતે બેસવું જોઈએ કે લાંબા સમય સુધી કંટાળ્યા વગર બેસી શકાય.

૬. કરોડરજ્જુ હંમેશાં સીધી રાખવી, કમર ઝુકાવીને બેસવાથી મેરુદંડ વાંકો થઈ જાય છે અને સુષુમ્ણા નાડીમાં પ્રાણનું આવાગમન થવામાં અડચણ થાય છે.

૭. આસન પાથર્યા વગર જમીન પર સાધના કરવા બેસવું નહીં. એમ કરવાથી સાધના વખતે ઉત્પન્ન થતી શારીરિક વિદ્યુત નીચે જમીનમાં ઊતરી જાય છે. ઘાસ કે પાંદડાનું બનાવેલું આસન સર્વથી ઉત્તમ છે. કુશનું આસન, સાદડી, દોરડાનું બનાવેલું આસન સારું ગણાય છે. ત્યાર પછી સૂતરના આસનનો નંબર આવે છે. ઊનનું તથા ચામડાનું આસન તાંત્રિક કર્મોમાં જ ઉપયોગી છે.

૮, માળા તુલસી યા ચન્દનની લેવી જોઈએ. રુદ્રાક્ષ, લાલ ચન્દન, શંખ, મોતી આદિની માળા ગાયત્રીના તાંત્રિક ઉપયોગ માટે જ કામમાં લેવાય છે.

૯. પ્રાત:કાળમાં ચાર વાગ્યે જપનો આરંભ કરી શકાય છે. સૂર્યાસ્ત થયા પછી એક કલાક સુધીમાં જપ સમાપ્ત કરી લેવા જોઈએ. એક કલાક સાંજનો અને બે કલાક સવારના એમ કુલ ત્રણ કલાક સિવાય રાત્રિના બીજા ભાગોમાં ગાયત્રીની દક્ષિણમાર્ગી સાધના કરવી નહીં. તાંત્રિક સાધના મધરાતની આસપાસ કરવામાં આવે છે.

૧૦. સાધનાની બાબતમાં ખાસ કરીને ચાર વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

            (અ) ચિત્ત એકાગ્ર હોવું જોઈએ અને આમતેમ ભટકવું ન જોઈએ, જો ચિત્ત બહુ જ દોડાદોડ કરે તો તેને માતાની સુંદર છબીના ધ્યાનમાં રોકવું જોઈએ.

            (બ) માતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. અવિશ્વાસુ અને શંકાકુશંકા કરનારાને પૂરતો લાભ મળતો નથી.

            (ક) દઢતાથી સાધનામાં મંડ્યા રહેવું જોઈએ. અનુત્સાહ, મનનો ઉચાટ, નીરસતા, જલદી લાભ ન મળવો, અસ્વસ્થતા અને બીજી સાંસારિક મુશ્કેલીઓનું માર્ગમાં આવવું એ સાધનામાં વિઘ્ન છે. વિધ્નોનો સામનો કરીને પોતાના માર્ગ પર દઢતાપૂર્વક ચાલવું જોઈએ.

            (ડ) નિરંતરતા એ સાધનાનો આવશ્યક નિયમ છે. અત્યંત આવશ્યક કામ હોય અથવા વિષમ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય છતાં કોઈને કોઈ રીતે હાલતાં ચાલતાં પણ માતાની ઉપાસના કરી લેવી જોઈએ. કોઈ પણ દિવસ ક્રમ ભાંગવાની ભૂલ કરવી નહીં. સમય પણ રોજ રોજ બદલવો નહીં. કદી સવારે કદી ત્રણ વાગ્યે, એવી અનિયમિતતા ઠીક નથી. આ ચાર નિયમોથી કરાયેલી સાધના બહુ જ પ્રભાવશાળી થાય છે.

૧૧. ઓછામાં ઓછી એક માળા અર્થાત્ ૧૦૮ મંત્ર દરરોજ જપવા જોઈએ. એનાથી વધારે જપાય તેટલું સારું.

૧૨. કોઈ અનુભવી તથા સદાચારી વ્યક્તિને સાધના-ગુરુ નિયત કરીને સાધના કરવી ગાયત્રી જોઈએ. પોતાના માટે કઈ સાધના યોગ્ય છે એનો નિર્ણય એની પાસે કરાવવો જોઈએ. રોગી પોતાના રોગને પારખવા તથા દવા પરેજી કરવાનો નિર્ણય કરવા માટે અસમર્થ હોય છે. તેથી તેને વૈદ્યની સલાહ લેવી પડે છે. એ જ પ્રમાણે આપણી મનોભૂમિને અનુકૂળ સાધના વિધિ બતાવે એવા તથા ભૂલો અને મુશ્કેલીઓનું સમાધાન કરે એવા સાધના ગુરુ હોવા અતિ આવશ્યક છે.

૧૩. સવારની સાધના માટે પૂર્વ તરફ મોઢું કરીને અને સાંજે પશ્ચિમ તરફ મો કરીને બેસવું જોઈએ. પ્રકાશ તરફ, સૂર્ય તરફ મોઢું રાખવું યોગ્ય ગણાય.

૧૪. પૂજા વખતે ફૂલ ન મળે તો ચોખા અથવા કોપરાને ઝીણું વાટીને તેને કામમાં લેવું જોઈએ. જો કોઈ વિધાનમાં રંગીન ફૂલોની જરૂર હોય તો ચોખાને કંકુ, કેશર, ગેરુ, મેંદી વગેરે દેશી રંગોથી રંગી લેવા. વિદેશી અશુદ્ધ ચીજોથી બનેલા રંગો કામમાં ન લેવા જોઈએ.

૧૫. લાંબા વખત સુધી એક પલાંઠીએ એક આસન પર બેસવાથી પગ થાકી જાય ત્યારે તેને બદલી શકાય છે. આમ પગ બદલવામાં કંઈ દોષ નથી.

૧૬. મળ-મૂત્ર ત્યાગ કે બીજા કોઈ અનિવાર્ય કામ માટે સાધનામાંથી વચ્ચે જ ઊઠવું પડે તો શુદ્ધ જળથી હાથ-મોં ઘોયા પછી જ સાધનામાં પાછાં બેસવું અને વિક્ષેપને માટે વધારાની એક માળા પ્રાયશ્ચિત્ત તરીકે કરવી.

૧૭. જો કોઈ દિવસ અનિવાર્ય કારણે જપ સ્થગિત કરવા પડે તો બીજા દિવસે વધારાનો જપ દંડ તરીકે કરવો જોઈએ.

૧૮. જન્મ અગર મૃત્યુના સૂતક વખતે શુદ્ધિ થાય ત્યાં સુધી માળા આદિની મદદથી કરાતા વિધિવત્ જપ બંધ રાખવા અને તેને બદલે માનસિક જપ કરવા. જો આવા પ્રકારનો પ્રસંગ સવાલક્ષ જપના અનુષ્ઠાન કાળમાં આવી જાય તો એટલો સમય અનુષ્ઠાન સ્થગિત રાખવું જોઈએ. સૂતક જતું રહ્યા પછી અટકેલી સંખ્યાથી આરંભ કરી શકાય છે અને વિક્ષેપકાળની શુદ્ધિને માટે એક હજાર જપ વધારાના કરવા.

૧૯. લાંબી મુસાફરીમાં હોઈએ, માંદા પડી ગયા હોઈએ, તીવ્ર રોગીની સેવામાં પડ્યા હોઈએ ત્યારે સ્થાન આદિથી પવિત્રતા રાખવાની સગવડ રહેતી નથી. એવી દશામાં માનસિક જપ ચાલુ રાખવા. પથારીમાં પડ્યા પડ્યા, રસ્તામાં ચાલતાં ચાલતાં તથા કોઈપણ પવિત્ર અપવિત્ર હાલતમાં માનસિક જપ કરી શકાય છે.

ર૦. સાધકનો આહારવિહાર સાત્ત્વિક હોવો જોઈએ. આહારમાં સત્ત્વગુણી, સાદા, સુપાચ્ય, તાજા તથા પવિત્ર હાથોથી બનાવેલા પદાર્થો હોવા જોઈએ. અધિક મરચાં મસાલાવાળાં, તળેલાં પકવાન, મિષ્ટાન્ન, વાસી ફુગાવેલા, દુર્ગંધ મારતા, માંસ, કૉફી, ઉષ્ણ, દાહક, અનીતિથી ઉપાર્જિત, ગંદા માણસે તૈયાર કરેલા અને તિરસ્કારપૂર્વક આપેલા ભોજનથી જેટલું બચાય તેટલું સારું

૨૧. આપણો વ્યવહાર જેટલો સ્વાભાવિક, સરળ તેમજ સાત્ત્વિક રહી શકે તેટલો ઉત્તમ, ફૅશન, રાતે ઉજાગરા કરવા, દિવસે સૂવું, નાચ-ગાન, સિનેમા વગેરે વધારે પ્રમાણમાં જોવા, પારકી નિંદા, છિદ્રાન્વેષણ, કલહ દુરાચાર, ઈર્ષા, નિષ્ઠુરતા, આળસ, પ્રમાદ, મદ- મત્સરથી જેટલું બચી શકાય તેટલું બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.

૨૨. આમ તો બ્રહ્મચર્ય સદા ઉત્તમ જ છે. પણ ગાયત્રી અનુષ્ઠાનના ૪૦ દિવસોમાં એની વિશેષ અને અનિવાર્ય આવશ્યકતા છે.

૨૩. અનુષ્ઠાનના દિવસોમાં કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે. તે આ પ્રમાણે છે

            (૧) વાળ ન કપાવવા, દાઢી પોતાને હાથે જ બનાવવી.

            (૨) ખાટલા પર સૂવું નહીં. જમીન પર સૂવું.

            (૩) એ દિવસોમાં ઉઘાડે પગે દૂર સુધી ફરવું નહીં. રબરના ચંપલ, બૂટ કે લાકડાની પાવડીનો ઉપયોગ કરવો.

            (૪) એ દિવસોમાં એક વાર ભોજન અને એક વાર ફલાહાર કરવો.

            (૫) પોતાના શરીરનાં વસ્ત્રોને બીજાઓનો ઓછામાં ઓછો સ્પર્શ થવા દેવો.

૨૪ એકાંતમાં જપ કરતી વખતે માળા ખુલ્લી રાખીને ફેરવવી. જ્યાં ઘણા માણસોની નજર પડતી હોય ત્યાં તેને કપડાથી ઢાંકી લેવી અગર ગૌમુખીમાં રાખીને માળા ફેરવવી.

૨૫. સાધના પછી પૂજામાંથી બચેલા અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફૂલ, જલ, દીપક, હવનની ભસ્મ આદિને પગ તળે આવે એ રીતે જ્યાં ત્યાં ફેંકી દેવા નહીં. કોઈ તીર્થ, નદી, જલાશય, દેવમંદિર કપાસ, ડાંગર કે જવના ખેતર જેવા પવિત્ર સ્થાને વિસર્જન કરવા. ચોખા ચકલાંને નાખી દેવા અને નૈવેદ્ય બાળકને વહેંચી દેવું અને પાણી સૂર્યને અર્ધ્વ આપી ચઢાવી દેવું.

૨૬. વેદોક્ત રીતની યૌગિક દક્ષિણમાર્ગી ક્રિયાઓમાં અને તાંત્રિક વામમાર્ગી ક્રિયાઓમાં અંતર છે. યોગમાર્ગી સરલ વિધિઓ આ પુસ્તકમાં લખવામાં આવી છે. એમાં કોઈ વિશેષ કર્મકાંડની આવશ્યકતા નથી, શાપમોચન, કવચ, કીલન, અર્ચન, મુદ્રા, અંગન્યાસ આદિ કર્મકાંડ તાંત્રિક સાધનાઓને માટે છે. આ પુસ્તકના આધારે સાધના કરનારને એ બધાની આવશ્યકતા નથી.

૨૭. ગાયત્રીનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રણ દ્વિજાતિઓને છે. વર્ણ જન્મથી પણ થાય છે અને ગુણ-કર્મ-સ્વભાવથી પણ થાય છે. આજકાલ જન્મથી મનાતી જાતિઓમાં ઘણી ગરબડ થઈ ગઈ છે. કેટલાક ઉચ્ચ વર્ણના લોકો સમયના ફેરફારને કારણે નીચા વર્ણમાં ગણાવા લાગ્યા છે. અને કેટલાક નીચા વર્ણના લોકો ઊંચા ગણાવા લાગ્યા છે. આવું હોય ત્યાં પોતાની સ્થિતિની બાબતમાં ‘ગાયત્રી તપોભૂમિ મારફતે નિર્ણય કરાવી લેવો.

૨૮. વેદમંત્રોનું સસ્વર ઉચ્ચારણ કરવું ઉચિત છે. પરંતુ બધા લોકો યથાવિધિ સસ્વર ગાયત્રીનું ઉચ્ચારણ નથી કરી શકતા તેથી જપ એ પ્રકારે કરવા જોઈએ કે કંઠમાંથી ધ્વનિ નીકળતો રહે. હોઠ હાલતા રહે, છતાં પાસે બેઠેલા માણસને પણ સ્પષ્ટ રીતે મંત્ર સંભળાય નહીં. આ પ્રકારે કરાયેલા જપ સ્વરબંધનોથી મુક્ત હોય છે..

ર૯. સાધનાની અનેક વિધિઓ છે. અનેક પ્રકારે તે કરાય છે. પોતાની સાધના વિધિ બીજાને બતાવવામાં આવે તો કંઈને કંઈ ખોડ કાઢીને સંદેહ અને ભ્રમ ઊભા કરે એવી શક્યતા હોવાને લીધે સાધના પદ્ધતિ ગમે તેને બતાવવી ન જોઈએ. જો બીજા લોકો મતભેદ ઉત્પન્ન કરે તો પોતાના સાધના ગુરુના આદેશને સર્વોપરી માનવો જોઈએ. જો કોઈ દોષની વાત હોય, તો તેનું પાપ કે જવાબદારી સાધનાસુરને માથે પડે. સાધક તો સર્વથા નિર્દોષ અને શ્રદ્ધા યુક્ત હોવાથી તેને સાચી સાધનાનું જ ફળ મળશે. વાલ્મિકીજી રામ નામનો ઊલટો જપ “મરામરા’ કરીને પણ સિદ્ધ થઈ ગયા હતા.

૩૦. ગાયત્રી-સાધના માતાની ચરણવંદના સમાન છે. તે કદી નિષ્ફળ જતી નથી અને તેનું કદી ઊલટું પરિણામ આવતું નથી. ભૂલ થઈ જતાં પણ કંઈ અનિષ્ટ થવાની આશંકા નથી. તેથી નિર્ભય અને પ્રસન્નચિત્તે ઉપાસના કરવી જોઈએ. બીજા મંત્રો વિધિસર ન જપાય તો અનિષ્ટ કરી બેસે છે, પણ ગાયત્રીમાં એ વાત નથી. તે સર્વસુલભ, અત્યંત સુગમ અને બધી રીતે તે સુસાધ્ય છે. હા, તાંત્રિક વિધિથી કરવામાં આવેલી ઉપાસના પૂર્ણ વિધિવિધાનની સાથે થવી જોઈએ. એમાં અંતર પડે તો તે હાનિકારક નીવડે છે.

૩૧. જેમ મીઠાઈ એકલાએ ચૂપચાપ ખાઈ લેવી અને પાસેના લોકોને ન ચખાડવી એ સારું ન ગણાય, તેમ ગાયત્રીની સાધના પોતે કરતા રહેવું અન્ય પ્રિયજનો, મિત્રો, કુટુંબીઓને એને માટે પ્રોત્સાહન ન આપવું એ બહુ જ મોટી ભૂલ અને સ્વાર્થ ગણાય. આમાંથી બચવા માટે વધારેમાં વધારે લોકોને એને માટે પ્રોત્સાહિત કરવા.

૩૨. માળા જપતી વખતે સુમેરુ (માળાનો સહુથી મોટો મણકો)નું ઉલ્લંઘન કરવું નહિ. એક માળા પૂરી કર્યા પછી એને મસ્તક તથા આંખોને અડકાડીને ઊલટાવી લેવી જોઈએ. આ રીતે માળા પૂરી થયા પછી દર વખતે ફેરવીને બીજીનો આરંભ કરવો જોઈએ.

૩૩. આપણી પૂજા સામગ્રી એવી જગ્યાએ રાખવી કે જ્યાં તેનો બીજા લોકો સ્પર્શ ન કરે.

૩૪. કોઈ વાત સમજમાં ન આવતી હોય તો જવાબી પત્ર લખીને વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, શાંતિકુંજ (હરિદ્વાર) દ્વારા એનું સમાધાન કરાવી લઈ શકાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: